અમિત શાહની ગાંધીનગરથી જીત, ગુજરાતમાં કયા ઉમેદવારો વિજેતા થયા?

લોકસભા ચૂંટણીનાં પરિણામો જેમ જેમ આવી રહ્યાં છે તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપને 25 બેઠક પર જીત મળી છે, તો કૉંગ્રેસે બનાસકાંઠા બેઠક જીતી છે.
ભારતના વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 1 લાખ 52 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી 2019ની લોકસભાની ચૂંટણી વારાણસી બેઠક પરથી જ 4.8 લાખ મતોથી જીત્યા હતા. મોદીનો મુકાબલો આ બેઠક પરથી ઉત્તર પ્રદેશના કૉંગ્રેસ પ્રમુખ અજય રાય સામે હતો.
ચૂંટણીનાં પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે.
લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "દેશની જનતા-જનાર્દને એનડીએ પર સતત ત્રીજી વખત પોતાનો વિશ્વાસ મૂક્યો છે. ભારતના ઇતિહાસમાં આ અદ્ભુત પળ છે. હું સ્નેહ અને આશીર્વાદ માટે પોતાના પરિવારજનોને નમન કરું છું."

દેશના અન્ય મહત્ત્વપૂર્ણ ઉમેદવારોની વાત કરીએ તો પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ ઉમેદવાર ચરણજિતસિંહ ચન્નીએ જલંધર બેઠક પરથી 1 લાખ 75 હજારથી વધારે મતોથી જીતી મેળવી છે. તેમનો મુકાબલો અહીં ભારતીય જનતા પાર્ટીના સુશીલકુમાર રિંકુ અને આમ આદમી પાર્ટીના પાવનકુમાર ટીનુ સાથે હતો.
દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની હાવેરી બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના ઉમેદવાર બસવરાજ બોમ્મઈ 43 હજારથી વધારે મતોની સરસાઈથી જીત્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાવેરી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર આનંદસ્વામી ગદ્દાદેવરમથ હતા અને તેમને 6 લાખ 62 હજાર મતો મળ્યા હતા, જ્યારે બસવરાજ બોમ્મઈને સાત લાખથી વધારે મતો મળ્યા હતા.
કર્ણાટકના ધારવાડથી ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોષી 97 હજારથી વધારે મતોથી જીત્યા હતા.
પ્રહલાદ જોષીને સાત લાખથી વધારે મતો મેળવ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર વિનોદ અસોટીને લગભગ છ લાખ મતો મળ્યા હતા.

ગુજરાતમાં શું છે સ્થિતિ?

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની સુરત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ પહેલાં જ બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે. આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્રક રદ થયા પછી અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી.
ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે-
- ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહે સાત લાખ 44 હજારની જંગી સરસાઈ સાથે જીત મેળવી હતી.
- આ બેઠક પરથી તેમનો મુકાબલો કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલબેન પટેલ સામે હતો.
- ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ નવસારી બેઠક પરથી વિજેતા જાહેર થયા છે. પાટીલે કૉંગ્રેસના નૈષધ દેસાઈને 7,73,551 મતથી હરાવ્યા છે.
- ગાંધીનગરની લોકસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપેયી અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી જીત્યા હતા.
- ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને છ વખતના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા 85 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. મનસુખ વસાવાને છ લાખ આઠ હજારથી વધારે મતો મળ્યા હતા.
- આ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૈતર વસાવાને પાંચ લાખ 22 હજારથી વધારે મતો મળ્યા હતા.
- મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ત્રણ લાખ 28 હજારથી વધારે મતોથી વિજય થયા છે. આ બેઠક પર તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સામે હતો.
- અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલે ચાર લાખ 61 હજાર મતોથી જીત મેળવી હતી. આ બેઠક પરથી તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ સાથે હતો.
- ભાજપના અમદાવાદ પશ્ચિમની ઉમેદવાર દિનેશભાઈ મકવાણા બે લાખ 86 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા હતા.
- જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા 1 લાખ 35 હજાર મતોથી જીત્યા હતા. તેમનો મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર હરિભાઈ જોટવા સાથે હતો.












