લવ મૅરેજ કરનારાં 113 યુગલોને હિંદુ વિધિથી લગ્ન કરાવી આપવાનું કહી કેવી રીતે છેતરી લેવાયાં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સામાન્ય સંજોગોમાં લવ મૅરેજ કરનારાં યુગલોમાં એક એવી લાગણી જરૂર હોય છે કે તેમનાં લગ્ન વડીલો અને સ્વજનોની હાજરીમાં તેમના આશીર્વાદ સાથે ખુશીના માહોલમાં થાય.

ઉતાવળે કરેલા લવ મૅરેજ બાદ યુગલોના પરિવારો તેમના પ્રેમવિવાહને સ્વીકૃતિ આપી પણ દે તો કેટલાંક યુગલોનાં ધામધૂમથી લગ્ન કરવાનાં સપનાં અધૂરાં રહી જતાં હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં આવાં જ સપનાં ધરાવતાં એક-બે નહીં પણ 100થી વધુ યુગલો લગ્નનાં નામે જ છેતરાઈ ગયાં છે.

અમદાવાદમાં લવ મૅરેજ કરી ચૂકેલાં 113 યુગલોને હિંદુ વિધિ મુજબ ફરી લગ્ન કરાવી આપવાનું કહીને રૂપિયા 24.86 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.

પોલીસમાં ફરિયાદ મુજબ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવાં યુગલો માટે કથિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ત્યાં ન મંડપ બંધાયો, ન વર-વધુને લગ્નની ચોરીમાં બેસવાનો મોકો મળ્યો.

ફરિયાદીઓ અનુસાર લગ્નઇચ્છુક યુગલોને મંગળસૂત્ર, પાનેતરની સાથે 22 ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવાની લાલચ આપવામાં આવી સાથે જ 2.50 લાખની સરકારી સહાય આપવાનું કહી પ્રત્યેક યુગલ પાસેથી 22 હજાર રૂપિયા ઠગી લેવાયા છે.

આ કેસમાં ફરિયાદી અમદાવાદના અમરાઇવાડીના પંકજ વાઘેલાએ પ્રેમલગ્ન કર્યાં હતાં અને થોડા સમય બાદ બંને પરિવારોએ પણ તેમનાં લવ મૅરેજને સ્વીકૃતિ આપી દીધી હતી. તેમની તથા તેમનાં પત્નીની ઇચ્છા હતી કે પરિવાર સાથે લગ્નની ઉજવણી કરે. તેઓ પણ એ દંપતીઓમાં સામેલ છે જેમને સમૂહલગ્નનાં નામે ઠગી લેવાયાં છે.

પોલીસે આ મામલે છેતરપિંડીનો કેસ નોંધી લીધો છે અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

અમદાવાદમાં 'રાત્રે પાર્ટી પ્લૉટે ગયા ત્યારે કોઈ તૈયારી જ ન હતી'

અમદાવાદમાં સમૂહલગ્નના નામે છેરપિંડીનો કેસ

ઇમેજ સ્રોત, Laxmi Patel

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદીઓ અનુસાર હિંદુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે તારીખ 27મી મે 2024ના દિવસે અમદાવાદ શહેરના વસ્ત્રાલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઓપન પાર્ટી પ્લૉટમાં 'પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન મહોત્સવ'નું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પહેલીવાર અગાઉ લવ મૅરેજ કર્યાં હોય તેવાં 113 યુગલોનાં હિંદુ ધાર્મિક વિધિ મુજબ લગ્ન કરાવવાનાં હતાં. જોકે આ નક્કી કરેલા દિવસની આગલી રાત્રે એટલે કે, 26મી મે 2024ના દિવસે કેટલાક પરિવારો પાર્ટી પ્લૉટની તૈયારીઓ જોવા પહોંચ્યા હતા, પણ તેમને ત્યાં સમૂહ લગ્નની કોઈ જ તૈયારી થતી ન જોવા મળી. આ પરિવારોએ હિંદુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટના વડા પ્રકાશ રામભાઈ પરમારનો વારંવાર ફોન પર સંપર્ક કરવાનો પ્રત્યન કરવાં છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

જેથી આ પરિવારોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

જે દિવસે સમૂહલગ્નનું આયોજન હતું. તે દિવસે લોકો મોટી સંખ્યામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશને ભેગા થયા હતા અને આરોપી સામે પગલાં લેવાની માંગ કરી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે અમરાઈવાડીના ભારતીનગર ખાતે રહેતા પ્રકાશ રામભાઈ પરમાર સામે IPCની કલમ 420 અને 406 અંતગર્ત ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, "આરોપીએ પૅમ્ફ્લેટમાં લોભામણી જાહેરાતો આપી 113 યુગલો પાસેથી કુલ રૂ. 24.86 લાખ મેળવી લઈ લગ્ન નહીં કરાવી આપી, તેમજ કરિયાવરના નામે કોઈ સામાન નહીં આપી, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે."

આ પણ વાંચો

'ઘરે મહેંદી રસમ પણ રાખી હતી, જાનની ગાડી પણ બુક કરી હતી'

મંગળસૂત્ર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના ઓઢવ વિસ્તારની આશીર્વાદ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 27 વર્ષીય પંકજ વાઘેલાએ 28 જાન્યુઆરી 2023ના દિવસે કોમલ સાથે લવ મૅરેજ કર્યાં હતાં. તેમણે પ્રેમલગ્ન કર્યા ત્યારે પરિવારજનો તેમાં સામેલ નહોતા થઈ શક્યા.

તેમણે પરિવારના લોકો સાથે ઉજવણી કરી શકે તે માટે હિંદુ વિધિથી લગ્ન કરવા માટે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભાગ લેવાનું નક્કી કર્યું પણ તેઓ પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

આ કેસના ફરિયાદી પંકજ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, " મેં એક વર્ષ પહેલાં મારી પ્રેમિકા સાથે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારે અમારા બંનેના પરિવારો અમારાં લગ્નમાં સામેલ થયા નહોતા. લગ્નના થોડાક મહિના બાદ પરિવારોએ અમારાં લગ્નને રાજીખુશીથી સ્વીકારી લીધાં હતાં."

"અમે ખુશ હતા. આ સમયગાળામાં જ અમને આ સમૂહલગ્ન કાર્યક્રમ અંગેની પત્રિકા મળી હતી. જેથી અમને થયું કે, અમે બંનેના પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન કરી શકીએ છીએ. જેથી અમે આ હિંદુ જન વિકાસ સંસ્થા ટ્રસ્ટની ઑફિસે ગયા હતા."

"આ ઑફિસમાં અમે આયોજક પ્રકાશ પરમારને મળ્યા હતા. તેમણે મને કહ્યું કે, આ ખાસ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન પ્રેમલગ્ન કર્યાં હોય તેવાં યુગલો માટે જ છે. જેથી તમે આ સ્કીમનો લાભ લઈ શકો છો. ત્યારબાદ અમારી પાસે 22,000 રૂપિયા ભરાવ્યા હતા અને એક પત્રિકા આપી હતી જેમાં અમને તેમના તરફથી શું ભેટ આપવામાં આવશે તેનું લિસ્ટ હતું."

પંકજ વાઘેલા મુજબ પ્રકાશ પરમારે સમૂહલગ્નમાં અનલિમિટેડ લોકો જાનમાં લાવી શકાશે એવું પણ જણાવ્યું હતું. સમૂહલગ્નની તારીખ નજીક આવે એ પહેલાં તેમની પત્ની માટે પાનેતર પણ આપવામાં આવ્યું હતું.

પંકજ કહે છે, "અમને તારીખ 16મી મે 2024ના દિવસે પાનેતર આપવામાં આવ્યું હતું. તેમ જ હું પણ શેરવાની લાવ્યો હતો. અમે બહુ મોટું આયોજન તો નહોતું કર્યું, પરંતુ ઘર પરિવારના લોકો વચ્ચે સેલિબ્રેશનની તૈયારી શરૂ કરી હતી."

"અમે બે દિવસ પહેલાં ઘરે મહેંદી મૂકવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેમજ 26 તારીખે રાત્રે અમે બીજા દિવસે જાનમાં જવા માટેની ગાડીઓ પણ ભાડે કરી દીધી હતી. "

તેમણે આગળ કહ્યું કે, "લગ્નની ગાડી શણગારવાનો સામાન પણ લઈ આવ્યા હતા."

લગ્નની તૈયારીઓ જોવા માટે અગાઉની રાત્રે જ્યારે પંકજ પોતાના પરિવારજનો સાથે પાર્ટીપ્લૉટ પર પહોંચ્યા તો ત્યાં કોઈ તૈયારી જોવા ન મળી હતી.

તેમણે જણાવ્યું, "હું અમરાઇવાડીમાં રહું છું એટલે અમે રાત્રે લગ્નસ્થળ પર તૈયારી જોવા માટે ગયા હતા. પરંતુ ત્યાં કોઈ તૈયારી નહોતી. બીજી તરફ અમને જાણ થઈ કે લગ્નના આયોજક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે."

"અમને ખબર પડી કે લગ્નનાં આયોજનના નામે અમારી સાથે છેતરપિંડી થઈ છે. અમે તરત જ અમરાઇવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં લોકોનાં ટોળાં હતાં. જે પણ અમારી માફક આ સ્કીમમાં છેતરાયેલા હતા. અમને ખબર પડી કે આ સ્કીમમાં 113 યુગલો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે. લોકોના સપનાં રોળાઈ ગયાં હતાં. ત્યાં અમને જાણ થઈ કે કેટલાક લોકોએ તો ડીજે તેમજ રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું."

'ઘરે મહેમાન આવી ગયા હતા, દુ:ખ અને ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ'

અમદાવાદમાં સમૂહલગ્નના નામે છેતરપિંડી

ઇમેજ સ્રોત, Laxmi Patel

આ છેતરપિંડીનો ભોગ બનનાર દિલીપ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મને મારા મિત્રએ એપ્રિલ મહિનામાં આ સમૂહલગ્ન અંગેની એક પત્રિકા આપી હતી અને કહ્યું હતું કે, જેને લવ મૅરેજ કર્યા હોય તેવા લોકો આ લગ્ન સમારોહમાં ભાગ લઈ શકે છે. મેં પ્રેમલગ્ન કર્યાં હતાં. જેથી મારો પરિવાર મારા લગ્નમાં સામેલ થઈ શક્યો નહોતો. જેથી મેં વિચાર્યું કે પરિવાર અને કૌટુંબિક લોકો સામે અમે ફરીથી લગ્ન કરીએ."

દિલીપ સોલંકી કહે છે કે, "મેં બાવીસ હજાર રૂપિયા ભર્યા હતા. તેમજ મારા સગા સંબંધીને આ અંગે જાણ કરી હતી. મારા કેટલાક સગા સંબંધી 26 તારીખે મારા ઘરે આવી ગયા હતા. અમે લોકો જમી રહ્યા હતા ત્યારે અમને અમારા એક સંબંધીનો કૉલ આવ્યો હતો કે કાલે જે સમૂહલગ્ન હતાં તે રદ થયાં છે."

આ વાત જાણતા જ દિલીપ સોલંકી પોલીસ સ્ટેશન તરફ દોડ્યા હતા.

"અમને જાણ થઈ કે આયોજક અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. હું ખાવાનું મૂકીને તાત્કાલિક અમરાઇવાડી પોલીસ સ્ટેશન દોડી ગયો. હું ત્યાં જઈ રહ્યો હતો ત્યારે મારા મનમાં કેટલાય સવાલો હતા."

"અમારા ઘરે મહેમાન આવી ગયા હતા. ઘરે અન્ય વિધિઓ પણ કરવામાં આવી હતી. આ લગ્ન રદ થઈ ગયા. હું ખૂબ જ દુઃખ અને ક્ષોભજનક સ્થિતિમાં હતો. ત્યાં પહોંચ્યા બાદ મને જાણ થઈ કે કેટલાક લોકો તો અમદાવાદ બહારથી આવ્યા હતા. તેમની સ્થિતિ તો અમારા કરતાં પણ ખરાબ હતી."

ફરિયાદી પંકજ વાઘેલાનાં પત્ની કોમલ રઝકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારાં લગ્ન માટે હું ખૂબ ખુશ હતી. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે અમારા પરિવારના લોકો હાજર રહી શક્યા નહોતા. અમે માત્ર કોર્ટ મૅરેજ કર્યાં હતાં. આથી ધામધૂમથી લગ્ન કરવા માટે અમે આ સમૂહલગ્નમાં જોડાયાં હતાં."

"દરેક છોકરીનું સ્વપ્ન હોય કે તે લગ્નનો શણગાર સજે. મારું પણ દુલ્હન બનવાનું સ્વપ્ન હતું. મહેંદીની રસમ કરી હતી. તેમજ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટેનો ઑર્ડર પણ આપ્યો હતો. મેં કપડાં, ચપ્પલ, કટલરીનો સમાન ખરીદ્યો હતો. તા. 26 મે 2024ની રાત્રે 11:30 વાગે મને ખબર પડી હતી કે, અમારાં લગ્ન મંડપમાં નહીં થઈ શકે. આથી હું ખૂબ દુખી થઈ હતી. મારાં અરમાન તૂટી ગયાં હતાં. અમારા ઘરે મહેમાન પણ આવ્યા હતા. જેમની સામે પણ અમે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયાં. હવે અમારી એટલી માંગણી છે કે, અમને અમારા પૈસા પરત મળવા જોઈએ."

આરોપી પર અગાઉ પણ છેતરપિંડીના કેસ થયા છે

આ અંગે મીડિયા સાથે વાત કરતા અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી હડાતે જણાવ્યું, "આરોપી પ્રકાશ પરમાર અમરાઇવાડી ખાતે એક ટ્રસ્ટ ચલાવે છે. તેમણે સમૂહલગ્નનું આયોજન કર્યું અને કરિયાવરના નામે ચીજવસ્તુઓ આપવાનું કહ્યું હતું પણ લગ્ન ન કરાવી તથા કરિયાવર ન આપી 113 યુગલો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે."

જોકે હિંદુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ રજિસ્ટર્ડ સંસ્થા છે કે નહીં એ અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે.

આરોપીએ છપાયેલાં પૅફ્લેટમાં આ સમૂહલગ્નમાં ભાગ લેનારાં યુગલોને મંગળસૂત્ર, પાનેતર, ચાંદીની પાયલ, સોનાની બુટ્ટી, સેટી પલંગ, તિજોરી, ઇસ્ત્રી, ગૅસની સગડી, મિક્સર, રસોડાનો સેટ, ત્રાંબાનાં બેડાં, સ્ટીલનાં બેડા, પ્રત્યેક જોડાને 10 સાડી, વરરાજાને ત્રણ જોડી કપડાં, ઘડિયાળ, બાજોઠ, ત્રણ ખુરશી, સ્ટીલની 10 લીટરની પવાલી, ત્રાંબાનો કળશ, કાંડા ઘડિયાળ, ચાંદીની અંગૂઠી મળીને કુલ 22 ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવાનો વાયદો કર્યો હતો.

આંતરજ્ઞાતિય લગ્ન કરનારાં યુગલોને 2.50 લાખની સરકારી સહાય આપવાનો વાયદો પણ કરાયો હતો.

આ કેસના તપાસ અધિકારી પીએસઆઈ પી એસ મિયાત્રાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ કેસના આરોપી પ્રકાશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે."

"હાલ આરોપીની પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપી પ્રકાશ પરમાર દ્વારા આ અગાઉ લિંબડીમાં પણ આ પ્રકારે સમૂહલગ્નના નામે લોકો પાસે છેતરપિંડી કરવામાં આવી છે. તેમજ વડોદરામાં રેલવેની ટિકિટ કન્ફર્મ કરી આપવાના નામે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનું અમારા પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે."

"હિંદુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ રજિસ્ટર્ડ છે કે નહીં? તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આ અંગે અમે ચૅરિટીકમિશનરમાં પણ તપાસ કરીશું. અત્યારે પ્રકાશ પરમાર એકલાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. તેમના સિવાય અન્ય કોઈની સંડોવણી છે કે નહીં? તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. "