મોદીને M અક્ષર સાથે પ્રેમ છે એટલે જ મુસ્લિમ, મટન અને મંગળસૂત્રની વાતો કરે છે : મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી
    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે વડા પ્રધાન મોદીને M અક્ષર સાથે બહુ પ્રેમ છે, એટલે તેઓ સતત મુસ્લિમ, મટન અને મંગળસૂત્રની વાતો કરતા રહે છે.

બીબીસી સાથે વિશેષ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે પ્રજા જ મોદી સરકાર સામેની લડાઈ લડી રહી છે, જેથી ઇન્ડિયા ગઠબંધન ચોક્કસપણે સરકાર બનાવશે.

‘પ્રજા પોતે જ ચૂંટણી લડી રહી છે’

લોકસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, તેમની સાથે વાતચીત ચોથા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં 12મેના દિવસે થઈ હતી.

મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે અત્યાર સુધીનો ચૂંટણીનો માહોલ જોતાં તેમને એવું પ્રતીત થાય છે કે મોદી સરકાર સામે પ્રજા પોતે જ ચૂંટણી લડી રહી છે અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે.

ખડગેએ કહ્યું હતું કે, “પ્રજા પોતે જ મોદી સામે ચૂંટણી લડી રહી છે અને અમે તેમનો સાથ આપી રહ્યા છીએ. અમારા ગઠબંધનને વધુમાં વધુ બેઠકો મળવાની છે અને અમે મોદી સરકારને રોકી શકીશું.”

બીજી તરફ ભાજપના નેતૃત્ત્વ હેઠળના એનડીએ ગઠબંધન દ્વારા પણ પોતાની જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક મોટા નેતાઓ લગભગ દરેક સભામાં 400 બેઠકો જીતવાનો દાવો કરતા રહ્યા છે.

ભાજપના આ દાવા અંગે ટોણો મારતાં ખડગેએ કહ્યું હતું કે, “400 બેઠકો પાર કરવાનો નારો તો તેઓ ઘણા સમયથી આપી રહ્યા છે. એ આપણું સારું નસીબ છે કે તેઓ 600 પારનો નારો નથી આપી રહ્યા. કારણે કે ભારતમાં લોકસભાની સભ્યસંખ્યા 543 જ છે.”

ભાજપના દાવાઓને નકારવા એ અલગ વાત છે તથા ઇન્ડિયા ગઠબંધનની જીતનો વિશ્વાસ હોવો એ પણ અલગ વાત છે. એ અંગે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, “બેરોજગારી. મોંઘવારી, ખેડૂતોના મુદ્દાઓ અને ગરીબોની આવક ઘટવાને કારણે લોકોમાં જે નારાજગી છે એ જ ભાજપની હારનું કારણ બનશે.”

તેમના કહ્યા અનુસાર આ ચાર કારણોને લીધે જ ચૂંટણીમાં પ્રજાએ ભાજપને નકારી દીધો છે અને લોકો ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપી રહ્યા છે. આથી, અમે જીતી રહ્યા છીએ.

ચૂંટણીપંચ વિશે શું બોલ્યા ખડગે?

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી રહેલા બીબીસી સંવાદદાતા ઇકબાલ અહમદ

હાલમાં જ ચૂંટણીપંચ તરફથી પહેલા બે તબક્કાઓના મતદાનની ટકાવારી મોડેથી જાહેર કરવાનો મામલો ચર્ચામાં હતો. કૉંગ્રેસે ચૂંટણીપંચના આ વલણને અસ્વીકાર્ય ગણાવ્યું હતું.

ખડગેએ આ મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પણ એક પત્ર લખ્યો હતો. ચૂંટણીપંચે ખડગેના આ પત્રને ‘ચૂંટણીપ્રક્રિયાની એક મહત્ત્વપૂર્ણ કડી પર હુમલો’ ગણાવ્યો હતો.

ખડગેએ તેના પર વાંધો રજૂ કરતા કહ્યું હતું કે ચૂંટણીપંચે ઇન્ડિયા ગઠબંધનના સાથીઓને લખેલા પત્રનો જવાબ તો આપ્યો, પરંતુ અમે જ્યારે ચૂંટણીપંચને સંબોધીને અનેક ફરિયાદો કરી ત્યારે ચૂંટણીપંચે તેનો જવાબ આપવાનું જરૂરી ન ગણ્યું.

બીબીસી સાથે વાતચીતમાં ખડગે પૂછે છે કે જે દિવસે મતદાન સંપન્ન થાય છે એ જ દિવસે આંકડાઓ જાહેર કરવામાં શું વાંધો છે.

તેમણે કહ્યું, “અમે મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે છીએ. પરંતુ જ્યાં ભૂલો થાય છે અને એ અમારા ધ્યાનમાં આવે તો એ અમારી ફરજ બને છે કે અમે તેમને સુધારવા માટે સલાહ આપીએ. લોકશાહીને સાચા રસ્તે લઈ જવા માટે એ જરૂરી છે. પરંતુ આ લોકો તો અમારા પર જ વળતો આરોપ લગાવે છે. તેઓ જો જલદી આંકડાઓ સાર્વજનિક કરે તો સાચી વાતની ખબર પડે.”

‘મોદી તેમના કામના આધારે મત નથી માંગતા’

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણીને રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી બનાવી રહ્યા છે?

આ સવાલના જવાબમાં ખડગે કહે છે કે, “વડા પ્રધાન મોદી, વિકાસ અથવા તો તેમણે કરેલાં કામના આધારે મત માંગતા નથી. તેઓ માત્ર લોકો પર વ્યક્તિગત ટિપ્પણી કર્યા કરે છે.”

ખડગે અનુસાર કૉંગ્રેસ પોતાનાં કામ ગણાવીને મતો માંગે છે, જ્યારે ભાજપે તેનાં વચનો પૂરા કર્યાં નથી.

તેઓ કહે છે, “જે વસ્તુ અમારી પાસે બોલવા માટે છે એ અમે બોલી રહ્યા છીએ અને અમે તેના આધારે મત માંગી રહ્યા છીએ. તેમણે જેટલું કહ્યું હતું એમાંથી કશું નક્કર નીકળ્યું નહીં. જેમકે, હું બીજા દેશોમાંથી પૈસા લાવીને 15 લાખ આપીશ, દર વર્ષે 2 કરોડ નોકરી આપીશ, ખેડૂતોની આવક બમણી કરીશ, અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન લાવીશ વગેરે...ક્યાં છે આ બધું?”

અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોદી વિરુદ્ધ રાહુલ કરવાને કારણે ભાજપને ચૂંટણીમાં લાભ મળે છે કારણ કે જમીની સ્તરે મોદી સામે રાહુલ ક્યાંય ટકી શકતા નથી.

રાજકીય સમીક્ષકો સિવાય કૉંગ્રેસ છોડીને જનારા અનેક નેતાઓ હંમેશાં એવા આરોપો લગાવતા રહે છે કે રાહુલ ગાંધી રાજકારણને મામલે ગંભીર નથી અને કૉંગ્રેસી નેતાઓ તથા કાર્યકર્તાઓ તેમને સહેલાઈથી મળી શકતા નથી.

મોદી વિરુદ્ધ રાહુલ મામલે ખડગે રાહુલ ગાંધીનો બચાવ કરતાં કહે છે, “આમ બોલનારા લોકો મીડિયામાં પણ છે અને બહાર પણ છે. અમારા જે નેતા કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધી પગપાળા યાત્રા કરે છે, લાખો-કરોડો લોકોને મળે છે, શું તેમને જમીની વાસ્તવિકતાની ખબર નથી? મણિપુરથી મુંબઈ સુધી તેઓ દરેક વર્ગના લોકોને મળ્યા છે. આટલું બધું કરવા છતાં પણ રાહુલ વિરુદ્ધ મોદીનું ચિત્ર ઊભું કરવામાં આવે છે. ”

આની સરખામણી હિટલરના સમયમાં કરવામાં આવતા પ્રચાર સાથે કરતાં ખડગે કહે છે, “હિટલરના સમયમાં પ્રચારમંત્રી ગોબેલ્સ હતો એ પણ આમ જ કરતો હતો. કામ ઓછું વાતો વધારે. લોકોમાં જોશ ભરવા માટે ખોટા વાયદા આ બધું છોડીને તમારે તમારા કામ પર મતો માંગવા જોઈએ.”

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદીની ભાષા પર ટિપ્પણી કરતાં ખડગે કહે છે, “તેઓ M શબ્દને ખૂબ પ્રેમ કરે છે. આથી, તેમના મુખમાંથી હંમેશાં, મુસલમાન, મટન, માછલી, મંગળસૂત્ર જેવા શબ્દો જ નીકળે છે.”

મોદી ચૂંટણી રેલીઓમાં સતત કહી રહ્યા છે કે કૉંગ્રેસ દલિતો અને પછાતવર્ગો પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપશે.

મોદી એમ પણ કહી રહ્યા છે કે કૉંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓનાં મંગળસૂત્ર પણ છીનવી લેવામાં આવશે.

મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, “એ વડા પ્રધાન કે જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, તે મટન, ચિકન અને મંગળસૂત્રની વાત કરે છે તો શું તે વિશ્વગુરુ બની શકે છે? પહેલા તમારા દેશનું ધ્યાન રાખો, લોકોની સંભાળ રાખો. ગરીબો માટે કંઈક કરો.”

ખડગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી સામાજિક ન્યાય કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ કોઈની પાસેથી કંઈપણ છીનવીને બીજાને આપવાનો કોઈ ઇરાદો નથી.

તેમણે કહ્યું કે આપણે બંધારણનું પાલન કરવાનું છે અને તેમાં ધર્મના આધારે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

અમેઠી-રાયબરેલી પર શું બોલ્યા મલ્લિકાર્જુન ખડગે?

શું કૉંગ્રેસે અમેઠીથી સ્મૃતિ ઈરાનીને વૉકઓવર (જીત માટેનું મોકળું મેદાન) આપી દીધું છે? રાહુલ ગાંધી માત્ર રાયબરેલીથી જ ચૂંટણી કેમ લડી રહ્યા છે?

આ સવાલના જવાબમાં ખડગે કહે છે કે તેઓ (ભાજપ) સમજે છે કે અમેઠીમાં વૉકઓવર આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો વૉકઓવર આપવામાં આવે તો ભાજપ ઘરે બેસી ગયો હોત.

તેમણે કહ્યું કે અમેઠી-રાયબરેલી કૉંગ્રેસનો ગઢ છે, ત્યાં કૉંગ્રેસના ચાહનારા લોકોની સંખ્યા અતિશય વધારે છે.

ખડગે કહે છે કે, "સોનિયા ગાંધીની તબિયત જોઈને અમે જ તેમને કહ્યું હતું કે તેમણે ચૂંટણી ન લડવી જોઈએ અને રાજ્યસભામાં જવું જોઈએ. એ જગ્યા (રાયબરેલી) કે જ્યાંથી તેમના પરિવારના સભ્યો હંમેશાં ચૂંટણી લડતા હતા ત્યાં અમે તેમને (રાહુલ ગાંધી)ને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો હતો. અમેઠીથી એક સારા કાર્યકર્તાને કે જેઓ બંને લોકસભા મતવિસ્તારોની સંભાળ રાખતા હતા, તેમને ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.”

ખડગે કહે છે કે અમેઠીની લડાઈ પ્રિયંકા ગાંધી પોતે જ લડી રહ્યાં છે.

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસથી સામાજિક ન્યાયની વાત કરી રહ્યા છે તો શું નેવુંના દાયકામાં તત્કાલીન વડા પ્રધાન નરસિંમ્હા રાવ અને નાણામંત્રી ડૉ. મનમોહનસિંહની આર્થિક ઉદારીકરણની નીતિઓ પર કૉંગ્રેસ પુન:વિચાર કરી રહી છે?

આ પ્રશ્નના જવાબમાં ખડગેએ કહ્યું કે પાર્ટી સમયને અનુકૂળ નિર્ણયો કરતી હોય છે.

પરંતુ શું સામાજિક ન્યાયની વાત કરીને કૉંગ્રેસ ઉત્તર ભારત અને ખાસ કરીને હિન્દી બૅલ્ટમાં પોતાના રાજકીય મૂળિયાં ફરીથી મજબૂત કરવાની કોશિશ કરી રહી છે?

આ સવાલના જવાબમાં મલ્લિકાર્જુન ખડગે કહે છે કે, “કૉંગ્રેસ નક્કર પગલાંઓ ભરવા માંગે છે. એટલા માટે જ પાર્ટી ગરીબો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને શ્રમિકો માટે પાંચ ન્યાયની વાત લઈને આવી છે. બીજી તરફ ઉદ્યોગો પણ બચવા જોઈએ, આપણા કામદારોનું પણ જતન થવું જોઈએ. અમે એવી નીતિઓની પસંદગી કરીશું જેનાથી દેશ આગળ વધે.”

રાહુલ ગાંધીને માટે કેટલાક લોકો એમ પણ કહેતા આવ્યા છે કે તેઓ ‘ઍન્ટિ-બિઝનેસ’ વાતો કરી રહ્યા છે. કૉંગ્રેસનું તેના પર શું કહેવું છે?

આ સવાલના જવાબમાં ખડગે પૂછે છે કે કૉંગ્રેસ જે નીતિઓને પહેલાં લાગુ કરતી આવી છે તેનાથી શું કોઈ ઉદ્યોગો બંધ થઈ ગયા?

તેઓ કહે છે, “જ્યારે પણ કોઈ નવો નિર્ણય લેવામાં આવે છે એ પરિસ્થિતિને જોઈને લેવામાં આવે છે. અમે ઇચ્છતા હતા કે અમીર લોકો પર વધુ ટૅક્સ લાગે, પણ તેમણે તો અમીરો પરના ટૅક્સને ઘટાડી દીધો. અમે ઇચ્છતા હતા કે જીએસટી ખેડૂતો પર ન લગાવવામાં આવે. તેમણે ખેડૂતો પર પણ જીએસટી લગાવ્યો.”

કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધનના પ્રચાર માટે અન્ય રાજ્યોમાં જશે ?

મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર છૂટ્યા છે અને તેમણે ચૂંટણીપ્રચાર પણ આરંભી દીધો છે. પરંતુ કેજરીવાલ ઇન્ડિયા ગઠબંધન તરફથી દિલ્હી અને પંજાબ સિવાયનાં અન્ય રાજ્યોમાં પ્રચાર માટે જશે?

આ અંગે ખડગેએ કહ્યું હતું કે, “ઇન્ડિયા ગઠબંધનમાં જે નેતાની જ્યાં જરૂર હશે ત્યાં તેને મોકલવામાં આવશે.”

અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ભાજપની બેઠકો ઓછી થશે તો એવા પ્રાદેશિક પક્ષોનું મહત્ત્વ ઘણું વધી જશે કે જેઓ હાલમાં એનડીએ કે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી.

કૉંગ્રેસ શું બીજેડી, વાયએસઆર, બીઆરએસ જેવા પક્ષોના સંપર્કમાં છે કે જેઓ એકપણ ગઠબંધનનો ભાગ નથી?

આ અંગે મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધન આ અંગે નિર્ણય લેશે.