રાજકોટ અગ્નિકાંડ : ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા શા માટે વિવાદમાં સપડાયા છે?

ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા
ઇમેજ કૅપ્શન, ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'રામભાઈ...રામભાઈ...રામભાઈ તમે શું કામ જવાબ આપો છો?' બુધવારે રાજકોટ ભાજપ દ્વારા યોજાયેલી પત્રકારપરિષદ દરમિયાન લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરિયાને અટકાવવાનો પ્રયાસ કરતી વેળાએ આ શબ્દો કહ્યા હતા, છતાં, રામભાઈએ તેમની વાતને ગણકારી ન હતી અને પત્રકારો સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી.

આ ઘટનાના ગણતરીના કલાકોમાં મોકરિયા વધુ વિવાદોમાં સપડાયા હતા અને તેમની ઉપર મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂંક કરવાના પણ આરોપ લાગ્યા.

27 લોકોનો ભોગ લેનારા રાજકોટ અગ્નિકાંડના આરોપીએ તેમની પાસેથી એનઓસી માટે લાંચ લીધી હોવાનો આક્ષેપ મોકરિયાએ કર્યો હતો, એટલું જ નહીં, પછી પૈસા પાછા લઈ લીધા હોવાનો દાવો પણ કર્યો હતો.

કૉંગ્રેસે આ મુદ્દે શાસકપક્ષને ઘેર્યો છે, જ્યારે ભાજપે તેમના જ સંસદસભ્યના નિવેદન તથા અભિપ્રાયોથી છેડો ફાડી નાખ્યો છે.

મોકરિયાનાં નિવેદનોને રાજકોટ ભાજપમાં ચાલી રહેલી આંતરિક સાઠમારીનું પરિણામ માનવામાં આવે છે, જ્યાં સંખ્યાબંધ જૂથો છે અને દરેક જૂથ એકબીજાને ઉતારી પાડવા માટે પ્રયાસરત હોવાના અહેવાલો મીડિયામાં છપાતાં રહે છે.

વિવાદ કેવી રીતે વકર્યો?

રામભાઈ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, FB@RAMBHAI MOKARIYA

ઇમેજ કૅપ્શન, રામભાઈ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા (ફાઇલ ફોટો)

તાજેતરમાં રાજકોટ ભાજપ દ્વારા એક પત્રકારપરિષદ યોજવામાં આવી હતી, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં થયેલી આગદુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સ્મૃતિમાં તારીખ ચોથી જૂને ભાજપ દ્વારા વિજયસરઘસ કાઢવામાં નહીં આવે તથા કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે.

આ પત્રકારપરિષદમાં રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, પક્ષના શહેરપ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબહેન પેઢડિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન રામભાઈ મોકરિયાએ પત્રકારોના કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા, પરંતુ પાછળથી વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આ દરમિયાન રૂપાલાએ દરમિયાનગીરી કરીને મોકરિયાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા, એ પછી ભાજપના નેતાઓ પત્રકારપરિષદમાંથી ઊભા થઈ ગયા હતા.

પત્રકારપરિષદ પછી સુરક્ષાકર્મીઓના ઘેરાની વચ્ચે રામભાઈ મોકરિયા અને પરશોત્તમ રૂપાલા સહિતના નેતાઓ બહાર નીકળ્યા હતા. મીડિયામાં પ્રકાશિત તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે, મેયર નયનાબહેને પત્રકારોના સવાલોના જવાબ આપવાના બદલે ટુ-વ્હીલર પર હૅલ્મેટ વગર ડબલસવારીમાં બેસીને ત્યાંથી નીકળી ગયાં હતાં.

જ્યારે મોકરિયા હસતાં-હસતાં બહાર નીકળ્યા હતા, એ સમયે પત્રકારોના સવાલો અને ટિપ્પણીનો જવાબ વિવાદાસ્પદ ગણી શકાય તેવો હતો.

રામભાઈ મોકરિયાએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે પાંચેક વર્ષ પહેલાં તેમની પાસેથી રૂ. 70 હજારની લાંચ લીધી હતી. રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ભાજપના કાર્યાલય પાસે આવેલી જમીન ઉપર ઇમારતને ફાયરનું એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) લેવા માટે લાંચ આપવી પડી હતી. તેમણે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો. જોગાનુજોગ તાજેતરની દુર્ઘટના બાદ, જે અધિકારીઓના નામ શંકાના દાયરામાં આવ્યા છે, તેમાં એ અધિકારીનું નામ પણ સામેલ છે.

એ સમયે રામભાઈ ભાજપના અગ્રણી નેતા હતા, છતાં તેમણે આ રકમ આપવી પડી હતી. એ પછી જ્યારે રામભાઈ રાજ્યસભાના સંસદસભ્ય બન્યા, ત્યારે એ અધિકારીએ તેમના વહીવટદાર મારફત કવરમાં મૂકીને પૈસા પરત મોકલાવી આપ્યા હતા.

લાંચના વિવાદની ઝાળ રામભાઈ મોકરિયાને પણ લાગી

ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા

ઇમેજ સ્રોત, FB@RAMBHAI MOKARIYA

ઇમેજ કૅપ્શન, ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, રામભાઈ મોકરિયાનું નિવેદન ભાજપ માટે 'સૅલ્ફ-ગૉલ' જેવું બની ગયું હતું. કારણ કે છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતમાં અને રાજકોટની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ ભાજપનું શાસન છે.

જો, ભાજપના અગ્રણીએ તેમનું કામ કરાવવા માટે અધિકારીઓને રૂશ્વત આપવી પડતી હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે તેવી ચર્ચા થવા લાગી હતી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું, 'રામભાઈ મોકરિયાએ ભાજપના શાસનમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સામાન્ય જનતા તેના રોજબરોજનાં કામો અને સર્ટિફિકેટ માટે લાંચ આપવી પડે છે અને તેના વગર કામ થતું નથી. ભાજપના વિકાસના મૉડલમાં ભ્રષ્ટાચાર કેન્દ્રસ્થાને છે.દરેક વિભાગમાં દરેક કામ માટે ભાવ નક્કી થયેલા છે. ભાજપ કૉર્પોરેશનના બિલ્ડિંગ યુસેજ, ફાયર એનઓસી, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની અરજી એમ દરેકના ભાવ નક્કી છે તથા દરેક મંજૂરીમાં ભાજપના શાસકોની ભાગીદારી છે.'

ભ્રષ્ટાચાર નિરોધક કાયદા – 1988ની કલમ 12 મુજબ, કોઈપણ સરકારી કર્મચારીને પોતાનું કામ કરાવવા માટે સ્વૈચ્છાએ લાંચની રકમ આપવીએ ગુનો છે. જેના માટે ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ સાત વર્ષ તથા દંડની સજા થઈ શકે છે.

ચાહે લાંચના પગલે કૃત્ય આચરવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય. જો, વ્યક્તિ આ માટેની ફરિયાદ કરી દે તથા ભ્રષ્ટ કર્મચારીને પકડવા માટે 'છટકું' ગોઠવવામાં આવે તો લાંચ આપનારને ગુનામાંથી મુક્તિ મળે છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલ પર

'ઘરમાંથી બહાર નીકળ...'

ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા

ઇમેજ સ્રોત, FB@RAMBHAI MOKARIYA

ઇમેજ કૅપ્શન, ભાજપના રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરિયા

આ પછી રામભાઈ મોકરિયાએ ગત ગુરુવારે પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે મુલાકાત કરી હતી અને પોતાના નિવેદન મુદ્દે ખુલાસા અને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા સમયે તેમની ઉપર વીટીવી ગુજરાતીના પત્રકાર અને કૅમેરામૅન સાથે દુર્વ્યવહાર કરવાના આરોપ લાગ્યા હતા. વીડિયોમાં તેમને 'ઘરમાંથી બહાર નીકળ' અને 'આખો દિવસ વીડિયો ચલાવજે' જેવા શબ્દપ્રયોગ કરતા સાંભળી શકાય છે.

વીટીવીના સંપાદક હેમંત ગોલાણીએ તેમના નિયમિત કાર્યક્રમ 'મહામંથન'માં સમગ્ર ઘટનાક્રમમાં કહ્યું કે, 'રૂ. 70 હજારની લાંચ વિશે સવાલ પૂછવા વીટીવીની ટીમ રામભાઈ મોકરિયાના ઘરે પહોંચી હતી. ત્યારે પત્રકારને ચોક્કસ સવાલો પૂછવા માટે સંસદસભ્યે કહ્યું હતું, પરંતુ પત્રકારે એમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો, ત્યારે મોકરિયાએ કહ્યું હતું કે, 'મારી પરવાનગી વગર ઘરમાં પ્રવેશ કેમ કર્યો?' જો આમ જ રહ્યું તો ભવિષ્યમાં સંસદસભ્યો અને નેતાઓના ઘરે 'લેખિત મંજૂરી લઈને જ ઘરમાં પ્રવેશ કરવો.' જેવા બૉર્ડ લાગી જશે.'

બીબીસી ગુજરાતીએ અલગ-અલગ માધ્યમો દ્વારા સંસદસભ્ય રામભાઈ મોકરિયાનો સંપર્ક સાધીને તેમની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ બન્યા ન હતા. તેમની પ્રતિક્રિયા મળ્યે આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "રામભાઈ મોકરિયા ભાજપના સન્માનીય સંસદસભ્ય છે, તેમનાં નિવેદનો વિશે પાર્ટીએ કશું કહેવાનું નથી. એ તેમનાં વ્યક્તિગત નિવેદન છે, જેના માટે તેઓ જ જવાબ આપશે."

જોકે, ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં રામભાઈ મોકરિયાએ પોતાના આક્ષેપનો પુનરોચ્ચાર કર્યો હતો. રામભાઈએ દાવો કર્યો હતો કે તેમણે આ ભ્રષ્ટાચાર વિશે 'યોગ્યસ્તરે' રજૂઆત કરી હતી.

મોકરિયાનો આરોપ છે કે કેટલાક રાજનેતાઓ દ્વારા તેમની રાજનીતિને ઝાંખપ લગાડવા માટે અપપ્રચારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, એટલે જ તેમણે અગ્નિકાંડ પછી ખડેપગે રહીને જે સેવાકાર્ય કર્યા તેના વિશે ચર્ચા નથી થતી, પરંતુ રૂ. 70 હજારની લાંચનો મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. મોકરિયાએ ટીવી ચૅનલના પત્રકારે મંજૂરી વગર ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો.

ભાજપનો આંતરિક વિખવાદ?

મારુતિ કુરિયરને 20 વર્ષ થયાં તે સમયે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી તથા વિહિપના સ્થાપક સભ્ય કે. કા. શાસ્ત્રી

ઇમેજ સ્રોત, INSTAGRAM@SHREEMARUTICOURIER

ઇમેજ કૅપ્શન, મારુતિ કુરિયરને 20 વર્ષ થયાં તે સમયે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી તથા વિહિપના સ્થાપક સભ્ય કે. કા. શાસ્ત્રી

રામભાઈ મોકરિયા મૂળ પોરબંદરના છે અને તેમણે સામાન્ય શ્રમિક તરીકે કામ કરવાથી શરૂઆત કરીને મારૂતિ કુરિયર કંપનીના સ્થાપક સુધીની સફર ખેડી છે. બીએ તથા એલએલબીનો અભ્યાસ કરનારા મોકરિયાએ વર્ષ 1976માં તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.

જ્યારે પોરબંદરનો વિસ્તાર માફિયાઓના પંથક તરીકે પંકાયેલો હતો ત્યારે મોકરિયા ભાજપના નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ જિલ્લા ભાજપના સંગઠનસચિવ અને ઉપાધ્યક્ષપદે રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટ તેમનું કાર્યક્ષેત્ર બની રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે મોકરિયા ગુજરાત ભાજપની સમિતિમાં બે વખત સભ્ય બન્યા. વર્ષ 2021માં તેઓ રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા. એ પછી પણ તેઓ પાર્ટીના આંતરિક ગજગ્રાહ વિશે જાહેરમાં ચર્ચા કરતા રહ્યા છે.

રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "વાસ્તવમાં રામભાઈ લાંચ આપવા સંદર્ભે જે કંઈ કહી રહ્યા હતા, તે લોકોની લાગણીને વાચા આપી રહ્યા હતા, પરંતુ આમ કરવા જતાં તેમણે 'ભાંગરો વાટ્યો' એમ કહી શકાય."

"રામભાઈ મોકરિયા ચૂંટણીલક્ષી રાજકારણમાંથી નથી આવ્યા, એટલે તેઓ પોતાના જ નિવેદનમાં ફસાઈ ગયા હતા. તેમના નિવેદનથી ભાજપ, ગુજરાત સરકાર, શાસન અને તંત્ર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા છે. કારણ કે જો રામભાઈએ રજૂઆત કરી હોય તો પગલાં કેમ ન લેવાયાં? જેવા સવાલ પણ ઊભા થાય છે. એટલે જ કૉંગ્રેસ દ્વારા લાંચ આપવી એ ગુનો છે, એવો ટેકનિકલ મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે."

આચાર્ય ઉમેરે છે કે રાજકોટ ભાજપ આંતરિક જૂથવાદથી ગ્રસ્ત છે એટલે રામભાઈએ ભ્રષ્ટાચારનો જે મુદ્દો ઉઠાવ્યો, તેની ઉપર ચર્ચા થવાને બદલે તેમણે લાંચ કેમ આપી અને પૈસા કેમ પરત લીધા જેવા મુદ્દે ચર્ચા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવેમ્બર-2023માં રામભાઈ મોકરિયાએ એક જાહેરકાર્યક્રમ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૌભાંડ ચાલતા હોવાના આરોપ મૂક્યા હતા. જોકે, કાર્યક્રમમાં હાજર કૉર્પોરેશનના અધિકારીએ ઉચકથી વાત નહીં કરવા અને પુરાવા આપવા કહ્યું હતું. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે દરમિયાનગીરી કરીને બંને વચ્ચેની બોલાચાલીને આગળ વધતી અટકાવી હતી.

એ પહેલાં મોકરિયાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ભાજપના જૂના નેતા અબજપતિ છે, તેમણે કરોડો રૂપિયા દબાવ્યા છે પરંતુ દાનત ન હોવાથી પરત નથી કરતા. ત્યારે મોકરિયા ભાજપના કયા નેતા વિશે વાત કરી રહ્યા છે, તેના વિશે અટકળો વહેતી થઈ હતી.

જ્યારે રામભાઈ મોકરિયાનું નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું હતું, ત્યારે તેમની ઉપર આરોપ લાગ્યો હતો કે તેઓ એકસમયે 'ગૉડમધર' સંતોકબહેન જાડેજાને ત્યાં કામ કરતા હતા, એટલે જ તેમના દીકરા કાંધલ રામભાઈને 'કાકા' કહીને સંબોધે છે, પરંતુ મોકરિયાએ આ આરોપોને નકાર્યા હતા.