ભાજપને યુવાનોના વધુ મત મળ્યા, મહિલાઓએ કોને મત આપ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંજય કુમાર
- પદ, સહનિર્દેશક, સીએસડીએસ
ભારત જેવા વિશાળ અને વિવિધતાસભર દેશમાં મતદાતાઓની પસંદગી મામલે ખાસ કરીને યુવાનો (25 વર્ષની નીચે)ને સમજવું સરળ નથી. યુવા મતદારોની પસંદગીને સાવચેતીપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો હોય છે.
રસાકસી ભરેલી ચૂંટણીમાં યુવાન મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે, એટલે યુવાન મતદારો માટે રાજકીય પક્ષો વિશેષ રણનીતિ બનાવતા હોય છે. તો આ વખતે યુવાન મતદારોએ કેવી રીતે મતદાન કર્યું?
અત્યાર સુધી યુવાનો કેવી રીતે મતદાન કરતા હતા?

2019માં 20 ટકા યુવા મતદારોએ કૉંગ્રેસને મત આપ્યા હતા. 2024માં આ આંકડામાં માત્ર એક ટકાનો વધારો થયો છે જે સૂચવે છે કે કૉંગ્રેસ માટે યુવા મતદારોનું સમર્થન ખાસ વધ્યું નથી.
સામે ભાજપને 2019માં મોટા પ્રમાણમાં યુવા મતદારોના મત મળ્યા હતા. વધુ વયના મતદારો કરતાં અલગ પૅટર્નમાં 40 ટકા યુવાનોએ ભાજપને મત આપ્યા હતા. 2024માં ભાજપના યુવાન મતદારોની ટકાવારીમાં નજીવો ઘટાડો થયો છે. જેમાં 25 વર્ષથી ઓછી વયના મતદારોની ટકાવારીમાં એક ટકા અને 26-35 વર્ષની ઉંમરના મતદારોની ટકાવારીમાં બે ટકાનો ઘટાડો થયો છે.
સવાલ એ છે કે કૉંગ્રેસ ભાજપને કેવી રીતે પડકાર આપી શક્યો અને તેમાં યુવાનોની શી ભૂમિકા હતી?
2024 લોકસભા ચૂંટણીમાં 21 ટકા યુવાનોએ કૉંગ્રેસને મત આપ્યા જ્યારે 39 ટકા યુવાનોએ ભાજપને સમર્થન આપ્યું હતું અને ભાજપનાં સહયોગી દળોને આશરે સાત ટકા યુવાનોએ મત આપ્યા હતા.
આમ એનડીએને યુવાનોના 46 ટકા મત મળ્યા હતા. જોકે કૉંગ્રેસના સહયોગીઓને 12 ટકા યુવાનોએ મત આપ્યા હતા એટલે કે ભાજપનાં સહયોગી દળો કરતાં વધારે. જેનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને થયો. આમ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મતનો તફાવત ઘટ્યો હતો.
ટૂંકમાં, ભાજપ કોઈ મોટા નુકસાન વગર પોતાના યુવા મતદારોને સાચવી શક્યો હતો અને કૉંગ્રેસ તથા તેનાં સહયોગી દળોના યુવાન મતદારોની સંખ્યા વધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસ અને તેનાં સહયોગી દળોના યુવાન મતદારોની ટકાવારી અલગ-અલગ વયજૂથોમાં લગભગ એક સરખી રહી છે જ્યારે ભાજપના યુવાન મતદારોની ટકાવારી તેમની વધતી ઉંમર સાથે ઘટતી જાય છે.
2024માં મહિલાઓના મતોનું વિભાજન, કૉંગ્રેસને નજીવો ફાયદો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતની ચૂંટણીમાં મહિલા મતદારોને થોડું વધારે મહત્ત્વ આપી દેવામાં આવે છે. હાલનાં વર્ષોમાં ભારતની રાજનીતિમાં મહિલાઓ કેન્દ્રસ્થાને આવી છે, પણ ભાજપને 2019માં મળેલા ભવ્ય વિજય અથવા 2024માં મળેલી જીતમાં મહિલાઓ મતદારોએ ભાજપના પક્ષમાં નિર્ણાયક મતદાન કર્યું હોય તેના કોઈ પુરાવા મળ્યા નથી.
એ ખરું કે મહિલા મતદારો હવે ભૂતકાળની સરખામણીમાં વધુ સંખ્યામાં મતદાન કરવા નીકળે છે. સાતમાં તબક્કાના મતદાનને બાદ કરતાં બાકીના તબક્કાના મતદાનના જે હંગામી આંકડા મળ્યા છે તે દર્શાવે છે કે મહિલા અને પુરુષ મતદારોના પ્રમાણમાં 2019 કરતાં કોઈ મોટો ફેરફાર નથી.
એ પણ યાદ રાખવું જોઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પુરુષોની સરખામણીમાં 0.6 ટકા ઓછી મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, જોકે 1990ના દાયકામાં આ તફાવત 10 ટકાથી વધારે હતો. જોકે એવા પુરાવા પણ નથી મળતા કે મહિલાઓએ રાષ્ટ્રીય સ્તર પર ભાજપની તરફેણમાં નિર્ણાયક મતદાન કર્યું છે.
લોકનીતિ-સીએસડીએસ દ્વારા ચૂંટણી બાદ થયેલા સરવેનો ડેટા સૂચવે છે કે, આ વિષય પરના (લોકપ્રિય) લેખોમાં જે કહેવામાં આવે છે, તેના કરતાં વિપરીત ભાજપને પુરુષોની સરખામણીમાં મહિલાઓના વધુ મત નથી મળતા.
આવું માત્ર 2024ની લોકસભા ચૂંટણીમાં જ નહીં પણ છેલ્લી બે લોકસભા ચૂંટણી 2019 અને 2014માં પણ જોવામાં આવ્યું હતું.
ડેટા અનુસાર હાલની ચૂંટણીમાં 37 ટકા પુરુષો અને 36 ટકા મહિલાઓએ ભાજપ માટે મતદાન કર્યું હતું. આમ ભાજપ માટે અને તેની વિરુદ્ધ મતદાન કરનારી મહિલાઓ વચ્ચે માત્ર એક ટકાનો તફાવત હતો. જ્યારે કૉંગ્રેસને સતત પુરુષો કરતાં મહિલાઓનું વધું સમર્થન મળતું આવ્યું છે.
એનઈએસના ડેટા અનુસાર 1990ના દાયકાથી કૉંગ્રેસનાં મહિલા અને પુરુષો મતદારો વચ્ચેનો તફાવત ધીમેધીમે ઘટતો ગયો હતો.
જોકે 2024માં કૉંગ્રેસને પુરુષોની તુલનામાં મહિલાઓનું વધું સમર્થન મળ્યું છે.

મહિલાઓ અને પુરુષો કોને વોટ આપે છે?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજયનો શ્રેય તેની જનકલ્યાણની યોજનાઓ, ખાસ કરીને ઉજ્જ્વલા યોજનાને આપવામાં આવ્યો જે મહિલા મતદારોને આકર્ષે તેવી માનવામાં આવતી હતી. પણ લોકનીતિ-સીએસડીએસના ચૂંટણી બાદ કરવામાં આવેલા સરવેના ડેટા અનુસાર 2019માં પણ મહિલા મતદારોએ ભાજપને વધુ પસંદ નહોતો કર્યો.
2024માં પણ આ જ વલણ જોવા મળ્યું હતું. ભાજપ મહિલાઓની પહેલી પસંદ કેમ નથી બની રહ્યો એ બે રીતે સમજાવી શકાય છે. એક, 2014 સુધી પાર્ટીનો વોટશૅર સીમિત હતો અને જો સચોટ આંકડા લેવામાં આવે તો પણ મહિલાઓ વધુ પ્રમાણમાં પાર્ટી માટે વોટ નહોતી કરતી. બીજું, લાંબા સમય સુધી ભાજપ ભારતમાં સામાજિક રીતે વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગોની પાર્ટી તરીકે ઓળખાતી હતી અને તેનો સામાજિક સમર્થનનો આધાર એક તરફ ઢળેલો દેખાતો હતો.
આ બંને પાસાંથી ભાજપને અત્યાર સુધી મહિલાઓના વધુ મત ન મળવા પાછળનું સંભવિત કારણ સમજી શકાય છે.
ટેબલ 2 દર્શાવે છે કે, 2024માં પણ આવી જ સ્થિતિ રહી છે. અલગઅલગ સામાજિક વર્ગોની મહિલાઓની પ્રથમ પસંદગી મામલે ભાજપને વધુ ભણેલી મહિલાઓએ થોડા વધારે મત આપ્યા છે. જોકે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વધુ તફાવત નથી.
બીજા શબ્દોમાં, 2024માં મહિલા મતદારોનો ડેટા અનુસાર ભાજપને વધુ મહિલાઓના મત ન મળ્યા હોવાની પુષ્ટિ થાય છે જોકે પાર્ટીનો વિવિધ સામાજિક સમુદાયો જેમકે દલિતો, આદિવાસીઓ અને ગ્રામીણ મતદારોમાં આધાર વધ્યો છે.
(લોકનીતિ-સીએસડીએસે 191 લોકસભા વિસ્તારોમાં 776 જગ્યાઓ પરથી ચૂંટણી બાદનો સરવે કર્યો હતો. આ સરવેનાં સૅમ્પલ ભારતીય મતદારોનાં સામાજિક તાણાવાણાનું રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરે છે. બધા ઇન્ટરવ્યૂ મતદારોનાં ઘરે વ્યક્તિગત રીતે લેવામાં આવ્યા છે. )












