ગેનીબહેન જેમની સામે માંડ-માંડ જીત્યાં એ રેખાબહેન ચૌધરીની કહાણી

ઇમેજ સ્રોત, REKHA CHAUDHARI/IG
ચાર જૂને સવારે જ્યારથી લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ત્યારથી ગુજરાતની બનાસકાંઠા બેઠક પર લોકોની નજર હતી.
કૉંગ્રેસે વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરને આ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે ડૉક્ટર રેખાબહેન ચૌધરીને અહીં મેદાનમાં ઉતાર્યાં હતાં.
ગેનીબહેન ઠાકોર ડૉ. રેખાબહેન ચૌધરી વચ્ચે ખરાખરીની ટક્કર હતી. મતગણતરીમાં ક્યારેક ગેનીબહેન આગળ તો ક્યારેક રેખાબહેન. જોકે, આખરે કૉંગ્રેસનાં ગેનીબહેને અંતે 30 હજારથી વધારે મતોથી બનાસકાંઠાની બેઠક પરથી વિજય મેળવ્યો હતો.
ડૉ. રેખાબહેન ચૌધરી જબરદસ્ત ટક્કર આપ્યા પછી ચૂંટણી હારી ગયાં હતાં.
બનાસકાંઠા લોકસભા હેઠળ સાત વિધાનસભાઓ આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ અને દાંતા બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ધાનેરાની બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા હતા.
છેલ્લે બનાસકાંઠાની બેઠક પર કૉંગ્રેસે 2009માં જીતી હતી. ગત ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલનો અહીંથી 3.68 લાખ મતે વિજય થયો હતો. કૉંગ્રેસ તેમની સામે પરથી ગલબાભાઈ ભટોળને ઉતાર્યા હતા. જોકે, આ વખતે ભાજપે પરબતભાઈ પટેલની ટિકિટ કાપીને ડૉ. રેખાબહેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં હતાં.
રેખાબહેન ચૌધરીનો બનાસ ડેરી સાથે સંબંધ

ઇમેજ સ્રોત, REKHA CHAUDHARI/IG
બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી પરેશ પઢિયારે આપેલી માહિતી પ્રમાણે, રેખાબહેન પોતે રાજકારણ સાથે જોડાયેલાં ન હતાં અને ઍન્જિનયરિંગ કૉલેજમાં પ્રોફેસર અને સામાજિક કાર્યકર રહ્યાં છે.
જોકે, રેખા ચૌધરીના પતિ ડૉક્ટર હિતેશ ચૌધરી રાજકારણમાં સક્રિય છે અને હાલમાં ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરેશ પઢિયાર અનુસાર 'હિતેશ ચૌધરી અને વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચૅરમૅન શંકર ચૌધરી વચ્ચે સારા સંબંધો છે. આ કારણે જ રેખબાહેનને બનાસકાંઠા બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી.'
રેખા ચૌધરી પોતે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલનાં પૌત્રી છે.
એડીઆરની 'માય નેતા' વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રેખાબહેન ચૌધરી પાસે આઠ કરોડ 34 લાખથી વધારેની કિંમતની મિલકત છે. આ ઉપરાંત તેમણે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચડી કર્યું છે.
ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર અને રાજકીય વિશ્લેષક ફકીરમહંમદના જણાવ્યા અનુસાર, "ભાજપે બનાસકાંઠામાં આંતરિક વિવાદને ટાળવા માટે એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબહેનને ટિકિટ આપી હતી. આ ઉપરાંત રેખાબેન ચૌધરીના દાદાએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી અને તેઓ આજીવન કૉંગ્રેસી રહ્યા હતા."
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી બનાસકાંઠાના દિગ્ગજ નેતા છે અને તેઓ ગેનીબહેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી હારી ચૂક્યા છે.
બનાસ ડેરી

ઇમેજ સ્રોત, Banas Dairy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસ ડેરીની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, ગલબાભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સામાજિક અને આર્થિક સ્થિતિના સુધારવા માટે અમૂલ ડેરીની જેમ જ એક સહકારી સંસ્થાનો વિચાર કર્યો હતો.
એ બાદ વડગામ અને પાલનપુર તાલુકામાં આઠ સહકારી દૂધમંડળીઓની નોંધણી કરવામાં આવી હતી. આ મંડળીઓમાં જમા થયેલું દૂધ મહેસાણાની દૂધસાગર ડેરીને મોકલવામાં આવતું હતું.
આ દૂધમંડળીઓએ 31 જાન્યુઆરી 1969ના રોજ સહકારી કાયદા હેઠળ 'બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ', પાલનપુર તરીકે નોંધણી કરાવી હતી. જેને સામાન્ય રીતે બનાસ ડેરી તરીકે ઓળખવામાં આવે છે.
ગલબાભાઈએ 14 જાન્યુઆરી 1971ના રોજ જગાણા ગામની નજીક 122 એકરની જમીન પર બનાસ ડેરીના પહેલા પ્લાન્ટનો પાયો નાખ્યો હતો.
સમાચાર એજન્સી એનેઆઈના એક અહેવાલ પ્રમાણે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં બનાસ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પરેશ પઢિયારે જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે સીધા જ જોડાયેલા છે. આ ઉપરાંત બનાસ ડેરીમાં નોકરી કરતા 80-85 ટકા લોકો ચૌધરી સમાજમાંથી આવે છે અને એ રીતે સહકારી ક્ષેત્રમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે.
એવામાં અહીં સવાલ થાય કે બનાસકાંઠાની સહકારી ક્ષેત્ર પર ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવા છતાં ડૉ. રેખાબહેન ચૌધરી ચૂંટણી કેમ હારી ગયાં?
આ સવાલનો જવાબ આપતાં રાજકીય વિશ્લેષક ફકીરમહંમદ શેખે કહ્યું, “બનાસકાંઠામાં ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી છે અને ત્યારબાદ ચૌધરી સમાજની છે. ભાજપના સંગઠને ખૂબ જ કામ કર્યું છે પણ મારી દૃષ્ટીએ રેખાબહેન આ ચૂંટણી ચૌધરી સમાજની યાદવસ્થળીને કારણે હાર્યાં છે, ખાસ કરીને સમાજના સહકારી માળખાના આગેવાનોની યાદવસ્થળી.”
તેમણે એવું પણ ઉમેર્યું કે બીજી તરફ કૉંગ્રસનાં ઉમેદવાર ગેનીબહેન એક લડાયક નેતા છે અને લોકોના સુખ-દુ:ખમાં સાથે ઊભાં રહે છે. એક ધારાસભ્ય તરીકે પણ તેમણે સારાં કાર્યો કર્યાં છે. આ ઉપરાંત તેઓ ઠાકોર સમાજ ઉપરાંત અન્ય બીજા સમાજના મતો મેળવવામાં પણ સફળ રહ્યાં છે.
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ બીબીસીને જણાવે છે, "બનાસકાંઠાની એક તાસીર રહી છે કે જ્યારે અહીં ચૌધરી સમાજના ઉમેદવાર હોય તો તેમની સામે અન્ય સમાજના લોકો એક થઈ જાય છે. આ વખતે પણ એવું થયું હોય તેવી સંભાવના લાગે છે. એ સિવાય બનાસકાંઠા, પાટણ વગેરે વિસ્તારો દાયકાઓથી કૉંગ્રેસનો ગઢ રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે પણ અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ જીતતી આવી છે. અહીં તેનું સંગઠન પણ પ્રમાણમાં સારું છે."
અહીં ઉલ્લેખનીય છે કે એક અંદાજ પ્રમાણે બનાસકાંઠામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. આથી જો, બંને સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો અહીં દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કૉમ્બિનેશન પણ ઉમેદવારની જીત નક્કી કરવામાં અગત્યનું પરિબળ સાબિત થાય છે.












