ભાજપ કઈ રીતે વૉટ્સઍપ અભિયાન ચલાવી રહ્યો છે અને લોકો કઈ રીતે તેના પર ભરોસો કરે છે?

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અંકુર રાણા સેંકડો વૉટ્સઍપ ગ્રૂપ્સ બનાવે છે
    • લેેખક, યોગિતા લિમાયે, શ્રુતિ મેનન અને જેક ગુડમેન
    • પદ, બીબીસી ન્યૂઝ

ભાજપના કાર્યકર્તા અંકુર રાણા તેમના ફોન પર ઝડપથી ટાઇપિંગ કરી રહ્યા છે. અંકુર એ સેંકડો વૉટ્સઍપ ગ્રૂપમાં મૅસેજ મોકલી રહ્યા છે જેના તેઓ ઍડમિન છે.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ લોકસભા ક્ષેત્રમાં ભાજપના સોશિયલ મીડિયા કૉ-ઓર્ડિનેટરે ગત મહિને જ મતદાન પહેલાં જણાવ્યું હતું કે, “મારી પાસે 400થી 450 વૉટ્સઍપ ગ્રૂપ છે. પ્રત્યેક ગ્રૂપમાં 200થી 300 સદસ્યો છે. એ સિવાય અંદાજે 5000 લોકો સાથે મારો સીધો સંપર્ક છે. આવી રીતે વ્યક્તિગત રૂપે જ હું 10થી 15 હજાર લોકો સુધી પહોંચું છું.”

તેઓ એ પ્રશિક્ષિત અને કાર્યક્ષમ ટીમનો ભાગ છે જેને ભાજપના સંદેશાઓ કરોડો મતદાતાઓ અને સમૂહો સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. ત્યારબાદ આવી અનેક ટીમો ઉત્તર પ્રદેશની અન્ય લોકસભા બેઠકો પર બનાવવામાં આવી હતી.

આ અભિયાન જેટલા મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહ્યું છે એ ચોંકાવનારું છે. ભાજપે આ વખતે 370 બેઠકોના લક્ષ્ય સુધી પહોંચવા માટે અન્ય મૅસેજિંગ ઍપ અને સોશિયલ મીડિયાની સાથે સાથે વૉટ્સઍપને પણ એક મહત્ત્વપૂર્ણ સાધન તરીકે સ્થાન આપ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારત વૈશ્વિક સ્તરે વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે. 50 કરોડથી વધુ લોકો આ મૅસેજિંગ પ્લૅટફૉર્મ પર દરરોજ કલાકો વીતાવે છે.

ભારતીયો વૉટ્સઍપ પર દરરોજ ગુડ મોર્નિંગથી શરૂ કરીને દિવસ દરમિયાન વિવિધ મૅસેજોની સાથે સાથે અનેક ભાષાઓમાં રાજકીય ટિપ્પણીઓ અને મીમ પણ શેર કરે છે.

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી

અંકુર જેવા કાર્યકર્તાઓ એ ચૂંટણી મશીનરીનો અગત્યનો ભાગ છે કે જે એ સુનિશ્ચિત કરે છે કે ભાજપના સંદેશા લોકો સુધી પહોંચે.

બીબીસીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા સોશિયલ મીડિયા કૉ-ઓર્ડિનેટર તરીકે કામ કરનારા ભાજપના વધુ 10 કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી હતી. એ તમામ લોકોએ જણાવ્યું હતું કે તેઓ સેંકડો વૉટ્સઍપ ગ્રૂપ્સ ચલાવે છે અને આ ગ્રૂપ્સમાં 200થી 2000 જેટલા સભ્યો હોય છે.

આ એક અતિશય નિયંત્રિત અભિયાન છે. મેરઠના એક ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું કે દિલ્હી સ્થિત પાર્ટીના હેડક્વાર્ટર્સથી રાજકીય સંદેશાઓ અને હૅશટૅગ મોકલવામાં આવે છે.

આ સંદેશાઓમાં વડા પ્રધાન અને પક્ષના ગુણગાન હોય છે તથા વિપક્ષની ટીકા કરતું હોય તેવું કન્ટેન્ટ પણ આપવામાં આવે છે. તેને રાજ્યસ્તરે સ્થાપિત હેડક્વાર્ટર્સે ટ્રૅન્ડ કરાવવાના હોય છે.

આ હેડક્વાર્ટર્સથી મેરઠના અંકુર સહિત 180 કાર્યકર્તાઓ સુધી આ સંદેશાઓ પહોંચે છે. આ કાર્યકર્તાઓ મોકલાયેલા સંદેશાઓને આગળ વધારે છે. અંતે એ સંદેશાઓ ભાજપના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સુધી પહોંચી જાય છે.

દરરોજ એકથી દોઢ લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વિપિને અમને એક કાગળ બતાવ્યો હતો જેમાં 60 લોકોનાં નામ, ફોટો અને અન્ય જાણકારીઓ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંકુર કોઈપણ પ્રકારના મહેનતાણા વિના ભાજપ માટે કામ કરે છે. જ્યારે તેઓ ભાજપ માટે કામ કરી રહ્યા ન હોય ત્યારે તેઓ મુંબઈમાં ડિજિટલ માર્કેટિંગ કંપની પણ ચલાવે છે.

તેમનું કહેવું છે કે યુવાનો સુધી પહોંચવા માટે વૉટ્સઍપ સૌથી વધુ ઉપયોગમાં આવે છે.

અંકુર જણાવે છે કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો ફેસબુક પર વધુ સક્રિય છે.

તેઓ કહે છે કે, “અમારું લક્ષ્ય પ્રતિદિન એક લાખથી દોઢ લાખ નવા લોકો સુધી પહોંચવાનું છે.”

વિશેષજ્ઞો માને છે કે ભાજપ સોશિયલ મીડિયા અભિયાનમાં તેમના પ્રતિદ્વંદ્વીઓથી ઘણા આગળ છે. પરંતુ પક્ષના કાર્યકર્તાઓનું કહેવું છે કે એ વ્યક્તિગત સંપર્ક વિના શક્ય નથી.

મેરઠમાં એક બૂથમાં ભાજપના પ્રભારી વિપિન વિમલાએ કહ્યું હતું, “પક્ષના પ્રત્યેક સદસ્યને 60 મતદાતાઓ સુધી પહોંચવાની જવાબદારી આપવામાં આવી છે. એ પક્ષનો કાર્યકર્તા હોય કે અધ્યક્ષ, તેણે આ જવાબદારી નિભાવવી પડે છે.”

“જે 60 મતદારોની અમને જવાબદારી સોંપવામાં આવી છે તેમની સાથે સતત સંપર્ક જાળવી રાખવાનો છે, તેમને મળવાનું ચાલુ રાખવાનું છે જેથી તેમને ભાજપને મત આપવા માટે પ્રોત્સાહિત કરી શકાય. તેમના ફોન નંબર મેળવવા અને તેમને અમારા વૉટ્સઍપ ગ્રૂપમાં સામેલ કરવાની જવાબદારી પણ અમારી છે.”

વિપિને આ મતદારો માટે એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું છે, જેનું નામ છે 'હ્યુમેનિટી ઇઝ લાઇફ'. આ નામ દર્શાવે છે કે ગ્રૂપને વધુ રાજકીય ન બનાવવું એ પણ અભિયાનનો એક ભાગ છે.

પરંતુ જેમ દરેક લોકો જાણે છે તેમ, ઇન્ટરનેટ પર કોઈપણ વર્ણનને સંપૂર્ણપણે નિયંત્રિત કરવું અશક્ય છે.

જ્યારે એ નૅરેટિવ કોઈ પ્રાઇવેટ વૉટ્સઍપ એકાઉન્ટ અને ગ્રૂપ્સમાં શેર કરવામાં આવ્યો હોય છે ત્યારે એ શોધવું ખૂબ મુશ્કેલ બની જાય છે કે કોણે આ સંદેશ લખ્યો છે અથવા તો સંદેશાઓ ક્યાંથી આવ્યા છે.

કેવા મૅસેજ મોકલવામાં આવે છે?

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આવો જ એક વાઇરલ મૅસેજ કે જેને અનેક ગ્રૂપ્સમાં કેટલીયવાર ફૉરવર્ડ કરવામાં આવ્યો હતો તેને બીબીસીએ વાંચ્યો હતો. આ મૅસેજમાં કૉંગ્રેસ ઉપર તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મૅસેજમાં લખવામાં આવ્યું હતું કે, “કૉંગ્રેસે પહેલાં જ ભારતને ઇસ્લામિક દેશ બનાવી દીધો હતો. બસ તેમણે ક્યારેય તેની અધિકૃત રીત જાહેરાત કરી નહોતી.”

મૅસેજમાં એવી 18 બાબતો લખવામાં આવી હતી કે જેનાથી એવું લાગે કે કૉંગ્રેસ મુસ્લિમ સમુદાયનો પક્ષ લેતી હોય.

આ મૅસેજ સૌથી પહેલા ક્યાંથી આવ્યો તેની ભાળ મેળવવી મુશ્કેલ છે. પરંતુ આ મૅસેજ ભાજપના નેતૃત્ત્વ દ્વારા હાલના અઠવાડિયાઓમાં ચૂંટણી રેલીઓ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓને પ્રતિબિંબિત કરતો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણીસભાઓમાં એવો દાવો કર્યો હતો કે જો વિપક્ષ સત્તામાં આવી જશે તો તે લોકોની સંપત્તિને ‘ઘુસપેઠિયા’ લોકોમાં વહેંચી દેશે. વડા પ્રધાનની આ ટિપ્પણીને મુસ્લિમોના સંદર્ભમાં જોવામાં આવી હતી. ત્યારપછી નરેન્દ્ર મોદી પર ઇસ્લામોફોબિયા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.

ભાજપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વાતને રજૂ કરતા એનિમેટેડ વીડિયો પણ શેર કર્યા છે. આ સાથે જ ભાજપના નેતાઓએ એવા ખોટા દાવાઓ કર્યા છે કે આ બધું કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં લખવામાં આવ્યું છે. કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં ધનના પુન:વિતરણ કે મુસ્લિમો જેવા શબ્દનો ઉલ્લેખ જ નથી.

રટગર્સ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કિરણ ગરિમેલા કે જેઓ ભારતમાં વૉટ્સઍપના ઉપયોગ પર સંશોધન કરી રહ્યાં છે તેઓ કહે છે કે રાજકીય પક્ષોની સત્તાવાર વિચારધારા ઘણીવાર ખાનગી જૂથોમાં પણ પ્રતિબિંબિત થતી દેખાય છે. પરંતુ ફરીથી એ ખાતરી કરવી મુશ્કેલ બની જાય છે કે અધિકૃત શું છે અને અનૌપચારિક શું છે.

કિરણ કહે છે, “તેના માટે ઉપરથી નીચે સુધી ભાર આપવામાં આવી રહ્યો છે. આઈટી સેલ (ભાજપની સોશિયલ મીડિયા ટીમ)નું ઑપરેશન છે અને પછી તેની આસપાસ સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે, જેનો સતત ફેલાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આમાં મુખ્ય પ્રયોગ એ થઈ રહ્યો છે કે સામાન્ય લોકો પણ આ પ્રકારની વિચારધારાને ફેલાવવામાં ભૂમિકા ભજવી રહ્યા છે.”

તેઓ કહે છે, "વૉટ્સઍપની પ્રકૃતિને જોતાં એ સમજવું મુશ્કેલ છે કે કયું કન્ટેન્ટ આઈટી સેલનું છે અને કયું પક્ષના સમર્થકોનું છે."

મૅસેજ ભલે કોઈ એક પ્લૅટફૉર્મથી ઉદ્ભવતો હોય પણ એ બીજા મીડિયા પ્લૅટફૉર્મ પર પણ ફરવા લાગે છે. જેનાથી લોકો આશ્વસ્ત થઈ જાય છે કે જે તેઓ જોઈ રહ્યા છે એ સત્ય છે.

ભાજપની જાહેરાત

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BJP

ઇમેજ કૅપ્શન, આ જાહેરાત દર્શાવે છે કે ઍરપૉર્ટ પર માતાપિતા તેમનાં બાળકોની રાહ જોઈ રહ્યા હોય છે અને એક યુવતી તેનાં માતાપિતાને દોડીને આવીને ગળે વળગીને કહે છે 'મોદીએ યુદ્ધ રોકાવી દીધું પપ્પા'

ભાજપના નવા પ્રચારમાં એક જાહેરાતમાં દેખાય છે કે વડા પ્રધાન મોદીએ યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકાવી દીધું હતું.

આ દાવો પહેલી વાર માર્ચ 2022માં યુદ્ધ શરૂ થયું ત્યાર પછી તરત ઍક્સ પર અનેક યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. કેટલીક સમાચાર ચેનલોએ પણ વધારી-વધારીને રજૂ કર્યું હતું.

એ સમયે ભારતના વિદેશ મંત્રાલયે આ દાવાને ફગાવી દીધો હતો. એક પ્રવક્તાએ કહ્યું હતું કે, “એ કહેવું કે કોઈએ યુદ્ધ રોકાવી દીધું હતું એ સંપૂર્ણ રીતે ખોટું છે.”

હવે બે વર્ષ પછી ભાજપના ટોચના નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર જાહેરાતને ખૂબ જોવામાં આવી હતી. ભાજપે એ સવાલનો જવાબ ન આપ્યો કે એ આ દાવાઓનો વારંવાર પુનરોચ્ચાર કેમ કરી રહ્યો છે.

મેરઠ યુનિવર્સિટીની બહાર અમે 20 વર્ષથી વધુ ઉંમરના એ વિદ્યાર્થીઓને પણ મળ્યા કે જેઓ પહેલી વાર મતદાન કરવાના હતા.

અમે તેમને પૂછ્યું હતું કે શું તેમણે આ દાવો સાંભળ્યો છે કે તેઓ આ દાવા પર વિશ્વાસ કરે છે કે નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓએ એ જણાવ્યું હતું કે તેમણે આ વીડિયો ઍક્સ પર જોયો છે.

સોશિયલ મીડિયાનો પ્રભાવ અવગણી શકાય તેવો નથી

ભાજપ, સોશિયલ મીડિયા, વૉટ્સઍપ, બીબીસી ગુજરાતી

પોતાના મિત્રો સાથે સહમત થતા વિશાલ વર્માએ કહ્યું, “હા, નિશ્ચિતપણે અમે માનીએ છીએ કે ભારતના અનુરોધને કારણે યુદ્ધ રોકવામાં આવ્યું હતું.”

આસપાસ એકઠાં થયેલા અન્ય લોકોએ પણ હકારમાં માથું હલાવ્યું હતું. માત્ર થોડા લોકો જ અસહમત હતા.

કબીરે કહ્યું, “એ સાચી વાત નથી. મેં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોને જોયા છે. જેમાં તેમણે કહ્યું છે કે સરકારે તેમની મદદ કરી નથી.”

અમે એ જ સવાલ નજીકના ગામના લોકોને પૂછ્યો હતો. તેમાંથી અનેક લોકોએ આ સમાચાર ટીવી પર જોયા હોવાનું સ્વીકાર્યું હતું.

41 વર્ષીય ખેડૂત સંજીવ કશ્યપે કહ્યું, "હા, યુદ્ધ બંધ કરવામાં આવ્યું કારણ કે મોદીનું વૈશ્વિક સ્તરે સંમાન કરવામાં આવે છે."

75 વર્ષીય જગદીશ ચૌધરીએ કહ્યું, "જુઓ, અમે સાંભળ્યું છે કે યુદ્ધ બંધ થઈ ગયું છે, અમે પોતે ત્યાં જઈને જોયું નથી. પરંતુ મને લાગે છે કે તેમાં કંઈક સત્ય હોવું જોઈએ." અન્ય ચાર ગ્રામજનો પણ તેની સાથે સહમત હતા.

લોકો કઈ વાતો પર વિશ્વાસ કરે છે તેને પ્રભાવિત કરી શકવું એ મોટી તાકાત છે. અંતે લોકો કોને મત આપશે તેને પણ પ્રભાવિત કરી શકાય છે.