‘અદાલતે મને છૂટાછેડાની મંજૂરી ન આપી, કારણ કે હું ગર્ભવતી હતી’

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લેરી વેન્ટાસ
- પદ, બીબીસી સંવાદદાતા
સપ્ટેમ્બર, 2021માં કારમાં થયેલો એ ઝઘડો ડેસ્ટોની માટે એમના લગ્નસંબંધને તોડી નાખનારી છેલ્લી ચોટ હતી. ડેસ્ટોની 2017માં પરણ્યાં હતાં. મહિનાઓ પહેલાંથી તેમના પતિ સતત ઝઘડા કરવા લાગ્યા હતા. આ ઝઘડાના પાયામાંં છૂપો તિરસ્કાર હતો અને સૌથી વધુ તો બે સંતાનો પ્રત્યેની “આત્યંતિક બેદરકારી” હતી. એ સમયથી ડેસ્ટોનીને સંકેત મળવા લાગ્યા હતા.
અમેરિકાના મિઝોરી રાજ્યના કૅન્સાસ સિટીમાં રહેતાં ડેસ્ટોનીએ બીબીસીને કહ્યું હતું, “મારું એક સંતાન તો સ્નાન કરતી વખતે લગભગ ડૂબી ગયું હતું, કારણ કે મારા પતિએ બાથટબ ખાલી કર્યું નહોતું. બીજી ઘટનામાં મારા પતિએ અમારા એક સંતાનને સવારના સાત વાગ્યાથી બપોર સુધી પારણામાં ભૂખ્યું-તરસ્યું રાખ્યું હતું. હું ઊઠી ત્યાં સુધી બાળક એ જ હાલતમાં રહ્યું હતું.”
“આમ, હું પહેલેથી જ જાણતી હતી કે મારાં બાળકોનું રક્ષણ કરવું એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમનાં અપમાન સહન કરવા છતાં હું ત્રીજી વખત ગર્ભવતી થઈ ત્યારે મેં મારી જાતને કહ્યું હતું કે, "જુઓ, આપણે ક્યાં પહોંચી ગયા?”
જોકે, ડેસ્ટોનીએ છૂટાછેડા માટે અરજી કરી ત્યારે કોર્ટનાં ચુકાદાથી ચોંકી ગયાં હતાં.
ડેસ્ટોનીએ કહ્યું હતું, “મારે શક્ય તેટલી વહેલી તકે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે. આ વાત વકીલ સમજી ગયા હતા. પરંતુ તેમણે કહ્યું હતું કે હું તમને અત્યારે મદદ નહીં કરી શકું. બાળકનો જન્મ થાય પછી ફરીથી આવજો. તેથી મારે પ્રસૂતિ ન થાય ત્યાં સુધી મારા અત્યાચારી પતિને ઘરે પાછું જવું પડ્યું હતું.”
તેના પાછળનું કારણ મિઝોરીનો 1973નો એક કાયદો છે, જેમાં છૂટાછેડા માટે અરજી કરતાં પહેલાં પત્ની ગર્ભવતી છે કે નહીં તે જણાવવું જરૂરી છે.
કાયદાની એ જોગવાઈ માતાઓ તથા બાળકોની સુરક્ષા માટે કરવામાં આવી હોવા બાબતે નિષ્ણાતો સહમત છે. પરંતુ તેનો અર્થ એ છે કે કોઈ મહિલા ગર્ભવતી હોય ત્યારે તેના લગ્નનો કાયદેસર અંત લાવી શકતી નથી. આવો કાયદો અમેરિકાનાં અન્ય રાજ્યોમાં પણ છે અને વધુને વધુ લોકો તેમાં સુધારાની માગ કરી રહ્યા છે.
રક્ષણથી અવરોધ સુધી

ઇમેજ સ્રોત, YUI MOK/PA
ફેમિલી લૉના નિષ્ણાત વકીલ ક્રિસ્ટન મેરિનાસિયોએ આ કાયદાઓની ચકાસણી કરી છે. તેમણે બીબીસીને કહ્યું હતું, “આ કાયદા ‘બાળકોનો કબજો અને સમર્થન સ્થાપિત થાય તેમજ પિતા આસાનીથી ફારગતિ ન મેળવી શકે તે સુનિશ્ચિત કરવાના’ પ્રયાસરૂપે લાવવામાં આવ્યા હતા.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “આ કાયદાઓનો ઇરાદો દંડાત્મક નહીં, પરંતુ રક્ષણ કરવાનો હતો. પણ વર્તમાન સંદર્ભમાં એ ઘણી સ્ત્રીઓ માટે અવરોધ બની ગયા છે.”
તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાયદો મહિલાને છૂટાછેડા માટે અરજી કરવાની, પ્રતિબંધક આદેશ મેળવવાની છૂટ આપે છે, પરંતુ “તમે ગર્ભવતી હશો તો તમે સત્તાવાર છૂટાછેડા લીધા છે તેવો ચુકાદો તમને મળશે નહીં.”
મિઝોરી, અર્કાન્સાસ અને ટૅક્સાસમાં પણ આમ હોવા છતાં રાજ્યના કાયદામાં સ્પષ્ટતાપૂર્વક લખાયેલા નથી. તે સામાન્ય પ્રથા છે.
તેમણે ઉમેર્યું હતું, “કાયદા પ્રમાણે પરિણામ અપેક્ષિત હોય છે. કારણ કે જે સંબંધોમાં બળજબરી, નાણાકીય તથા ધાકધમકીભર્યું નિયંત્રણ હોય ત્યાં કાગળનો આ એક ટુકડો, તમે ઘરેલુ હિંસાના ચક્રમાં ફસાયેલા રહો છો કે નહીં તેમાં ફરક પાડી શકે છે.”
ડેસ્ટોનીના કિસ્સામાં તેઓ બીજે ક્યાંય જઈ શકે તેમ નહોતાં. તેથી તેમણે પતિ સાથેના ઍપાર્ટમૅન્ટમાં પાછું ફરવું પડ્યું હતું.
ડેસ્ટોનીએ કહ્યું હતું, “મારા પતિ ઉપરના માળે માસ્ટર બેડરૂમમાં રહેતા હતા અને હું તથા મારાં બાળકો નીચે હતાં. તેના કારણે મારા માનસિક સ્વાસ્થ્ય, મારી ચિંતા અને મારા ડિપ્રેશન પર માઠી અસર થઈ હતી.”
તેમણે ધીમા અવાજે કહ્યું હતું, “હું પાછી ફરી તેનું એકમાત્ર કારણ એ હતું કે જો હું ત્યાં નહીં હોઉં તો મારાં સંતાનોની સંભાળ કોઈ નહીં રાખે એ હું જાણતી હતી.”
એ સંજોગોમાં ગર્ભાવસ્થા દરમિયાન તેમણે હૉસ્પિટલમાં સતત જવું પડતું હતું. “મારું બ્લડપ્રેશર બહુ વધારે હોવાને લીધે લાગતું હતું કે મને પ્રિક્લેમ્પ્સિયા છે.”
આખરે તેમને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને માર્ચ, 2022માં તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો.
એ દિવસોને યાદ કરતાં તેમણે કહ્યું હતું, “બે સપ્તાહ પછી મારા પતિને કશું કહ્યા વિના હું છૂટાછેડા માટે અરજી કરવા ગઈ હતી. જાણે કશું થયું જ ન હોય તેવું વર્તન મેં કર્યું હતું. કારણ કે હું બીજે ક્યાંય જઈ શકું તેમ નહોતી.” ડેસ્ટોની તેમનાં બાળકો સાથે રહેવા સક્ષમ થયાં પહેલાં પહેલી જુલાઈ સુધી તેઓ એ ઘરમાં તેમના પતિ સાથે રહ્યાં હતાં.
તેમને છૂટાછેડા મળવામાં, મુક્તિ મળતાં બે વર્ષ લાગશે.
ડેસ્ટોનીએ કહ્યું હતું, “બાળકોને લેવા ક્યારે આવવાનું છે એ વાતનું જ ટૅન્શન રહે છે.” તેમનાં સંતાનો અડધો સમય તેમની સાથે અને અડધો સમય તેમના ભૂતપૂર્વ પતિ સાથે રહે છે.
અન્ય પરિણામ કેવા હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
મિઝોરીમાં ઘરેલુ હિંસામાંથી ઊગરેલા લોકો માટે કામ કરતા કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ, પોતાના અત્યાચારી પતિને છોડી દેવા ઇચ્છતી, પરંતુ છોડી ન શકતી ઘણી સગર્ભા સ્ત્રીઓ તેમને મળવા સતત આવતી રહે છે.
આ કાર્યકર્તાઓ એવી ચેતવણી આપે છે કે આ કાયદાના સૂચિતાર્થો માત્ર ગર્ભાવસ્થાની સમાપ્તિ સુધી રાહ જોવા પૂરતા મર્યાદિત નથી.
નૉર્ધન કેન્સાસ સિટી સ્થિત સ્વનિર્ભર સંગઠન નૉર્થ સ્ટાર ઍડ્વોકસી સેન્ટર માટે કામ કરતાં મેઘન કૉસ્મને કહ્યું હતું, “ઘણા લોકોને છૂટાછેડાની અરજી માટે હિંમત એકઠી કરવામાં પણ સમય લાગે છે. તેમણે બહુ મહેનત કરવી પડે છે.”
તેથી તેમને પ્રસૂતિ બાદ અદાલતમાં પાછા આવવાની સૂચના આપવામાં આવે છે. બધાં ડેસ્ટોનીના ઉદાહરણનું અનુસરણ કરતાં નથી. થોડાક લોકો એવા પણ છે, જે હાર માની લે છે, એવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “છૂટાછેડા લઈ લીધા હોય, બાળકના જન્મ પછી છૂટાછેડા લેવાનો ઇરાદો હોય તેવી મહિલાઓ સાથે પણ મેં કામ કર્યું છે, પરંતુ પરિણિત હોવાને કારણે જાહેર આવાસ સહાય અથવા ફૂડ સ્ટૅમ્પ માટેની લાયકાત ન ધરાવતી હોય તેવી સ્ત્રીઓએ અવરોધોનો સામનો કરવો પડે છે.”
કેન્સાસ સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને સેવા આપતી અન્ય એક સ્વનિર્ભર સંસ્થા સીનર્જી સર્વિસીઝના જણાવ્યા મુજબ, કાયદાને કારણે અત્યાચારી પતિને છૂટાછેડા ન આપી શકતી સગર્ભા સ્ત્રીઓ ટેકા માટે સંસ્થાને સતત વિનંતી કરતી રહે છે.
કુલ કેટલી સ્ત્રીઓ અસરગ્રસ્ત છે તેની સંખ્યા જાણી શકાઈ નથી, કારણ કે આવી માહિતી એકત્રિત કરવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી.
કાયદાની કઠણાઈ

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો અને કર્મશીલો એ વ્યાપક સંદર્ભ બાબતે પણ ચેતવણી આપે છે, જેમાં આ બધું સામેલ છે. કારણ કે જૂન, 2022માં અમેરિકન સુપ્રીમ કોર્ટે, અમેરિકામાં પાંચ દાયકા સુધી ગર્ભપાતના અધિકારની ગૅરંટી આપનાર ઐતિહાસિક ‘રો વિરુદ્ધ રોડ’ ચુકાદાને રદ કરી દીધો હતો. તેથી આ સંબંધે કાયદો બનાવવાનું રાજ્યોના હાથમાં છે.
તેના પરિણામે વધારે આકરા સ્થાનિક કાયદા અમલી બન્યા છે. કેટલાંક રાજ્યોમાં અધિકારની રક્ષા કરવામાં આવે છે અને તેની પ્રજનન સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
નેશનલ ડૉમેસ્ટિક વાયલન્સ હૉટલાઇનના જણાવ્યા અનુસાર, રો વિરુદ્ધ રોડ ચુકાદાને અદાલતે પલટાવી નાખ્યો પછી ઘરેલુ હિંસાના રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગમાં 100 ટકા વધારો થયો છે.
હૉટલાઇનના વાઇસ પ્રૅસિડેન્ટ મરિયમ દુર્રાનીએ અમેરિકન પબ્લિક રેડિયો એનપીઆરને કહ્યું હતું, “'હું ગર્ભવતી છું અને છૂટાછેડાનો પ્રયાસ કરી રહી છું અથવા મને મારા રાજ્યમાં સંસાધનો મળતાં નથી.' એવું સ્પષ્ટ રીતે જણાવતી મહિલાઓના ફોન અમારા પર આવી રહ્યાં છે.”
દેશના સૌથી કઠોર કાયદાઓ પૈકીના એક રો વિરુદ્ધ રોડને પલટાવી નાખવામાં આવ્યો એ પછી ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદનારું પહેલું રાજ્ય મિઝોરી હતું.
વકીલ મેરિનસિયોએ બીબીસીને કહ્યું હતું, “આ પ્રકારનાં રાજ્યોમાં એવું લાગે છે કે આવા કાયદા મહિલાઓના પ્રજનન અધિકારને સમાન રીતે મર્યાદિત કરી રહ્યા છે.”
ડેમૉક્રેટિક પક્ષના ઍશ્લે ઔને રાજ્યની પ્રતિનિધિ સભામાં કેન્સાસ સિટી ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાચારી પુરુષો સાથેના વિવાહમાં ફસાયેલી મહિલાઓની દુર્દશાની વાતો સાંભળીને ઍશ્લે ઔનેએ જાન્યુઆરીમાં એચબી2402 ખરડો રજૂ કર્યો હતો.
આ ખરડાને મંજૂરી મળી જશે તો ગર્ભવતી મહિલાઓના મામલે તત્કાળ છૂટાછેડા આપવાનો વિવેકાધિકાર ફૅમિલી કોર્ટના ન્યાયમૂર્તિને મળશે.
ઔનેએ બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને કહ્યું હતું, “હું ઇચ્છું છું કે ન્યાયાધીશ તેના પર ધ્યાન આપે અને કહે કે ઠીક છે. તમારી વાત સાચી છે. આ એક એવી સ્થિતિ, જ્યાં આ છૂટાછેડાના વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે.”
રાજ્ય પ્રતિનિધિ ગૃહમાં રિપબ્લિકનોનું પ્રભુત્વ છે અને તેમણે સ્થાનિક ગર્ભપાત વિરોધી કાયદાઓમાં બળાત્કાર તથા અનાચારને સામેલ કરવાના પ્રયાસને ફેબ્રુઆરીમાં જ અટકાવ્યો હતો. તેને ધ્યાનમાં લેતાં ઔને આ મામલે બહુ આશાવાદી નથી.
તેઓ અને નિષ્ણાતો બન્ને એ વાત સાથે સહમત છે કે પ્રસ્તુત પગલાને કારણે કમસેકમ આ મુદ્દો પ્રકાશમાં જરૂર આવ્યો છે.












