ક્ષત્રિયો ગુજરાતમાં ભાજપને નુકસાન કેમ ન કરી શક્યા?

ઇમેજ સ્રોત, PURUSHOTTAM RUPALA/FACEBOOK/BBC
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં રાજપૂતોનું આંદોલન લાઇમલાઇટમાં રહ્યું હતું. આંદોલનની તિવ્રતા જોતા લાગતું હતું કે એની અસર લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર થઈ શકે છે. પરંતુ જે પ્રકારે પરિણામો આવ્યાં તે જોતાં લાગે છે કે ક્ષત્રિયો લોકસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ખાતેના ભાજપના ઉમેદવાર પરુશોત્તમ રૂપાલાએ ‘જૂના જમાનાના રાજવી’ મામલે કથિ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને એના લીધે ક્ષત્રિયો નારાજ થયા હતા. આ નારાજ ક્ષત્રિયોએ ગુજરાતમાં કેટલીય જગ્યાઓએ વિરોધ-આંદોલનો કર્યાં હતાં.
ક્ષત્રિયોએ પહેલાં રૂપાલાની ટિકિટ કાપવાની માગી કરી હતી અને ભાજપે એ માગ ના માનતાં તેમણે રૂપાલાને હરાવવાની વાત કરી હતી.
'સંકલન સમિતિ'ના નેજા હેઠળ આ વિરોધને વેગવંતો બનાવ્યો હતો. વિરોધના ભાગરૂપે ક્ષત્રિયોએ વૉર રૂમ બનાવ્યો હતો અને 'માઇક્રો મૅનેજમૅન્ટ' કરીને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર 'ક્ષત્રિય અસ્મિતા સૈનિક સમિતિ' બનાવી ભાજપવિરોધી મતદાન કરવા આહ્વાન કર્યું હતું.
તો ગામડેગામડે 'ધર્મરથ' ફેરવીને આંદોલનનો પ્રચાર પણ કરાયો હતો.
જોકે, આ વિરોધની ચૂંટણીપરિણામો પર ખાસ અસર વર્તાઈ નહોતી. જોકે, જાણકારોનું માનવું છે કે ભલે રાજપૂતો ભાજપને હરાવી ન શક્યા હોય પરંતુ કેટલીક બેઠકોમાં તેમણે લીડ ઓછી ચોક્કસ કરી છે.

ક્ષત્રિયો વિરુદ્ધ પટેલ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
ગુજરાતનાં રાજકારણ અને સામાજિક પૃષ્ઠભૂમિના અભ્યાસુઓનું માનવું છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલને જેવી અસર સર્જી હતી એવી અસર ક્ષત્રિયોના આંદોલનની નહોતી થઈ શકી. વળી, પટેલોની સરખામણીમાં ક્ષત્રિયોની વસતિ પણ અડધાથી ઓછી હોવાથી ચૂંટણીના પરિણામો પર આ અસર ખાસ વર્તાઈ નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “જેટલો પ્રભાવ પટેલોનો રાજકીય ક્ષેત્રે છે એટલો પ્રભાવ ક્ષત્રિયોનો નથી. બહુ જૂજ વિસ્તારો છે જ્યાં ક્ષત્રિયોનો દબદબો છે. પાટીદારોની માફક રાજપૂતોનું વર્ચસ્વ પણ નથી.”
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ક્ષત્રિય આંદોલનની અસર પર પ્રતિભાવ આપતાં કહે છે, “આ આંદોલનમાં ક્ષત્રિયોનો કોઈ ચહેરો જ નહોતો. દરબારોની સંખ્યા કરતાં પટેલો મતદાતાની સંખ્યા ઘણી વધારે છે. તેમની વોટબૅન્ક જ્યાં અસરકર્તા છે ત્યાં અપેક્ષિત લીડમાં ફરક પડ્યો છે પણ તેઓ પરિણામ પર અસર નથી છોડી શક્યા.”
ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિયો પરિણામ પર અસર કરી શકતા હોવાનું મનાઈ રહ્યું હતું, જોકે, ત્યાં આંદોલનની અસર પરિણામ પર પડી નથી.
રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “આ આંદોલનની અસર રાજકોટમાં નહોતી પણ તેની પાસે જામનગરમાં જરૂર અસરકારક રહી હોત, કારણ કે ત્યાં રાજપૂતોની સંખ્યા વધુ છે.”
રાજકીય વિશ્લેષક અને પત્રકાર જગદીશ મહેતા બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, “પટેલ કે ક્ષત્રિય મતોની વાત જવા દો, ભાજપના પ્રતિબદ્ધ મતદારો સિવાય તટસ્થ મતદારોએ પણ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપ્યો છે તેને કારણે આ આંદોલનની વ્યાપક અસર દેખાઈ નથી.”
“મતદાતાઓએ જ્ઞાતિગત રાજકારણથી ઉપરવટ જઈને પીએમ મોદી માટે મતદાન કર્યું છે.”
તો બીજી તરફ કૌશિક મહેતા જણાવે છે, “આ આંદોલનને કારણે ક્ષત્રિયો અને પટેલો વચ્ચેની વર્ષોથી ચાલતી આવતી દુશ્મનાવટ વધારે છતી થઈ છે, તેને કારણે આ આંદોલનને ખાળવા માટે પટેલ મતદારોએ કચકચાવીને મતદાન કર્યું હોય તેવું પણ બન્યું હોય.”
'ભાજપૂતો' વિરુદ્ધ 'કૉંગ્રેસપૂતો'

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
જાણકારો કહે છે કે રાજપૂત સમાજમાં ફૂટ પાડવામાં ભાજપ સફળ થયો. શરૂઆતમાં આ આંદોલન રાજપૂત સમાજનાં વિવિધ સંગઠનો ચલાવતાં હતાં. પછી મહાસંમેલન થયું અને આ વિવિધ સંગઠનોની 'સંકલન સમિતિ'એ તેની આગેવાની લીધી.
અગાઉ જ્યારે રાજપૂતોએ આંદોલનનો આરંભ કર્યો હતો ત્યારે તેમના રોષને ઠંડો પાડવા માટે ગોંડલમાં ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં રૂપાલાએ માફી માગી લીધી, પરંતુ જે ક્ષત્રિય આગેવાનો આ સંમેલનમાં ભેગા થયા તેમને ક્ષત્રિય આંદોલનકારીઓએ ‘ભાજપૂત’ કહ્યા.
જ્યારે રાજપૂતોની રૂપાલાને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ ભાજપ દ્વારા ન માનવામાં આવી ત્યારે રાજપૂતોએ રૂપાલા સામે સેંકડો ઉમેદવારોને ઊભા રાખીને તેમને હરાવવાનો ફેંસલો કર્યો.
જાણકારો કહે છે કે અહીં ભાજપે ચાલ રમી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજકોટમાં આ વિવાદ પર બોલતાં કહ્યું કે “રાજપૂતોનો રોષ રૂપાલા સામે છે, પીએમ મોદી સામે નથી. તેથી તેઓ દેશમાં પીએમ મોદી ફરી સત્તા પર આવે તે માટે ભાજપને જ વોટ આપશે.”
ભાજપનું આ તીર નિશાને લાગ્યું. જાણકારો કહે છે કે રાજપૂતો ભાજપ સાથે સંકળાયેલા છે અને તેથી આંદોલનની અસર મતદાન પર ન વર્તાઈ.
સંકલન સમિતિ સામે આ આંદોલનમાં સૌથી આગળ રહેનારાં પદ્મિનીબા વાળાએ આરોપ લગાવતાં કહ્યું હતું, “સંકલન સમિતિએ કોઈ મહાસંમેલનો કર્યાં નથી. આ મહાસંમેલનો સ્વયંભૂ થયાં હતાં. અમારા આંદોલનનું જે પરિણામ આવવાનું હતું તેમાં સંકલન સમિતિ વચ્ચે પડી. જ્યારે રૂપાલાભાઈએ ઉમેદવારીપત્રક ભર્યું હતું ત્યારે જ તેનો વિરોધ કરવા બધાએ એક થવાની જરૂર હતી. તેઓ ત્યારે તેમને લડત ન આપી શક્યા એટલે હવે ભાજપ સામે પડ્યા છે.”
કૉંગ્રેસે જેવો આ આંદોલનનો ફાયદો ઉઠાવવાની વાત કરી ત્યારે કેટલાક આંદોલનકારીઓએ કૉંગ્રેસને સમર્થન આપતા રાજપૂતોને 'કૉંગ્રેસપૂતો' કહી દીધા. જેને કારણે રાજપૂત સંકલન સમિતિ અને પદ્મિનીબા વાળા વચ્ચેના મતભેદો પણ સામે આવ્યા.
આંદોલનમાં અગ્ર ભૂમિકા ભજવનારાં પદ્મિનીબા વાળાએ રાજપૂતો સમાજોના વિવિધ સંગઠનોની બનેલી સંકલન સમિતિ પર આરોપ લગાવતા કહ્યું, “આ લડાઈ હવે કૉંગ્રેસપૂતો આપી રહ્યા હોય તેવું લાગે છે. પહેલાં જે બહેનો-દિકરીઓ માટે લડત આપતા હતા તે ચહેરા હવે દેખાતા નથી. હવે માત્ર કૉંગ્રેસપૂતો જ દેખાઈ રહ્યા છે. સંકલન સમિતિએ અમારા સરસ રીતે ચાલી રહેલા આંદોલનમાં બાધા ઊભી કરી હતી.”
કૌશિક મહેતા જણાવે છે, “ભાજપૂતો અને કૉંગ્રેસપૂતોના શબ્દોનો ઉપયોગ થયો. આંદોલનની અસર તો હતી પણ આંદોલનકારી ક્ષત્રિયો પટેલો જેવી અસર ન ઊભી કરી શક્યા. જોકે જામનગર જેવા લોકસભા મતવિસ્તારોમાં દબાણ જરૂર ઊભું કર્યું.”
પદ્મિનીબા વાળાનો યુટર્ન

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રૂપાલાની જીત પાછળ રાજપૂતોના આંદોલનમાં સૌથી આગળ રહેનારાં પદ્મિનીબા વાળાનો યૂટર્ન પણ મહત્ત્વનું પરિબળ બન્યો
આંદોલનની આગેવાની કરનારા પૈકીના મહત્ત્વનાં નેતા પદ્મિનીબા વાળાએ જ મતદાન ન કર્યું. મતદાન ન કર્યું એટલું જ નહીં પરંતુ તેમણે નિવેદન આપ્યું કે તેમની લડાઈ સામાજીક હતી અને તેને રાજકારણમાં ફેરવી દેવામાં આવી.
તેમણે જણાવ્યું હતું, “મને તો આ લડત ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની જ લાગી રહી છે. આ લડાઈ મહિલાસમ્માનની નથી રહી.”
જોકે, સંકલન સમિતિએ પદ્મિનીબા વાળાએ લગાવેલા તમામ આરોપો ફગાવી દીધા અને ઊલટું તેમના પર આરોપ લગાવતા કહ્યું કે "પદ્મિનીબાને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હોય તેવું બની શકે. વ્યક્તિ ઘણીવખત ભાવનામાં આવીને બોલવામાં ઉતાવળ કરી નાખે છે."
કૌશિક મહેતા પદ્મિનીબા વાળા વિશે જણાવે છે, “હું પદ્મિનીબા વાળાને ક્ષત્રિય નેતા ગણતો જ નથી. હકિકતમાં આંદોલનનું સંચાલન ક્ષત્રિયોની સંકલન સમિતિ જ કરતી હતી. તેમણે જે પ્રકારે નાટકો કર્યાં તે જોતાં ખુદ સંકલન સમિતિએ તેમને આંદોલનથી અળગા રાખ્યાં.”
શિરીષ કાશીકર આ મામલે વધુ પ્રકાશ પાડતાં કહે છે, “ભાજપે બે મોરચે કામ પાડ્યું. એક તો ભાજપના ક્ષત્રિય નેતાઓ મારફતે દબાણ ઊભું કર્યું અને બીજી તરફ સંતોને પણ કામે લગાડ્યા. સંકલન સમિતિ સાથે વાતચીત સતત ચાલુ રાખી. આંદોલનકારીઓ સામે બળપ્રયોગ ન કર્યો અને આ મામલાનો કૉંગ્રેસ ફાયદો ન ઉઠાવી શકે તેનું ધ્યાન રાખ્યું. વિશેષ રણનીતિ અંતર્ગત ભાજપે આ આંદોલનની તિવ્રતાને સાવ મંદ બનાવી દીધી.”
પીએમ મોદીએ પાઘડી પહેરી

ઇમેજ સ્રોત, @narendramodi
આ આંદોલન વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ રોષે ભરાયેલા ક્ષત્રિયોને મનાવવા માટે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીની મુલાકાત લીધી અને તેમના હાથે પાઘડી પહેરી.
કૌશિક મહેતા આ વિશે જણાવે છે, “પીએમ મોદીએ બે સંકેતો આપ્યા. તેમની સભામાં ક્યાંય રૂપાલાને સાથે નહોતા રાખ્યા અને બીજું કે જામસાહેબના હાથે ક્ષત્રિયોની પાઘડી પહેરીને આંદોલનકારીઓના રોષને ટાઢો પાડવાનો પ્રયત્ન કર્યો.”
શિરીષ કાશીકર જણાવે છે, “રાજપૂતોને મનાવવા માટેની જ પીએમ મોદીની આ કવાયત્ હતી. રૂપાલાનો વિવાદ તેમ છતાં સૌરાષ્ટ્રના મોટા ભાગના રાજવી પરિવારો ભાજપ સાથે હતા. જામસાહેબની મુલાકાત એ વાતને સમર્થન આપવા માટેની હતી અને નારાજ ક્ષત્રિયોનું નામ લીધા વગર તેમને મનાવવાની હતી.”
જાણકારો કહે છે ક્ષત્રિયોનું નામ ન દીધું તેનું કારણ એ હતું કે એવો કોઈ સંકેત પણ ન જાય કે પીએમ મોદી તેમને બહુ મહત્ત્વ આપે છે અને પાઘડી એટલા માટે પહેરીને તેઓ નારાજ ક્ષત્રિયોને એ સંકેત આપવા માગતા હતા કે તેઓ તેમના પોતીકા છે.
કૉંગ્રેસ ફાયદો ઉઠાવવામાં અસફળ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
જોકે, બીજી તરફ કૉંગ્રેસ ક્ષત્રિયોના રોષનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હોવાનું પણ મનાઈ રહ્યું છે.
રાજપૂતોએ વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે ‘ક્ષત્રિય સંકલન સમિતિ’ દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથો પર ‘અસ્મિતા સૈનિક’ તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
રાજકોટ તથા આસપાસની બેઠકોમાં અમુક બૂથ પર ક્ષત્રિય પુરુષોએ સાફા અને પાઘડી, જ્યારે મહિલાઓએ લાલ-કેસરી સાડી પહેરીના સામૂહિક મતદાન કર્યું હતું. ક્ષત્રિય યુવાનો દ્વારા ઑફલાઇનની જેમ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ઑનલાઇન વ્યૂહરચના પણ ઘડવામાં આવી હતી.
જેમણે મતદાન કર્યું હોય તેઓ સ્નૅપચૅટ કે ઇન્સ્ટાગ્રામમાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફ્રૅમોમાં પોતાની તસવીર સોશિયલ મીડિયા તથા વૉટ્સઍપ પર મૂકે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ફ્રેમોમાં ‘મારો મત ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઈને સમર્પિત’, ‘મારો સમાજ, મારું સ્વાભિમાન’, ‘જય ક્ષાત્રધર્મ’ વગેરે જેવાં સૂત્રો લખેલાં હતાં.
આ અંગે વધારે વાત કરતાં શિરીષ કાશીકર જણાવે છે, “જેવી કૉંગ્રેસ મેદાનમાં આવી કે ભાજપને થયું કે આ મુદ્દાનું વધુ રાજનીતિકરણ ન થવું જોઈએ. ભલે પહેલા ભાજપને તેની અસરકારકતા માલુમ ન પડી હોય પરંતુ મોડું-મોડું તેમણે તેની તિવ્રતાને ધ્યાનમાં લેતાં અલગ રણનીતિ બનાવી. સામાજીક અને રાજનીતિક ફાયદો કૉંગ્રેસ ન ઉઠાવે તેવા તમામ પ્રયત્નો કર્યા.”
કૌશિક મહેતા જણાવે છે, “કૉંગ્રેસને આ પ્રકારના મુદ્દાનો ફાયદો ઉઠાવતા પહેલાંથી જ નથી આવડતું. રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીને ક્ષત્રિયાણીઓએ રાખડી બાંધી. આ પ્રકારના કાર્યક્રમો થોડા દેખાયા પરંતુ રાજપૂતોની નારાજગીનો ફાયદો તે ન ઉઠાવી શકી.”
જાણકારો કહે છે જે પ્રકારે પાટીદાર અનામત આંદોલનમાં ‘પાસ’ સંગઠને જે ભૂમિકા ભજવી તે ભૂમિકા ક્ષત્રિય સંકલન સમિતિ ન ભજવી શકી. પાટીદારો પાસે હાર્દિક પટેલ જેવો ચહેરો હતો પરંતુ ક્ષત્રિયો પાસે તેવો કોઈ ચહેરો નહોતો, તેથી તેમના આંદોલનની અસરકારકતા નહીવત્ રહી.












