નરેન્દ્ર મોદીના ચાર ચૂંટણીમુદ્દાઓ જે પહેલાં જેવો કમાલ ન કરી શક્યા

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ : પાંચ ફેબ્રુઆરી, 2024
જગ્યા : લોકસભા, સંસદ
ઇવેન્ટ : રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઘન્યવાદ પ્રસ્તાવ
વક્તા : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
“અધ્યક્ષજી, હું આંકડાઓ વિશે વાત નહીં કરુ. હું બસ દેશના મિજાજને પારખી રહ્યો છું. આ વખતે એનડીએ 400 પાર કરશે અને માત્ર ભાજપને જ 370 બેઠકો મળશે.”
તારીખ : ચાર જૂન, 2024
ઇવેન્ટ : લોકસભા ચૂંટણીનાં પરિણામ
- ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતીથી 32 બેઠકો પાછળ, જોકે, એનડીએને બહુમત
- લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનું છેલ્લાં દસ વર્ષમાં સૌથી સારૂં પ્રદર્શન
19મી સદીમાં બ્રિટેનના વડા પ્રધાન બેન્જામિન ડિજરાઇલીએ કહ્યું, “કોઈ પણ સરકાર મજબૂત વિપક્ષ વિના લાંબા સમય માટે સુરક્ષિત નથી રહી શકતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના પ્રથમ વડા પ્રધાન અને કૉંગ્રેસ પાર્ટીના નેતા જવાહરલાલ નહેરુએ 52 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1962માં સતત ત્રણ લોકસભાની ચૂંટણી જીતવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન બની શકશે. જોકે, તેઓ છેલ્લી બે ચૂંટણીની જેમ પોતાના દમ પર ભાજપને બહુમતી ન અપાવી શક્યા.
એનડીએ ગઠબંધનને આ ચૂંટણીમાં 400 બેઠકોથી વધારે બેઠકો મેળવશે તેવો દાવો પણ ખોટો પડ્યો.
મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં અનુમાનો ખોટાં સાબિત થયાં હતાં. કારણ કે ભાજપ અને એનડીએ ગઠબંધન ઑક્ઝિટ પોલનાં અનુમાનો પ્રમાણે પ્રદર્શન કરી ન શક્યાં.
લોકસભાની આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોના “ઇન્ડિયા” ગઠબંધને સત્તાધારી ભાજપને પડકાર આપ્યો અને ઍક્ઝિટ પોલનાં અનુમાનો કરતાં વધારે સારૂં પ્રદર્શન કર્યુ હતું.
વિશ્લેષકોના મત પ્રમાણે આ મુકાબલાનું કેન્દ્રબિંદુ માત્ર વડા પ્રધાન જ બન્યા.
એટલે કે ચૂંટણીનો એક મુખ્ય મુદ્દો “વોટ ફૉર મોદી કે વોટ અગેન્સ્ટ મોદી” (મોદી માટે મત કે મોદી વિરુદ્ધ મત) બની ગયો હતો. અને પરિણામો સંકેત આપે છે કે “વોટ ફૉર મોદી” નો નારો ભાજપની આશા પ્રમાણે ન ચાલ્યો.
એક નજર એ પ્રમુખ મુદ્દાઓ પર જેના કારણે એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી, પરંતુ ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળી.

1. મોદીની ગૅરંટી

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે સૌથી મોટી રાજકીય પાર્ટીએ પોતાના વડા પ્રધાનના નામ પર જ ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો.
ભાજપે 14 એપ્રિલે જાહેર કરેલા “સંકલ્પ પત્ર”ના દરેક વાયદામાં મોદીની ગૅરંટીની મોહર હતી. આમ, એ વાત સાફ હતી કે પાર્ટી તેમના સૌથી મોટા નેતાને “ચૂંટણીના મુખ્ય ચહેરા” તરીકે પ્રોજેક્ટ કર્યા હતા.
એટલે કે વર્ષ 2013માં જ્યારથી મોદી પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર બન્યા હતા, અત્યાર સુધી કંઈ બદલ્યું નથી. આ સમય દરમિયાન પાર્ટી કેન્દ્રની સત્તામાં રહી. ભાજપે આ ઉપરાંત કેટલાંક રાજ્યો પર પોતાની પકડ મજબૂત કરી હતી. જોકે, આ ચૂંટણીમાં મોદીની ગૅરંટીની ખાસ અસર જોવા ન મળી.
વરિષ્ઠ પત્રકાર અને 'હિન્દુસ્તાન ટાઇમ્સ' સમાચારપત્રના એડિટોરિયલ ડાયરેક્ટર રહેલા વીર સંધવીએ કહ્યું કે ભાજપની રણનીતિ પહેલાથી છેલ્લે સુધી આખો દાવ વડા પ્રધાન મોદી પર લગાડવાની હતી.
“એ બાબતે કોઈ શંકા નથી કે હાલમાં મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. ભાજપે આ જ વાતને પોતાનું ટ્રમ્પ કાર્ડ બનાવ્યું હતું. આ પાર્ટીનો ઇતિહાસ બતાવે છે કે કોઈ પણ ચૂંટણીમાં માત્ર એક જ વ્યક્તિની આસપાસ આટલા મોટા સ્તરે ચૂંટણીપ્રચાર નથી થયો જેટલો 2024માં થયો. 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું પ્રોજેક્શન 1971ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના પ્રોજેક્શન કરતાં પણ મોટું હતું.”
હકીકતમાં ભાજપનું આનુમાન કેટલાંક પરિણામો પર આધારિત હતું.
ભાજપ અને તેના ગઠબંધનની 2014ની લોકસભા ચૂંટણી પહેલાં સાત રાજ્યોમાં સરકાર હતી. જોકે, લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ભાજપની દેશનાં 16 રાજ્યોમાં સરકાર હતી અને ચાર રાજ્યમાં ગઠબંધનની એટલે કે કુલ 20 રાજ્યોમાં સરકાર હતી.
એ વાત સ્પષ્ટ છે મોદી ફૅક્ટરે પાર્ટીને સત્તામાં રાખવામાં એક મોટી ભૂમિકા ભજવી છે.
જોકે, લોકસભાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે મોદીની ગૅરંટી પર પૂર્ણ વિશ્વાસ ન હતો. 2014ની ચૂંટણીમાં 282 બેઠકો અને 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી આપબળે બહુમતી ન મેળવી શકી.
'ટેલીગ્રાફ' અને 'હિન્દુસ્તાન ટાઇમ્સ' જેવાં સમાચારપત્રોના સંપાદક રહેલા વરિષ્ઠ પત્રકાર ભારત ભૂષણે કહ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણીસભાઓમાં કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને નિશાન બનાવ્યો હતો. જોકે, પાર્ટીને તેમાં આશા પ્રમાણે સફળતા ન મળી. મતદારોની સ્મૃતિમાં રામમંદિરનો મુદ્દો લાંબા સમય માટે ન રહ્યો નહિંતર ભાજપને વધારે બેઠકો મળત. ભાજપે હવે સહયોગી પાર્ટીઓ પર નિર્ભર રહેવું પડશે.”
2. કલ્યાણકારી યોજનાઓની રાજનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટીએ “મોદીની ગૅરંટી”વાળા પોતાના ચૂંટણીઢંઢેરામાં ચાર વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ચાર વર્ગો ગરીબ, યુવાન, ખેડૂત અને મહિલાઓ હતાં. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતમાં આ ચાર જ જ્ઞાતીઓ છે.
ભાજપે 'ફ્રીબી પૉલિટિક્સ' એટલે કે મફતમાં આપવામાં આવતી વસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલી યોજનાઓ પર ખૂબ જ ધ્યાન આપ્યું હતું.
“પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ આવનારાં પાંચ વર્ષો સુધી 80 કરોડ ભારતીયોને મફત રૅશન આપવાનો દાવો હોય કે “આયુષ્માન ભારત” જેવી યોજનાઓ થકી મફતમાં સારવારની સુવિધા આપવાની વાત. આ ઉપરાંત “પીએમ આવાસ યોજના” અને એલપીજી માટેની “પીએમ ઉજ્જ્વલા યોજના” જેવી અનેક યોજનાઓનું લક્ષ્ય સરકારની લોકપ્રિયતા જાળવી રાખવાનું હતું.
મોદી સરકારે છેલ્લાં દસ વર્ષોમાં 22 કરોડ પરિવારોને આ પ્રકારની યોજનાઓ સાથે જોડવાનો દાવો કર્યો હતો. આ કારણે તેમને કેટલીક ચૂંટણીઓમાં જીત પણ મળી હતી.
નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે હોશિયારપુરમાં કહ્યું હતું કે "અમે ગરીબોને અનાજ અને સારવારની સુવિધાઓ આપી છે. લોકોની પાસે હવે રૅશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ છે."
બ્રાઉન યુનિવર્સિટીમાં રાજકારણ શાસ્ત્રના પ્રોફેસર આશુતોષ વાષર્ણેયે આ ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશનો એક લાંબો પ્રવાસ કર્યો હતો. તેમણે કહ્યું, “બુંદેલખંડ અને અવધમાં બધા જ લોકો કહે છે કે વીજળી અને પાણી છે, પરંતુ રોજગારી નથી. લાભાર્થી યોજનાઓ સારી તો છે, પરંતુ ભવિષ્યની ગૅરંટી નથી આપતી જે માત્ર રોજગારી જ આપી શકે છે.”
વિપક્ષની કૉંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીની “ન્યાય ગૅરંટી” પર જોર આપ્યું હતું. આ કારણે જ કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલાંગણાની વિધાનસભાની ચૂંટણીમાં તેમની કલ્યાણકારી યોજનાઓ સફળ પુરવાર થઈ હતી.
ચાર જૂને આવેલાં લોકસભા ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે ઇન્ડિયા ગઠબંધનને વધતી મોંધવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવવાને કારણે ફાયદો થયો છે. ભાજપને ઓછી મળેલી બેઠકો પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
3. ભારત અને મોદીની 'વિશ્વગુરૂ'ની છબી

ઇમેજ સ્રોત, ANI
વિદેશ નીતિ વિશે ભારતના મોટા ભાગના રાજકીય પક્ષો “વ્યૂહાત્મક સ્વાયતતા” બનાવી રાખવા પર જોર આપે છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વિદેશ નીતિ અપનાવી હતી. આ નીતિ પ્રમાણે ભારતના નવા દુશ્મનોને ઘરમાં ઘુસીને મારવાની વાત કરવામા આવી હતી.
ભાજપે પોતાના પ્રચારમાં “વિશ્વમાં ભારતની મજબૂત છબી” જેવા મુદ્દાને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું.
સાઉથ એશિયન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનાં ઍસોસિયેટ પ્રોફેસર શ્વેતા સિંહને લાગે છે કે, "જી-20ની અધ્યક્ષતા, અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો અને રશિયાથી પોતાનાં હિતોની પૂર્તિ કરવાના ઇરાદાથી ભાજપ ચૂંટણીમાં ઊતરી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા જેવા કે પુલવામા અથવા કલમ 370 હટાવવાના નિર્ણય પર કોર્ટની મંજૂરી પણ મતદારો સુધી લઈ જવામાં આવી હતી. પરંતુ તેની અસર પરિણામોમાં દેખાઈ ન હતી. પાકિસ્તાન સામે કઠોર અભિગમ હંમેશાં અસરકારક સાબિત થયો હતો પરંતુ આ વખતે મતદારોમાં તેના વિશે ઓછી ચર્ચા જોવા મળી હતી."
બ્રિટેનની પ્રતિષ્ઠિત થિેંક ટેન્ક 'ચૈટમ હાઉસ'ના સિનિયર ફૅલો ચૈતિગ વાજપાઇએ આ સામાન્ય ચૂંટણી પર લખ્યું છે કે, "હિંદૂ રાષ્ટ્રવાદી ઍજન્ડાને અનુસરવા છતાં, પશ્ચિમી દેશો યુએસ-ચીન દુશ્મનાવટ અને પરસ્પર વેપારને ધ્યાનમાં રાખીને ભારત સાથે સંબંધ જાળવી રાખશે, પરંતુ હવે ભારતે તેના પર ધ્યાન આપવું પડશે કે તે સ્થાનિક રાજકારણમાં આ બધું કેટલું કામ કરી રહ્યું છે."
રહ્યો સવાલ 'દુશ્મનોને તેમના ઘરોમાં ઘૂસીને મારવા'ની આ સરકારની નીતિનો તો, વિશ્લેષકોનું માનવું છે કે તે દક્ષિણ એશિયા અથવા તો ચીન સામે 'બયાનબાજી'માં ઉપયોગી થઈ શકે છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેને શંકાની નજરે જોવામાં આવે છે.
માઈકલ કુગેલમૅન ફોરેન પોલિસી જર્નલમાં લખે છે કે, "કૅનેડા એક એવો દેશ છે જેની વૈશ્વિક છબી જરા પણ આક્રમક નથી. કૅનેડાએ ભારત પર તેના નાગરિકોની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે, જેને ભારતે નકારી કાઢ્યો છે. આવા આરોપો એક ખાસ પ્રકારનો સંદેશ આપે છે."
જોકે, ચૂંટણી દરમિયાન દક્ષિણ એશિયામાં ભારતીય વિદેશ નીતિ પર ઘણી ચર્ચા થઈ હતી. સરકાર પર 'જુમલાબાજી'નો આરોપ લગાવતા, વિપક્ષે એ પણ પુનરોચ્ચાર કર્યો કે સરકારે 2019ની ચૂંટણીમાં તમામ સરહદો પર સ્માર્ટ ફૅન્સિંગનું વચન આપ્યું હતું, જે હજુ પણ અધૂરું છે.
અમેરિકાના હાર્વર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ ફૅલો પ્રોફેસર એમ. કે. ઝા અનુસાર, "ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે કોઈ પણ દેશના રાજકીય ફેરફારોમાં સ્થાનિક ઉપરાંત વૈશ્વિક પરિબળો પણ મોટી ભૂમિકા ભજવે છે. જો થોડી પણ અનિશ્ચિતતા હોય અને ભૌગોલિક રાજકીય સ્તરે શંકા, તો લોકશાહી દેશોમાં પણ તેની અસર અમુક અંશે દેખાય છે."
4. ધર્મના આધાર પર ધ્રુવીકરણની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
2024ની સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કામાં અને 2019ના પહેલા તબક્કામાં એક મોટો ફરક હતો- એ છે મતદાનની ટકાવારીમાં ઘટાડો.
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં એક ભાષણમાં કહ્યું હતું કે, "જો કૉંગ્રેસ સત્તામાં આવી તો લોકોની સંપત્તિને જેનાં વધારે બાળકો છે તેમાં વહેંચી દેશે."
આ નિવેદનને 'ધ્રુવિકરણનો પ્રયાસ' અને 'લઘુમતીઓ પર કટાક્ષ' ગણાવતા કૉંગ્રેસ અને વિપક્ષી દળોએ આ અંગે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી.
કેટલાક વિશ્લેષકોએ વડા પ્રધાન તરફથી આવતા આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તેને, "તેમના મતદારોને એક કરવાના પ્રયાસ" સાથે જોડીને જોયું હતું.
વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીના જણાવ્યા અનુસાર, "કદાચ પ્રથમ વખત વડા પ્રધાને ચૂંટણીપ્રચારમાં આટલી ખુલ્લેઆમ હિંદુ-મુસ્લિમ રાજનીતિનું કાર્ડ રમ્યું હતું કારણ કે સામાન્ય રીતે તેમણે અગાઉની ચૂંટણીઓમાં આવાં સીધાં નિવેદનો ટાળ્યાં હતાં."
ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) નિયમોનું જાહેરનામું અચાનક જ બહાર પાડ્યું, જ્યારે નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019ની બંધારણીયતાને પડકારતી તમામ અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે.
કદાચ મતદારોએ આ પગલાને 'ધ્રુવીકરણની રાજનીતિ' સાથે પણ જોડ્યું છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજનીતિના ભૂતપૂર્વ પ્રોફેસર પુષ્પેશ પંતને લાગે છે કે, "હાલમાં ભારતમાં ધ્રુવીકરણનું રાજકારણ ચરમસીમાએ છે."
તેમના મતે, "એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલી આ લાંબી ચૂંટણીમાં, બધાએ જોયું કે કેવી રીતે મંદિરો, મસ્જિદો વગેરે જેવા મુદ્દાઓ પર એક પછી એક ચોક્કસ સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બધું જુસ્સાથી નથી થતું, પરંતુ આ બધું જાણી-જોઈને બનાવેલી વ્યૂહરચનાના ભાગરૂપે થાય છે."
છેલ્લે, તે મુદ્દા વિશે વાત કરીએ જે ભાજપના 'સંકલ્પ પત્ર'થી લઈને દરેક ચૂંટણીપ્રચારકના ભાષણનો ભાગ રહ્યો છે. એટલે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામમંદિરનો સમારોહ વડા પ્રધાનના નેતૃત્વમાં યોજાયો તેના વિશે.
અયોધ્યામાં, 10,000 કરોડના ખર્ચે શહેરનો કાયાકલ્પ કરવાનો અને તેને 'ગ્લોબલ સિટી' બનાવવાનો ભાજપનો દાવો તે વિસ્તારના મતદારોએ સ્વીકાર્યો નથી.
અયોધ્યા વિભાગ (ફૈઝાબાદ, બારાબંકી, અમેઠી, આંબેડકરનગર અને સુલતાનપુર) હેઠળની તમામ પાંચ બેઠકો પર ભાજપ હાર્યો છે.
અયોધ્યામાં 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ના વરિષ્ઠ પત્રકાર અરશદ અફઝલ ખાનના જણાવ્યા અનુસાર, "ભાજપે રામમંદિરના ઉદ્ઘાટન સાથે જ દોડધામ શરૂ કરી દીધી હતી અને તે સમયે એવું લાગતું હતું કે વિરોધ પક્ષ ઘણો પાછળ રહી ગયો છે, પરંતુ લોકોની નાડી અલગ હતી. ફૈઝાબાદ (અયોધ્યામાં તેમની હાર), આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠી અને બારાબંકીમાં તેમની હાર આ જ દર્શાવે છે.












