છૂટાછેડા લઈને ઘરે આવેલી પુત્રીનું બૅન્ડબાજા સાથે ધૂમધામથી સ્વાગત કર્યું, પિતાએ શું કહ્યું

પ્રેમ ગુપ્તા અને તેમના દીકરી

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, પ્રેમ ગુપ્તા અને તેમના દીકરી
    • લેેખક, આનંત દત્ત
    • પદ, બીબીસી ગુજરાતી માટે, રાંચીથી

ઝારખંડની રાજધાની રાંચીમાં રહેતા પ્રેમ ગુપ્તા કેટલાક દિવસો પહેલાં એકાએક સમાચારમાં છવાઈ ગયા.

ઈંટનો ભઠ્ઠો ચલાવતા પ્રેમ ગુપ્તાની તસવીરો અને વીડિયો મીડિયા અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા. તેનું કારણ હતું તેમની દીકરીએ છુટાછેડા લેવાના નિર્ણયનું તેમણે ધામધૂમથી કરેલું સ્વાગત.

પ્રેમ ગુપ્તાની એકમાત્ર દીકરી સાક્ષી ગુપ્તાનાં લગ્ન થોડા મહિનાઓ પહેલાં થયાં હતાં. પરંતુ કેટલાક કારણસર લગ્ન ટક્યાં નહીં અને તેમણે એ સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો.

સાક્ષીએ જ્યારે એ વાત પોતાના પિતાને જણાવી તો તેમણે દીકરીના આ નિર્ણયનું માત્ર સ્વાગત જ ન કર્યું, પરંતુ તેમને ધૂમધામથી પરત ઘરે લઈ આવ્યાં.

ગ્રે લાઇન

પ્રેમ ગુપ્તાએ શું વિચારીને આવો નિર્ણય લીધો?

બેન્ડ બાજા સાથે પરત આવી રહેલા સાક્ષી ગુપ્તા

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

ઇમેજ કૅપ્શન, બેન્ડ બાજા સાથે પરત આવી રહેલાં સાક્ષી ગુપ્તા

રાંચીના કિશોરગંજ વિસ્તારમાં રહેતા પ્રેમ ગુપ્તા કેટલાક દિવસ પહેલાં પોતાની દીકરીને તેનાં સાસરેથી પરત ઘરે લઈ આવ્યા હતા. તેમની દીકરીની ઘરવાપસી એ રીતે થઈ, જે રીતે તે પોતાના ઘરેથી વિદાઈ થઈને સાસરે પહોંચી હતી. દીકરીને આ રીતે ઘર પરત લાવવાનો નિર્ણય પ્રેમ ગુપ્તાનો હતો.

પ્રેમ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે તેમણે આ નિર્ણય સમાજને ધ્યાનમાં રાખીને લીધો છે.

તેઓ કહે છે, ”અમે ઘણા પૈસા ખર્ચીને દીકરીનાં લગ્ન કર્યાં હતાં, પરંતુ જ્યારે અમે તેની સ્થિતિ વિશે માલૂમ પડ્યું તો નક્કી કર્યું કે જ્યારે મારી દીકરી ખોટી નથી તો તેને સન્માનપૂર્વક કેમ પરત ન લાવીએ? જેથી સમાજ એ ન કહી શકે કે પ્રેમ ગુપ્તાની દીકરી ખોટી છે અને તે લગ્ન નિભાવી ન શકી.”

વીડિયો કૅપ્શન, સાસરિયામાં પરેશાની હતી તો વાજતે-ગાજતે પિતા પુત્રીને ઘરે લઈ આવ્યા

જ્યારે પ્રેમ પોતાના આ નિર્ણય વિશે જણાવી રહ્યા હતા તો ત્યાં તેમનાં દીકરી સાક્ષી ગુપ્તા પણ હાજર હતા.

સાક્ષી ગુપ્તાએ બીબીસી સાથે એ અનુભવ શેર કર્યો જ્યારે તેમના પિતાને તેમણે બેન્ડબાજા સાથે જોયા.

તેઓ કહે છે, “એ દિવસે પહેલું નોરતું હતું. પપ્પાએ કહ્યું કે આ દિવસે લક્ષ્મીને ઘરે પરત લાવીશું. હું સામાન પૅક કરી રહી હતી, ત્યારે મને ઢોલ-નગારાનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે કોઈ જાન જઈ રહી છે. પરંતુ જ્યારે બહાર આવીને જોયું તો તે મારા પિતા હતા, મારો પરિવાર હતો. હું ચોંકી ગઈ.”

સાક્ષી વધુમાં જણાવે છે, “બહાર નીકળતા પહેલાં હું લગ્નની તસવીરો જોઈ રહી હતી. તસવીરો જોઈને ખૂબ દુખ થયું, પીડા થઈ. નીકળતા પહેલાં મેં એ ફાડી નાખી. જ્યારે હું બહાર નીકળી અને પિતાએ મારા ખભે હાથ મૂક્યો તો મારા ચહેરા પર સ્મિત આવ્યું. એનાથી મને લાગ્યું કે મારા પિતા દુખી નહીં પણ ઘણા ખુશ છે.”

સાક્ષી જણાવે છે કે તેમના પિતા દીકરીઓને લક્ષ્મી માને છે અને માત્ર તેમને નહીં પણ ઘરની તમામ દીકરીઓને ઘણો પ્રેમ કરે છે.

તેઓ કહે છે, "મારા પિતાએ જે નિર્ણય લીધો છે, તે દરેક પિતાએ પોતાની દીકરી માટે લેવો જોઈએ.”

ગ્રે લાઇન

સાક્ષી ભવિષ્યને લઈને આશાવાદી છે

ગુપ્તા પરિવાર

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

સાક્ષી કહે છે, “પિતાએ મને રડતાં રડતાં વિદાય આપી હતી પણ મને હસતા હસતા લેવા આવ્યા. આ જોઈને જે ડાઈવોર્સીનું ટૅગ લાગે છે, એનો બોજ થોડો ઓછો થઈ ગયો.”

“આજે જ્યારે હું ક્યાંય પણ જાઉં છું તો ઘણો ગર્વ અનુભવું છું. મારા માતાપિતાએ મને પહેલાંની જેમ જ નૉર્મલ લાઇફ આપી છે. ભૂતકાળને ભૂલી તો નહીં શકું, પરંતુ જે દર્દ હતું એ ઓછું થઈ ગયું છે.”

આગળની જિંદગીના સવાલ પર સાક્ષી કહે છે કે તેઓ આર્થિકરૂપે આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરવા માગે છે.

તેઓ કહે છે, “મેં ફૅશન ડિઝાઇનિંગનમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. હવે હું ફરીથી અભ્યાસ શરૂ કરવા જઈ રહી છું. એક નાનું સપનું છે કે પોતાનું બૂટિક ખોલીશ. મને કપડાં અને ડિઝાઇનિંગમાં ઘણી રુચિ છે.”

તેઓ જણાવે છે, “ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મને પોતાના જેવી ઘણી યુવતીઓના મૅસેજ આવી રહ્યા છે. મેં ઘણી યુવતીઓને રસ્તો બતાવ્યો છે. આગળ પણ બતાવતી રહીશ.”

જ્યારે પ્રેમ ગુપ્તા કહે છે, “હું એવી યુવતીઓને કહેવા માગુ છું કે પોતાના માતાપિતા સાથે વાત કરે અને વાલી પણ તેમની દીકરીને ટેકો કરે.”

રેડ લાઇન
રેડ લાઇન