ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસને કેટલી સીટ મળશે, ઍક્ઝિટ પોલ શું કહે છે?

ઇમેજ સ્રોત, CRPaatil twitter/getty
પહેલી જૂન સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
હવે ચોથી જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.
ચૂંટણીપંચ અનુસાર, સાતમા તબક્કાનું આઠ વાગ્યા અને 45 મિનિટ સુધી 59.45 ટકા મતદાન થયું છે.
મતગણતરી પૂર્વે મતદાન પૂર્ણ થતાંની સાથે જ ચૂંટણીનું વિશ્લેષણ કરતી મોટા ભાગની એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો ઍક્ઝિટ પોલ જાહેર કર્યા છે.
અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ ઍક્ઝિટ પોલ જાહેર કર્યા છે અને પોતાનાં અનુમાનો લગાવ્યાં છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલ અનુસાર, ભાજપના ગઠબંધનવાળી એનડીએને વધુ સીટો મળી રહી છે.
18મી લોકસભા ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન થયું હતું.
ઍક્ઝિટ પોલનાં અનુમાન પર જુઓ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાની બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીત.
દાવા-પ્રતિદાવા

ઇમેજ સ્રોત, twiiter
સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ અલગઅલગ પક્ષો દ્વારા વિજયના દાવા કરવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ 370 બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધનને 400 બેઠકો મળશે.
તેમનો દાવો છે કે એનડીએ ગઠબંધનને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં ગત ચૂંટણી કરતાં વધારે બેઠકો મળશે.
બીજી તરફ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ દાવો કર્યો છે કે ઇન્ડિયા ગઠબંધન 295થી વધુ બેઠકો પર વિજય મેળવશે.
2019ની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો 23મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી.
ભાજપે 303 બેઠકો મેળવી હતી જ્યારે કૉંગ્રેસે 52 બેઠકો પર જીત મેળવી હતી. અને કૉંગ્રેસના ગઠબંધનવાળા યુપીએને 92 બેઠકો મળી હતી.
2014ની વાત કરીએ તો ‘મોદી લહેર’ને લીધે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને 44 અને યુપીએને 59 બેઠકો મળી હતી.
એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોના ઍક્ઝિટ પોલ શું કહે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એબીપી ન્યૂઝ – સી-વોટર સર્વે
એબીપી ન્યૂઝ- સી વોટરના ઍક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં 26માંથી 25-26 બેઠક મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 0-1 બેઠક મળવાની શક્યતા છે.
આ ઍક્ઝિટ પોલના સર્વે અનુસાર દેશની કુલ 543 બેઠકોમાંથી એનડીએને 353-383 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 152-182 મળવાનું અનુમાન છે. અન્ય રાજકીય દળોને 04-12 બેઠકો મળવાની શક્યતા છે.
ઇન્ડિયા ટીવી ઍક્ઝિટ પોલ
ઇન્ડિયા ટીવી ઍક્ઝિટ પોલમાં એનડીએને 371-401 અને ઇન્ડિયા ગઠબંધનને 109-139 સીટ મળી શેક છે. તો અન્ય પાર્ટીઓને 28-38 સીટ મળી શકે છે.
ઍક્ઝિટ પોલમાં ભાજપને 319-338, કૉંગ્રેસને 64-52, ડીએમકેને 15-19, તૃણમૂલ કૉંગ્રેસને 14-18 સીટનું અનુમાન છે.
રિપબ્લિક ટીવી-પીએમએઆરક્યુ ઍક્ઝિટ પોલ
રિપબ્લિક ટીવી અને પીએમએઆરક્યુના ઍક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 48 ટકા મતો સાથે કુલ 543 બેઠકોમાંથી 359 બેઠકો મળી શકે છે.
જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 39 ટકા મતો અને 154 બેઠકોનું અનુમાન છે. અન્યને 13 ટકા મતો સાથે 30 બેઠકો મળતી જોવા મળે છે.
આ ઍક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો પર વિજયની હેટ્રિક કરી શકે છે. એટલે કે કૉંગ્રેસને એક પણ સીટ નહીં મળવાનું અનુમાન છે.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્ય ઍક્ઝિટ પોલ
ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્યના ઍક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26માંથી 24થી 26 બેઠકો પર જીતી મેળવી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 0-2 બેઠકો મળવાની શક્યતા છે.
ઇન્ડિયા ટુડે અને ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલ
ઇન્ડિયા ટુડે અને ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 25 કે 26 બેઠકો જીતી શકે છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને કદાચ એક બેઠક મળી શકે છે. આ ઍક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ગુજરાતમાં લગભગ 63 ટકા મતો જ્યારે કૉંગ્રેસને 30 ટકા અને આમ આદમી પાર્ટીને ચાર ટકા આસપાસ મતો મળશે.
દૈનિક ભાસ્કર ઍક્ઝિટ પોલ
દૈનિક ભાસ્કરના ઍક્ઝિટ પોલ પ્રમાણે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી એનડીએ ગઠબંધનને 285-350 બેઠકો મળી શકે છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 145-201 બેઠકો મળવાની શક્યતા છે. દૈનિક ભાસ્કરના પોલ પ્રમાણે અન્ય રાજકીય દળોને 33થી 49 બેઠકો મળી શકે છે.
જનકી બાત ઍક્ઝિટ પોલ
જનકી બાત ઍક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે એનડીએ ગઠબંધનને કુલ 543 બેઠકોમાંથી 362-392 બેઠકો મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાની શક્યતા છે. અન્ય રાજકીય દળોને 10થી 20 બેઠકો મળી શકે છે.
ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે?
ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવવા ઇચ્છો છો.
ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. વડા પ્રધાનપદ માટે તમને પસંદ ઉમેદવાર કોણ છે વગેરે જેવા કેટલાક અન્ય સવાલો પણ પૂછવામાં આવે તે શક્ય છે.
સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.
ભારતમાં ઍક્ઝિટ પોલ કરતી મુખ્ય એજન્સીઓ કઈ છે
સી-વોટર, ઍક્સિસ માય ઇન્ડિયા અને સીએનએક્સ ભારતની ચૂંટણીનું વિશ્લેષણ કરતી કેટલીક મુખ્ય એજન્સીઓ છે. ચૂંટણી સમયે અનેક નવી કંપનીઓ પણ આવે છે, જે ચૂંટણી પૂર્ણ થતાં જ ગાયબ થઈ જાય છે.
ઍક્ઝિટ પોલ સંબંધી નિયમ-કાયદા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 126એ હેઠળ ઍક્ઝિટ પોલનું નિયમન કરવામાં આવે છે. ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ ચૂંટણી પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.
ચૂંટણીપંચ ઍક્ઝિટ પોલ બાબતે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત કેવી હોવી જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું તારણ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાતું નથી.
ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણ પ્રકાશિત કરી શકાતાં નથી. એ સિવાય ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી પ્રકાશિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.
ઍક્ઝિટ પોલનાં તારણ સામાન્ય રીતે સાચા હોય છે, ખરાં?
ઍક્ઝિટ પોલ્સ સંબંધી મુદ્દાઓને સમજવા માટે બીબીસીએ જાણીતા ચૂંટણી વિશ્લેષક તથા સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સ્ટડીઝ (સીએસડીએસ) – લોકનીતિના સહ નિર્દેશક પ્રોફેસર સંજયકુમાર સાથે વાત કરી હતી.
પ્રોફેસર સંજયકુમાર તેને હવામાન વિભાગના અનુમાનના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે, “ઍક્ઝિટ પોલનાં તારણ પણ હવામાન વિભાગનાં અનુમાનો જેવાં જ હોય છે. ઘણીવાર બહુ સટિક હોય છે, ઘણીવાર વાસ્તવની આસપાસ હોય છે, જ્યારે ઘણીવાર ખોટાં હોય છે. ઍક્ઝિટ પોલમાં મતદાનની ટકાવારી અને તેના આધારે પક્ષોને મળનારી બેઠકોનું અનુમાન કરવામાં આવે છે.”
તેઓ કહે છે, “2004ની ચૂંટણી આપણે ભૂલવી ન જોઈએ. એ વખતે તમામ ઍક્ઝિટ પોલ્સના તારણમાં કહેવામાં આવ્યુ હતું કે અટલ બિહારી વાજપેયીની સરકાર ફરી સત્તા પર આવશે. પરંતુ તમામ ઍક્ઝિટ પોલ ખોટાં સાબિત થયાં હતાં અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી.”
અલગ-અલગ ઍક્ઝિટ પોલનાં અનુમાન અલગ-અલગ કેમ?
આ સવાલના જવાબમાં એક ઉદાહરણ આપતાં પ્રોફેસર સંજયકુમાર કહે છે, “ઘણીવાર એક જ બીમારીનું નિદાન અલગ-અલગ ડૉક્ટરો અલગ-અલગ રીતે કરતા હોય છે. ઍક્ઝિટ પોલ્સમાં પણ એવું હોઈ શકે છે. અલગ-અલગ એજન્સીઓએ અલગ-અલગ સૅમ્પલિંગ કે અલગ રીતે ફિલ્ડ વર્ક કર્યું હોય એ તેનું કારણ હોઈ શકે છે. કેટલીક એજન્સીઓ ફોન મારફત ડેટા એકઠો કરતી હોય છે. જ્યારે કેટલી એજન્સીઓ પોતાના લોકોને ફિલ્ડમાં મોકલતી હોય છે. તેથી પરિણામ અલગ-અલગ હોઈ શકે છે.”












