કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને રાયબરેલીની જગ્યાએ દક્ષિણ ભારત કેમ મોકલ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રિયંકા ગાંધી ચૂંટણીલક્ષી રાજકારણમાં ક્યારે આવશે તેની રાહ દાયકાઓથી જોવાઈ રહી હતી. કૉંગ્રેસ પાર્ટીએ સોમવારે જાહેરાત કરી હતી કે પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.
આ જાહેરાતની સાથે જ દાયકાઓથી જોવાઈ રહેલી રાહ પર વિરામ લાગી ગયું હતું.
ચાર જૂને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી વિજેતા જાહેર થયા ત્યારે જ એ વાત નક્કી હતી કે તેમણે એક બેઠક છોડવી પડશે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે કહ્યું કે રાહુલ રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે અને વાયનાડની બેઠક છોડશે. તેમણે એ પણ ઘોષણા કરી હતી કે વાયનાડની બેઠક પરથી પ્રિયંકા ગાંધી ઉમેદવાર બનશે.
પ્રિયંકા ગાંધીએ પાર્ટીના નિર્ણયને સ્વીકારતા કહ્યું, “હું વાયનાડના લોકોને મારા ભાઈની ગેરહાજરીનો અનુભવ નહીં થવા દઉં.” પ્રિયંકા ગાંધીએ આ જ પ્રકારની વાત રાયબરેલી માટે પણ કીધી હતી.
પ્રિયંકા ગાંધીની વાયનાડથી ચૂંટણી લડાવવાના કૉંગ્રેસના નિર્ણયને રાષ્ટ્રીય રાજકારણ પર નજર રાખનાર નિષ્ણાતો કેવી રીતે જુએ છે?
કૉંગ્રેસ પાર્ટી પર દાયકાઓથી નજર રાખનાર પત્રકાર જાવેદ અન્સારી કહે છે કે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની જાહેરાત ચોંકાવનારી નથી.
અન્સારીએ કહ્યું, “મને લાગે છે કે સવાલ માત્ર એ જ હતો કે તેઓ (પ્રિયંકા ગાંધી) ક્યારે ચૂંટણી લડશે. જો બંને ભાઈ-બહેન અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડ્યા હોત તો મોટી વાત હોત. જે પ્રકારે કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ચૂંટણી દરમિયાન પ્રિયંકાએ રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં મોરચો સંભાળી રાખ્યો હતો અને રાહુલ ગાંધી આખા દેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રિયંકાની નેતૃત્વ ક્ષમતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસે 2020માં પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની જવાબદારી આપી હતી જેથી તેઓ પાર્ટીને 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરી શકે.
તેમણે “છોકરી છું, લડી શકું છું” કેમ્પેઇન થકી મહિલાઓનું ધ્યાન ખેંચતા પોતાના મિશનની શરૂઆત કરી હતી. ઘણા લોકોએ આ કૅમ્પેઇન માટે તેમનાં વખાણ પણ કર્યા હતા. જોકે, કૉંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં તેનો કોઈ ખાસ ફાયદો થયો ન હતો.
કૉંગ્રેસને 2022 વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 2.3 ટકા મતો જ મળ્યા હતા અને પાર્ટી માત્ર બે જ બેઠકો જીતી હતી.
રાજકીય વિશ્લેષકોએ પ્રિયંકા ગાંધીએ જે રીતે પંજાબ કૉંગ્રેસમાં થયેલા આંતરિક વિવાદને સંભાળ્યો હતો તેની પણ ટીકા કરી હતી.
જાણકારોએ અમરિંદરસિંહને મુખ્ય મંત્રીના પદ પરથી હટાવીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવવાના નિર્ણય માટે પ્રિયંકા ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. જાણકારોના મત પ્રમાણે આ નિર્ણય કૉંગ્રેસ માટે ખોટો પુરવાર થયો હતો.
રાજકીય વિશ્લેષકો માને છે કે પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં પણ આવું જ કંઇક કર્યું હતું. સચિન પાયલટે બળવાખોર વલણ અપનાવ્યું હતું ત્યારે પણ તેમના પર કોઈ કાર્યવાહી ન કરવાને કારણે પાર્ટીએ નુકસાન ભોગવવું પડ્યું હતું.
રાયબરેલીથી પ્રિયંકા ગાંધી કેમ નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠકને સારી રીતે સમજે છે.
આ સ્થિતિમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પોતાની પાસે કેમ ન રાખી અને પ્રિયંકાને રાયબરેલીથી કેમ મેદાનમાં ઉતારવામાં ન આવ્યા?
આ સવાલના જવાબમાં જાવેદ અંસારીએ કહ્યું, “પ્રિયંકા ગાંધીના રાયબરેલીમાં અનુભવને ધ્યાનમાં રાખીને આ વિશે વિચારી શક્યા હોત કે તેમને રાયબરેલી બેઠક આપવી જોઈએ અને રાહુલ ગાંધી પાસે વાયનાડની બેઠક રાખવી જોઈએ. મને લાગે છે કે પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાહુલ ગાંધી જ પાર્ટીનો ચહેરો છે અને આ કારણે તેઓ ઉત્તર પ્રદેશથી દૂર ન જઈ શકે. ખાસ કરીને ત્યારે જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે.”
રાજકીય વિશ્લેષક અને લેખક નીરજા ચૌધરી પણ જાવેદ અન્સારીની વાતો સાથે સહમત છે.
નીરજા ચૌધરીએ કહ્યું, “મને લાગે છે કે કૉંગ્રેસ પાર્ટીનો આ સુનિયોજીત નિર્ણય છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસે જે રીતે પ્રદર્શન કર્યું અને ભાજપને જે પ્રકારનું નુકસાન થયું હતું. તે જોતાં પાર્ટી સંદેશ આપવા માંગે છે કે તે ઉત્તર પ્રદેશને કેટલું મહત્ત્વ આપે છે.”
“આ ઉપરાંત રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે જે સ્પષ્ટ સમીકરણો છે તેને પણ ઓછા ન આંકવા જોઈએ. બંનેની સમજ અને સમીકરણોને કારણે જ બંને(કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી) પાર્ટીઓને ફાયદો થયો છે. હાં, રાહુલ ગાંધી પોતાની પાસે વાયનાડની બેઠક રાખશે તેવું પહેલાં લાગી રહ્યું હતું. ખાસ કરીને ત્યારે જ્યારે પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં વધારે સક્રિય દેખાતાં હતાં.”
લોકસભા ચૂંટણીમાં આ વખતે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન હતું અને કૉંગ્રેસે છ બેઠકો પર જીત મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના સોનિયા ગાંધીની રાયબરેલીની બેઠક પરથી જીત મળી હતી. કૉંગ્રેસને 2014ની ચૂંટણીમાં અમેઠી અને રાયબરેલી એમ બે બેઠકો પર જ જીત મળી હતી.
રાહુલ ગાંધીએ આ વખતે રાયબરેલીમાં ત્રણ લાખ 90 હજારથી વધારે મતોથી જીત મેળવી હતી અને વાયનાડથી ત્રણ લાખ 64 હજારથી વધારે મતોથી જીત મેળવી હતી.
વાયનાડના લોકો પ્રિયંકા ગાંધીને સાથ આપશે?

ઇમેજ સ્રોત, Getty Images
વાયનાડથી પ્રિયંકા ગાંધીની ઉમેદવારીનો શું અર્થ છે? શું પ્રિયંકા ગાંધી માટે વાયનાડથી ચૂંટણી જીતવી સરળ રહેશે?
આ સવાલનો જવાબ આપતાં નીરજા ચૌધરી કહે છે, “એ જોવું બાકી રહ્યું કે વાયનાડના લોકો પ્રિયંકા મામલે કઈ રીતે સામે આવે છે. વાયનાડમાં મતદાનના ઘણા દિવસો પછી પણ રાહુલ ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાની વાત કરી ન હતી. એટલે જોવું રહ્યું કે વાયનાડના લોકો રાહુલના નિર્ણય વિરુદ્ધ નારાજગી જાહેર કરે છે કે કેમ. જોકે, મને લાગે છે કે પ્રિયંકા તેવું નહીં થવા દે અને ચૂંટણી પરિણામોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહેશે.”
પ્રિયંકા ગાંધીના નેતૃત્વ વિશે નીરજા ચૌધરી કહે છે, “મને લાગે છે કે પ્રિયંકા ગાંધી વધારે વ્યવહારિક છે. રાહુલ ગાંધીની તુલનામાં પ્રિયંકા ગાંધીની ભાષા વધારે સહજ છે. જોકે, આપણે એ વાત ન ભુલવી જોઇએ કે રાહુલની પાંચમી લોકસભા ચૂંટણી હતી અને પ્રિયંકા માટે આ પહેલી ચૂંટણી છે.”
“રાહુલ ગાંધી જ ભવિષ્યના નેતા છે, આ બાબતે કૉંગ્રેસ એકદમ સ્પષ્ટ છે. પ્રિયંકા ગાંધી જો 18મી લોકસભાના સભ્ય બનશે તો એ તેમણા માટે ખૂબ જ રસપ્રદ રહેશે. ખાસકરીને ત્યારે જ્યારે તેમનાં માતા સોનિયા ગાંધી પણ રાજ્યસભામાં છે. સંસદમાં પ્રિયંકા ગાંધી પર લોકો ખૂબ જ બારીક નજર રાખશે. એ જોવું રસપ્રદ રહેશે કે શું તેઓ (પ્રિયંકા ગાંધી) સંસદમાં પોતાના ભાઈના પડછાયામાં રહેશે?”
રાહુલ-અખિલેશની જોડી

ઇમેજ સ્રોત, Getty Images
વિનોદ શર્મા કહે છે, “2014 પછી ભાજપે ઉત્તર પ્રદેશમાં જે ધાર્યુ તે કર્યું કારણ કે તે માટે પાર્ટીને ખુલ્લી છૂટ મળી હતી. ઉત્તર પ્રદેશમાં હવે તે સ્થિતિ બદલાઈ ગઈ છે અને કૉંગ્રેસે એક સારી શરૂઆત કરી છે. કૉંગ્રેસ પહેલાં ઉત્તર પ્રદેશમાં રાજ કરનાર પાર્ટી હતી અને તેની સવર્ણો, દલિતો અને લધુમત્તિ મતદારો પર સારી પકડ હતી.”
“જોકે, કૉંગ્રેસની મજબૂતી ધીરે-ઘીરે સમાજવાદી પાર્ટી, બીએસપી અને ભાજપમાં વહેંચાઈ ગઈ હતી. અંતે કૉંગ્રેસની હાજરી ઉત્તર પ્રદેશમાં ન બરાબર રહી. જોકે, લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની ડૂબતી હોડીને સહારો મળતો જોવા મળે છે.”
“કૉંગ્રેસે હવે કિનારો બનાવવાની જરૂર છે. કૉંગ્રેસે આ માટે ઉત્તર પ્રદેશમાં એક સામાજિક સમીકરણ તૈયાર કરવું પડશે. કૉંગ્રેસ પોતાના દમ પર બધા જ જિલ્લાઓમાં અને પછી પ્રદેશ અને ત્યારબાદ દેશમાં જગ્યા બનાવી શકશે. કૉંગ્રેસની આશા એકવાર ફરીથી જીવતી થઈ છે અને તેની પાસે ફરીથી મજબૂતી હાંસલ કરવાનો મોકો છે.”
વિનોદ શર્માએ ઉમેર્યું કે કૉંગ્રેસની આ મજબૂતી સમાજવાદી પાર્ટી સાથે ભરોસાલાયક અને મજબૂત ભાગીદારીની ગૅરંટી આપી શકે છે. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે શિર્ષ નેતૃત્વમાં પણ સારી સમજ છે અને મતદારોએ પણ આ ગઠબંધનને સ્વીકાર્યું છે.
આ સમયે જ્યારે પ્રિયંકા ગાંધી પોતાની ચૂંટણીલક્ષી રાજનીતિની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી ગાંધી પરિવારની રાજકીય ભૂમિકાને લઈને વાત શરૂ થઈ ગઈ છે.
11 જૂને મંત્રિમંડળના ગઠન પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના ‘પરિવારવાદ’ પર નિશાન સાધ્યું હતું. તેમણે એક્સ પર લખ્યું, “પેઢીઓના સંઘર્ષ, સેવા અને બલિદાનની પરંપરાને “પરિવારવાદ” કહેનાર પોતાના “સરકારી પરિવાર”ને સત્તાની વસિયત વહેંચી રહ્યા છે. કથની ને કરણીના આ ફર્કને જ નરેન્દ્ર મોદી કહે છે.”
પ્રિયંકા ગાંધીની ચૂંટણીમાં ઍન્ટ્રી પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહઝાદ પૂનાવાળાએ કહ્યું કે આ પગલું દર્શાવે છે કે કૉંગ્રેસમાં પરિવારવાદ કેટલો ઊંડો છે.
તેમણે કહ્યું, “માતા રાજ્યસભામાં છે. દીકરો લોકસભામાં અને હવે પાર્ટીનો આ નિર્ણય. આ દર્શાવે છે કે કૉંગ્રેસ એક પાર્ટી નથી પરંતુ પરિવાર દ્વારા ચાલતી કંપની છે.”
જોકે, વિનોદ શર્મા આ વાત સાથે સહમત નથી.
રાયબરેલીથી ગાંધી-નેહરૂ પરિવારના મૂળનો ઉલ્લેખ કરતા વિનોદ શર્માએ કહ્યું, “રાયબરેલીનો રાહુલ ગાંધી સાથે સંબંધ ફિરોઝ ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી છે. આ કારણે એ વાત નક્કી હતી કે રાહુલ ગાંધી રાયબરેલીથી જ સાંસદ રહેશે. મને ખબર છે કે કેટલાક લોકો વંશવાદી હોવાનો સવાલ ઉઠાવે છે, પરંતુ આ લોકતાંત્રિક વંશવાદી છે. અહીં જનાદેશની જરૂર પડે છેઅને આ પ્રકારની આલોચનાને વધારે બળ મળશે નહીં.”
રસપ્રદ વાત એ છે કે ગાંધી પરિવારે એક સમયે દક્ષિણ ભારતની એક બેઠક માટે રાયબરેલીની બેઠક પણ છોડી દીધી હતી.
નીરજા ચૌધરી કહે છે, “ઇંદિરા ગાંધી 1980માં રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા. તેમણે આંધ્ર પ્રદેશની મેડક બેઠક માટે રાયબરેલી બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સોનિયા ગાંધી રાયબરેલી આવ્યા અને હવે રાહુલ ગાંધી.”
વાયનાડમાં ક્યારે પેટાચૂંટણી થશે અને ત્યાંના મતદારો કોને પોતાના સાંસદ તરીકે ચૂંટશે તે જોવું રહ્યું.












