ક્ષત્રિયોએ ભાજપની જ વ્યૂહરચનાનો એની સામે જ કઈ રીતે ઉપયોગ કર્યો?

ક્ષત્રિય અસ્મિતા આંદોલનનો ધર્મરથના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પ્રચાર થઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, YUVARAJSINH JADEJA FACEBOOK

ઇમેજ કૅપ્શન, ક્ષત્રિય અસ્મિતા આંદોલનનો ધર્મરથના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પ્રચાર થઈ રહ્યો છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મંગળવારે ગુજરાત સહિત દેશનાં 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન યોજાયું. એક લાખ 85 હજાર પોલિંગ બૂથ પર 17 કરોડ 24 લાખ નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દેશભરની 93 બેઠકમાં ગુજરાતની 25 બેઠક લોકસભા સીટનો પણ સમાવેશ થતો હતો. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ભાજપ અગાઉથી જ સુરતની બેઠક બિનહરીફ જીતી ચૂક્યો છે.

એક સમયે ગુજરાતમાં ભાજપતરફી માહોલ જોવા મળતો હતો, પરંતુ રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય આંદોલન ઊભું થયું, જેના કારણે રાજ્યમાં અને વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં પાર્ટીને માટે કપરાં ચઢાણ સાબિત થાય તેમ છે.

રૂપાલાએ પોતાના નિવેદન વિશે વારંવાર માફી માગી હતી અને પાર્ટીના રાજપૂત નેતાઓએ પણ વિરોધ ત્યજી દેવા છેક છેલ્લી ઘડી સુધી અપીલ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહોતી મળી અને આંદોલન ચાલુ રહેવા પામ્યું હતું.

ઇલેક્શન મૅનેજમૅન્ટમાં ભાજપ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના જેવી જ પદ્ધતિ ક્ષત્રિય આંદોલનકારીઓ દ્વારા અપનાવવામાં આવી હતી, જેના કારણે પાર્ટીના નેતાઓને પરિસ્થિતિનો તાગ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ક્ષત્રિય નેતાઓ દ્વારા શહેર અને ગામમાં, ઑફલાઇન તથા ઑનલાઇન એમ તમામ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. જેની સફળતા વિશે તારીખ ચોથી જૂનના ખબર પડશે, જ્યારે દેશભરની સાથે ગુજરાતમાં પણ મતગણતરી થશે.

'મિરર મૅનેજમૅન્ટ'થી મુકાબલો

ક્ષત્રિય આંદોલન

દેશભરમાં પહેલા અને બીજા તબક્કામાં ઓછું મતદાન થયું, ત્યારે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રણનીતિકાર અમિત શાહે અનેક મીડિયા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે 'ઓછું મતદાન એ ભાજપને માટે નહીં, પરંતુ વિપક્ષને માટે ચિંતાનો વિષય હોવો જોઈએ, કારણ કે અમારા મતદારોએ વહેલી સવારે પ્રારંભિક કલાકોમાં જ મતદાન કરી લીધું હોવાના રિપોર્ટસ અમને મળી રહ્યા છે.'

ભાજપ દ્વારા પેજ પ્રમુખ, બૂથ ઇન્ચાર્જ, શક્તિકેન્દ્ર એમ અલગ-અલગ સ્તરેથી પાર્ટીના સમર્થકો મતદાન મથક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે અને આ કામમાં તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપના ઇલેક્શન મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલા એક નેતાએ બીબીસીના સહયોગી જયદીપ વસંતને જણાવ્યું, "મતદાન સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમયે અલગ-અલગ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવે છે. લગભગ દોઢ દાયકા પહેલાં શહેરી વિસ્તારોમાં મધ્યમ તથા ઉચ્ચમધ્યમ વર્ગની મહિલાઓ બપોરના ઘરકામ પતાવીને મત આપવા માટે જતાં. જ્યારે તાજેતરનાં વર્ષોમાં મહિલાઓ વહેલી સવારે જ મતદાન કરી લેતાં હોવાનું જોવાયું છે. આ સિવાય શહેરી મતદારોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ જોવાઈ રહી છે."

જોકે, ક્ષત્રિયોએ પણ આવી જ રણનીતિ અપનાવી હતી. વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે 'ક્ષત્રિય સંકલન સમિતિ' દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથ ઉપર 'અસ્મિતા સૈનિક' તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા, જેઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી જ કામે લાગી ગયા હતા.

ક્ષત્રિય સંકલન સમિતિ સાથે સંકળાયેલાં ભાર્ગવીબા ગોહિલે બીબીસીને જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ઠેરઠેર અમારી સંકલન સમિતિએ બૂથ લેવલે કાર્યકરો મૂક્યા હતા. આંખોમાં ઊજાગરા આંજીને અમે આયોજન કર્યાં હતાં. ખાસ કરીને રાજકોટ શહેર અને ગ્રામ્યની વાત કરું તો અમે શહેરમાં 600થી વધુ અને ગ્રામડાંમાં 200 જેટલા કાર્યકરો ગોઠવ્યા હતા. જે અસ્મિતા સૈનિક તરીકે ચૂંટણી દરમ્યાન બૂથ લેવલે કાર્યરત હતા. ગુજરાત રાજ્યની સંકલન સમિતિ, તેની નીચે રાજકોટ સંકલન સમિતિ. તેની નીચે હેડ સંકલન સમિતિ. તેની નીચે ઇન્ચાર્જ અને તેની નીચે અસ્મિતા સૈનિક કામ કરતા હતા. આમ સંકલન સમિતિ વિકેન્દ્રિત રીતે કામ કરતી હતી અને તેનો રીપોર્ટ છેક ઉપર સુધી જતો હતો. દરેક બૂથમાં એક અસ્મિતા સૈનિક હતો. જેમકે, વોર્ડ નંબર દસમાં 55 બૂથ છે તો ત્યાં 55 અસ્મિતા સૈનિક હતા. મતદાનમથકની બહાર ટેબલ ગોઠવીને ક્યાંક દસ તો ક્યાંક પંદર વ્યક્તિ કાર્યરત્ હતા."

રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "રાજકોટ તથા આસપાસની બેઠકોનાં અમુક બૂથ ઉપર ક્ષત્રિય પુરુષોએ સાફા અને પાઘડી, જ્યારે મહિલાઓએ લાલ-કેસરી સાડી પહેરીને સામૂહિક રીતે મતદાન કર્યું હતું. આ સંજોગોમાં જો ગત વખત જેટલું કે એના કરતાં ઓછું મતદાન થાય તો ભાજપ માટે મુશ્કેલીઓ વધે. સૌરાષ્ટ્રની બેઠકો ઉપર સ્થાનિક પરિબળો પણ ભાગ ભજવી રહ્યાં છે."

રાજકોટની બેઠક ઉપરથી કડવા પાટીદાર સમાજના રૂપાલા ઉમેદવાર છે, પરંતુ આ બેઠક ઉપર લેઉઆ મતદારોની બહુમતી છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની ઉમેદવારી સામે સ્થાનિક લોહાણા સમાજ નારાજ છે. આ સિવાય અમરેલીની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે પાર્ટીમાં જ આંતરિક અસંતોષ હતો.

આચાર્ય ઉમેરે છે કે કદાચ હાર-જીતનાં પરિણામ ઉપર અસર ન કરે તો પણ ઓછું મતદાન, ક્ષત્રિયોનું આંદોલન તથા સ્થાનિક પરિબળો લીડને અસર કરી શકે છે.

આંદોલન ઑફલાઇન અને ઑનલાઇન

ક્ષત્રિય આંદોલન

ભાજપની શક્તિનું એક મુખ્યકેન્દ્ર તેનું 'આઈટી સેલ' પણ છે, જે પાર્ટીના નેતાઓના સંદેશને સોશિયલ મીડિયા થકી વધુ અને વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરે છે. આ સિવાય તે ઍજન્ડા સેટ કરે છે અને તેના સમર્થકોને પ્રેરિત પણ કરે છે.

ક્ષત્રિય યુવાનો દ્વારા ઑફલાઇનની જેમ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ઑનલાઇન વ્યૂહરચના પણ ઘડવામાં આવી હતી. શહેરી તથા ગ્રામ્યવિસ્તારના યુવા રાજપૂતોને પ્રેરિત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો.

ક્ષત્રિય અગ્રણી વીરભદ્રસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, "જેમણે મતદાન કરી લીધું હોય તેઓ સ્નૅપચૅટ કે ઇન્સ્ટાગ્રામમાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફ્રૅમોમાં પોતાની તસવીર સોશિયલ મીડિયા તથા વૉટ્સઍપ ઉપર મૂકે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેથી કરીને અન્યોને પણ પ્રેરિત કરી શકાય."

આ ફ્રૅમોમાં 'મારો મત ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઈને સમર્પિત', 'મારો સમાજ, મારું સ્વાભિમાન', 'જય ક્ષાત્રધર્મ' વગેરે જેવાં સૂત્ર લખેલાં હતાં.

લગભગ ત્રણ દાયકાથી રાજકોટના રાજકારણને નજીકથી જોનારા પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "જ્યારે આંદોલન શરૂ થયું, ત્યારે તેને શાંત કરવામાં ભાજપે ઢીલ દાખવી અને પછી મોડું થઈ ગયું હતું, જેના કારણે આંદોલને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. સૌરાષ્ટ્રમાં અને વિશેષ કરીને રાજકોટમાં ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે, જે ચૂંટણીપરિણામોને અસર કરી શકે છે."

શું આંદોલનમાંથી કોઈ નવી ક્ષત્રિય નેતાગીરી ઊભી થશે? તથા ચૂંટણી પછી પણ ક્ષત્રિયોનું આંદોલન ચાલુ રહેશે કેમ? આ સવાલના જવાબ મહેતાએ નકારમાં આપ્યા હતા.

વિવાદની પૃષ્ઠભૂમિ

પરશોત્તમ રૂપાલા

ઇમેજ સ્રોત, PARSHOTTAM RUPALA/FB

ઇમેજ કૅપ્શન, પરશોત્તમ રૂપાલા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની વચ્ચે વર્ષ 2016માં નરેન્દ્ર મોદીએ પરશોત્તમ રૂપાલાને પોતાની કૅબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા હતા. લગભગ નૅપથ્યમાં જતા રહેલા રૂપાલાએ પછી રાજકીય મંચ ઉપર આવી ગયા હતા અને તેમની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી હતી.

આમ છતાં માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી સમયે તેમને અને મનસુખ માંડવિયા સહિત કેટલાક મંત્રીઓને ટિકિટ ન મળતાં એવી અટકળો વહેતી થઈ હતી કે તેમને લોકસભાના રસ્તે સાંસદ બનાવવામાં આવશે.

પાર્ટીએ રૂપાલાને તેમના વતન અમરેલી તથા માંડવિયાને તેમના વતન ભાવનગરને બદલે અનુક્રમે રાજકોટ અને પોરબંદરની બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે વતનને બદલે 'પ્રમાણમાં વધુ સલામત' બેઠકો આપીને પાર્ટી બંને નેતાના વિજય સુનિશ્ચિત કરવા માગે છે.

રાજકોટના ચૂંટણીપ્રચાર સમયે રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે નિવેદન કર્યું હતું, જેના કારણે ક્ષત્રિયોનો એક વર્ગ નારાજ થઈ ગયો હતો અને તેમણે માગ કરી હતી કે રૂપાલા તેમની ઉમેદવારી પાછી ખેંચે.

રૂપાલા ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ માફી માગી હતી. પાટીલ, ગુજરાતમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નારાજ અગ્રણીઓને મનાવવા માટે પ્રયાસ કર્યા હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તત્કાલીન નવાનગર સ્ટેટના પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહ સાથે બેઠક કરીને કશું બોલ્યા વગર રાજકીય સંકેત આપવા માટે પ્રયાસ કર્યો હતો.

આ સિવાય માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, હકુભા જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા જેવા નેતાઓએ નિવેદન બહાર પાડીને રૂપાલાને માફ કરી દેવા વિનંતી કરી હતી, પરંતુ ક્ષત્રિયોના એક વર્ગનો આક્રોશ શાંત નહોતો પડયો.

રાજપૂતો સૌરાષ્ટ્રની રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર બેઠક ઉપર નોંધપાત્ર વસતિ ધરાવે છે.

ગુજરાત જેવા મોટા રાજ્યમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠક જીતીને ભાજપ નવો કિર્તીમાન સ્થાપિત કરે છે કે રાજપૂતોનું આંદોલન તેમાં ગાબડું પાડશે, તે એક મહિનામાં સ્પષ્ટ થઈ જશે.