મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાનાં લગ્ન ગેરકાયદે ગણાવતી મધ્ય પ્રદેશ હાઈકોર્ટ, હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
27 મેએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાના એક ફેંસલામાં જણાવ્યું છે કે એક મુસ્લિમ પુરુષ અને એક હિંદુ મહિલાનાં લગ્ન ના થઈ શકે. ના તો ઇસ્લામિક કાયદા અંતર્ગત કે ના તો સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ.
હાઈકોર્ટે જણાવ્યું કે ઇસ્લામિક કાયદો પુરુષને મૂર્તિપૂજા કે આગની પૂજા કરનારી હિંદુ મહિલા સાથે લગ્નની અનુમતિ નથી આપતો અને સ્પેશિયલ મૅરેજ ઍક્ટ થકી પણ આવી કોઈ કાયદેસરતા મળી શકતી નથી.
જોકે, વિશ્લેષકો હાઈકોર્ટના આ ફેંસલાની ટીકા કરી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે આ નિર્ણય સ્પેશિયલ મૅરેજ ઍક્ટના લાગુ કરવાના ઉદ્દેશની વિરુદ્ધમાં છે.
હાઈકોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું છે કે મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલા બન્ને પોતપોતાનો ધર્મ પાળતાં હોય એવાં લગ્નને પણ કાયદેસરતા ના મળી શકે.
કોર્ટ સામે શું મામલો આવ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશની મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાની જોડીએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. બન્નેએ નક્કી કર્યું હતું કે લગ્ન બાદ કોઈ પોતાનો ધર્મ નહીં છોડે અને પોતપોતાનો ધર્મ અનુસરશે.
આ યુગલનું કહેવું છે કે તેમણે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન માટે મૅરેજ ઓફિસરને નિવેદન આપ્યું હતું. જોકે, બન્નેના પરિવારજનોના વિરોધને પગલે લગ્નની નોંધણી ના થઈ શકી. બન્નેએ કોર્ટ પાસેથી સુરક્ષાની માગ કરી હતી. જેથી બન્ને લગ્નની નોંધણી કરાવી શકે.
સ્પેશિયલ મૅરેજ ઍક્ટ 1954માં પાસ કરાયો હતો, જે અંતર્ગત આંતર-ધાર્મિક વૈવાહિક યુગલો પોતાનાં લગ્નની નોંધણી કરાવી શકે છે. આ કાયદા અંતર્ગત લગ્ન કરવા માગતાં યુગલો મૅરેજ ઓફિસરને આવેદન આપે છે. આ આવેદન બાદ મૅરેજ ઓફિસર 30 દિવસો માટે એક નોટિસ જાહેર કરે છે. એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ જો એવું કહે કે યુગલ વિવાહની નોંધણી કરવા માટે જરૂરી શરતોને પૂરી નથી કરતું તો લગ્નની નોંધણી થઈ શકતી નથી.
સંબંધિત કેસમાં યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે એ કુટુંબનાં ઘરેણાં લઈને જતી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવતીના પરિવારજનોએ પોતાની આપત્તિમાં એવું પણ કહ્યું છે કે જો આંતર-ધાર્મિક લગ્ન થવા દેવાશે તો સમગ્ર પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડશે.
આ કેસમાં કોર્ટે શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોર્ટે સૌ પ્રથમ એ વાત પર વિચાર કર્યો કે લગ્ન કાયદેસર ગણાશે કે નહીં? એ બાદ કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ અંતર્ગત આવાં લગ્ન કાયદેસર નથી. એ બાદ કોર્ટે એવું પણ કહ્યું કે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ પણ એ લગ્નને કાયદેસર નહીં ઠેરવી શકે જે પર્સનલ લૉ અંતર્ગત કાયદેસર નથી.
કોર્ટે આવું કહેવા માટે 2019ના સુપ્રીમ કોર્ટના એ ફેંસલાનો આધાર લીધો, જેમાં કહેવાયું હતું કે મુસ્લિમ પુરુષનાં એ બિનમુસ્લિમ મહિલા સાથેનાં લગ્ન કાયદેસર નથી જે અગ્નિ કે મૂર્તિની પૂજા કરતી હોય.
જોકે, એ મુસ્લિમ પુરુષ યહૂદી કે ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન કરી શકે છે. આવાં લગ્ન કાયદેસર ગણી શકાય પણ એ મહિલાએ ત્રણમાંથી કોઈ એક ધર્મ અપનાવવો પડે.
જોકે, મધ્ય પ્રદેશના મામલામાં યુગલનો તર્ક હતો કે સ્પેશિયલ મૅરેજ ઍક્ટના સામે પર્સનલ લૉનું મહત્ત્વ ના હોવું જોઈએ અને તેમનાં લગ્નની નોંધણી કરવા માટે મંજૂરી મળવી જોઈએ. જોકે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આના પર સહમતિ ના દર્શાવી. હાઈકોર્ટે કહ્યું કે જો લગ્ન પર પાબંદી હોય તો આ કાયદો એને વૈધ ના ઠેરવી શકે. આના આધારે કોર્ટે પોલીસ સુરક્ષા સંબંધિત યુગલની અરજી પણ ફગાવી દીધી.
આ ફેંસલો યોગ્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આ નિર્ણય અંગે પારિવારિક મામલાના કેટલાય કાયદા વિશેષજ્ઞો અસહમત જણાય છે. હાઈકોર્ટે હકીકતમાં એવું કહ્યું છે કે પોતપોતાનો ધર્મ અનુસરવા ઇચ્છતાં આ મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાની વચ્ચે લગ્ન સ્પેશિયલ મૅરેજ ઍક્ટ કે મુસ્લિમ પર્સનલ લૉ અંતર્ગત વૈધ ના થઈ શકે.
જાણકારોનું માનવું છે કે આ ફેંસલોએ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ લાગુ કરવા માટેના ઉદ્દેશને નકારી દીધો છે. સ્પેશિયલ મૅરેજ ઍક્ટના ઉદ્દેશ્યોમાં કહેવાયું છે કે આ કાયદો તમામ ભારતીયોનાં લગ્ન માટે ઘડાયો છે. "પછી લગ્ન કરનાર કોઈ પણ પક્ષ કોઈ પણ ધર્મને કેમ ના માનતો હોય."
એમાં કહેવાયું છે કે લગ્ન કરનાર જ્યાં સુધી સ્પેશિયલ મૅરેજ ઍક્ટ માટે જરૂરી શરતોનું પાલન કરે ત્યાં સુધી તેઓ "લગ્ન માટે કોઈ પણ રીતરિવાજ અપનાવી શકે છે."
વકીલ અને પરિવાર સંબંધિત કાયદાનાં ઍક્સપર્ટ માલવિકા રાજકોટિયા આ ફેંસલા પર જણાવે છે, "કાયદાના હિસાબે આ સાચો નિર્ણય નથી. આને સુપ્રીમ કોર્ટમાં પલટાવી દેવાશે. આ ફેંસલામાં આંતર-ધાર્મિક લગ્નનોને સુવિધાજનક બનાવવા માટેના સ્પેશિયલ મૅરેજ ઍક્ટના મૂળ ભાવને સામેલ કરવામાં નથી આવ્યો. "
મહિલા અધિકાર સંબંધિત બાબતોનાં વકીલ વીના ગૌડા જણાવે છે, "કોર્ટના એક અવલોકનના રૂપમાં પણ આ બહુ જ ભ્રામક છે. ઇસ્લામિક કાયદા પર ધ્યાન કેન્દ્રીત કરતાં ન્યાયાધીશે મૅરેજ ઍક્ટનાં (જે ધાર્મિક લગ્નોને સુવિધાજનક બનાવે છે) ઉદ્દેશ અને કારણો પર પણ વિચાર કર્યો હતો."
બેંગલુરુસ્થિત નેશનલ લૉ યુનિવર્સિટીમાં પરિવાર સંબંધિત કાયદાના પ્રોફેસર સરસુ એસ્તેર થૉમસ પણ આ દૃષ્ટિકોણ સાથે સહમતી દર્શાવે છે અને જણાવે છે, "આ નિર્ણય એકદમ યોગ્ય નથી. ફેંસલામાં સ્પેશિયલ મૅરેજ ઍક્ટનું બિલકુલ ધ્યાન નથી રાખવામાં આવ્યું. આમાં ઇસ્લામિક કાયદાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જ્યારે સ્પેશિયલ મૅરેજ ઍક્ટ વિવિધ ધર્મના લોકોને લગ્ન કરવા માટેની અનુમતિ આપે છે."
તેમણે એવું પણ કહ્યું, "આ ફેંસલામાં ખોટી રીતે કહેવાયું છે કે પર્સનલ લૉ અંતર્ગત નિષિદ્ધ લગ્ન સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ ના કરી શકાય. સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં એ સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે આ કાયદા અંતર્ગત કયાં લગ્ન થઈ શકે, જેમ કે એકબીજાનાં લોહીનાં સગાંનાં લગ્ન ના થઈ શકે. ઉંમર અનુસાર યોગ્યતા ના ધરાવનારાઓનાં લગ્ન પણ આ કાયદા અંતર્ગત ના થઈ શકે."
શું આની લગ્ન પર અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
શું હાઇકોર્ટના આ નિર્ણયની અસર આંતર-ધાર્મિક યુગલો વચ્ચેના લગ્ન પર પડશે? જાણકારોનું કહેવું છે કે આવું ના થવું જોઈએ. તેમનું માનવું છે કે આવું થવાથી આંતર-ધાર્મિક લગ્ન સંબંધિત ઉત્સાહ ઓછો થઈ શકે.
વીના ગૌડાએ જણાવ્યું, "આ પોલીસ સંબંધિત માગ કરનારી એક રીટ અરજીમાં કોર્ટનું અવલોકન માત્ર છે. એટલે આ કોઈ બાધ્યકારી નિર્ણય નથી. ન્યાયાલય લગ્નની વૈધતા પર વિચાર નહોતું કરી રહ્યું."
માલવિકા રાજકોટિયાનું કહેવું છે, "લગ્નને રોકવાનો કોઈ નિર્દેશ નથી. રજિસ્ટ્રાર આ ફેંસલાના આધાર પર શું કહે છે કે એ જોવાનું રહેશે. રજિસ્ટ્રાર હજુ પણ આંતર-ધાર્મિક લગ્નની નોંધણી કરી શકે છે. લગ્નની વૈધતાને ન્યાયાલય બાદ નક્કી કરી શકે."
પ્રોફેસર સરસુ એસ્તેર થૉમસે જણાવ્યું કે જો આ ફેંસલાને લાગુ કરવામાં આવે તો "સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કરનારી કોઈ પણ વ્યક્તિ પર આનો ખરાબ પ્રભાવ પડી શકે કેમ કે આ નિર્ણય એવું કહી રહ્યો છે કે આ લગ્ન વૈધ નથી. આ વૈધ બાળકોને અવૈધ ગણી શકે, કેમ કે તેમનાં માતાપિતાનાં લગ્ન વૈધ નહીં હોય. આ માત્ર ઇસ્લામિક કાયદા પર લાગુ નહી પડે."
પ્રોફેસર થૉમસનું એવું પણ કહેવું છે કે આ ફેંસલાથી સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ પર્સનલ લૉ અંતર્ગત પાબંદીવાળાં લગ્ન સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત નોંધી ના શકાય. તેઓ જણાવે છે, "આનાથી એવાં અન્ય લગ્નો પણ પ્રભાવિત થશે જેના પર પર્સલન કાયદા અંતર્ગત પાબંદી છે. ઉદાહરણ તરીકે પારસી કાયદો આંતર-ધાર્મિક લગ્નને રોકે છે અને એટલે લગ્ન કરનાર યુગલો સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્નની નોંધણી કરાવે છે. આ નિર્ણય તેમના પર રોક લગાવશે."
તેમના મતે આંતર-ધાર્મિક યુગલો માટે આ સારું નથી થયું. તેઓ જણાવે છે, "આ ફેંસલો ભવિષ્યના આંતર-ધાર્મિક યુગલો માટે પણ જોખમી છે. અહીં લગ્ન કરનાર યુગલ સુરક્ષા માગી રહ્યું હતું. જો તમે સુરક્ષા નહીં આપો તો લગ્ન કરનાર યુગલનું શું થશે? સંબંધીઓને આવાં લગ્નોને પડકારવા માટે આ સશક્ત બનાવે છે."
તો માલવિકા રાજકોટિયાનું કહેવું છે, "આ ફેંસલાનો સાર એ છે કે તે આંતર-ધાર્મિક લગ્નોને હતોત્સાહિત કરે છે અને આ વાત સૌથી વધારે ચિંતાજનક છે."
તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશમાં 12 આંતર-ધાર્મિક લિવ-ઇન યુગલોએ જ્યારે સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો ત્યારે અલાહાબાદ હાઈકોર્ટે તેમને સુરક્ષા પ્રદાન નહોતી કરી.
જોકે, 2005માં સુપીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે પોલીસને એ સુનિચ્છિત કરવાનું રહેશે કે આંતર-ધાર્મિક અને આંતર-જાતિય વિવાહિત યુગલોને હેરાન ના કરાય. સુપ્રીમ કોર્ટે એવું પણ સ્વીકાર્યું હતું કે લિવ-ઇન સંબંધો અવૈધ નથી.
જોકે, કેટલીય બાબતોમાં વિવિધ કોર્ટે પરિવાર તરફથી હેરાન કરાઈ રહેલાં યુગલોને સુરક્ષા પ્રદાન કરી છે.












