ગુજરાતમાં સૌથી વધુ લીડથી કોણ જીત્યું, એ પાંચ બેઠકો કઈ જ્યાં ભાજપ જીત્યો પણ સરસાઈમાં મોટું ગાબડું પડ્યું

સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલ

લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થઈ ગયાં છે. ભાજપે 240 બેઠક જીતી અને કૉંગ્રેસે 99 બેઠક જીતી છે.

ચૂંટણી પરિણામો પ્રમાણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી.

ગુજરાતમાં ભાજપને 26માંથી 25 બેઠકો પર વિજય મળ્યો છે જ્યારે કૉંગ્રેસને એક બેઠક મળી છે.

ગુજરાતમાં 2009 પછી પહેલી વાર કૉંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ નીવડી છે.

કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી. આ બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે એક રસાકસીભર્યા જંગમાં 30 હજારથી વધારે મતો સાથે વિજય મેળવ્યો હતો.

ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીને લગભગ છ લાખ 41 હજારથી વધારે મતો મળ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ નિર્વિરોધ ચૂંટાયા હતા.

ગુજરાતમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તમામ 26 લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુ લીડનું લક્ષ્ય રાખ્યું હતું. સી.આર. પાટીલ પોતે નવસારી બેઠક પરથી સાત લાખથી વધુ મતોની લીડથી જીત્યા છે પણ ગુજરાતની બાકી 24 બેઠકો પરથી ભાજપના ઉમેદવારો કેટલી સરસાઈથી જીત્યા છે?

ભાજપના ઉમેદવારો ગુજરાતની 25 બેઠકો પર કેટલી લીડથી જીત્યા?

લોકસભા ચૂંટણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ આ બેઠક લગભગ ચાર લાખ 61 હજાર મતોની સરસાઈ સાથે જીત્યા હતા. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર હિમતસિંહ પટેલ હતા.

ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણાએ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા સામે બે લાખ 86 હજારથી વધારે મતોથી જીત મેળવી હતી.

સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ ત્રણ લાખ 21 હજારથી વધારે મતોની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. આ બેઠક પર તેમની સામે કૉંગ્રેસનાં જેનીબહેન ઠુમ્મર સામે ચૂંટણીમેદાને ઊતર્યાં હતાં. તેઓ કૉંગ્રેસનાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરનાં પુત્રી છે.

બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા લગભગ 2 લાખ 30 હજારથી વધારે મતોથી જીત્યા હતા. વસાવા સામે આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડી રહ્યા હતા.

સૌરાષ્ટ્રની ભાવનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીમુબહેન બાંભણિયા ચાર લાખ 55 હજારથી વધારે મતોની જંગી સરસાઈ સાથે જીત્યાં હતાં. આ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા હતા. તેમને લગભગ 2 લાખ 61 હજાર આસપાસ મતો મળ્યા હતા.

દક્ષિણ ગુજરાતની છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપના જસુભાઈ રાઠવાએ લગભગ ત્રણ લાખ 98 હજારથી વધારે મતોથી જીત નોંધાવી હતી. તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા સામે હતો. સુખરામ રાઠવાને લગભગ ચાર લાખ જેટલા મતો મળ્યા હતા. તેઓ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.

દાહોદની લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ત્રણ લાખ 33 હજારથી વધારે મતોની સરસાઈ સાથે જીત્યા. આ બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર ડૉક્ટર પ્રભાબહેન તાવિયાડ સામે હતો.

સૌરાષ્ટ્રની જામનગર બેઠક પરથી ભાજપનાં વર્તમાન સંસદ સભ્ય પૂનમબહેન માડમે લગભગ બે લાખ 38 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા સામે હતો, જેમને ત્રણ લાખ 82 હજારથી વધારે મતો મળ્યા હતા.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા મતથી જીત્યા ભાજપ ઉમેદવારો?

ગ્રાફિક્સ

સૌરાષ્ટ્રની અન્ય એક બેઠક જુનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા એક લાખ 35 હજારથી વધારે મતોની સરસાઈ સાથે જીત્યા હતા. આ બેઠક પર તેમનો મુકાબલો કૉંગ્રેસના હીરાભાઈ જોટવા સામે હતો. હીરાભાઈને લગભગ ચાર લાખ 48 હજારથી વધારે મતો મળ્યા હતા.

કચ્છની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ લગભગ 2 લાખ 68 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલન સામે હતો, જેમણે ત્રણ લાખ 90 હજારથી વધુ મતો મળ્યા હતા. ભાજપના વિનોદ ચાવડા ત્રીજી વખત આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી છે.

મધ્ય ગુજરાતની ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ત્રણ લાખ 57 હજારથી વધારે મતોથી જીત નોંધાવી હતી. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર કાલુસિંહ ડાભી હતા, જેમને ત્રણ લાખ 86 હજાર જેટલા મતો મળ્યા હતા.

ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક પરથી સત્તાધારી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ 3 લાખ 28 હજાર મતોથી જીત્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને ત્રણ લાખ 58 હજાર મતો મેળવ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને કેટલી લીડ મળી

સૌરાષ્ટ્રની પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ત્રણ લાખ 83 હજારથી વધારે મતોની લીડ સાથે વિજય નોંધાવ્યો હતો. તેમની સામે કૉંગ્રેસે લલિત વસોયાને ચૂંટણીમેદાને ઉતાર્યા હતા, જેમને બે લાખ 49 હજાર આસપાસ મતો મળ્યા હતા.

રાજકોટની બેઠક પરથી ભાજપના કદાવર નેતા અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનના વિરોધ છતાં પણ ચાર લાખ 84 હજારથી વધારે મતોની લીડ સાથે જીત મેળવી હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણી સામે ચૂંટણી લડી રહ્યા હતા. ધાનાણીને લગભગ ત્રણ લાખ 73 હજાર મતો મળ્યા હતા.

સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ચંદુભાઈ શિહોરાએ બે લાખ 61 હજારથી વધારે મતોની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. સુરેન્દ્રનગરથી કૉંગ્રેસના ઉમેદવાર ઋતવિકભાઈ મકવાણાને ચાર લાખ આઠ હજારથી વધારે મતો મળ્યા હતા.

એ બેઠકો જ્યાં ભાજપની સરસાઈ 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં એક લાખથી વધારે ઘટી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

ભાજપે ગુજરાતની 25 જીતેલી બેઠકો પૈકી 21 બેઠકો પર પાંચ લાખથી ઓછી સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો.

ભાજપે ભરૂચ, આણંદ, પાટણ, સાબરકાંઠા અને વલસાડ જેવી બેઠકો જીતી, પરંતુ આ બેઠકો પર 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી સરસાઈની તુલનામાં આ વખતે લીડ એક લાખથી વધારે મતોથી ઘટી છે.

દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક એ એસટી અનામત બેઠક છે.

વલસાડ બેઠક પરથી આ વખતે ભાજપે નવા ઉમેદવાર તરીકે ધવલ પટેલને ટિકિટ આપી હતી. તેમણે આ બેઠક પર લગભગ 2 લાખ 10 હજારથી વધારે મતોની સરસાઈ સાથે વિજય મેળવ્યો. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ. કે.સી.પટેલે આ બેઠક લગભગ સાડા ત્રણ લાખથી વધારે મતોથી બેઠક જીતી હતી. આમ, આ વલસાડ બેઠક પર પણ ભાજપની સરસાઈ 2019ની તુલનામાં 1 લાખ 40 હજાર જેટલી ઘટી હતી. કૉંગ્રેસે વાંસદાથી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા.

આણંદ બેઠક પરથી ભાજપ તરફથી મિતેશ પટેલે 2019ની લોકસભા ચૂંટણી લગભગ 1 લાખ 97 હજારથી વધારે મતોથી જીતી હતી. જોકે, આ વખતે તેમની જીતની સરસાઈ ઘટીને લગભગ 89 હજાર 939 જેટલી રહી હતી. આ બેઠક પરથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ મિતેશ પટેલ સામે ચૂંટણી લડી હતી.

ભાજપના ઉમેદવાર અને વર્તમાન સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ભરૂચ બેઠક પરથી 2019ની ચૂંટણી 3 લાખ 34 હજારથી વધારે મતોથી જીતી હતી. જોકે, આ વખતે તેઓ 85 હજાર મતોની સરસાઈથી આ બેઠક જીત્યા છે. તેમનો મુકાબલો આ બેઠક પર યુવા આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે હતો. ચૈતર વસાવા ડેડિયાપાડામાંથી આપના ધારાસભ્ય છે.

પાટણ બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર અને સંસદ સભ્ય ભરતસિંહજી ડાભી 2019માં લગભગ એક લાખ 93 હજારની સરસાઈ સાથે જીત્યા હતા. જોકે, આ વખતેની ચૂંટણીમાં પાટણ બેઠક પર તેઓ માત્ર 31 હજારની સરસાઈથી જીત્યા હતા. અલબત કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર મતગણતરીમાં 16 રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા.

ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર હસમુખ પરમાર બીબીસી ગુજરાતીને જણાવે છે, "મતગણતરીના 16 રાઉન્ડ સુધી ચંદનજી આગળ હતા પરંતુ છેલ્લે કાંકરેજ અને ખેરાલુ વિધાનસભા મતવિસ્તારના મતોની ગણતરી થઈ જેમાં ભાજપે તેમની લીડ કાપી. ખેરાલુ એ ભાજપના જીતેલા ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વતન છે અને ત્યાંથી ભાજપને પડેલા મતો ચંદનજીને ભારે પડ્યા."

સાબરકાંઠા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શોભનાબહેન બારૈયાએ એક લાખ 55 હજારથી વધારે મતોથી ચૂંટણી જીતી હતી. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે બે લાખ 68 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો. આમ, આ બેઠક પર ભાજપની સરસાઈ 2019ની તુલનાએ લગભગ 1 લાખ 13 હજાર જેટલી ઘટી હતી. આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને લગભગ પાંચ લાખ 21 હજારથી વધારે મતો મળ્યા હતા.

આ વિશે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ કહ્યું હતું, "ગુજરાતમાં ભાજપની સરસાઈ અનેક બેઠકો પર ઘટી તેના પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો આંતરિક અસંતોષ પણ જવાબદાર છે. પક્ષમાં કૉંગ્રેસ અને આપમાંથી આવતા નેતાઓના ભરતીમેળા સામે પણ વિરોધ હતો. ચૂંટણીમાં મતદાન સમયે પણ પક્ષના અનેક કાર્યકર્તાઓ સક્રિય ન રહ્યા અને મતદાન પણ ઓછું થયું. ભાજપના ધ્રુવીકરણ કરવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. આ તમામ પરિબળોએ ભાજપની લીડ ઘટાડવામાં ફાળો આપ્યો હતો."

ભાજપને કઈ બેઠકો પરથી પાંચ લાખથી વધારે સરસાઈ મળી?

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ

ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ તેમના ચૂંટણીપ્રચારમાં એવો દાવો કર્યો હતો કે, તેઓ તમામ બેઠકો પાંચ લાખની સરસાઈથી જીતશે. સૌપ્રથમ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આ પ્રકારનું લક્ષ્ય જાહેર કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “આપણે બે વખતથી 26 બેઠકો જીતીએ છીએ. તો આ વખતે ગુજરાતે કંઈક નવું કરવું જોઈએ ને? આપણે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી જીતી બતાવવાની છે અને વડા પ્રધાન મોદીજીને ભેટ આપવાની છે.”

જોકે, ભાજપે ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી માત્ર ચાર બેઠકો પર પાંચ લાખથી વધારે મતોની સરસાઈ સાથે જીત મેળવી હતી. ભાજપે ગાંધીનગર, નવસારી, પંચમહાલ અને વડોદરા બેઠક પર પાંચ લાખથી વધારે મતોથી જીત મેળવી હતી.

નવસારી બેઠક પરથી વર્તમાન સંસદ સભ્ય અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સાત લાખ 73 હજારથી વધારે મતોની જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર નૈશાદભાઈ દેસાઈને આ બેઠક પરથી બે લાખ 57 હજારથી વધારે મતો મેળવ્યા હતા. 2019 માં સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ લીડથી નવસારીથી જીત્યા હતા.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દેશના ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે સાત લાખ 44 હજારથી વધારે મતોથી જીત મેળવી હતી. તેમનો મુકાબલો કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલબહેન પટેલ સામે હતો. અમિત શાહ બીજી વખત ગાંધીનગરથી સાંસદ બન્યા છે.

મધ્ય ગુજરાતની વડોદરા બેઠક પરથી ભાજપના હેમાંગ જોશીએ પાંચ લાખ 82 હજાર મતોથી વધારે મતોથી જીત નોંધાવી હતી. વડોદરાથી કૉંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયારને બે લાખ 91 હજારથી વધારે મતો મળ્યા હતા. વડોદરામાં સાંસદ રંજનબહેન ભટ્ટને ભાજપે ટિકિટ આપી હતી પણ ભાજપમાંં જ તેમનો વિરોધ થતાં તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી અને ભાજપે હેમાંગ જોશીને ટિકિટ આપી હતી.

પંચમહાલની લોકસભા બેઠક પરથી ભાજપના નેતા રાજપાલસિંહ જાદવે પાંચ લાખ નવ હજારથી વધારે મતોથી જીત મેળવી હતી. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને લગભગ બે લાખ 85 હજાર મતો મળ્યા હતા.