યુસુફ પઠાણ : ગુજરાતી ક્રિકેટર પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી જીતીને કેવી રીતે સાંસદ બન્યા?

- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ હવે ક્રિકેટના ગ્રાઉન્ડ બાદ હવે સંસદમાં ફટકાબાજી કરશે. યુસુફ પઠાણે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળની બહરમપુર બેઠક પરથી હરાવ્યા છે. યુસુફ પઠાણે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી.
જાણકારો કહે છે કે પશ્ચિમ બંગાળના કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી મુખ્ય મંત્રી મમતા બેનરજીના ધુરવિરોધી છે.
જાણકારોના મત પ્રમાણે તૃણમૂલ કૉંગ્રેસે અધીર રંજન ચૌધરીને હરાવવા માટે ખાસ રણનીતિના ભાગરૂપે રાજકારણની પીચ પર પહેલીવાર બેટિંગ કરવા માટે યુસુફ પઠાણને ઉતાર્યા હતા.
યુસુફે ક્રિકેટના ગ્રાઉન્ડની પીચની માફક જ ધુંઆધાર ખેલનું પ્રદર્શન કરતા રાજકારણની પીચ પર છેલ્લી પાંચ ટર્મથી અહીંથી ચૂંટાતા આવતા રાજકારણના અઠંગ ખેલાડી અધીર રંજન ચૌધરીને આઉટ કરી દીધા.
ભારત જ્યારે ટી20 વિશ્વકપ જીત્યું ત્યારે અને 2011 વિશ્વકપ જીત્યું ત્યારે યુસુફ પઠાણ ભારતીય ટીમનો હિસ્સો હતા.
જીત બાદ યુસુફ પઠાણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "હું અધીર રંજનજીનું બહુ સન્માન કરું છું. તેઓ બહુ વરિષ્ઠ નેતા છે અને ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ. તેઓ હાર્યા છે, પરંતુ તેમને માટે મારા મનમાં હંમેશાં આદર રહેશે."
તેમના પરિવારજનો પણ તેમની જીત બાદ ખુશ છે. યુસુફ પઠાનના નાના ભાઈ ઇરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર તેમને અભિનંદન પાઠવ્યા.
કેવી રીતે યુસુફ સામેલ થયા મમતા બેનરજીની પાર્ટીમાં?

ઇમેજ સ્રોત, @iamyusufpathan
બહરામપુર લોકસભા બેઠક, પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શીદાબાદ જિલ્લામાં આવે છે. આ બેઠક મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે. અહીં લગભગ 52 ટકા મતદારો મુસ્લિમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી 1999થી અહીં જીતતા આવે છે.
અધીર રંજન ચૌધરી અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી વચ્ચેનું વૈમનસ્ય જગજાહેર છે. જાણકારો કહે છે કે કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે પ. બંગાળમાં ગઠબંધન ન થયું તેનું કારણ પણ અધીર રંજન ચૌધરી જ છે.
જાણકારો કહે છે કે અધીર રંજન ચૌધરીને હરાવવા માટે મમતા બેનરજીએ યુસુફ પઠાણ પર દાવ રમ્યો હતો.
પઠાણને ટીએમસીએ બહરામપુરથી ઉમેદવાર બનાવ્યા. ઉમેદવારોના એલાન અને ત્યાર બાદ મમતા અને અન્ય ઉમેદવારો સાથે રૅમ્પ વૉક કર્યા બાદ યુસુફે ‘ખેલા હોબે’નો નારો આપ્યો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે આ નારો વિખ્યાત થયો હતો.
તે વખતે યુસુફ પઠાણે મીડિયામાં કહ્યું હતું, "હું ક્રિકેટના મેદાનમાં રહેતા દેશ માટે વિશ્વકપ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ માટે બે વખત આઈપીએલ જીતનો ભાગ રહી ચૂક્યો છું. હવે રાજનીતિની પીચ પર તે જ પ્રકારની જીત સાથે શરૂઆત કરવાની આશા છે."
હવે સવાલ થાય છે કે અચાનક યુસુફ પઠાણનું નામ કેવી રીતે સામે આવ્યું?
તો બીબીસીના પશ્ચિમ બંગાળના સહયોગી પ્રભાકર મણિ તિવારી બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવે છે, "મમતા બેનરજી અને તેમના ભત્રીજા અભિષેકે તેમનું નામ નક્કી કરી નાખ્યું હતું પણ તેમની ઉમેદવારી પર અંતિમ મોહર બ્રિગેડની સભા પહેલાં લાગી. આ કામ અભિષેક બેનરજીએ કર્યું."
પ્રભાકર મણિ તિવારી જણાવે છે કે તૃણમૂલ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે યુસુફની ઉમેદવારી વિશે ગુપ્તતા જાળવવામાં આવી હતી. તેના વિશે બે-ત્રણ નેતાઓ સિવાય કોઈને જાણ નહોતી. છેલ્લી ઘડી સુધી કોઈને તેમની ભનક નહોતી. એટલું નક્કી હતું કે રાજનીતિના અખાડામાં ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીને ઉતારવાનું બીડું અભિષેક બેનરજીએ ઉઠાવ્યું હતું."
રાજકીય વિશ્લેષક વિશ્વજીત ભટ્ટાચાર્ય બીબીસી ગુજરાતી સાથે આ મામલે પ્રકાશ પાડતા કહે છે, "અભિષેક બેનરજીએ ચૂંટણી પહેલાં બે ત્રણ એજન્સી પાસે સરવે કરાવ્યો હતો. આ સરવેના આધારે તેઓ ઉમેદવારની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચારની રણનીતિ અને ચૂંટણીનું વ્યવસ્થાપન કરવા માગતા હતા. આ સરવેમાં બહરામપુર બેઠક પર એવી વાત સામે આવી કે જો મુસ્લિમ વોટ કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસમાં વહેંચાઈ જશે તો ભાજપને તેનો ફાયદો થશે."
"તેથી તેમણે અહીંથી અધીર રંજન ચૌધરી સામે કોઈ મુસ્લિમ ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું. હવે સ્થાનિક નેતાઓમાં એવી કોઈ ક્ષમતા ન લાગતા તેમણે આ પસંદગી યુસુફ પઠાણ પર ઉતારી."
જાણકારો કહે છે કે ટીએમસીની પહેલાંથી જ રણનીતિ રહી છે કે દિગ્ગજ નેતાઓની સામે કોઈ સેલિબ્રિટીને મેદાનમાં ઉતારવી અને અધીર રંજન ચૌધરી સામે પણ ટીએમસીએ આ જ દાવ રમ્યો.
અમે વિશ્વજીત ભટ્ટાચાર્યને પૂછ્યું કે યુસુફ પઠાણનું નામ કઈ રીતે આવ્યું?
તેમણે જવાબ આપતા કહ્યું, "આ મામલે કોલકાતાના મૅયર બૉબી હકિમની ભૂમિકા મહત્ત્વની છે. યુસુફ પહેલાંથી જ આઈપીએલની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો હિસ્સો હતા. બૉબી હકિમે યુસુફને સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી."
પ્રભાકર મણિ તિવારી જણાવે છે કે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડની રેલી પહેલાં યુસુફની ઉમેદવારીના નામની પુષ્ટિ થઈ.

ઇમેજ સ્રોત, @iamyusufpathan
અભિષેકના નજીકના એક નેતાએ નામ ન આપવાની શરતે બીબીસી સહયોગી પ્રભાકર મણિ તિવારીને જણાવ્યું હતું કે યુસુફ જ્યારે શ્રીલંકાથી કોલકાતા પહોંચ્યા ત્યારે તેઓ કાળા રંગની એક એસયૂવી કારમાં સીધા બ્રિગેડ પરેડ મેદાનમાં પહોંચ્યા. તેઓ સીધા મંચના પાછલા દરવાજેથી દાખલ થયા.
તેમની અહીં મુલાકાત અભિષેક બેનરજી સાથે થઈ. આ વાતચીત દરમિયાન અભિષેકના અંગત સચિવ સુમિત રૉય પણ ઉપસ્થિત હતા. દસ મિનિટ બાદ સુમિત તેમની વચ્ચે ચાલી રહેલી બેઠક બહાર નીકળી ગયા. અભિષેક અને યુસુફ વચ્ચે ચાર મિનિટ સુધી વાતચીત ચાલી.
પ્રભાકર મણિ તિવારી જણાવે છે કે યુસુફે આ બેઠકમાં જ બહરમપુરથી ઉમેદવારી માટે સહમતી દર્શાવી દીધી હતી.
જાણકારો પ્રમાણે યુસુફની ઉમેદવારીની પસંદગી પાછળનાં મુખ્ય ત્રણ કારણો હતાં. પહેલું કારણ હતું કે જિલ્લામાં પાર્ટીના નેતાઓમાં અંતરકલહ પર અંકુશ લગાવવો. ઘણા નેતાઓએ ટિકિટ માગી હતી. જો કોઈ એક ને આપે તો બીજો નારાજ થાય તેમ હતું. બીજું કારણ લઘુમતી સમુદાયના વોટને કૉંગ્રેસને મળતા રોકવા અને ત્રીજું અધીર રંજન ચૌધરીને હરાવવું.
પ્રભાકર મણિ તિવારી જણાવે છે, "યુસુફ જ્યારે ટીએમસીના ઉમેદવાર બન્યા ત્યારે તેમની સામે આયાતી ઉમેદવારનો મુદ્દો ઊઠ્યો હતો પરંતુ યુસુફે તેનો જવાબ આપતા કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં વારાણસથી ચૂંટણી લડતા હોય તો તેઓ કેમ ન લડી શકે? તેમણે વધુમાં લોકોને કહ્યું કે તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આઈપીએલની મૅચ માટે અહીં રહ્યા છે તેથી તેઓ પશ્ચિમ બંગાળના પોતીકા જ છે."
કોલકાતામાં એક કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન સૌરવ ગાંગુલીને જ્યારે યુસુફની ઉમેદવારી મામલે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો, "ક્રિકેટરો રાજનીતિમાં આવે તે સારા સંકેત છે. યુસુફ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે લાંબા સમયથી રમ્યા છે. હવે તેઓ બહમપુરમાં અધીર રંજન ચૌધરી સામે મેદાનમાં છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ લડાઈ કેવી રહેશે? જવાબમાં ગાંગુલીએ કહ્યું, "મારી નજરમાં બ્રેટ લીની બૉલિંગમાં બેટિંગ કરવા ઊતરવા જેવું છે."
અધીર રંજન ચૌધરીને હરાવવા આસાન નહોતા

ઇમેજ સ્રોત, Getty Images
અધીર રંજન ચૌધરી છેલ્લી પાંચ ટર્મથી અહીંથી લોકસભાની ચૂંટણી જીતતા હતા. તેઓ લોકસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા હતા અને પ્રદેશ અધ્યક્ષ પણ હતા.
જાણકારો કહે છે કે મતદાતાઓમાં તેમના વિરુદ્ધ ફરિયાદો વધી રહી હતી.
પ્રભાકર મણિ તિવારી જણાવે છે, "બહરમપુરમાં વિકાસનો મુદ્દો મુખ્ય હતો. ગંગા નદીના કિનારે જમીનના ધોવાણની મુખ્ય સમસ્યા હતી. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ નહોતું આવતું. તેથી લોકો વિકલ્પ શોધતા હતા."
બહરમપુર બેઠક પર તૃણમૂલ કૉંગ્રેસે ક્યારેય વિજય મેળવ્યો નહોતો. આ બેઠક કૉંગ્રેસનો ગઢ ગણાય છે. આઝાદી બાદ 1952થી લઈને એકાદ અપવાદને બાદ કરતાં અહીં માત્ર કૉંગ્રેસના ઉમેદવારો જ ચૂંટાય છે.
તૃણમૂલ કૉંગ્રેસને આશંકા હતી કે અહીં લઘુમતી વોટ કૉંગ્રેસને મળશે તો તેનો ફાયદો ભાજપને થશે. તેથી મમતા બેનરજીએ અહીં યુસુફ પઠાણ જેવા સેલિબ્રિટી ક્રિકેટરને મેદાનમાં ઉતારીને જીત આસાન કરી દીધી.
વિશ્વજીત ભટ્ટાચાર્ય જણાવે છે, "યુસુફનો દેખાવ અને તેમની કદકાઠી મુસ્લિમ મતદારોને આકર્ષી શકે તેવા છે. મનોજ તિવારી જે હાલ મમતા સરકારમાં રમતગમત રાજ્ય મંત્રી છે તેઓ પણ યુસુફને ઓળખતા હતા કારણ કે તેઓ બંને આઈપીએલની કેકેઆર ટીમમાં સાથે રમી ચૂક્યા હતા. એટલે ઘણાં બધાં પરિબળો તેમની પસંદગી માટે સાથે આવ્યાં."
તેઓ અધીર રંજન ચૌધરી સામે ટીએમસીએ કરેલા પ્રચાર વિશે વાત કરતા જણાવે છે, "ટીએમસીએ ઘરેઘરે પ્રચાર કર્યો કે જો અધીર રંજન ચૌધરી જીતશે તો તેઓ ભાજપમાં જતા રહેશે. આ પ્રચારની અસર દેખાઈ."
પશ્ચિમ બંગાળ કૉંગ્રેસનાં નેતા સૌમ્યા આઇચ રૉય બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, "ટીએમસીએ મતદાતાઓમાં ધર્મ આધારિત ધ્રુવિકરણ કર્યું. 2016થી આ પાર્ટી આવું કરે છે. જેને કારણે બિનસાંપ્રદાયિક પાર્ટી જેવી કે કૉંગ્રેસને નુકસાન ઉઠાવવું પડે છે."
જીત બાદ શું કહ્યું યુસુફ પઠાણે?

ઇમેજ સ્રોત, SANJAYDAS
યુસુફ પઠાણે જીત બાદ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું, "મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ચૂંટણી લડીશ. મને લોકોએ પ્રેમ આપ્યો અને સન્માન આપ્યું. અહીંના લોકો બદલાવ ઇચ્છતા હતા જેને કારણે આ જીતમાં મને મદદ મળી. મને લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો."
યુસુફ પઠાણે વધુમાં કહ્યું કે તેઓ અધીર રંજન ચૌધરીનું સન્માન કરે છે.
તેમણે જણાવ્યું, "હું અહીં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તમામ સ્પોર્ટ્સ માટેની એકૅડેમી બનાવવા માગું છું. જ્યાં માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતગતમ પર પણ ધ્યાન આપવામાં આવશે. હું ઇચ્છું છું કે અહીંનાં બાળકોમાં ટેલેન્ટ બહાર આવે. તેઓ રાજ્ય અને દેશ માટે મૅડલ જીતે અને દેશનું નામ રોશન કરે. હું મારાં તમામ વચનો પૂરાં કરવાની કોશિશ કરીશ."
તેમની જીત બાદ યુસુફ પઠાણના નાના ભાઈ ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા હેન્ડલ ઍક્સ પર લખ્યું, "પોતાના નેક ઉદ્દેશમાં દૃઢ વિશ્વાસ સાથે તમે અનુભવી રાજનેતાઓ પર વિજય પામવા માટેની કઠિન યાત્રા પર નીકળ્યા છો. ઈમાનદારી અને અતૂટ સંકલ્પ સાથે તમારા નેક ઇરાદા પરિવર્તનકારી કાર્યોમાં ફેરવાય જેથી આપણા દેશના લોકોનું જીવન સમૃદ્ધ થાય. મેરા ભાઈ જીત ગયા."
યુસુફ પઠાણના પૂર્વ કોચ મહેંદી શેખ પણ તેમની જીતની ખુશી બીબીસી ગુજરાતી સાથે શેયર કરતા કહે છે, "મને આનંદ છે કે જે પ્રકારે ક્રિકેટમાં તેમણે ઝંડો લહેરાવ્યો છે તે પ્રકારે રાજનીતિમાં પણ લોકોના કલ્યાણનું કામ કરવા તેઓ નીકળી પડ્યા છે."
તેમણે તેમના શિષ્યને શુભેચ્છા પાઠવતા કહ્યું, "તેઓ તેમના કાર્યમાં સફળ થાય. મેં તેમના પરિવારજનો સાથે અને તેમની સાથે પણ વાત કરીને શુભેચ્છા આપી હતી."
અમે યુસુફ પઠાણના પરિવારજનો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
કોણ છે યુસુફ પઠાણ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇએસપીએન ક્રિકઇન્ફોમાં જણાવ્યા મુજબ યુસુફનો જન્મ 17 નવેમ્બર, 1982ના રોજ વડોદરામાં થયો હતો.
નાનપણમાં તેઓ ક્રિકેટ પ્રત્યે રુચિ ધરાવતા હતા. તેઓ રાઇટઆર્મ બોલર અને રાઇટ હૅન્ડ બેટ્સમૅન હતા.
તેઓ અંડર 16 ટીમમાં વડોદરાની ટીમમાં વિજય મર્ચન્ટ ટ્રોફી માટે 1999-2000માં પસંદ પામ્યા. ત્યારથી તેમણે પાછું વળીને ન જોયું.
લાંબા ફટકા મારવાની અને ઝડપથી રમવાની તેમની ક્ષમતાને જોતા તેઓ દક્ષિણ આફ્રિકામાં ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સામેલ થયા. જોકે પહેલાં તેમને ટીમ વતી રમવાનો મોકો ન મળ્યો પરંતુ ફાઇનલમાં તેમને પાકિસ્તાન સામે રમવાની તક મળી.
ફાઇનલમાં યુસુફ પઠાણે ઓપનીંગમાં આવીને 8 બોલમાં 15 રન બનાવ્યા. જેમાં તેમણે એક છગ્ગો અને એક ચોક્કો ફટકાર્યો.
આઈપીએલમાં શરૂઆતમાં તેઓ રાજસ્થાન રૉયલ્સની ટીમમાં હતા. 2008ની સિરીઝમાં તેમણે 179ની સ્ટ્રાઇક રેટથી 435 રન ફટકાર્યા. આઈપીએલની પહેલી સિઝનમાં તેમણે ડેક્કન ચાર્જર્સ ટીમ સામે 21 બૉલમાં અર્ધસદી ફટકારી હતી. જે તે વખતે સૌથી ઝડપી અર્ધસદી હતી.
ત્યાર બાદ તેઓ બાંગ્લાદેશમાં રમાયેલી ત્રિકોણીય સિરીઝમાં પસંદ પામ્યા. પછી તેઓ પાકિસ્તાનમાં રમાયેલા એશિયા કપ માટે પણ પસંદ પામ્યા.
7 ડિસેમ્બર, 2010માં ન્યૂઝિલૅન્ડ સામેની વન ડેમાં 316 રનનો પીછો કરતા તેમણે ફટકારેલી સદી યાદગાર છે. આ મૅચમાં તેમણે 96 બોલમાં 123 રન ફટકાર્યા હતા. સૌરભ તિવારી સાથેની તેમની અણનમ 133 રનની પાર્ટનરશીપને કારણે ભારત આ મૅચ પાંચ વિકેટે જીતી ગયું હતું.
2011ના વિશ્વકપ પહેલાં તેમણે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં 70 બોલમાં 105 રન ફટકાર્યા હતા. જોકે, ભારત એ મૅચ હારી ગયું હતું. તેઓ આ ફૉર્મ 2011ના વિશ્વકપમાં અને ત્યારબાદ યોજાયેલી વેસ્ટઇન્ડિઝની ટૂરમાં જાળવી ન શક્યા.
ત્યાર બાદ તેઓ આઈપીએલની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સમાં 2.1 મિલિયન ડૉલર્સની કિંમતમાં ખરીદાયા.
તેઓ ભારત વતી કુલ 57 વન ડે રમ્યા અને 27ની એવરેજ સાથે 810 રન બનાવ્યા અને 33 વિકેટો લીધી.
તેમણે 22 ટી20 મૅચ પણ રમી જેમાં તેમણે 18 રનની એવરેજ સાથે કુલ 236 રન બનાવ્યા સાથે 13 વિકેટો મેળવી.
આઈપીએલની તેમણે 174 મૅચો રમી જેમાં તેમણે 29 રનની સરેરાશ સાથે 3204 રન બનાવ્યા અને 42 વિકેટો ઝડપી.
જોકે 2012 બાદ તેઓ ક્યારેય ભારતીય ટીમમાં પ્રવેશ નહીં મેળવી શક્યા.
તેઓ 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં પણ ખરીદાયા પરંતુ તેમના નબળા ફૉર્મને કારણે તેઓ પડતા મુકાયા.
જ્યારે યુસુફ પઠાણ પર લાગ્યો ગંભીર આરોપ

ઇમેજ સ્રોત, ANI
યુસુફ પઠાણને 2017માં ડોપિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડોપિંગના ટેસ્ટમાં ફેઇલ થવાને કારણે 2018માં બીસીસીઆઈએ તેમના પર પાંચ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.
જોકે યુસુફ પઠાણે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમણે પ્રતિબંધિત દવાઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુઆરટીઆઈ)ની સારવાર માટે લીધી હતી અને તેમનો ઉપયોગ પ્રદર્શનને ઉત્કૃષ્ટ બનાવવા માટે નહોતો કર્યો.
ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ તેમણે આપેલા નિવેદન પર સંતુષ્ટિ વ્યક્ત કરી હતી અને બીસીસીઆઈના નિયમો અનુસાર તેમના પર લાગેલા પ્રતિબંધની સમય મર્યાદા ગત વર્ષ (15 ઑગસ્ટ 2017)થી ગણી હતી અને જાન્યુઆરી 2018માં આપેલા પોતાના નિર્ણય અનુસાર તેમના પર 14 જાન્યુઆરી 2018 સુધી જ આ પ્રતિબંધ લાગુ રાખ્યો હતો.
બીસીસીઆઈએ કહ્યું હતું કે યુસુફ પઠાણે ગેરઇરાદાપૂર્વક પ્રતિબંધિત પદાર્થ લીધા જે સામાન્ય રીતે કફ સિપરમાં મળી આવે છે.












