PM મોદીએ કહ્યું એમ શું ગાંધીને વિશ્વમાં પહેલાં કોઈ નહોતું જાણતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ તબક્કાના ચૂંટણીપ્રચાર દરમિયાનમાં કહ્યું હતું કે 1982માં રિલીઝ થયેલી રિચર્ડ ઍટનબરોની ફિલ્મ 'ગાંધી' પહેલાં વિદેશના લોકોને મહાત્મા ગાંધી અંગે કંઈ ખબર નહોતી.
ખાનગી ચૅનલને આપેલા એ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું, "મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ મહાન હતું. ગત 75 વર્ષમાં ગાંધીને દુનિયાની સામે લાવવાની શું આપણી જવાબદારી નહોતી? મને અફસોસ છે પણ ગાંધીને કોઈ નહોતું જાણતું."
"જ્યારે પ્રથમ વખત ફિલ્મ 'ગાંધી' બની ત્યારે વિશ્વમાં ઉત્સુક્તા જન્મી કે આ લોકો કોણ છે? આપણે એક રાષ્ટ્ર તરીકે એમને વિશ્વ સુધી ના પહોંચાડી શક્યા. આ એ દેશનું કર્તવ્ય હતું."
એ બાદથી કૉંગ્રેસ નેતા અને ગાંધીવાદી વિચારક એમના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.
મોદીના નિવેદન પર ટિપ્પણી કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "જે લોકોએ શાખાઓમાં વિશ્વનું જ્ઞાન મેળવ્યું હોય એ લોકો ગાંધીને ના સમજી શકે. તેઓ ગોડસેને સમજે છે, જેમણે ગાંધીની હત્યા કરી હતી."
રિચર્ડ ઍટનબરોની ફિલ્મ 'ગાંધી' કેવી હતી?

ભારતીય સ્વતંત્રતાસંગ્રામનું નેતૃત્વ કરનારા મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન પર 1952 બાદથી ફિલ્મો બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા, જોકે એ સફળ નહોતા રહ્યા.
બ્રિટિશ નિર્દેશક રિચર્ડ ઍટનબરોએ ગાંધીના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રથમ પ્રયાસ 1960ના દાયકામાં કર્યો હતો. જોકે, એ બાદ ઍટનબરોએ વીસ વર્ષની રાહ જોઈ અને નવેમ્બર 1980માં ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું. લગભગ દોઢ વર્ષ સુધી શુટિંગ ચાલ્યું અને આખરે 1981માં ફિલ્મ પૂરી થઈ.
આ ફિલ્માં બેન કિંગ્સલેએ ગાંધીની ભૂમિકા ભજવી હતી, જ્યારે રોશન સેઠે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેની ભૂમિકા હર્ષ નૈયરે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
30 નવેમ્બર 1982ના રોજ દિલ્હીમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. એ બાદ આ ફિલ્મને અમેરિકા અને બ્રિટનમાં પણ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મને વિશ્વભરના દર્શકો અને સમિક્ષોએ વખાણી હતી.
મહાત્મા ગાંધી પર બનેલી આ ફિલ્મ વ્યવસાયિક રૂપે પણ સફળ નીવડી હતી અને તેને ઑસ્કર તથા બ્રિટિશ ઍકેડેમી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરાઈ હતી. મહાત્મા ગાંધીને પડદા પર જીવંત કરનાર બેન કિંગ્સલેને એ વર્ષના સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કોર ઍવોર્ડ એનાયત કરાયો હતો. પણ શું આ ફિલ્મ બાદ જ વિશ્વને ગાંધી અંગે જાણકારી મળી હતી?
સાર્વજનિક રીતે ઉપલબ્ધ જાણકારી અનુસાર ગાંધીજીને 1930ના દાયકામાં જ વિશ્વભરમાં ખ્યાતિ મળવા લાગી હતી.
મહાત્મા ગાંધીનું નામ જ્યારે નોબેલ માટે ચર્ચાયું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1930ના દાયકાનાં કેટલાંય વર્ષોમાં નોબેલ પુરસ્કાર માટે મહાત્મા ગાંધીના નામ પર વિચાર કરાયો હતો. એ અંગે નોબેલ પુરસ્કાર સમિતિએ એક લેખ પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં એ સવાલનો જવાબ અપાયો હતો કે ગાંધીને પુરસ્કાર કેમ ના મળી શક્યો?
લેખમાં જણાવાયું હતું કે સંભવિત નોબેલ વિજેતાઓની ચર્ચાઓમાં કુલ પાંચ વખત મહાત્મા ગાંધીનું નામ ચર્ચાયું હતું.
આ આલેખ અનુસાર "1937, 1938, 1939, 1947 અને જાન્યુઆરી 1948, એમ કુલ પાંચ વખત નોબેલ પુરસ્કાર માટે તેમના નામનો વિચાર કરવામાં આવ્યો હતો."
લેખમાં અપાયેલી જાણકારી અનુસાર ગાંધીના નામની ભલામણ કરનારાં સગઠનોનું નામ વાચતાં એ સરળતાથી સમજી શકાય છે કે એ દાયકામાં ગાંધીનો વિશ્વભરમાં કેવો પ્રભાવ રહ્યો હશે. નોબેલ પુરસ્કાર સમિતિ દ્વારા પ્રકાશિત આ લેખમાં જણાવાયું છે, "ગાંધીને માનનારું સૌથી મહત્ત્વપૂર્ણ સંગઠન 'ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા' છે. આ સંગઠનની સ્થાપના 1930ના દાયકના પ્રારંભમાં યુરોપ અને અમેરિકામાં થઈ હતી."
"1937માં નૉર્વેજિયન સાંસદ ઓલે કલ્બજૉનસને ગાંધીને નોબેલ શાંતિપુરસ્કાર મળે એવી માગ કરી હતી. એ બાદ પુરસ્કાર માટે 13 સંભવિત નામોમાં મહાત્મા ગાંધીનું નામ પણ સામેલ કરાયું હતું."
તો એ વર્ષે મહાત્મા ગાંધીને નોબલ પુરસ્કાર કેમ ના મળ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
એ સવાલનો જવાબ પણ આ લેખમાં આપવામાં આવ્યો છે. "ઓલે કલ્બજૉનસને 1938માં અને 1939માં ગાંધીના નામની ભલામણ કરી હતી. જોકે, તેને આ પુરસ્કારથી સન્માનિત નહોતા કરાયા. 1947માં ફરી તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા. એ બાદ ગાંધીનું નામ અંતિમ યાદીમાં પણ હતું. 1948માં ગાંધીજીની હત્યા બાદ એક વખત ફરી નોબેલ પુરસ્કાર માટે એમના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો."
પણ શું નોબેલ પુરસ્કારો માટે ગાંધીના નામની ભલામણ એમની લોકપ્રિયતાનો એકમાત્ર માપદંડ હતો? જવાબ છે, ના. એવું નહોતું.
મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળમાં વિશ્વભરમાં માનવાધિકાર માટે લડનારા કેટલાય પ્રમુખ કાર્યકરોને પ્રેરીત કર્યા હતા. એમાં ટોચનું નામ માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરનું હતું, જેમણે અમેરિકામાં નાગરિક અધિકારો માટેની લડાઈ લડી હતી.
પોતાના પુસ્તક ‘માઈ પિલગ્રિમેજ ટુ નૉન વૉયલન્સ’માં માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર લખે છે, "વંચિતના ઉદ્ધાર માટેના સંઘર્ષમાં ગાંધીનો માર્ગ સૌથી નૈતિક અને ન્યાયપૂર્ણ છે. પ્રભુએ આપણે રસ્તો બતાવ્યો અને ગાંધીએ એ માટે સંઘર્ષની યોજના બનાવી."
માર્ટિન લ્યુથર કિંગ જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ લડાઈ લડનારા નેલ્સન મંડેલા માટે પણ ગાંધીનું દર્શન ભારે મહત્ત્વપૂર્ણ હતું. મંડેલાએ કહ્યું હતું, "ગાંધી અહિંસા પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને મેં ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરવાના પૂરતા પ્રયાસો કર્યા છે."
આવી જ રીતે જર્મનીના પણ કેટલાક લોકો પર ગાંધીનો સ્પષ્ટ પ્રભાવ હતો. આગળ જતાં મહાન વૈજ્ઞાનિક બનનારા આલ્બર્ટ આઇસ્ટાઇન પણ આમાં સામેલ છે. ફ્રેન્ચ લેખક અને વિચારક રોમેન રોલૅન્ડનો પણ એ લોકોમાં સમાવેશ થાય છે, જેમના પર ગાંધીના વિચારોએ પ્રભાવ પાડ્યો હોય.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ 1930ના દાયકામાં મહાત્મા ગાંધીના 70માં જન્મદિનના અવસરે 1939માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘મહાત્મા ગાંધી’ છે. એ પુસ્તકમાં ગાંધીજી પર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા લખાયેલા લેખ અને નિબંધોને સંપાદિત કરાયા હતા. આ 70 લેખોમાં મોટા ભાગના લેખ વિશ્વભરના વિવિધ વિચારકો દ્વારા લખવામાં આવ્યા હતા.
યુરોપમાં મહાત્મા ગાંધીની સ્વીકાર્યતા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પણ મહાત્મા ગાંધી ઇંગ્લૅન્ડ જતા, એમને યુરોપનાં બીજાં રાષ્ટ્રોમાં પણ આમંત્રિત કરવાનો જાણે કે એક રિવાજ બની ગયો હતો. ત્યાં ગાંધીનું ઊમળકાભેર સ્વાગત કરવામાં આવતું હતું.
ગાંધી જ્યારે ગોળમેજી સંમેલન માટે બ્રિટન ગયા ત્યારે ભારત પરત ફરતી વેળા તેમણે પેરિસ, સ્વિત્ઝરલૅન્ડ અને ઇટાલી જેવા દેશોની મુલાકાત લીધી હતી.
ગાંધીની વિદેશયાત્રાઓ અંગે નિયમિત રીતે લખનાર વરિષ્ઠ પત્રકાર મીરા કામદાર જણાવે છે, "1931માં મહાત્મા ગાંધી વિશ્વની પ્રખ્યાત વ્યક્તિ હતા. દાંડીયાત્રા અંગે યુનાઇટેડ પ્રેસના પત્રકાર વેબ મિલર દ્વારા લખમાં આવેલો લેખ એક હજાર કરતાં વધારે અખબારોમાં પ્રકાશિત થયો હતો."
મીરા કામદાર લખે છે, "ગાંધીએ 1931માં ગોળમેજી સંમેલનમાં ભાગ લીધો હતો. બાદમાં જીનિવા જતાં પહેલાં રોમન રોલૅન્ડને મળવા માટે તેઓ પેરિસ ગયા હતા. ગાંધીએ ત્યાં એક મોટી રેલીને સંબોધિત કરી હતી."
ઇતિહાસકાર એ. ઇરા વેંકટચલપતી એક ઉદાહરણ આપે છે કે 1930ના દાયકામાં ગાંધી વિશ્વભરમાં કઈ રીતે જાણીતા હતા.
તેઓ જણાવે છે, "જ્યારે ગાંધીએ માર્ચ 1930માં દાંડીયાત્રા શરૂ કરી ત્યારે વિશ્વભરમાંથી પત્રકારો અને ફોટોગ્રાફરો એ યાત્રાને કવર કરવા અને એ ક્ષણોને કૅમેરામાં કેદ કરવા માટે ભારત આવ્યા હતા. આના થકી જ ગાંધીની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે."
ફિલ્મ પહેલાં ગાંધીના જીવન પર ડૉક્યુમેન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images
રિચર્ડ ઍટનબરોની ફિલ્મ ‘ગાંધી’ની રિલીઝનાં લગભગ 40 વર્ષ પહેલાં ગાંધીના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી હતી. વીસમી સદીના પ્રમુખ તામિલ વૃત્તચિત્ર ફિલ્મનિર્માતા એ.કે. ચેટ્ટિયારે એનું નિર્માણ કર્યું હતું.
1930ના દાયકામાં દસ્તાવેજી ફિલ્મ બનાવવા માટે એ.કે. ચેટ્ટિયારે ગાંધીજી અંગે મૂળ ફિલ્મો એકઠી કરવા માટે વિશ્વભરમાં હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો.
1940માં તેમણે "’મહાત્મા ગાંધી : એમના જીવની ઘટનાઓ’ શિર્ષક હેઠળ બે કલાકની એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ રિલીઝ કરી હતી. એને તેલુગુ અને હિંદીમાં બનાવવામાં આવી હતી. આ દસ્તાવેજી ફિલ્મ અમેરિકામાં પણ બતાવવામાં આવી હતી.
એ.કે. ચેટ્ટિયારે લખ્યું છે કે ગાંધીના જીવન પર ‘એનાલિન અતીચુવત્તિલ’ નામે એક ધારાવાહિક બનાવવાની પણ એમની ઇચ્છા હતી. એનો ઉદ્દેશ વિશ્વભરના પ્રમુખ વિચારકો અને નેતાઓના મનમાં ગાંધીજી માટે આદર અને સન્માન જગાવવાનો હતો.
1931માં અમેરિકાની ટાઇમ પત્રિકાએ ગાંધીની તસવીર પોતાના કવર પેજ ઉપર છાપી અને તેમને ‘મૅન ઑફ ધ યર’ના રૂપમાં સન્માનિત કર્યા. એનો સ્પષ્ટ અર્થ એ હતો કે ગાંધીની અમેરિકામાં પણ નોંધ લેવામાં આવી હતી.












