ભરૂચમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા કેટલા મતોથી હારી ગયા?

ચૈતર વસાવા અને મનસુખ વસાવા

ઇમેજ સ્રોત, Getty Images

ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને હરાવ્યા છે.

ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઉતાર્યા ત્યારથી આ બેઠક ચર્ચામાં હતી. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે રસાકસીની ટક્કર હતી. જોકે મનસુખ વસાવા 85,696 મતોથી જીતી ગયા છે.

તેમને 6,08,157 મતો મળ્યા છે. ત્યારે ચૈતર વસાવાને 5,22,461 મત મળ્યા હતા.

તમને આ વાંચવું ગમશે

'બનાસકાંઠાના લોકોએ મને નોટ અને વોટ બંને આપ્યા', ગેનીબહેન ઠાકોર આવું કેમ બોલ્યાં?

ગેનીબેન ઠાકોર

ઇમેજ સ્રોત, Geniben Thakor-FB/BBC

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો માટે મતગણતરીમાં ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. બનાસકાંઠા છોડીને બાકી 24 બેઠકો પર ભાજપ વિજય તરફ વધતો દેખાય છે.

બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર 33 હજારથી વધુ મતથી આગળ છે. તેમનો વિજય નક્કી માનવામાં આવી રહ્યું છે.

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક પોસ્ટ કરીને બનાસકાંઠાનાં કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને અભિનંદન આપ્યાં હતાં.

તેમણે લખ્યું, "અમારી બહેન ગેનીબહેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થયાં તે બદલ હાર્દિક અભિનંદન."

બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયારે ગેનીબહેન ઠાકોરની જીતની પુષ્ટિ કરી છે. જોકે ચૂંટણીપંચે હજુ આધિકારિક જાહેરાત કરી નથી.

ચૂંટણીપંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પરથી કૉંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબહેન ઠાકોર લગભગ 33 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર ગેનીબહેનનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીનાં ડૉક્ટર રેખાબહેન ચૌધરી સામે હતો.

ગેનીબહેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "બનાસકાંઠાની જનતા અને મીડિયાનો પણ આભાર. મેં મામેરું જે માંગ્યું હતું તે બનાસકાંઠાની જનતાએ ભર્યું તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર. બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા. હું જીવું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનો ઋણ ઉતારું."

આ પણ વાંચો

લોકસભાની ચૂંટણીના પરિણામો વિશે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે શું કહ્યું?

સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલ (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની ચૂંટણીના વલણો હવે સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે સુરતની બેઠક નિર્વિરોધ જીતી હતી. જોકે, ભાજપનું ત્રીજી વખત 26માંથી 26 બેઠક જીતવાનું સપનું રોળાય તેવું લાગી રહ્યું છે.

બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર ભાજપની હેટ્રિકને રોકી શકે છે. ચૂંટણીપંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગેનીબહેન બનાસકાંઠા બેઠક પરથી હાલમાં 33 હજાર મતોથી આગળ ચાલી રહ્યાં છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબહેનનો મુકાબલો ડૉક્ટર રેખાબહેન ચૌધરી સામે હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગરના કમલમ્ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું, "આ જીત ભાજપના ભરોસાની છે. જોકે, કમનસીબે અમે એક બેઠક હાર્યા છીએ. અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હશે અને થોડી મહેનત ઓછી પડી છે. અમને એક બેઠક ગુમાવવનો અફસોસ છે."

ગેનીબહેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "બનાસકાંઠાની જનતા અને મીડિયાનો પણ આભાર. મેં મામેરું જે માંગ્યું હતું તે બનાસકાંઠાની જનતાએ ભર્યું તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર. બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા. હું જીવું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનો ઋણ ઉતારું."

ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવા કેટલા મતોથી પાછળ?- ઇલેક્શન અપડેટ

ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા
ઇમેજ કૅપ્શન, ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા

લોકસભા 2024ની ચૂંટણીના વલણો લગભગ સ્પષ્ટ થઈ રહ્યાં છે. ગુજરાતની ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને કારણે ચૂંટણીની શરૂઆત પહેલાં પણ ચર્ચાનો વિષય બની હતી.

જોકે, આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા હાલમાં ભરૂચ બેઠક પરથી લગભગ 87 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભરૂચથી છ વખતના સંસદ સભ્ય મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો હાલમાં ભારતીય જનતા પાર્ટી કૂલ 25 માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહી છે અને સુરતની બેઠક નિર્વિરોધ જીતી ચૂકી છે.

બીજી તરફ કૉંગ્રેસના એક માત્ર ઉમેદવાર ગેનીબહેન પટેલ બનાસકાંઠા બેઠક પરથી લગભગ 21 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

ભારતમાં એનડીએ ગઠબંધન કૂલ 295 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 231 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

યુસૂફ પઠાણની શું સ્થિતિ છે, બનાસકાંઠા અને પાટણમાં રસાકસીનો મુકાબલો

યુસૂફ પઠાણ

ઇમેજ સ્રોત, YUSUF PATHAN/X

મુર્શિદાબાદ જિલ્લાની બહરામપુર લોકસભા બેઠક પરથી તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાન કૉંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરીથી આગળ ચાલી રહ્યા છે. અધીર રંજન ચૌધરીને 57283 મત મળ્યા છે જ્યારે યુસુફ પઠાણને બપોરે બે વાગ્યા સુધીની મતગણતરીમાં 216760 મત મળ્યા છે. તેઓ 21123 મતથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતી મૂળના ભારતીય ક્રિકેટર યુસૂફ પઠાણને કૉંગ્રેસની પરંપરાગત સીટથી ઉતારીને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ બધાને ચૌંકાવી દીધા હતા. આ બેઠકથી અધીર રંજન ચૌધરી સતત ત્રણ ટર્મથી આ બેઠકથી ચૂંટાઈને આવ્યા છે.

તૃણમૂલ કૉંગ્રેસે યુસૂફ પઠાણ માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ વિસ્તારમાં જઈને સભાઓ કરી હતી.

બહરમપુર લોકસભા બેઠક, પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં આવે છે, આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે. અહીં લગભગ 52 ટકા વસ્તી મુસ્લિમોની છે.

2021ની વિધાનસભા ચૂંટણીમાં બહરામપુર બેઠક ભાજપે જીતી હતી અને બાકીની છ બેઠકો તૃણમૂલ કૉંગ્રેસના ફાળે ગઈ હતી.

અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીમાં જીત્યા

ભાજપ નેતા અર્જુન મોઢવાડીયા

ઇમેજ સ્રોત, ARJUN MODHWADIA/FB

પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયાએ એક લાખ 16 હજારથી વધારે મતોથી જીત નોંધાવી હતી.

મોઢવાડિયાનો મુકાબલો અહીં કૉંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા સામે છે. કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 16 હજાર 355 મતો મળ્યા હતા. ચૂંટણીપંચે હજુ સુધી આ મામલે આધિકારિક જાહેરાત નથી કરી.

અર્જુનભાઈએ રામમંદિર અંગે કૉંગ્રેસના વલણનું કારણ આપ્યું પણ માત્ર એ એક જ કારણ નથી.

અર્જુનભાઈએ રાજીનામું આપ્યું ત્યારે કહ્યું કે, "40 વર્ષ સુધી જે પક્ષને જીવન સમર્પિત કર્યું તેને છોડવાનો નિર્ણય ખૂબ ભારે હૈયે લઈ રહ્યો છું."

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે.

પરેશ ધાનાણીએ રાજકોટમાં હાર સ્વીકારી, રૂપાલાને કેટલા મત મળ્યા?

પરેશ ધાનાણી અને પરશોત્તમ રૂપાલા

રાજકોટથી ભાજપના ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીથી ત્રણ લાખ 66 હજાર મતથી આગળ છે.

ત્યારે હારને સ્વીકારતા રાજકોટથી કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે પાર્ટી અને તેના ઉમેદવારને અભિનંદન પાઠવું છું. રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કે પાર્ટી વિરુદ્ધ લડાઈ ન હતી. રાજકોટની લડાઈ બંધારણને બચાવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી. ગુજરાતની અંદર સામાન્ય માણસને ધમકાવા, ભરમાવવા અને ડરાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી હતી. આ સફળતા માટે તેને (ભાજપને) અભિનંદન."

કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર અને ચંદનજી ઠાકોરની શું પરિસ્થિતિ છે?

ગેનીબહેન ઠાકોર
ઇમેજ કૅપ્શન, ગેનીબહેન ઠાકોર

બનાસકાંઠા અને પાટણમાં રસાકસીનો મુકાબલો ચાલી રહ્યો છે.

બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ઉમેદવાર ભાજપનાં ઉમેદવાર ડૉ રેખા ચૌધરી સામે 1385 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

પાટણ લોકસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીથી 4000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે.

રાજકોટથી કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા કેટલા મતોથી આગળ? પરેશ ધાનાણીએ શું કહ્યું?

કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા
ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા

કેન્દ્રિય મંત્રી અને રાજકોટની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 2 લાખ 82 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાનો મુકાબલો અહીં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી સાથે છે.

પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "આ લડાઈ વ્યક્તિગત નહીં, વિચારધારાની નહીં પરંતુ દેશના બંધારણને બચાવાની છે. મને વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન જીતશે. જો અમે સરકાર બનાવીશું તો મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અત્યાચાર હારશે.જો ભાજપની સરકાર આવશે તો આવનારાં પાંચ વર્ષો દેશ માટે ખૂબ જ કપરા રહેશે."

પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલો વિરોધ રૂપાલાની માફી અને ભાજપની પ્રદેશ નેતાગીરીએ કરેલા અનેક પ્રયત્નો છતાં પણ અટક્યો ન હતો.

જોકે, રાજકોટની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ભાજપને રાજકોટ બેઠક પરથી લોકસભાની છેલ્લી નવ ચૂંટણી પૈકી માત્ર એક જ વખત હાર મળી હતી.

આ ઇન્ટરેક્ટિવ માટે જાવાસ્ક્રિપ્ટ અને નિયમિત ઇન્ટરનેટ કનેક્શન સાથે મૉર્ડન બ્રાઉઝર જરૂરી છે.

પરિણામની પ્રતીક્ષા
જીત માટે 272 બેઠકની જરૂર
પરિણામની પ્રતીક્ષા
પેજ અપડેટ કરવા માટે રિફ્રેશ કરો

પોરબંદરથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા કેટલા મતોથી આગળ? પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડીયાની શું છે પરિસ્થિતિ?

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (ફાઇલ ફોટો)

ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર મનસુખ માંડવિયા ત્રણ લાખ 37 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. મનસુખ માંડવિયાનો મુકાબલો અહીં કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સાથે છે.

પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડીયા 10 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. મોઢવાડીયાનો મુકાબલો અહીં કૉંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા સામે છે.

2009ની લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પર છેલ્લી વાર કૉંગ્રેસની જીત થઈ હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં ભળી ગયા અને 2013 તથા 2014માં ફરીથી એક વાર લોકસભા ચૂંટણીમાં તેઓ જીત્યા હતા.

ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો પર પેટાચૂંટણીમાં ભાજપ આગળ

અર્જુન મોઢવાડિયા

ઇમેજ સ્રોત, Arjun Modhwadia -FB

લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ મતગણતરી ચાલી રહી છે.

વિજાપુર બેઠકમાં સાત રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે ચાવડા કૉંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલથી 18,494 મતોથી આગળ છે.

પોરબંદર બેઠકમાં નવ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાથી 58589 મતથી આગળ છે.

ખંભાત બેઠકમાં આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 16545 મતથી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસએ આ બેઠકમાં મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.

વાઘોડિયા બેઠકમાં છ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કૉંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ ભાજપના ઉમેદવાર ધર્મન્દ્રસિંહ વાધેલાથી 20842 મતથી પાછળ ચાલી રહ્યા છે.

માણાવદર બેઠકમાં છ રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 9705 મતથી આગળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસે આ બેઠકપર હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે.

પાટણથી કૉંગ્રેસના ચંદનજી ઠાકોર કેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે?

ચંદનજી ઠાકોર

ઇમેજ સ્રોત, FB/ChandanjiThakor

ઇમેજ કૅપ્શન, પાટણથી કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર

ગુજરાતમાં અત્યાર સુધીના વલણોમાં માત્ર એક જ બેઠક પર આગળ ચાલી રહી છે. પાટણથી કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 13 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.

ચંદનજીનો મુકાબલો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહજી ડાભી સાથે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ લગભગ 1 લાખ 93 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.

છેલ્લી આઠ લોકસભા ચૂંટણીમાંથી છ ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેઅહીં ક્લિક કરો...

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ગાંધીનગરથી અમિત શાહ ત્રણ લાખથી વધારે મતોથી આગળ, કૉંગ્રેસ પાટણમાં કેટલા મતોથી આગળ?

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ લગભગ ત્રણ લાખથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર સોનલબહેન પટેલ સાથે છે.

2019માં આ બેઠક પરથી અમિત શાહ લડ્યા તેમણે કૉંગ્રેસના સી. જે. ચાવડાને પાંચ લાખ 57 હજાર મતોથી હરાવ્યા હતા.

ગાંધીનગરની બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને છેલ્લાં 35 વર્ષથી ભાજપનો આ બેઠક પર કબજો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેવા કે ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી લડી ચૂક્યા હતા.

ભારતીય જનતા પાર્ટી હાલમાં ગુજરાતની 26 માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહી છે અને સુરતની બેઠક નિર્વિરોધ જીતી ચૂકી છે.

પાટણથી કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

ઇન્ડિયા ગઠબંધન વલણોમાં 200થી વધારે બેઠકો પર આગળ - ઇલેક્શન અપડેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી

લોકસભા 2024ની ચૂંટણીના 11 વાગ્યા સુધીના વલણો પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન 209 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન 285 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

ભાજપના પ્રવક્તાઓ કહે છે કે એનડીએ ગઠબંધન સરળતાથી સરકાર બનાવશે. જોકે, ઇન્ડિયા ગઠબંધનનું પ્રદર્શનને કારણે પાર્ટીના ઘણા કાર્યકરો આશ્ચર્યચકિત છે.

પાર્ટીના પ્રવક્તાઓ કહી રહ્યા છે કે આ શરૂઆતી વલણો છે અને તેના પર હાલમાં નિવેદન ન આપી શકાય, પરંતુ બપોર સુધીમાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપ 25માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે કૉંગ્રેસ માત્ર પાટણની બેઠક પરથી આગળ ચાલી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા.

ગુજરાતમાં કૉંગ્રેસ એક બેઠક પર આગળ, એનડીએ 303 બેઠકો પર આગળ - ઇલેક્શન અપડેટ

મોદી રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સવારે સાડા દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, વારાણસીની બેઠક ઉપરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાયબરેલીની બેઠક ઉપરથી રાહુલ ગાંધી આગળ છે. રાહુલ ગાંધી વાયનાડની બેઠક પરથી પણ આગળ છે. ગાંધીનગરની બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે લાખ કરતાં વધુ મતની લીડથી આગળ છે.

હરિયાણાની કરનાલ બેઠક ઉપરથી પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર તથા મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગળ છે.

હમીરપુર (હિમાચલ પ્રદેશ) બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તથા મંડીની બેઠક ઉપરથી અભિનેત્રી કંગના રણૌત આગળ છે. તિરૂવનંતપુરમની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર કૉંગ્રેસના શશિ થરૂર કરતાં પાંચેક હજાર મતથી આગળ છે. અમેઠીની બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 19 હજાર જેટલા મતોથી પાછળ છે.

અમૃતપાલસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

પંજાબની ખડૂર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર અમૃતપાલસિંહ આગળ છે. તેઓ આસામની જેલમાં બંધ છે અને તેમણે જેલમાંથી જ ઉમેદવારી કરી હતી. બાડમેરની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટી કૉંગ્રેસના ઉમદેવાર ઉમેદલાલ મીણા કરતાં પાછળ છે.

મહારાષ્ટ્રની મુંબઈ (ઉત્તર) બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કૉંગ્રેસના ઉમેદવાર કરતાં આગળ છે.

પંજાબમાં કૉંગ્રેસ છ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે. શિરોમણી અકાલી દળ બે બેઠકો પર આગળ ચાલી રહી છે.

પંજાબમાં કૂલ 13 બેઠકો છે. ભારતીય જનતા પાર્ટી 13માંથી એક પણ બેઠક પર આગળ નથી ચાલી રહી.

સૌથી ચોકવનારી વાત એ છે કે ખડુરસાહિબ બેઠક પરથી ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહ અને ફરીદકોટ બેઠક પરથી સરબજિતસિંહ ખાલસા આગળ ચાલી રહ્યા છે. બંને અપક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

સરબજીતસિંહ ખાલસા બેઅંતસિંહના પુત્ર છે. બેઅંતસિંહ પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યામાં સામેલ હતા. અહીં ઉલ્લેખનિય છે કે અમૃતપાલસિંહ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 57 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં કૉંગ્રેસ એક બેઠક પર આગળ, સવારે દસ વાગ્યા સુધી એનડીએ 303 બેઠકો પર આગળ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

ઇમેજ સ્રોત, C R PAATIL/FB

ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સવારે દસ વાગ્યે સ્પષ્ટ થતું જોવા મળે છે. ગુજરાતમાં ભાજપ 25માંથી 24 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કૉંગ્રેસ એક માત્ર પાટણની બેઠક પરથી આગળ છે. કૉંગ્રેસના પાટણથી ઉમેદવાર ચંદનજી ઠાકોર 13 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

લોકસભાની કુલ 543 બેઠકો માંથી હાલમાં એનડીએ 299, ઇન્ડિયા ગઠબંધન 193 તથા અન્ય 44 બેઠક ઉપર આગળ છે. હાલમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે.

શૅરબજારમાં કડાકો, તેજી ધોવાઈ

ઍક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતીની આગાહીના સથવારે સોમવારે બીએસઈ તથા એનએસઈના સૂચકાંકોમાં સવા ત્રણ ટકા જેટલી તેજી જોવા મળી હતી, પરંતુ મંગળવારે સવારે ગિફ્ટ નિફ્ટીએ બજારમાં નરમાશના સંકેત આપ્યા હતા.

ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઓછું સારું રહ્યું હતું. શરૂઆતની મિનિટોમાં જ બજારમાં સવા ત્રણ ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો અને ગઈકાલે બજારમાં જે વધારો જોવા મળ્યો હતો, તે ધોવાઈ ગયો હતો.

નિફ્ટીના તમામ સૂચકાંકો રેડઝોનમાં ટ્રૅડ કરી રહ્યા હતા, માત્ર ઉથલપાથલના સૂચકાંક ઇન્ડિયા વિએક્સમાં 20 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.

શરૂઆતી વલણોમાં ગુજરાતમાં કૉંગ્રેસ બે બેઠકો પર આગળ, દેશમાં 9.30 વાગ્યા સુધી શું સ્થિતિ છે?

બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર

સવારે સાડા વાગ્યે ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. કૉંગ્રેસના ઉમેદવાર બનાસકાંઠા અને આણંદ બેઠક ઉપર આગળ છે, જ્યારે અન્ય 21 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે.

સાડા નવ વાગ્યાની સ્થિતિ અનુસાર બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર, પાટણમાં ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

દેશની વાત કરીએ તો હાલમાં એનડીએ 283, ઇન્ડિયા ગઠબંધન 201 તથા અન્ય 46 બેઠક ઉપર આગળ છે. હાલમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ માત્ર શરૂઆતી વલણો છે.

બનાસકાંઠાથી શરૂઆતી વલણોમાં કૉંગ્રેસનાં ગેનીબહેન આગળ, સવારે નવ વાગ્યાની સ્થિતિ

રાજકોટમાં મતગણતરીમથક

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મતગણતરીમથક

સવારે નવ વાગ્યે ગુજરાતની તમામ 25 બેઠક પરની મતગણતરીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જ્યાં બનાસકાંઠા, આણંદ તથા સાબરકાંઠાની બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે, જ્યારે અન્ય 22 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે.

એનડીએ 265, ઇન્ડિયા ગઠબંધન 176 તથા અન્ય 39 બેઠક ઉપર આગળ છે.

ગુજરાતની પાંચ સહિત દેશભરમાં 25 બેઠક ઉપર પણ પેટાચૂંટણી માટે મતગણતરી યોજાઈ રહી છે, પરંતુ ત્યાંનાં ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થયાં. આ સિવાય ઓડિશામાં એક બેઠક ઉપર સત્તારૂઢ બીજુ જનતા દળ તથા એક બેઠક ઉપર તેલુગુ દેશમ્ પાર્ટી અગ્રેસર છે.

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ

ગેનીબેન ઠાકોર
ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર

લોકસભા 2024ની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચુકી છે. લોકસભાની 543 પૈકી 542 બેઠકો પર મતગણતરી થઈ રહી છે.

બીબીસીને મળી રહેલી માહિતિ પ્રમાણે શરૂઆતી વલણોમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન 140 બેઠકો પર અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 94 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અન્ય પાર્ટીઓના ઉમેદવારો છ બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપ હાલમાં કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, મહેસાણા, આણંદ, પંચમહાલ, ભરૂચ, બારડોલી, વલસાડ, જુનાગઢ, સાબરકાંઠા અને ખેડા બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. બીજી તરફ કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં મતદાન બાદ આજે પરિણામ, સવારે આઠ વાગ્યે શરૂ થશે મતગણતરી

લોકસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

લોકસભા ચૂંટણીની છ અઠવાડિયાં ચાલેલી લાંબી પ્રકિયા પછી બધાની નજર આજે જાહેર થનાર પરિણામો પર છે.

ભારતીય ચૂંટણીપંચે આપેલી માહિતી પ્રમાણે, 543 માંથી 542 લોકસભા બેઠકો પર મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થશે. ગુજરાતની 26 માંથી 25 બેઠકો પર મતગણતરી થશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ નિર્વિરોધ ચૂંટાઈ ગયા હતા. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

નિયમ પ્રમાણે, સૌથી પહેલાં પોસ્ટલ મતપત્રોની ગણતરી શરૂ થશે અને તેના અડધા કલાક પછી ઈવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે. જો કોઈ મતદાન કેન્દ્ર પર બેલેટ પેપર નહીં હોય તો સીધી ઈવીએમના મતોની ગણતરી શરૂ થશે.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે 19 એપ્રિલ થી 1 જૂન સુધી લોકસભા ચૂંટણીના સાત તબક્કામાં દેશના 96.8 કરોડ મતદારોમાંથી 64.2 કરોડ મતદારોએ પોતાના મતઅધિકારીનો પ્રયોગ કર્યો હતો, જેમાં મહિલા મતદારોની સંખ્યા 31.2 કરોડ હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન 58.58 ટકા થયું હતું.

રાજીવ કુમારે કહ્યું કે આ આખી પ્રક્રિયામાં 1.5 કરોડ ચૂંટણી કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને દેખરેખ માટે 68 હજાર ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

ફૉર્મ 17 વિશે ચૂંટણી પંચનું શું વલણ છે?

દાહોદમાં મતગણતરીમથક

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, દાહોદમાં મતગણતરીમથક

વિપક્ષી દળોએ ચૂંટણીપંચને અપીલ કરી હતી કે પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવે. જોકે, ચૂંટણીપંચે કહ્યું કે માત્ર કેટલીક અફવાઓને કારણે ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે નિયમો બદલી ન શકાય.

વિપક્ષની માંગણી હતી કે 2019ની પહેલાં જે નિયમો હતા તે પ્રમાણે પોસ્ટલ બેલેટની ગણતરી પહેલાં કરવામાં આવે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું, "મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે સાચી છે. કાઉન્ટિંગ ટેબલ પર 30થી 35 લાખ પોલિંગ એજન્ટો હાજર રહેશે. 30થી 35 લાખ ફૉર્મ 17 સી હશે. આ રીતે મતગણતરીની પ્રક્રિયામાં 70-80 લાખ લોકોની વચ્ચે થશે. આ કામને ચોકસાઈ પૂર્વક કરવામા આવશે."

ફૉર્મ 17 સી માંથી બૂથ પર ઈવીએમનો સીરિયલ નંબર, મતોની સંખ્યા, મતદારોની સંખ્યા જેવી જાણકારીઓ મળે છે.

એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મુકાબલો

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના નેતૃત્વ હેઠળના ‘એનડીએ’ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે રહ્યો હતો.

અગાઉની ચૂંટણીની વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વાર પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી હતી અને નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા.

ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને તેમને મળેલા મતોની ટકાવારી 37.36 ટકા હતી. એનડીએ ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી.

મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે ફરી એક વાર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને માત્ર 52 બેઠકો મળી હતી. તેમની મતોની ટકાવારી 19.49 ટકા હતી. કૉંગ્રેસને દસ ટકા બેઠકો મળી ન હોવાથી તેમને વિપક્ષ તરીકે પણ સ્થાન મળ્યું નહોતું.

તો તૃણમૂલ કૉંગ્રેસને 22 બેઠકો, ડીએમકેને 24 બેઠકો, વાયએસઆર કૉંગ્રેસને 22 બેઠકો, બીજુ જનતા દળને 12 બેઠકો મળી હતી.

2014ની વાત કરીએ તો ‘મોદી લહેર’ને લીધે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને 44 અને યુપીએને 59 બેઠકો મળી હતી.

2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.

લોકસભા ચૂંટણીનું આજે એટલે કે ચાર જૂનનું પરિણામ દેશમાં આગામી સત્તા કોની બનશે એનો નિર્ણય કરશે. દેશની 543 બેઠકો પર થયેલી ચૂંટણીનાં પરિણામ જાહેર થશે.

પરિણામ અગાઉ આવેલા ઍક્ઝિટ પોલમાં સત્તાધારી ભાજપના ગઠબંધનવાળા એનડીએને બહુમતી મળતી હોવાનું અનુમાન લગાવાયું છે. તો ઇન્ડિયા ગઠબંધનનો દાવો છે કે પરિણામ ઍક્ઝિટ પોલથી વિપરીત આવશે.

લોકસભાનાં આ પરિણામથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની વગેરેનાં રાજકીય ભાવિનો નિર્ણય થશે.

ગુજરાતની વાત કરીએ તો અહીં છેલ્લી બે ટર્મથી ભાજપ તમામ 26માંથી 26 બેઠકો જીતતો આવે છે. ઍક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપે એક કે બે સીટ ગુમાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં લોકસભાની 25 સીટની સાથે પાંચ પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે.

ગુજરાતમાં આ ચૂંટણી રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

બીબીસી ગુજરાતી

મતગણતરી પહેલાં અખિલેશ યાદવનો આરોપ – વિપક્ષના નેતાઓને નજરબંધ કરવામાં આવી રહ્યા છે

અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે મતગણતરી પહેલાં વિપક્ષના નેતાઓને નજરબંધ કરવામાં આવી રહ્યા છે.

અખિલેશ યાદવે દાવો કર્યો છે કે વિપક્ષના નેતાઓ મતગણતરીમાં ભાગ ન લઈ શકે તે માટે તેમને નજરબંધ કરવામાં આવી રહ્યા છે. અખિલેશ યાદવે એક વીડિયો પણ સાર્વજનિક કર્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને અખિલેશ યાદવે કહ્યું, "માનનીય સર્વોચ્ચ અદાલત, ચૂંટણી પ્રમુખ અને પોલીસ પ્રમુખે આ વાતને તરત જ ધ્યાનમાં લેવી જોઈએ કે મિર્ઝાપુર, અલીગઢ, કન્નોજ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જિલ્લા અધિકારી અને પોલીસ તંત્ર વિપક્ષના રાજકીય કાર્યકરોને ઘરોમાં નજરબંધ કરી રહ્યા છે જેથી તેઓ કાલે મતગણતરીમાં ભાગ ન લઈ શકે."

"પોતાના મતોની રક્ષા કરવાનો અધિકાર બધાનો છે. ખાસ કરીને જ્યારે કોર્ટ દ્વારા લગાડવામાં આવેલા કૅમરોની સામે છેતરપિંડી કરનારી સરકાર સત્તામાં છે."

અખિલેશ યાદવે કહ્યું, "આ પ્રકારની ઘટનાને તરત જ રોકવી જોઈએ અને નજરબંધ કરેલા લોકોને તરત જ છોડવામાં આવે. બધા જ રાજકીય પક્ષો શાંતિપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર એવું કોઈ કામ ન કરે જેને કારણે લોકોમાં આક્રોશ વધે."

"આશા છે કે પક્ષપાત કરનાર ડીએમ અને વહીવટી અધિકારીઓને તરત જ હટાવી દેવામા આવે અને મતગણના શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવે."