ઉત્તરપ્રદેશમાં દલિત, પછાત અને મુસ્લિમ મતદારોએ કોને મત આપ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજયકુમાર
- પદ, સહનિદેશક, સીએસડીએસ
ઉત્તરપ્રદેશમાં 'ઇન્ડિયા' ગઠબંધનનાં પરિણામોએ બધાને ચોંકાવી દીધા હતા.
'ઇન્ડિયા' ગઠબંધને ઉચ્ચ જ્ઞાતિ સિવાયના બધા જ મુખ્ય સામાજિક વર્ગોમાં પોતાનો જનાધાર મજબૂત કર્યો છે.
ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 75 બેઠકો પર ચૂંટણી લડી હતી અને પાંચ બેઠકો પર એનડીએના અન્ય ઘટકદળોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
ભાજપ 75માંથી માત્ર 33 બેઠકો પર જ જીત મેળવી શક્યો. એનડીએ ગઠબંધનમાં ભાગીદાર રાષ્ટ્રીય લોક દળ બે બેઠકો અને અપના દળ (સોનેવાલ) માત્ર એક જ બેઠક પર ચૂંટણી જીતી શકી.
બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના નેતૃત્વવાળા 'ઇન્ડિયા' ગઠબંધનને કુલ 80માંથી 43 બેઠકો મળી હતી.
લોકનીતિ-સીએસડીએસના પોસ્ટ પોલ સર્વેના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે સામાન્ય કે ઉચ્ચ જાતિ જેવી કે બ્રાહ્મણ, રાજપૂત અને વૈશ્ય મતદારોએ મોટે ભાગે ભાજપનું સમર્થન કર્યું. જ્યારે પછાત જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારોએ 'ઇન્ડિયા' ગઠબંધનના ઉમેદવારોને પ્રાથમિકતા આપી હતી.

કોણે કોને મતો આપ્યા?

મતદાન પહેલાં કહેવાઈ રહ્યું હતું કે રાજપૂત મતદારો ભાજપથી નારાજ છે. જોકે, સર્વેના આંકડાઓમાં આ વાત દેખાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્વેમાં દર 10માંથી 9 રાજપૂત મતદારોએ ભાજપના પક્ષમાં મતદાન તરફ કર્યું હતું.
યાદવ અને મુસ્લિમ મતદારોનું સાથે આવવું 'ઇન્ડિયા' ગઠબંધન માટે ફાયદાકારક રહ્યું. આ ઉપરાંત મોટી સંખ્યામાં જાટવ દલિત સિવાયના દલિત મતદારોએ પણ 'ઇન્ડિયા' ગઠબંધનને મતો આપ્યા હતા.
ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો જનાધાર પોતાના મુખ્ય મતદારો જાટવ દલિત સહિત દરેક સામાજિક વર્ગોમાં ઓછો થયો છે.
બહુજન સમાજ પાર્ટીનું નુકસાન ઇન્ડિયા ગઠબંધન માટે ફાયદાકારક પુરવાર થયું, કારણ કે બીએસપીના મતદારોએ મોટા પ્રમાણમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો તરફી મતદાન કર્યું હતું.
ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસે 17 બેઠકો પર ચૂંટણી લડી અને છ બેઠકો જીતી હતી.
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે સારા તાલમેલની અસર પાયાના સ્તરે તેમના કાર્યકર્તાઓ સુધી પહોંચી અને તે બેઠકોની વહેંચણીમાં પણ જોવા મળી હતી.
પીડીએ સામે ભાજપ ફેલ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપ ચૂંટણીમાં સોશિયલ એન્જિનિયરિંગ માટે જાણીતો છે. જોકે, અખિલેશ યાદવના “પીડીએ” નામની સોશિયલ એન્જિનિયરિંગ ફૉર્મ્યુલા સામે ભાજપ હારી ગયો.
અખિલેશ પોતાના નિવેદનોમાં પીડીએનો અર્થ સમજાવતા કહેતા કે પીડીએ એટલે પછાત, દલિત અને અલ્પસંખ્યક (લઘુમતી).
આ ફૉર્મ્યુલા પ્રમાણે જ અખિલેશ યાદવે મોટા ભાગની ટિકિટો પછાત અને દલિત વર્ગના ઉમેદવારોને આપી હતી.
સમાજવાદી પાર્ટીએ 32 ઓબીસી, 16 દલિત, 10 ઉચ્ચ જાતિ અને ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
ભાજપના કેટલાક નેતાઓના બંધારણ વિશે વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઓબીસી અને દલિત મતદારોમાં ડર હતો. તેમની આ શંકા ભાજપના 400થી વધારે બેઠકો જીતવાના લક્ષ્યને કારણે વધી હતી.
ભારતીય જનતા પાર્ટી વિપક્ષના આ નૅરેટિવનો મુકાબલો ન કરી શકી. વિપક્ષ સતત હુમલા કરી રહ્યો હતો કે ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માગે છે અને ઓબીસીની સાથે એસસી અને એસટી અનામત પણ ખતમ કરવા માગે છે.
(લોકનીતિ-સીએસડીએસ તરફથી 191 સંસદીય વિસ્તારોમાં 776 સ્થાનો પર ચૂંટણી બાદ સર્વે કરાયો હતો. સર્વેનો નમૂનો રાષ્ટ્રીયસ્તરે ભાજપના મતદારોની સામાજિક પ્રોફાઇલનો પ્રતિનિધિ છે. બધા સર્વે સામસામે ઇન્ટરવ્યૂ કરીને અને મોટા ભાગે મતદારોનાં ઘરે જઈને કર્યા હતા.)












