લોકસભાનાં પરિણામ આવતાં જ એવું શું થયું કે રોકાણકારોએ કરોડો ગુમાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની ચૂંટણીમાં એનડીએને મળતી બેઠકો દરમિયાન મંગળવારે શૅરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી.
દેશના મહત્ત્વના શૅરબજાર બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જના સૂચકાંક સૅન્સેક્સમાં 4389 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને સાંજે બીએસઈ 72079 પૉઇન્ટ પર બંધ થયો હતો.
બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જના સૂચકાંક બૅન્ક ઇન્ડેક્ષમાં પણ 8.09 ટકાનો ઘટાડો આવ્યો હતો અને 4713.39 પાઇન્ટ તૂટીને સૂચકાંક 53577.08 આંક પર બંધ થયો હતો.
નેશનલ સ્ટોક ઍક્સ્ચેન્જમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સૂચકાંક નિફ્ટીમાં 5.93 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને 1379 પૉઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
શરૂઆતમાં તબક્કામાં ઘટાડા થયા બાદ સાંજે જ્યારે પરિણામની સ્થિતિ વધુ સ્પષ્ટ થતાં સાંજે થોડા સુધારા સાથે બંધ થયા.
અહેવાલ અનુસાર બીએસઈ અને એનએસઈમાં આવેલો કડાકાના કારણે બંને શૅરબજારો છેલ્લાં ચાર વર્ષના સૌથી નીચી સપાટીએ બંધ થયાં છે.
રોકાણકારોના 55 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજી જૂનના રોજ માર્કેટ 76738 પોઇન્ટ સાથે બંધ થયું હતું, જે સૌથી ઊંચો સૂચકાંક હતો.
સવારે 9 વાગ્યે માર્કેટ ખૂલતાંની સાથે સૂચકાંકમાં કડાકો નોંધાયો હતો. સવારે નવ વાગ્યા ને 13 મિનિટે 76285 પૉઇન્ટ પર આવી ગયો હતો અને ત્યાર બાદ સતત સૂચકાંક નીચે જતા રોકાણકારોની મૂડીમાં ધોવાણ થવા લાગ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બપોરે 12ની આસપાસ જ્યારે સ્પષ્ટ થયું કે એનડીએને ઍક્ઝિટ પોલ પ્રમાણે સીટો નથી મળી રહી ત્યારે સૂચકાંક 70234 પૉઇન્ટ પર પહોંચી ગયો હતો. થોડા સુધારા બાદ માર્કેટમાં ફરીથી કડાકો આવ્યો હતો અને સાંજે 72079 પૉઇન્ટ પર બંધ થયો હતો.
બૅન્ક, રિયલ એસ્ટેટ કંપનીઓ, સરકારી કંપનીઓ, ઑઇલ અને ગૅસ આધારિત કંપનીઓ સહિતની દરેક કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. કેટલીક કંપનીઓની શૅરની કિંમતમાં 15 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
આ ઘટાડાનો સૌથી વધુ આંચકો અદાણી ગ્રૂપની મોટા ભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઊર્જા ક્ષેત્રની કંપનીઓને લાગ્યો હતો.
સોમવારના સોદાઓમાં અદાણી જૂથના જે શૅરોમાં જે રેકૉર્ડ તેજી જોવા મળી હતી તે તમામ શૅરોની કિંમતમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
નેશનલ સ્ટોક ઍક્સ્ચેન્જમાં પણ આવી જ સ્થિતિ હતી. સવારે 23179.50 પૉઇન્ટથી શરૂ થયા બાદ નિફ્ટીમાં સતત કડાડો જોવા મળ્યો હતો.
અપેક્ષા પ્રમાણેનાં પરિણામ ન આવતાં રોકાણકારોએ વેચાણ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે સૂચકાંક 21281 પર આવી ગયો હતો. સાંજે થોડા સુધારો જોવા મળ્યા બાદ સૂચકાંક 22019.88 પૉઇન્ટ પર બંધ થયો હતો.
સ્ટોક બ્રૉકર કિરણ જાનીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, ''બીએસઈમાં આવેલા કડાકાના કારણે રોકાણકારોના 25 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આવી જ રીતે નેશનલ સ્ટોક ઍક્સ્ચેન્જમાં આવેલા વેચાણના કારણે રોકાણકારોના 25 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. પરંતુ આ કરેક્શન તરીકે જોવાની જરૂર છે. ઘણા રોકાણકારોએ પ્રોફિટ બુક કરીને વેચાણ કર્યું છે.''

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
કડાકા પાછળ શું કારણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકોના મત અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષ ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી નથી રહ્યો એ બજારો માટે સૌથી નિરાશાજનક બાબત રહી.
સોમવારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને આનુષંગિક માલસામાનનું ઉત્પાદન કરતી કંપનીઓ, ઊર્જા કંપનીઓ અને સરકારી બૅન્કોમાં સુધારો જોવા મળ્યો હતો, તેમાં મંગળવારે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
બીબીસીનાં બિઝનેસ સંવાદદાતા અર્ચના શુક્લા અનુસાર, "મેં બૉમ્બે સ્ટોક ઍક્સ્ચેન્જની બહાર એક રોકાણકાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આ બાબત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રોમાં રોકાણોની સાતત્યતામાં અનિશ્ચિતતા દર્શાવે છે."
તેમણે કહ્યું, "તેનાથી સરકારની આર્થિક નીતિના ઘડતરની ગતિ ધીમી પડે છે." ભૂતકાળમાં સ્પષ્ટ બહુમતીને કારણે ઝડપથી લેવાતા નીતિવિષયક નિર્ણયો લેવાની ક્ષમતાને આ ગઠબંધન સરકારે પોતાની ખૂબી ગણાવી હતી.
શૅરબજારના જાણકારો પ્રમાણે કેન્દ્રમાં એક મજબૂત સરકાર આવશે તેની અપેક્ષાએ શૅરબજારો છેલ્લાં કેટલાંક દિવસથી સતત ઉપર જઈ રહ્યાં હતાં. સોમવારે ઍક્ઝિટ પોલ સારા આવ્યા એટલે મોટી તેજી જોવા મળી હતી.
પરંતુ મંગળવારે જેમ પરિણામ આવતાં ગયાં તેમ રોકાણકારોની શૅર વેચવાની શરૂઆત કરી, જેના કારણે બંને શૅરબજારોમાં મોટો કડાકો આવ્યો હતો.
રાજકીય પરિણામો અને શૅરબજારને શો સંબંધ?

ઇમેજ સ્રોત, BBC/BISWARANJAN MISHRA
અમદાવાદમાં સ્ટોક બ્રોકિંગ કરતા પાર્થિવ શાહ કહે છે કે, ''શૅરબજારને અનિશ્ચિતતા પસંદ નથી. છેલ્લી બે ટર્મથી સિંગલ પાર્ટીએ કેન્દ્રમાં સરકાર બનાવી રહી હતી. આ વખતે કેન્દ્રમાં બહુમતી સાથેની સરકાર આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ અપેક્ષા પ્રમાણે ન થતા શૅરબજારમાં અનિશ્ચિતતાનો દોર આવ્યો અને રોકાણકારોએ વેચાણ શરૂ કરી દીધું, જેની સીધી અસર બજાર પર પડી.''
''કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હોય ત્યારે બજાર કાયમ આ રીતે જ વર્તન કરે છે. નવી સરકાર કેવી રીતે માળખાકીય અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરે છે તેના આધારે શૅરબજારની આગળની દિશા નક્કી થશે. આવનારા બે અથવા ત્રણ મહિના હજી આવું જ રહેશે. હાલના તબક્કામાં શૅરબજારમાં રોકાણ કરી શકાય છે.''
કિરણ જાની પણ આ વાત સાથે સહમત છે.
તેઓ કહે છે કે, ''સાલ 1998, 2004 અને 2009માં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર બની હતી ત્યારે પણ શૅરબજારમાં આ રીતે જ કડાકો આવ્યો હતો. શૅરબજારમાં રોકાણ ત્યારે વધે છે જ્યારે દેશમાં એક પ્રકારની સ્ટેબેલિટી જોવા મળતી હોય. આજે જે થયું તેમાં લોકો ગભરાઈને વેચાણ કરવા લાગ્યા, જેના કારણે માર્કેટ બહુ ઝડપથી તૂટવા લાગ્યું હતું.''
તેઓ વધુમાં જણાવે છે કે કેન્દ્રમાં સરકાર કઈ રીતે બને અને કેવી શરતો પર બને છે તેના પર આધાર છે કે બજાર ઝડપથી ફરીથી રિકવર થાય છે.












