અંતે ચૂંટણીપંચે પાંચ તબક્કામાં કુલ કેટલા મતદારોએ મતદાન કર્યું તેના આંકડાઓ આપ્યા

ઇમેજ સ્રોત, EPA
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પછી ચૂંટણીપંચે શનિવારે પ્રત્યેક લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારોએ મતદાન કર્યું તેનો ડેટા જાહેર કરી દીધો છે.
જોકે, ચૂંટણીપંચે ફૉર્મ 17-સીનો તમામ ડેટા જાહેર કર્યો નથી.
ચૂંટણીપંચે આ આંકડાઓ જાહેર કરતી વખતે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ ચૂંટણીપંચની એ મોટી જવાબદારી છે કે દેશમાં ઇલેક્ટોરલ ડેમોક્રસી પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
ચૂંટણીપંચે આ સાથે જ એ વાત પર ભાર મૂક્યો છે કે આ ડેટાને કોઈ બદલી શકે નહીં. તેમણે કહ્યું છે કે ફૉર્મ 17-સી હેઠળ રેકૉર્ડ થયેલો ડેટા ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સને આપવામાં આવ્યો છે. આ ડેટા સાથે કોઈ છેડછાડ કરી ન શકે અને તે સ્વતંત્ર રીતે વેરિફાઇ કરવામાં આવેલો છે.
ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડામાં પાંચ તબક્કામાં જેટલી બેઠકો પર મતદાન સંપન્ન થઈ ગયું છે તેના પર કુલ કેટલા મતદારોએ મતદાન કર્યું તેના સ્પષ્ટ આંકડાઓ જાહેર કર્યા છે.
આ આંકડાઓથી દેશમાં કુલ કેટલા મતદારોએ મતદાન કર્યું, રાજ્યવાર કેટલા મતદારોએ મતદાન કર્યું એ આંકડાઓનું પણ સ્પષ્ટીકરણ મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષો તથા અનેક સંગઠનો વારંવાર એ મુદ્દો ઉઠાવી રહ્યા હતા કે ચૂંટણીપંચ મતદાન કર્યું હોય તેવા મતદારોનો કુલ આંકડો કેમ જાહેર કરતું નથી.
તેઓ સતત માંગ કરી રહ્યા હતા કે ફૉર્મ 17સી હેઠળ મતદારોની સંખ્યા સંબંધિત તમામ આંકડાઓને જાહેર કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંકડાઓ અનુસાર દેશમાં ક્યાં કેટલું મતદાન થયું?

ઇમેજ સ્રોત, ECI
ચૂંટણીપંચે પાંચ તબક્કામાં જે 402 બેઠકો પર મતદાન સંપન્ન થયું તેના આંકડાઓ આપ્યા છે.
આ આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 402 લોકસભા બેઠકો પર દેશના 507297468 (50.72 કરોડથી વધુ) લોકોએ મતદાન કર્યું છે.
તબક્કાવાર કેટલા લોકોએ મતદાન કર્યું?
પહેલો તબક્કો -102 બેઠકો- 66.14 ટકા મતદાન – 110052103 મતદારો
બીજો તબક્કો- 88 બેઠકો- 66.71 ટકા મતદાન – 105830572 મતદારો
ત્રીજો તબક્કો- 93 બેઠકો- 65.68 ટકા મતદાન – 113234676 મતદારો
ચોથો તબક્કો- 96 બેઠકો – 69.16 ટકા મતદાન – 122469319 મતદારો
પાંચમો તબક્કો- 49 બેઠકો -62.20 ટકા મતદાન – 55710618 મતદારો
ગુજરાતમાં સૌથી વધારે મતદાન ક્યાં?

ઇમેજ સ્રોત, ECI/X
ચૂંટણીપંચે ગુજરાતની પણ તમામ લોકસભા બેઠકો પર કેટલા મતદારોએ મતદાન કર્યું તેના આંકડાઓ જાહેર કરી દીધા છે.
જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જો કુલ મતદાન કરનારા લોકોનો આંકડો જોઇએ તો સૌથી ઓછા મતદારો અમરેલી લોકસભાના નોંધાયા છે. અહીં 8,71,373 (8.71 લાખથી વધુ) લોકોએ મતદાન કર્યું છે.
જ્યારે સૌથી વધુ બનાસકાંઠામાં 13,65,989 (13.65 લાખથી વધુ) મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે.
અન્ય બેઠકો પર મતાધિકારનો પ્રયોગ કરનારા લોકોની સંખ્યા:
અમદાવાદ પૂર્વ – 11,15,317
અમદાવાદ પશ્ચિમ – 9,57,573
આણંદ – 11,57,763
બારડોલી – 13,27,669
ભરૂચ – 11,91,877
ભાવનગર- 10,33,629
છોટા ઉદેપુર- 12,59,760
દાહોદ- 11,12,211
ગાંધીનગર- 13,05,197
જામનગર- 10,48,410
જૂનાગઢ- 10,57,462
કચ્છ- 10,90,878
ખેડા- 11,66,619
મહેસાણા- 10,59,938
નવસારી- 13,26,542
પંચમહાલ- 11,16,171
પાટણ- 11,82,950
પોરબંદર- 9,16,519
રાજકોટ- 12,60,768
સાબરકાંઠા- 12,56,210
સુરેન્દ્રનગર- 11,20,128
વડોદરા- 12,00,768
વલસાડ- 13,52,413
તાજેતરમાં આંકડાઓ અંગે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યો

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીપંચે આ પહેલાં કુલ કેટલા મતદારોએ મતદાન કર્યું તે અંગેના આંકડાઓ આપ્યા ન હતા.
ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ એટલે કે એડીઆરે કરેલી અરજીમાં એ માગ કરી હતી કે ચૂંટણીપંચ દ્વારા મતદાન થયાના 48 કલાકની અંદર દરેક પોલિંગ બૂથ પર પડેલા મતોના આંકડાઓ જાહેર કરવામાં આવે.
એડીઆરે પોતાની અરજીમાં ફૉર્મ-17સીની સ્કેન કરેલી કૉપી પણ ચૂંટણીપંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માગ કરી હતી.
17મી મેના રોજ સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચને આ મામલે જવાબ આપવાનું કહ્યું હતું.
22મી મેના રોજ ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને તેનો જવાબ આપ્યો હતો.
ચૂંટણીપંચે કહ્યું હતું, “વેબસાઇટ પર દરેક મતદાનકેન્દ્ર પર થયેલા મતદાનના આંકડાઓ સાર્વજનિક કરવાથી ચૂંટણી મશીનરીમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ જશે. આ મશીનરી પહેલાંથી જ લોકસભા ચૂંટણી માટે કામ કરી રહી છે.”
વિપક્ષો તરફથી મતદાનની ટકાવારી મોડેથી જાહેર કરવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે આ પ્રકારના આરોપોને નકાર્યા હતા.
ચૂંટણીપંચે ફૉર્મ-17સી જાહેર ન કરવા અંગે કહ્યું હતું કે, “સંપૂર્ણ જાણકારી આપવી અને ફૉર્મ-17સીને સાર્વજનિક કરવું એ કાયદાકીય ફ્રેમવર્કનો ભાગ નથી. તેનાથી સંપૂર્ણ ચૂંટણીપ્રક્રિયામાં ગડબડ થઈ શકે છે. આ આંકડાની તસવીરોને મૉર્ફ કરવામાં આવી શકે છે, તેની સાથે ચેડા થઈ શકે છે.”
જોકે, ચૂંટણીપંચે પોતાના આ નિવેદનના એક દિવસ બાદ જ કુલ મતદારોની સંખ્યા તથા તેમાંથી કેટલા લોકોએ મતદાન કર્યું તેના આંકડાઓ જાહેર કર્યા છે.
ફૉર્મ 17-સી શું છે?

ઇમેજ સ્રોત, ECI
સરળ ભાષામાં કહીએ તો આ ફૉર્મમાં એ વાતની જાણકારી હોય છે કે એક મતદાનકેન્દ્ર પર કેટલા મત પડ્યા છે.
ચૂંટણીપંચની વેબસાઇટ પર ફૉર્મ-17સી ઉપલબ્ધ છે. આ ફૉર્મમાં આવી માહિતી હોય છે.
- ઈવીએમનો સિરિયલ નંબર શું છે?
- મતદાનકેન્દ્ર પર મતદાતાઓની સંખ્યા કેટલી છે?
- 17-એ હેઠળ મતદાઓના રજિસ્ટરમાં મતદારોની સંખ્યા શું છે?
- નિયમ 49-એએમ હેઠળ એ મતદાતાઓની સંખ્યા, જેમને મત આપવા દેવામાં ન આવ્યો
- ઇવીએમમાં પડેલા કુલ મતોની સંખ્યા
- બૅલેટ પેપર્સની સંખ્યા શું છે?
- છ પોલિંગ એજન્ટની સહીઓ
- ચૂંટણી અધિકારીની સહી
આ ફૉર્મનો એક અન્ય ભાગ પણ હોય છે જેને મતગણતરીના દિવસે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ફૉર્મમાં લખવામાં આવે છે કે કોઈ એક ઉમેદવારને કેટલા મતો મળ્યા છે.
કંડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ 1961ના 49એ અને 56સી હેઠળ ચૂંટણી અધિકારીએ ફૉર્મ 17-સીના પાર્ટ-1માં મતોની જાણકારી ભરવાની હોય છે.
ચૂંટણી અધિકારીએ આ જાણકારી મતદાન પૂર્ણ થાય તે પછી પોલિંગ એજન્ટ્સને આપવાની હોય છે.












