ગેનીબહેન ઠાકોર: એ રણનીતિ, જેણે ભાજપના મજબૂત કિલ્લામાં ગાબડું પાડ્યું

- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે આજે પરિણામ જાહેર થયું છે, પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી પરિણામ સુધી સૌની નજર બનાસકાંઠા બેઠક પર હતી.
બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે અને ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીને હરાવ્યાં છે.
ગેનીબહેને ભાજપનાં ઉમેદવારને 33 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવી દીધાં છે.
આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂર્ણ થવા દીધું નથી.
ગેનીબહેન ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "બનાસકાંઠાની જનતા અને મીડિયાનો પણ આભાર માનું છું. મેં જે મામેરું માગ્યું હતું તે બનાસકાઠાની જનતાએ ભર્યું તે બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું."
તેમણે કહ્યું હતું કે, "બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું."
અહીં ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં 69.62 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. કુલ મતદારોની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 13,65,989 લોકોએ મતદાન કર્યું હતું.
બનાસકાંઠામાં ગેનીબહેનની સામે ભાજપે રેખાબહેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યાં હતાં, જેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાસકાંઠામાં ગેનીબહેન ઠાકોર ભાજપના વિજયરથને કઈ રીતે રોકી શક્યાં? તેમની જીત પાછળનાં કારણો શું છે?
ભાજપ અને કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB
કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ગેનીબહેનની જીત એ વર્ચસ્વ અને પ્રભુત્વ સામે સામાન્ય માણસની જીત છે. એક સામાન્ય પરિવારની દીકરી હવે સાડા છ કરોડની ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરશે. બનાસકાંઠાની જનતાએ જે રીતે કૉંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે એ અભૂતપૂર્વ છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "હવે ગેનીબહેન ભાજપના અત્યાર સુધીના 26 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે."
બનાસકાંઠા ભાજપના મહામંત્રી અશોક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "બનાસકાંઠામાં પણ ભાજપ તરફી જ માહોલ હતો પરંતુ અમુક સમાજોની નારાજગીને કારણે અમને થોડા મતો ઓછા મળ્યા છે. આથી અહીં અમને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. પ્રજાએ જે મત આપ્યો છે એ અમને સ્વીકાર્ય છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં અમને 26માંથી 25 બેઠકો પર ભવ્ય વિજય મળ્યો છે અને ધાર્યાં મુજબનું જ પરિણામ મળ્યું છે."
અતિશય 'લોકપ્રિય' ચહેરો

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB
કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સતત બે ટર્મથી ધારાસભ્ય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ભાજપના ઝંઝાવાતમાં પણ ગેનીબહેને ફરી વાર જીત મેળવી હતી. તેમણે જીત તો મેળવી હતી પરંતુ તેમની સરસાઈ પણ વધારી હતી.
વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગેનીબહેન પાયાનાં કાર્યકર અને નેતા છે એ તો સૌ જાણે છે અને તેઓ તેમના વિસ્તારમાં અતિશય લોકપ્રિય છે. વળી, તેમના સમાજનું પ્રતિનિધિત્વ પણ અહીં ખાસ્સું હતું."
રાજકીય વિશ્લેષક ફકીર મોહમ્મદે પણ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગેનીબહેન ધારાસભ્ય તરીકે ચૂંટાયાં તે પછી અને તે પહેલાં પણ તેમના મતવિસ્તારમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરનાર ધારાસભ્ય છે. તેમનો લોકસંપર્ક અભૂતપૂર્વ છે.”
તેઓ કહે છે કે, “માત્ર ઠાકોર સમાજ જ નહીં પરંતુ બીજા બધા સમાજોના શુભ-અશુભ પ્રસંગોમાં તેઓ અચૂક ભાગ લે છે. લોકોનાં સુખ-દુ:ખમાં ભાગીદાર બને છે. જમીન સાથે જોડાયેલાં નેતા છે.”
ક્રાઉડફંડિગથી જનસમર્થન અને સહાનુભૂતિ મેળવવી

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન ગેનીબહેન ઠાકોર તેમના ક્રાઉડફંડિંગને કારણે પણ ચર્ચામાં આવ્યાં હતાં.
સતત સોશિયલ મીડિયા પર તેમને વડીલો આશીર્વાદ સાથે પૈસા આપતાં હોય તેવાં દૃશ્યો વાઇરલ થયાં હતાં.
ગેનીબહેને દાવો કર્યો હતો કે તેમને ચૂંટણીપ્રચાર માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી તથા ગાડીમાં પેટ્રોલ પણ પુરાવવું પડ્યું નથી.
ચૂંટણીપ્રચાર દરમિયાન તેઓ સતત આ પ્રજા તરફથી મળી રહેલા પૈસાને ‘મામેરું’ ગણાવતાં વારંવાર કહ્યું હતું કે બનાસકાંઠાની પ્રજા સતત મને આશીર્વાદ આપી રહી છે અને મામેરું ભરી રહી છે.
ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર રાખનાર રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મામેરું ભરવાની વાત, બનાસની બહેનનું સૂત્ર, ક્રાઉડફંડિગ વગેરેના માધ્યમથી ગેનીબહેને એક સંવેદનાસભર માહોલ તેમની તરફે સર્જ્યો હતો. શંકર ચૌધરીનું પ્રભુત્વ, ડેરીનું સંગઠન તથા ભાજપનું સંગઠન એમ તમામ મોરચે ગેનીબહેને ટક્કર આપી અને ભાજપ સામે વિજય મેળવ્યો છે."
અહીં ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરી તથા અન્ય દૂધ સહકારી મંડળીઓ સાથે લાખો પશુપાલક પરિવારો જોડાયેલા છે. બનાસ ડેરીના ચૅરમૅન શંકર ચૌધરી ભાજપના નેતા હોવાથી કૉંગ્રેસનો સતત એ આરોપ હતો કે ભાજપ ડેરીના માધ્યમથી ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યો છે.
તેઓ કહે છે, "આ જીત એ સાબિત કરે છે કે ચૂંટણી લડવા માટે માત્ર પૈસા નહીં પરંતુ જમીની સ્તરે પકડ, લોકપ્રિયતા અને કોઠાસૂઝ જરૂરી છે."
એક અહેવાલ પ્રમાણે ગેનીબહેને એવો દાવો કર્યો હતો કે તેમને ચૂંટણી દરમિયાન 26 લાખ કરતાં પણ વધુ રૂપિયાનું લોકો તરફથી ફંડિંગ મળ્યું હતું.
'તમામ સમાજના મતો મળ્યા'

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
બનાસકાંઠાની બેઠક પર મતદારોની દૃષ્ટિએ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે તેવા સંજોગોમાં કૉંગ્રેસનાં ગેનીબહેન અને ચૌધરી સમાજનાં રેખાબહેન ચૌધરી વચ્ચેનો મુકાબલો રાજકીય વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો.
રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર કહે છે, "ગેનીબહેનની છબીને કારણે તેમને ચૌધરી મતો પણ મળ્યા, ઠાકોર સમાજના મતો પણ તેમને ભરપૂર પ્રમાણમાં મળ્યા છે. તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન અઢારેય વર્ણના લોકો મારી સાથે છે એમ પણ વારંવાર કહ્યું હતું. આથી તેમને તમામ સમુદાયોનું સમર્થન અને સહાનુભૂતિ મળ્યા છે."
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "બનાસકાંઠાની એક તાસીર રહી છે કે જ્યારે અહીં ચૌધરી સમાજના ઉમેદવાર હોય તો તેમની સામે અન્ય સમાજના લોકો એક થઈ જાય છે. આ વખતે પણ એવું થયું હોય તેવી સંભાવના લાગે છે. એ સિવાય બનાસકાંઠા, પાટણ વગેરે વિસ્તારો દાયકાઓથી કૉંગ્રેસનો ગઢ રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે પણ અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ જીતતો આવ્યો છે. અહીં તેનું સંગઠન પણ પ્રમાણમાં સારું છે."
અહીં ઉલ્લેખનીય છે કે એક અંદાજ પ્રમાણે બનાસકાંઠામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. આથી જો, બંને સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો અહીં દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કૉમ્બિનેશન પણ ઉમેદવારની જીત નક્કી કરવામાં અગત્યનું સાબિત થાય છે. આ ચૂંટણીમાં પણ એવું જ થયું હોવાની સંભાવના દેખાઈ રહી છે.
‘બનાસની બહેન ગેનીબહેન’
ઉમેદવાર તરીકે જાહેર થયાં બાદ ગેનીબહેને તેમના ચૂંટણીપ્રચારમાં ‘બનાસની બહેન ગેનીબહેન’ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.
ગેનીબહેન અનુસાર, આ સૂત્ર લોકોએ જ આપ્યું હતું અને પ્રચલિત થઈ ગયું હતું.
આ સૂત્ર ચૂંટણીપ્રચાર દરમિયાન સોશિયલ મીડિયામાં અતિશય છવાયેલું રહ્યું હતું તથા તેનાથી ગેનીબહેનની લોકપ્રિયતા વધી હોવાનું મનાય છે.
પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં સભા સંબોધતી વખતે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તમામ વિશ્લેષકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે 'બનાસની બહેન ગેનીબહેન' ના સૂત્રે તેમની જીતમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે રેખાબહેન ચૌધરીની સરખામણીએ ગેનીબહેનની લોકપ્રિયતા અતિશય વધારે છે. જ્યારે રેખાબહેનનો કોઈ રાજકીય અનુભવ કે ઓળખ ન હતી.
અજય નાયક કહે છે કે, "ભાજપનાં ઉમેદવાર માત્ર કોઈના વંશજ હોવાને નામે કે લાગણીના આધારે મતો માગી રહ્યાં હતાં. ભાજપ પાસે તો ભરપૂર સંસાધનો હતાં. તો સામે પક્ષે ગેનીબહેનની સતર્કતા, તેમનું કામ જ મતદારોને આકર્ષવા માટે પૂરતું હતું. આવા સંજોગોમાં તેમની જીત મહત્ત્વની છે."
જાણકારોના મતે ભાજપના ઉમેદવાર માત્ર નરેન્દ્ર મોદીના ચહેરા અને ભાજપના સંગઠન પર જ નિર્ભર હતા.
કૉંગ્રેસ માટે આ જીત કેટલી મહત્ત્વની?

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
ગુજરાતમાં લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં એક પણ બેઠક કૉંગ્રેસ જીતી શકી ન હતી.
પરંતુ આ વખતે કૉંગ્રેસે ગેનીબહેનની જીત સાથે ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.
અજય નાયક કહે છે, "છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ બેઠક ન જીતી શકેલી કૉંગ્રેસ માટે આ ઉત્સાહજનક સમાચાર છે. આ સાથે જ રાષ્ટ્રીય સ્તરે પણ કૉંગ્રેસનું કદ વધ્યું છે. આ જીત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ પરિવર્તનની સૂચક છે."
રાજેશ ઠાકર કહે છે કે, "ગુજરાતમાં ભાજપે આ એક બેઠક ગુમાવી તેની દેશભરમાં ચર્ચા થશે. આ ભાજપના સંગઠન અને વડા પ્રધાન મોદીની સામે ગેનીબહેને મેળવેલી જીત છે એ જ દર્શાવે છે કે આ જીત કેટલી મહત્ત્વની છે."
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું હતું કે, "આ સાચા અર્થમાં લોકપ્રતિનિધિની જીત છે. લોકશાહી માટે આ આશાના કિરણ સમાન જીત છે."
વધુમાં તેમણે કહ્યું હતું કે, "ભાજપના મજબૂત કિલ્લામાં ગાબડું પાડવામાં ગેનીબહેન સફળ થયાં છે. ગુજરાતમાં 156 બેઠકો પર પરાજય પછી કૉંગ્રેસના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હતો. આ જીતથી કૉંગ્રેસ જીવંત બની છે, વિપક્ષ ધબકતો થયો છે."
ગેનીબહેન ઠાકોર કોણ છે અને તેમના વિવાદો શું છે?

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB
ગુજરાતમાં જ્યારે ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી રેકૉર્ડ જીત મેળવી ત્યારે પણ ગેનીબહેન સતત બીજી વાર ધારાસભ્ય બન્યાં હતાં.
વર્ષ 2022માં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરથી તેમણે 15601 મતોથી જીત મેળવી હતી.
2017માં તેમણે આ જ બેઠક પરથી ભાજપના 'મોટા નેતા' અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે તેમણે ઍક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પૉલિટિકલ સાયન્સમાં એડમિશન લીધું હતું પરંતુ તેમણે પહેલા વર્ષે જ એ કોર્સ છોડી દીધો હતો.
તેઓ કૉંગ્રેસના બનાસકાંઠા જિલ્લાનાં પ્રમુખ તરીકે નિમાયાં હતાં અને 2012માં પહેલી વાર તેમને વાવ વિધાનસભા બેઠકથી ટિકિટ મળી હતી.
તેમનાં રાજકારણ અને વ્યક્તિત્વ અંગે વિગતવાર માહિતી આપતાં સ્થાનિક પત્રકાર કલ્પેશ ઠાકોર જણાવે છે કે, "અન્ય નેતાઓથી વિપરીત ગેનીબહેન એક સામાન્ય પરિવારનાં છે. છતાં માત્ર લોકપ્રિયતાના દમે તેઓ વિરોધીઓને હંફાવી દે છે."
બનાસકાંઠા જિલ્લામાં ‘કૉંગ્રેસની સફળતાની મિસાલ’ એવાં ગેનીબહેન પોતાનાં નિવેદનોથી ઘણી વાર વિવાદોમાં પણ સપડાતાં રહ્યાં છે.
તેમના પર ઘણી વાર જાહેર નિવેદન આપતી વખતે ‘અપશબ્દો’ અને ‘વાંધાજનક ભાષાનો’ પ્રયોગ કરવાના આરોપો લાગતા રહ્યા છે.
પછી ભલે તે ‘બળાત્કારના આરોપીઓને સરાજાહેર આગ ચાંપવાની’ વાત હોય કે પછી ‘ભાજપના નેતાઓની હત્યા’ની વાત, ગેનીબહેન કોઈ ને કોઈ નિવેદનને લઈને વિવાદમાં સપડાતાં રહ્યાં છે.
2019માં તેમણે ઠાકોર સમાજની અપરિણીત દીકરીઓ માટે મોબાઇલના ઉપયોગને પ્રતિબંધિત કરવાની માગણીનું પણ સમર્થન કર્યું હતું.
એ સમયે તેમણે કહ્યું હતું કે, "દીકરીઓએ વધુ ધ્યાન મોબાઇલ કરતાં ભણવામાં આપવું જોઈએ."












