સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને બાજી મારી, ભાજપને માત્ર બે બેઠક

ઇમેજ સ્રોત, INC @FB
દેશનાં સાત રાજ્યોની 13 વિધાનસભાની બેઠકો પર 10 જુલાઈના રોજ યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. ઇન્ડિયા ગઠબંધને 10 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને માત્ર બે બેઠકો મળી હતી. એક બેઠક પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે.
ઇન્ડિયા ગઠબંધન તરફથી કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસે ચાર-ચાર બેઠકો જ્યારે ડીએમકે અને આમ આદમી પાર્ટીએ એક-એક બેઠક પર જીત મેળવી હતી.
આ પેટાચૂંટણીમાં હિમાચલ પ્રદેશની દેહરા બેઠક પરથી રાજ્યના મુખ્ય મંત્રી સુખવિંદર સુક્ખુનાં પત્ની અને કૉંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરની જીત થઈ હતી. કમલેશે ભાજપના હોશિયરા સિંહને 32 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા.
જોકે, સુક્ખુને તેમના ગૃહજિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ઝાટકો આપ્યો હતો. આ બેઠક પર ભાજપના આશીષકુમાર શર્મા લગભગ દોઢ હજાર મતોથી ચૂંટણી જીત્યા. હિમાચલની નાલાગઢ બેઠક પરથી કૉંગ્રેસના હરદીપસિંહ બાવાએ જીત મેળવી હતી.
2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હિમાચલની આ ત્રણ બેઠકો પર અપક્ષના ઉમેદવારોને જીત મળી હતી અને તેમનાં રાજીનામાં પછી આ બેઠકો ખાલી પડી હતી.
આ ત્રણ ધારાસભ્યોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. ત્રણેય ઉમેદવારોએ આ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
ભાજપશાસિત મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલી અમરવાળા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમલેશ પ્રતાપ શાહને જીત મળી હતી. તેમણે ત્રણ હજાર 252 મતોથી ચૂંટણી જીતી હતી.
પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો પર તૃણમૂલ કૉંગ્રેસે જીત મેળવી હતી. બિહારની રૂપૌલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર શંકરસિહે વિજય મેળવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તામિલનાડુની વિક્રાવંડી બેઠક પરથી ડીએમકેના અન્નિયુર શિવાએ એક લાખ 24 હજાર મતોથી જીત મેળવી હતી.
પેટાચૂંટણીના પરિણામ પછી કૉંગ્રેસે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરીને લખ્યું કે મોટા ભાગની બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને જીત મળી છે.
રૂપૌલી બેઠક વિશે કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે તે બેઠક પર ન અમે જીત્યા, ન તેઓ જીત્યા. તે બેઠક પર કોઈ બીજું જ જીતી ગયું.

મધ્યપ્રદેશની અમરવાળા બેઠક પર ભાજપની જીત

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મધ્યપ્રદેશના છિંદવાડાની અમરવાળા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કમલેશ પ્રતાપ શાહે ત્રણ હજાર 252 મતોથી વિજય મેળવ્યો હતો.
ભોપાલથી બીબીસી સહયોગી શુરૈહ નિયાઝીએ જણાવ્યું કે ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર ધીરન શાહ 17મા રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા. જોકે, ત્યાર બાદ ભાજપના ઉમેદવાર આગળ નીકળી ગયા.
શરૂઆતના ત્રણ રાઉન્ડમાં મતોની ગણતરીમાં ભાજપ આગળ ચાલી રહ્યો હતો. જોકે, છેલ્લા બે રાઉન્ડમાં કૉંગ્રેસે ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. કૉંગ્રેસ સમર્થકોએ મતગણતરી ફરીથી કરવાની માગણી કરી હતી.
પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા કમલનાથના ગઢ અમરવાળામાં પેટાચૂંટણીમાં કમલેશ પ્રતાપ શાહે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
આ બેઠક પર કુલ નવ ઉમેદવારો મેદાનમાં હતા. પ્રથમ ત્રણ રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. જોકે, ત્યાર બાદ બાજી પલટી અને કૉંગ્રેસ 17મા રાઉન્ડ સુધી પોતાની લીડ જાળવી રાખી હતી. છેલ્લા ત્રણ રાઉન્ડમાં બાજી ફરીથી પલટી ગઈ હતી.
લોકસભાની ચૂંટણી પહેલા કમલેશ પ્રતાપ શાહ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ છિંદવાડાની બધી જ સાત વિધાનસભાની બેઠકો પર જીત મેળવી હતી. જોકે, કૉંગ્રેસને રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ચારેય બેઠકો જીતી

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ટીએમસીને પ્રથમ જીત રાયગંજ બેઠક પર મળી.
આ બેઠક પર કૃષ્ણ કલ્યાણીએ ભાજપના માનસકુમાર ઘોષને 50 હજારથી વધારે મતોથી હરાવ્યા.
કોલકાતાથી બીબીસીના સહયોગી પ્રભાકરમણિ તિવારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચારેય બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસે કોલકાતાની માનિકતલા બેઠક ઉપરાંત ઉત્તર દિનાજપુરની રાયગંજ, પુરૂલિયા જિલ્લાની બાગદા અને નાદિયા જિલ્લાની રાનાઘાટ દક્ષિણ બેઠક પર જીત મેળવી હતી.
તૃણમૂલે માનિકતલા સિવાયની બાકીની ત્રણ બેઠકો ભાજપ પાસેથી છીનવી લીધી હતી. ભાજપે વર્ષ 2021માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણ બેઠકો જીતી હતી.
ચૂંટણીપંચે માનિકતલા બેઠકના પરિણામની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર ત્યાં પોતાના હરીફો કરતાં ઘણા આગળ છે.
કોલકાતાની માનિકતલા બેઠક પર ટીએમસીના પૂર્વ મંત્રી સાધન પાંડેનાં પત્ની સુપ્તી પાંડેને ટિકિટ આપવામાં આવી હતી. સાધન પાંડેના અવસાનને કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. સુપ્તી પાંડેએ આ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ ચૌબેને લગભગ 62 હજારથી વધારે મતોથી હરાવ્યા.
રાયગંજ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર કૃષ્ણ કલ્યાણીએ ભાજપના માનસકુમાર ઘોષ સામે 50 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો. લોકસભાની ચૂંટણીમાં ટીએમસી આ વિધાનસભા વિસ્તારમાં 47 હજાર મતોથી પાછળ હતી.
કૃષ્ણ કલ્યાણીએ વર્ષ 2021માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આ બેઠક લગભગ 21 હજાર મતોના અંતરથી જીતી હતી.
તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપીને ટીએમસીમાં જોડાયા હતા અને રાયગંજની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, તેમને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપને મતુઆના પ્રભુત્વવાળી બાગદા બેઠક ઉપારંત નાદિયા જિલ્લાની રાનાધાટ દક્ષિણ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાગદામાં ટીએમસીના ઉમેદવાર મધુપર્ણા ઠાકુરે 33 હજારથી વધારે મતોથી જીત મેળવી હતી.
રાનાધાટ દક્ષિણ બેઠક પર ટીએમસીના ઉમેદવાર મુકુટમણિ અધિકારીએ પણ 39 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. તેમણે ભાજપનાં મનોજકુમાર વિશ્વાસને હરાવ્યા. મધુપર્ણા ટીએમસીના સંસદસભ્ય મહુઆબાલા ઠાકુરનાં દીકરી છે.
મુકુટમણિએ વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી. જોકે, તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં ટીએમસીમાં જોડાયા હતા. તેઓ રાનાઘાટ સંસદીય બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી હારી ગયા હતા.
ચૂંટણી પરિણામો પર ભાજપે હજી કોઈ ટિપ્પણી કરી નથી. ટીએમસીનાં નેતા કુણાલ ઘોષે કહ્યું, “સંદેશખાલી સહિત તમામ મુદાઓ અને આરોપો છતાં લોકોએ તૃણમૂલ કૉંગ્રેસ પર ભરોસો દર્શાવ્યો છે. ડાબોરીઓના શાસન અથવા ભાજપશાસિત રાજ્યોના મુકાબલે બંગાળના લોકો વધારે સારી સ્થિતિમાં રહે છે. લોકોને ભાજપ પર ભરોસો નથી.”
બાગદા બેઠક પર આ વખતે ટીએમસીના મધુપર્ણા ઠાકુરે ભાજપના બિનયકુમાર બિસ્વાસને 33 હજારથી વધારે મતોથી હરાવ્યા હતા.
ઉત્તરાખંડમાં ભાજપને ઝટકો

ઇમેજ સ્રોત, LAKHPAT SINGH BUTOLA @FB
ઉત્તરાખંડની મંગલૌર બેઠક પરથી બીએસપીના ધારાસભ્ય સરવત કરીમ અંસારીના અવસાનને કારણે આ બેઠક ખાલી થઈ હતી.
બદ્રીનાથ બેઠક પરથી કૉંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી ભાજપમાં સામેલ થયા તેને કારણે આ બેઠક ખાલી થઈ હતી.
ચૂંટણીપંચ પ્રમાણે બદ્રીનાથથી કૉંગ્રેસના લખપતસિંહ બુટોલાએ ચૂંટણી જીતી લીધી છે. જ્યારે ભાજપના રાજેન્દ્રસિહં ભંડારી બીજા સ્થાન પર રહ્યા.
મંગલૌર બેઠક પર કૉંગ્રેસના કાઝી મહંમદ નિઝામુદ્દીને જીત મેળવી હતી. તેમણે આ બેઠક પર ભાજપના કરતારસિંહ ભડાનાને હરાવ્યા હતા.
પંજાબમાં આમ આદમી પાર્ટીએ મારી બાજી

ઇમેજ સ્રોત, ANI
પંજાબની જાલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના મોહિંદર ભગતે ભાજપનાં શીતલ અંગુરલને 37 હજારથી વધારે મતોથી હરાવ્યા.
કૉંગ્રેસ પાર્ટીના સુરિંદરકોર આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા.
શીતલ અંગુરલે વર્ષ 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી જીતી હતી. જોકે, તેઓ માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા.
તેમણે આમ આદમી પાર્ટી છોડી ત્યાર બાદ આ બેઠક ખાલી થઈ હતી.
બિહારમાં અપક્ષ ઉમેદવારની જીત

ઇમેજ સ્રોત, ANI
બિહારની રૂપૌલી વિધાનસભા બેઠકની વાત કરીએ તો જનતા દળ યુનાઇટેડના ધારાસભ્ય બીમા ભારતી આરજેડીમાં જોડાયાં ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી.
આરજેડીએ બીમા ભારતીને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યાં હતાં. જોકે, તેઓ ચૂંટણી હારી ગયાં હતાં.
બીમા ભારતીએ આ વખતે આરજેડીની ટિકિટ પર રૂપૌલી બેઠક પરથી પેટાચૂંટણી લડ્યાં હતાં.
જોકે, આ બેઠક પર અપક્ષ ઉમેદવાર શંકરસિંહે 68 હજાર મતોથી જીત મેળવી હતી. બીજા સ્થાને જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર કાલાધર પ્રસાદ મંડળ રહ્યા અને બીમા ભારતી ત્રીજા સ્થાને રહ્યાં હતાં.
તામિલનાડુનું પરિણામ
તામિલનાડુની એકમાત્ર બેઠક પર ડીએમકેના અન્નિયુર શિવાએ જીત હાંસલ કરી હતી. તેમને એક લાખ 24 હજારથી વધારે મતો મળ્યા હતા.
તેમણે પીએમકેના ઉમેદવાર અન્બુમનીને માત આપી હતી.












