નરેન્દ્ર મોદી ગઠબંધન સરકાર ચલાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતથી દૂર રહી ગઈ છે. હવે ભાજપને સત્તામાં ટકી રહેવા માટે નીતીશ કુમાર અન ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર રહેવું પડશે.
ભાજપને 240 બેઠકો મળી છે જ્યારે સરકાર ચલાવવા માટે તેને 272 બેઠકોની જરૂર છે. એનડીએ ગઠબંધન પાસે કુલ 292 બેઠકો છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ખાતામાં 234 બેઠકો છે.
ઇન્ડિયા ગઠબંધનના સૂત્રધાર રહેલા જેડીયુ (જનતા દળ યુનાઇટેડ) અધ્યક્ષ અને બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર ગત જાન્યુઆરીમાં એનડીએમાં સામેલ થઈ ગયા હતા. બિહારમાં તેમણે એનડીએ સાથે સરકાર બનાવી હતી અને લોકસભા ચૂંટણી પણ આ જ ગઠબંધન તરફથી લડ્યા હતા.
જેડીયુએ આશા કરતાં વધુ સારું પ્રદર્શન કરીને બિહારમાં 12 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના ખાતામાં પણ 12 બેઠકો આવી છે. એલજેપી(રામવિલાસ પાસવાન)ને પાંચ બેઠકો તથા જીતનરામ માંઝીના પક્ષને એક બેઠક મળી છે. એટલે કે એનડીએને કુલ 30 બેઠકો મળી છે. પૂર્ણિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવ જીત્યા છે.
નાયડુ અને નીતીશના ભરોસે સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને 16 બેઠકો મળી છે. ત્યાં વિધાનસભા ચૂંટણી પણ સાથે યોજાઈ હતી જેમાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષે 175માંથી 135 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી છે. ટીડીપી પણ એનડીએમાં સામેલ છે.
નવાઈની વાત એ છે કે નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ બંને થોડા સમય પહેલાં સુધી તો કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડીને બેઠા હતા. એટલા માટે એનડીએમાં તેમનું સ્થાન અતિશય મહત્ત્વનુું થઈ ગયું છે.
સરકાર બનાવવા માટે મોદી અને ભાજપને હવે આ જૂના સહયોગીઓ સાથે તાલમેલ બેસાડવી પડશે.
મોદી સામે પડકારો

ઇમેજ સ્રોત, YOUTUBE/ BJP
તાજેતરનાં પરિણામો પછી સત્તાનાં સમીકરણોમાં આ બંને નેતાઓ કિંગમેકરની ભૂમિકામાં આવી જતાં વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે, “આ સરકાર નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વગર ચાલી નહીં શકે અને નીતીશકુમાર હવામાનની જેમ બદલાતા રહે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“હવે સવાલ એ છે કે આ વાત ભાજપના ગળામાં હાડકા સમાન બની ગઈ છે. આ બંને નેતાઓ રાજકારણના અતિશય જૂના અને પંકાયેલા ખેલાડીઓ છે અને એક વિશેષ પ્રકારની રાજકીય સમજ ધરાવે છે. આ સત્તા-સમીકરણમાં તેઓ પોતાની પૂરી કિંમત વસૂલશે અને પોતાની માંગ સામે મૂકશે જ. તેઓ કહેશે કે તેમની માંગને પૂરી કરવામાં આવે તો જ તેઓ સમર્થન આપશે.”
તેઓ કહે છે, “જો સામાન્ય રાજકીય સંદર્ભોને સામે રાખીને વાત કરીએ તો પણ ત્રીજી વાર સરકાર બનાવવા માટે 240 બેઠકો લઈ આવવી એ કોઈ મામૂલી વાત નથી અને ખરાબ પ્રદર્શન પણ નથી. પણ મોદીજીએ જ તેમનું લક્ષ્ય એટલું આગળ મૂકી દીધું હતું. 400 પારના નારા સામે ભાજપ જીતવા છતાં પણ હાર અનુભવે છે અને વિપક્ષ હારીને પણ જીત અનુભવે છે.”
સંજીવ શ્રીવાસ્તવ અનુસાર, “આ ચૂંટણી-પરિણામોનો મુખ્ય સંદેશ એ છે કે પીએમ મોદીએ પણ એનડીએના સાથી પક્ષોને સાથે રાખીને ચાલવું પડશે.”
તેઓ કહે છે, “આ ચૂંટણી-પરિણામોમાં એ મહત્ત્વની વાત છે કે જો તમે સમગ્ર તંત્ર અને પ્રજાને નબળાં ગણી લેશો અને જેમ તમે ઇચ્છો તેમ કરવાનો પ્રયત્ન કરશો તો પ્રજા કદાચ એ પસંદ કરતી નથી.”
સત્તાનું કેન્દ્રીકરણ નહીં ચાલે

ઇમેજ સ્રોત, Getty Images
સંજીવ શ્રીવાસ્તવ વધુમાં કહે છે, “સૌથી મોટો પડકાર એ છે કે મોદીજીની દસ વર્ષ ચાલેલી સરકારમાં સત્તામાં વડા પ્રધાન મોદી અને અમિત શાહ સિવાય કોઈની ભાગીદારી ન હતી. હવે તેઓ સત્તામાં ભાગીદારી વધારશે, જો લોકોનું સાંભળવામાં આવશે તો તેમની સરકાર ચાલી શકશે. એટલે કે ગઠબંધન-ધર્મનું પાલન કરીને વાજપેયી મૉડલ પ્રમાણે તેઓ ચાલશે તો જ સરકાર લાંબી ચાલી શકશે.”
તેઓ કહે છે, “મોદીને આ મૉડલનો તેમના સમગ્ર જીવનમાં કોઈ અનુભવ જ નથી. 2002થી 2024 સુધી ત્રણ વખત મુખ્ય મંત્રી તરીકે તથા બે વાર વડા પ્રધાન તરીકે તેમણે એકછત્ર રાજ કર્યું છે. હવે અચાનક તાલમેલ અને સહમતિનું રાજકારણ કરવું એ તેમના માટે પડકાર જ છે. હવે તેઓ આ નવી ભૂમિકાનો કઈ રીતે સ્વીકાર કરે છે તેના પર જ સરકાર કેટલી ટકશે એ નિર્ભર છે.”
અટલ બિહારી વાજપેયીની સરકાર 1999માં બની ત્યારે એનડીએ ગઠબંધનમાં 24 પક્ષો હતા. તેમ છતાં આ સરકાર પાંચ વર્ષ ચાલી હતી.
રાજકીય વિશ્લેષકો માને છે કે ગઠબંધનના સાથી પક્ષો સાથે તાલમેલ બેસાડવાની વાજપેયીની કુશળતાએ પાંચ વર્ષ સ્થિર સરકાર ચલાવી હતી.
વિપક્ષી નેતાઓનાં નિવેદનોથી સંકેત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંગળવારે જ્યારે ચૂંટણી-પરિણામોનાં વલણોમાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે ભાજપ આપબળે બહુમતી નહીં મેળવી શકે ત્યારે ઇન્ડિયા ગઠબંધન તરફથી એ સંકેત મળી રહ્યા હતા કે એનડીએના સાથીપક્ષો માટે પણ તેમના દરવાજા ખુલ્લા છે.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર,ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ સાથી પક્ષો શરદ પવારે નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી છે. જોકે, તેમણે આ વાતનું ખંડન કર્યું હતું અને કહ્યું કે બુધવારે 5મી જૂને ગઠબંધનની બેઠક દિલ્હીમાં થશે. પરંતુ કેટલાક નેતાઓનાં નિવેદનોથી એ વાતનો અંદાજો આવી રહ્યો છે કે સત્તા-સમીકરણ આવનારા સમયમાં બદલાઈ પણ શકે છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર ચંદ્રાબાબુ નાયડુને 2014માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહના એ વાયદાઓની યાદ અપાવી જેમાં તેમણે આંધ્ર પ્રદેશને પાંચ વર્ષ માટે સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત કરી હતી.
ત્યારપછી તેમણે ચંદ્રાબાબુ નાયડુના એક જૂના ઇન્ટરવ્યૂને ટ્વીટ કર્યો હતો જેમાં ચંદ્રાબાબુ નાયડુ કહી રહ્યા હતા કે ‘તમામ નેતાઓ નરેન્દ્ર મોદી કરતાં સારા છે.’
એ પહેલાં ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ ન મળવાને કારણે જ તેમણે સાથીદારો બદલી નાખ્યા હતા. એવું મનાય છે કે તેને લીધે જ તેમણે ભાજપ છોડીને કૉંગ્રેસનો સાથ પકડી લીધો હતો.
કૉંગ્રેસ પણ સરકાર બનાવવાની રેસમાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરિણામના દિવસે સાંજે કૉંગ્રેસ હેડક્વાર્ટર્સમાં પત્રકારપરિષદ દરમિયાન સરકાર બનાવવાને લઈને પૂછવામાં આવેલા સવાલોને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અને મલ્લિકાર્જુન ખડગેએ પણ એમ જ જવાબ આપ્યો હતો કે બુધવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં તેના વિશે નિર્ણય લેવાશે.
બુધવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ. બે કલાક લાંબી ચાલેલી બેઠકમાં ઘણાં સૂચનો આવ્યાં.
બેઠક બાદ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે ભાજપ સરકાર વિપરીત જનાદેશને સાકાર કરવા માટે યોગ્ય સમયે પગલાં ભરીશું."
પરંતુ વિશ્લેષકો માને છે કે જયરામ રમેશે ટ્વીટ કરીને એક રાજકીય સંદેશ આપી દીધો છે.
ગઈકાલે સાંજ સુધીમાં એમએલસી ખાલિદ અનવરે એમ કહીને અટકળો વધારી દીધી હતી કે નીતીશકુમારથી વધુ સારા વડા પ્રધાન કોણ બની શકે?
તેમણે આગળ કહ્યું હતું કે, “નીતીશજી દેશને સમજે છે. દેશની લોકતાંત્રિક સંસ્થાઓની ઇજ્જત કરવી, લોકતાંત્રિક ઢબે આગળ વધવું, લોકોને સાથે લઈને ચાલવા એ તેમની ખાસિયત છે. હાલમાં અમે એનડીએ ગઠબંધનમાં છીએ પરંતુ પહેલાં પણ અને આજે પણ લોકો નીતીશકુમારને વડા પ્રધાન બનતા જોવા ઇચ્છે છે.”
પરંતુ ઇન્ડિયા ગઠબંધનના બે અન્ય સાથીપક્ષો આરજેડી અને આમ આદમી પાર્ટીનાં નિવેદનો પર પણ ધ્યાન આપવા જેવું છે.
આરજેડીના નેતા મનોજ ઝાએ કહ્યું હતું કે, “ભાજપ બહુમતીથી દૂર છે. જો હું ચંદ્રાબાબુ નાયડુના પક્ષ ટીડીપી અને જેડીયુને અલગ કરી દઈએ તો એનડીએ પાસે પણ બહુમતી નથી. એ સ્પષ્ટ છે કે 400 પારનો ફૂગ્ગો ફૂટી છે.”
દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે પણ એક પત્રકાર પરિષદમાં ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારને સાચો નિર્ણય લેવાની અપીલ કરી.
તેમણે કહ્યું, “દેશની પ્રજા નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પાસેથી આશા રાખી રહી છે કે તેઓ સાચા સમયે સાચો નિર્ણય લેશે. દેશમાં તાનાશાહીને ખતમ કરીને અને બેરોજગારી અને મોંઘવારીની સમસ્યાને દૂર કરવા માટે તેેઓ એક લોકશાહીયુક્ત સરકાર બનાવશે.”
સરકાર બનાવવા માટેના સમીકરણો
હાલમાં સત્તારૂઢ એનડીએ ગઠબંધન પાસે 292 બેઠકો છે જે આંકડો 272 કરતાં તો વધુ છે.
જો જેડીયુની 12 બેઠકો અને ટીડીપીની 16 બેઠકોને બાદ કરી દેવામાં આવે તો આંકડો 264 પર પહોંચી જાય છે. એટલે કે આ બંને પક્ષો સાથે ન રહે તો એનડીએ બહુમતી ગુમાવી દે છે.
જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પાસે 232 બેઠકો છે. જેમાં કૉંગ્રેસની 99, સમાજવાદી પાર્ટીની 37, તૃણમૂલ કૉંગ્રેસની 29, ડીએમકેની 22, શિવસેના-યુબીટીની 9, એનસીપી(શરદ પવાર)ની સાત, આરજેડીની અને સીપીએમની ચાર, આપની ત્રણ, સીપીઆઈ-એમ-એલની બે બેઠકો સામેલ છે.
એનડીએની 292 બેઠકોમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. ત્યારપછી ટીડીપી અને જેડીયુ છે.
કેન્દ્રમાં સરકાર બનાવવા માટે દારોમદાર હવે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર જ છે.
સૌની નજર આ બંને નેતાઓ પર છે. બંને સમયાંતરે પોતાના સાથીદારો બદલવા માટે જાણીતા છે.
એનડીએ અને ઇન્ડિયા બંને ગઠબંધનની બેઠકો પૂર્ણ થઈ ગઈ છે. એનડીએની બેઠકમાં એનડીએમાં સામેલ તમામ પાર્ટીના નેતાઓએ નરેન્દ્ર મોદીને નેતા ચૂંટી કાઢ્યા છે.
બીજી તરફ સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે શુક્રવારે એનડીએમાં સામેલ તમામ પાર્ટીના સાંસદોની એક બેઠક પાર્લામેન્ટના સૅન્ટ્રલ હૉલમાં રાખવામાં આવી છે.












