ગુજરાતમાં ભાજપનું 'પાંચ લાખની લીડ'થી તમામ બેઠકો જીતવાનું સ્વપ્ન કેમ રોળાયું?

ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/BBC

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

18મી લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને બહુમત તો મળી પણ ભાજપ 240 બેઠકો જ મેળવી શક્યો. ગુજરાતમાં પણ ભાજપે 26માંથી 26 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે શક્ય બની શક્યો નથી.

ગુજરાતમાં 2009 પછી પહેલી વાર કૉંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ નીવડી છે.

ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ તેમના ચૂંટણીપ્રચારમાં એવો દાવો કર્યો હતો કે, તેઓ તમામ બેઠકો પાંચ લાખની સરસાઈથી જીતશે. સૌપ્રથમ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આ પ્રકારનું લક્ષ્ય જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આપણે બે વખતથી 26 બેઠકો જીતીએ છીએ. તો આ વખતે ગુજરાતે કંઈક નવું કરવું જોઈએને? આપણે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી જીતી બતાવવાની છે અને વડા પ્રધાન મોદીજીને ભેટ આપવાની છે.”

પરંતુ ભાજપનો આ દાવો કેટલો સાચો પડ્યો? હકીકતમાં ભાજપે કેટલી બેઠકો પર પાંચ લાખની સરસાઈથી જીત મેળવી?

ભાજપને કેટલી બેઠકો પર પાંચ લાખની સરસાઈ મળી?

ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CR Patil/FB

26 બેઠકો પર પાંચ લાખની સરસાઈથી જીતનો દાવો કરતાં ભાજપને માત્ર ચાર બેઠકો પર પાંચ લાખની સરસાઈથી વિજય મળ્યો છે.

ગુજરાતની ગાંધીનગર, નવસારી, પંચમહાલ અને વડોદરાની બેઠક પર ભાજપને પાંચ લાખ કરતાં વધુ મતોની સરસાઈથી વિજય મળ્યો છે.

  • ગાંધીનગર: 7.44 લાખ
  • નવસારી: 7.73 લાખ
  • પંચમહાલ: 5.09 લાખ
  • વડોદરા: 5.82 લાખ

એ સિવાય અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપની સરસાઈ એક લાખ કરતાં પણ ઓછી થઈ ગઈ છે. આ બેઠકોમાં ભરૂચ, પાટણ અને આણંદ બેઠકનો સમાવેશ થાય છે.

બનાસકાંઠા બેઠક પરથી ભાજપની હાર થઈ છે. આમ, ભાજપ તમામ બેઠકો પર પાંચ લાખ કરતાં વધુ સરસાઈથી જીત્યો નથી.

ભાજપને પાંચ લાખની લીડ કેમ ન મળી શકી?

ગુજરાત, લોકસભા ચૂંટણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "પાંચ લાખની લીડથી ગુજરાતની તમામ બેઠકો જીતવાનો દાવો એ માત્ર ભાજપનું નૅરેટિવ હતું. પોતાના પક્ષમાં ઉત્સાહ ઊભો કરવો અને વિપક્ષોને નિરાશ અને હતોત્સાહિત કરવા એ તેના પાછળનો ધ્યેય હોઈ શકે છે."

તેઓ કહે છે, "ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને કારણે કૉંગ્રેસને પણ નવી આશા જાગી અને તેમણે પણ જબરદસ્ત ટક્કર આપી. ક્ષત્રિય આંદોલનની સીધી અસર જે-તે બેઠક પર કેટલી થઈ એ તો હવે ખ્યાલ આવશે પરંતુ તેના કારણે ગુજરાતમાં ભાજપવિરોધી નૅરેટિવ ઊભું થયું. પાંચ લાખની સરસાઈ ઘટવામાં તેનો પણ એકંદરે ફાળો છે."

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, "ક્ષત્રિય આંદોલનની કેટલી મોટી અસર થઈ એ તો હજુ આંકડાઓ આવશે એટલે ખ્યાલ આવશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ મુદ્દાએ ચોક્કસપણે ગુજરાતમાં પ્રભાવ ઊભો કર્યો હતો. આણંદ, પાટણ અને સાબરકાંઠા જેવી બેઠકો પર આપણે જોયું કે કેટલી જબરદસ્ત રસાકસી થઈ હતી."

નરેશ વરિયા કહે છે, "ગુજરાતમાં ભાજપની સરસાઈ અનેક બેઠકો પર ઘટી તેના પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો આંતરિક અસંતોષ પણ જવાબદાર છે. પક્ષમાં કૉંગ્રેસ અને આપમાંથી આવતા નેતાઓના ભરતીમેળા સામે પણ વિરોધ હતો. ચૂંટણીમાં મતદાન સમયે પણ પક્ષના અનેક કાર્યકર્તાઓ સક્રિય ન રહ્યા અને મતદાન પણ ઓછું થયું. ભાજપના ધ્રુવીકરણ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. આ તમામ પરિબળોએ ભાજપની લીડ ઘટાડવામાં ફાળો આપ્યો હતો."

ગુજરાતમાં આવેલાં પરિણામની શું અસરો?

ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો છતાં અનેક બેઠકો પર રસાકસી પણ જોવા મળી.

હરેશ ઝાલા કહે છે, "ગુજરાત એ હિન્દુત્વની પ્રયોગશાળા રહ્યું છે અને અહીં જબરદસ્ત ધ્રુવીકરણ છે. એ ઉપરાંત ગુજરાતની 90થી વધુ બેઠકો શહેરી વિસ્તારની છે. આ બેઠકોને કારણે ગુજરાતમાં ભાજપનો પ્રભાવ વધ્યો છે. આ તમામ પરિસ્થિતિ ભાજપના પક્ષો હોય, આટલી અગત્યની ચૂંટણી હોય, એક-એક બેઠક જ્યારે મહત્ત્વની હોય ત્યારે ગુજરાતમાં એક બેઠક ગુમાવવી એ બહુ મોટો પરાજય છે. સરસાઈ ઘટવી, બેઠકો ગુમાવવી એ દર્શાવે છે કે લોકોમાં નારાજગી છે એ હકીકત છે."

તેઓ કહે છે, "ગુજરાતમાં ભાજપે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક કયા હિસાબે અને કઈ ગણતરીથી રાખ્યો હતો એ સ્પષ્ટ નથી. પણ આ પરિણામોથી એ સ્પષ્ટ છે કે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ મતદાર ભાજપથી દૂર જઈ રહ્યો છે. કાયમ મતદારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઝાકઝમાળથી આંજી શકાતા નથી."

"ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની અંદરખાને રહેલી નારાજગી પણ તેમને નડી છે. જો ભાજપ આમાંથી બોધપાઠ નહીં લે તો હજુ વધુ ખરાબ સમય આવશે. સામે પક્ષે આ પરિણામને કારણે કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓનો કૉંગ્રેસ છોડી જવાનો કે નિષ્ક્રિય રહેવાનો સિલસિલો અટકશે. કૉંગ્રેસમાં પણ એ આશાનો સંચાર થયો છે કે આજે નહીં તો કાલે પણ પક્ષ બેઠો થઈ શકે છે."

કૉંગ્રેસ અને ભાજપનું આ મુદ્દે શું કહેવું છે?

ગુજરાત, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પરિણામો પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં 'કમલમ્' ખાતે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં ફરીથી ભાજપને જીત મળી છે. આ જીત ભાજપ પર લોકોના ભરોસાની જીત છે. જોકે, કમનસીબે અમે એક બેઠક હાર્યા છીએ. અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હશે અને થોડી મહેનત ઓછી પડી છે. અમને એક બેઠક ગુમાવવાનો અફસોસ છે."

પાંચ લાખની સરસાઈ અંગે પણ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમને આશા હતી કે ભાજપને 14થી 15 બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મળશે. જોકે, તેમ છતાં પણ અમે ઘણી બેઠકો પર બહુમતી મેળવવામાં સફળ થયા છીએ."

કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આ સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે "આ ભાજપના અહંકારની હાર છે."

કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, "ચૂંટણીપરિણામોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓથી ત્રસ્ત હતા, મધ્યમવર્ગ અતિશય પરેશાન હતો. પરંતુ ભાજપે લોકોના મુદ્દાઓને ગણકાર્યા જ નહીં."

તેમણે ઉમેર્યું હતું, "ગુજરાતમાં કૉંગ્રેસે દસેક બેઠકો પર જબરદસ્ત ફાઇટ આપી છે. ગુજરાતમાં કૉંગ્રેસને એક જીત મળી છે એ સારી શરૂઆત છે."