વારાણસીમાં નરેન્દ્ર મોદીની સરસાઈ આટલી કેમ ઘટી, ત્યાંના લોકો શું કહે છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, બનારસથી
બનારસમાં નરેન્દ્ર મોદી માત્ર એક લાખ બાવન હજાર મતની સરસાઈથી જીત્યા એની ચર્ચા નિરંતર ચાલી રહી છે. ડઝનબંધ કેન્દ્રીય મંત્રીઓએ બનારસમાં ધામા નાખ્યા હોવા છતાં નરેન્દ્ર મોદીને આટલી પાતળી સરસાઈથી જીત મળી છે.
નરેન્દ્ર મોદી બનારસમાં 2019માં 4,80,000 મતની સરસાઈથી જીત્યા હતા. ઘણા લોકો માને છે કે આ વખતે કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ બનારસમાં વધુ ગંભીરતાથી ચૂંટણી લડ્યાં હોત તો નરેન્દ્ર મોદી પણ હારી ગયા હોત.
રાહુલ ગાંધીએ પોતે મંગળવારે રાયબરેલીમાં જણાવ્યું હતું કે તેમનાં બહેન પ્રિયંકા બનારસમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યાં હોત તો બેથી ત્રણ લાખ મતની સરસાઈથી જીત્યાં હોત. તેનો અર્થ એ થાય કે બનારસમાં નરેન્દ્ર મોદી જેવા કોઈ નેતાને પોતે ઉમેદવાર ન બનાવ્યો હોવાનું કૉંગ્રેસ સ્વીકારી રહી છે.
બનારસમાં કૉંગ્રેસે 2014, 2019 તથા 2024 એમ ત્રણે ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે અજય રાયને ઉમેદવાર બનાવ્યા હતા. ત્રણેય વખત તેઓ હારી ગયા એ જગજાહેર છે.

અજય રાય 2019 અને 2014માં તો બહુ ખરાબ રીતે હાર્યા હતા. એ સિવાય તેઓ 2009માં સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે બનારસમાંથી ચૂંટણી લડ્યા ત્યારે પણ હાર્યા હતા.
2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અજય રાય પીંડરા મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર હતા અને ત્રીજા નંબરે રહ્યા હતા. એટલે કે અજય રાય સતત ચૂંટણી હારતા રહ્યા છે. તેમ છતાં કૉંગ્રેસે સંસદીય ચૂંટણીમાં ચોથી વખત તેમના પર દાવ લગાવ્યો હતો.
કૉંગ્રેસ બનારસમાં નરેન્દ્ર મોદી સામે દમદાર નેતાને ઉમેદવારી આપી નહોતી, એવું રાહુલ ગાંધી કહેવા ઈચ્છે છે કે કેમ, એવો સવાલ અજય રાયને પૂછ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું, “અમે તો પ્રિયંકા ગાંધીને બનારસથી ચૂંટણી લડવાની વિનંતી કરી હતી. પ્રિયંકા બનારસમાં નરેન્દ્ર મોદીને હરાવી શક્યાં હોત, એવી રાહુલ ગાંધીની વાત સાથે હું સહમત છું.”
અજય રાયની રાજકીય પશ્ચાદભૂ ભારતીય જનતા પાર્ટીની છે. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસમાં જોડાતા પહેલાં અજય રાય બનારસ જિલ્લાના કોલસલા વિધાનસભા મતવિસ્તારમાંથી 1996, 2002 અને 2007માં બીજેપીના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
અજય રાય 2009માં બનારસ લોકસભા બેઠક માટે ભાજપની ટિકિટ ઇચ્છતા હતા, પરંતુ પક્ષે મુરલીમનોહર જોશીને ઉમેદવાર બનાવ્યા હતા. તેનાથી નારાજ થઈને અજય રાયે બીજેપી છોડી હતી અને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. 2012માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા.
નરેન્દ્ર મોદીની સરસાઈ કેવી રીતે ઘટી?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બપોર ઢળી રહી હતી અને નિષાદરાજ-ઘાટનાં પગથિયાં પરથી આકરો તડકો ગંગા નદી તરફ ઢળી રહ્યો હતો.
બનારસના આ ગંગાઘાટનાં પગથિયાં પર છાયો આવી રહ્યો હતો તેમ-તેમ આજુબાજુના નાવિકો પોતપોતાના ઘરમાંથી નીકળીને પગથિયાં પર આવી રહ્યા હતા.
લોકો આવે અને નૌકામાં ગંગાની સહેલ કરાવવા કહે, એની રાહ તેઓ જોતા હતા. ગૌરીશંકર નિષાદ બે કલાકથી બેઠા હતા, પરંતુ કોઈ આવ્યું નહીં.
સાંજ ઢળવાની સાથે ગૌરીશંકરની નિરાશા વધી રહી હતી. તેમને સવારથી કોઈ કમાણી થઈ ન હતી. આજે ઘરનું રૅશન ક્યાંથી આવશે તેની ચિંતા તેમને થતી હતી.
ગૌરીશંકર નિષાદે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી બનારસમાં નાવિકોની કમાણી પર સુનિયોજિત રીતે ફટકા મારવામાં આવ્યા છે.
નિષાદે કહ્યું હતું, “નરેન્દ્ર મોદી 2014માં ગુજરાતથી બનારસ આવ્યા ત્યારે અમે બહુ ઉત્સાહથી તેમને સાથ આપ્યો હતો. અમને થયું હતું કે પરિસ્થિતિ સુધરશે, પરંતુ હકીકત હવે સામે આવી રહી છે કે તેમનો ઍજન્ડા શું હતો. અમે 2019માં પણ આશા ત્યજી ન હતી અને તેમને મત આપ્યો હતો, પરંતુ 2024માં કૉંગ્રેસને મત આપ્યો. હવે નરેન્દ્ર મોદી પાસેથી કોઈ આશા નથી.”
તેમણે ઉમેર્યું હતું, “તેઓ ગંગાનદીમાં ક્રુઝ ચલાવી રહ્યા છે. તેનું બુકિંગ ઓનલાઈન થાય છે. ઓનલાઈન બુકિંગથી સરકારને ટેક્સ મળે છે. ક્રુઝ આવી છે ત્યારથી અમારી કમાણીમાં મોટો ઘટાડો થયો છે. ક્રુઝ સામે અમે ક્યાંથી ટક્કર લઈ શકીએ.”
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 2018માં બનારસની ગંગાનદીમાં ફાઈવ સ્ટાર લક્ઝરી ક્રુઝ લૉન્ચ કરી હતી. આ ક્રુઝ મારફત ગંગાના 82 ઘાટોનો પ્રવાસ કરી શકાય છે અને પ્રતિ વ્યક્તિ ટિકીટ દર રૂ. 750 છે. 30 મીટર લાંબી આ ડબલ ડેકર ક્રુઝમાં એક સમયે 110 લોકો પ્રવાસ કરી શકે છે.
નાવિકોની નારાજગી

ગૌરીશંકર નિષાદે કહ્યું હતું, “વાત માત્ર ક્રુઝની નથી. તેમણે મણિકર્ણિકા ઘાટથી વિશ્વનાથ મંદિર સુધી કૉરિડૉર બનાવ્યો છે. અમે મણિકર્ણિકા ઘાટ પર બેસીને માછલીઓ વેંચતા હતા. કૉરિડૉરનું નિર્માણ થતું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે તમારી દુકાનો હટાવી લો. કૉરિડૉર બન્યા પછી બધાને એક-એક નવી દુકાન મળશે.”
“દુકાન ગઈ પછી અમને કહેવામાં આવ્યુ હતું કે એક દુકાન માટે 25 લાખ આપવા પડશે. ભલા, અમે ગરીબ લોકો રૂ. 25 લાખ ક્યાંથી લાવીએ? મણિકર્ણિકા ઘાટ પરથી ગરીબોને આ રીતે હાંકી કાઢવામાં આવ્યા. હવે તમે મણિકર્ણિકા ઘાટ પર જશો તો ત્યાં અમૂલ ડેરીનું બૂથ જોવા મળશે. બ્રાન્ડેડ શો-રૂમ છે. મોદીજી બનારસમાં પણ ગુજરાતનું ભલું કરવા ઇચ્છે છે. અમૂલ ગુજરાતની ડેરી છે. ઉત્તર પ્રદેશની પરાગ ડેરી ક્યાં ગઈ? ક્રુઝ પણ ગુજરાતથી જ મંગાવી છે.”
બીજેપીના કાશી ક્ષેત્રના અધ્યક્ષ દિલીપ પટેલે કહ્યું હતું, “વિકાસનું કામ થાય ત્યારે કેટલાક લોકોને તકલીફ થઈ શકે, પરંતુ અમે વિકાસના કામને લાંબો સમય રોકી શકીએ નહીં. જેમની દુકાનો કાયદેસરની હતી તેમને વળતર આપવામાં આવ્યું છે.”
અમિત સાહની પણ ગંગામાં નૌકા ચલાવે છે. ગંગા નદીમાં ક્રુઝ ચાલતી હોવાને લીધે તેઓ પણ નારાજ છે. અમિતે કહ્યું હતું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે અમારી નૌકાઓ ગંગાનદીમાં ચલાવવા દેવામાં આવતી નથી, પરંતુ ક્રુઝ ચાલતી રહે છે. ક્રુઝના સંચાલકો ગુજરાતી હોવાને લીધે આવું થાય છે.”
નરેન્દ્ર મોદી બાબતે નિરાશા માત્ર નાવિકો પૂરતી મર્યાદિત નથી. નરેન્દ્ર મોદીની નીતિઓની વણકરો પણ ખુલ્લેઆમ ટીકા કરે છે.
વણકરોની નારાજગી

લક્ષ્મીશંકર રાજભર અગાઉ પાવરલૂમ મશીનથી બનારસી સાડીઓ બનાવતા હતા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી તેઓ રિક્ષા ચલાવે છે. 55 વર્ષના રાજભર ગરીબી અને તનતોડ મહેનતને લીધે 85 વર્ષના લાગે છે.
રાજભરે કહ્યું હતું, “બનારસી સાડીઓ હવે સુરતમાં બને છે અને ત્યાંથી બનારસ આવે છે. અહીંના કારીગરો બેકાર થઈ ગયા છે. અમારું કૌશલ્ય કાટ ખાઈ રહ્યું છે. જે બનારસી સાડીઓ ક્યારેક બ્રાન્ડ તરીકે ઓળખાતી હતી, તેને ગુજરાતીઓએ હડપ કરી લીધી છે.”
બનારસમાં જલાલીપુરા લાલ કુઆં વણકરોનો વિસ્તાર છે. આ વિસ્તારની ગલીઓમાંથી પસાર થાઓ તો ઘરમાં પાવરલૂમ મશીનો ચાલવાનો અવાજ આજે પણ સંભળાય છે.
અલબત, હવે એ અવાજ ઓછો થઈ ગયો છે. પાવરલૂમ મશીનો હવે ધૂળ ખાઈ રહ્યાં છે. જે ઘરોમાં પાવરલૂમ મશીનો ચાલતાં હતાં ત્યાં હવે ચા-કૉફીની દુકાનો થઈ ગઈ છે. અહીંના વણકરોના કહેવા મુજબ, સાડી બનાવીને રોજને રૂ. 200 કમાવાનું પણ મુશ્કેલ છે.
લલ્લુ અન્સારીના ઘરમાં ચાર પાવરલૂમ મશીન ચાલતાં હતાં, પરંતુ હવે ત્યાં ચાની દુકાન છે. લલ્લુએ કહ્યું હતું, “મારા ઘરના અનેક પુરુષો સુરત ચાલ્યા ગયા છે અને ત્યાં બનારસી સાડીઓ બનાવી રહ્યા છે. આવકથી વધારે જીએસટી લાગે છે. જે ઘરમાં પાવરલૂમ મશીન છે તે ઘર પર કૉમર્શિયલ ટેક્સ વસૂલવામાં આવે છે. આવક જ નથી તો ટેક્સ ક્યાંથી ચૂકવવો? વીજપુરવઠો પણ નિયમિત રીતે મળતો નથી અને તેના પર સબસિડી મળવાની કોઈ ગૅરંટી નથી. ખોટના સોદોમાં ફસાવા કરતાં સૂરત જઈને કમાણી કરવામાં જ શાણપણ છે.”
નરેન્દ્ર મોદી 2014માં બનારસમાં ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેમણે વણકરોની સ્થિતિ સુધારવાનું વચન આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ 2014ની 27 જૂને ટેક્સટાઇલ સેક્ટર વિશેની રિવ્યૂ મિટિંગ પહેલીવાર યોજી હતી.
નરેન્દ્ર મોદીએ અમલદારોને જણાવ્યું હતું કે હેન્ડલૂમને ફેશન સાથે સાંકળવાની કોઈ રીત શોધી કાઢો. અમલદારો એ રીત આજ સુધી શોધી શક્યા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે વણકરો તેમના હૂનરથી દૂર થઈ રહ્યા છે અને મજબૂરીમાં રિક્ષા ચલાવી રહ્યા છે.
બનારસમાં નરેન્દ્ર મોદીની સરસાઈ ઘટવાનો સવાલ લોકોને પૂછો તો મોટા ભાગના લોકો કહે છે કે રસ્તાઓ અને કૉરિડૉરથી પેટ ભરાતું નથી.
વધતી મોંઘવારી અને બેકારીથી ગુસ્સો

ભાજપવિરોધીઓ અને ભાજપસમર્થકો બન્ને માને છે કે બનારસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણું કામ થયું છે.
શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા ઍરપૉર્ટ પહોંચતાં અગાઉ ટ્રાફિક જામને કારણે બે કલાક થતા હતા, પરંતુ હવે 40 મિનિટ થાય છે.
વિશ્વનાથ મંદિર કૉરિડૉર અને ઘાટોમાં સ્વચ્છતા વધી છે, પરંતુ તેની સાથે લોકો સવાલ પણ કરે છે કે “રોજગાર ક્યાં છે? મોંઘવારી આભને આંબી રહી છે. દર મહિને પેપર લીક થાય છે અને પોલીસની મનમાની વધી ગઈ છે.”
બનારસના લોકોનું કહેવું છે કે શહેરનો બિઝનેસ અને વિકાસનું કામ સંપૂર્ણપણે ગુજરાતીઓના હાથમાં આવી ગયાં છે. બિઝનેસ અને કૉન્ટ્રેક્ટ ગુજરાતીઓના હાથમાં આવી ગયા હોવાનું શહેરના લોકો શા માટે કહે છે, એવો સવાલ અમે બીજેપીના બનારસ જિલ્લાના અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્માને પૂછ્યો હતો.
તેમણે કહ્યું હતું, “ગુજરાતના કૉન્ટ્રેક્ટર ગૌરવસિંહ પટેલે બનારસમાં માત્ર ટ્રેડ ફેસિલિટી સેન્ટર અને બાબતપુર માર્ગનું નિર્માણ કરાવ્યું હતું. એ સિવાયના ગુજરાતીઓને મળ્યા હોય એવા કોઈ કૉન્ટ્રેક્ટ વિશે હું જાણતો નથી. ક્રુઝના માલિક ગુજરાતી નથી.”
વિશ્વકર્માએ કહ્યું હતું, “મોદીજીને ઓછી સરસાઈથી જીતાડીને બનારસના લોકોએ મૂર્ખતાનું પ્રદર્શન કર્યું છે. તેમણે હરાવ્યા હોત તો પણ મોદીજી વડા પ્રધાન બન્યા હોત, પરંતુ અમારા માટે આ બહુ શરમજનક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અહીંથી કમસેકમ પાંચ લાખ મતની સરસાઈ મળવી જોઈતી હતી.”
તેમણે ઉમેર્યું હતું, “બેવકૂફીની ચરમસીમા જુઓ કે જે કંચનપુર વોર્ડમાં હું રહું છું ત્યાં લગભગ 3,500 મત પડ્યા હતા અને 1,100 મત અજય રાયને મળ્યા હતા. કુશવાહા, યાદવ, પટેલ અને મુસલમાનોએ અજય રાયને મત આપ્યા છે. જે લોકો તોડફોડની ફરિયાદ કરે છે તેમણે સમજવું પડશે કે વિકાસ માટે આ બધું કરવું પડે છે. અમે તેનું વળતર પણ આપીએ છીએ.”
માત્ર પછાતો, દલિતો અને મુસલમાનો જ નરેન્દ્ર મોદીથી નિરાશ નથી.
કોરિડોર માટે સેંકડો ઘર તોડવાની તૈયારી

જયનારાયણ મિશ્રનો સમાવેશ અસ્સી ઘાટ પર રહેતા એવા લગભગ 300 લોકોમાં થાય છે, જેમનું ઘર જગન્નાથ કૉરિડૉર માટે હટાવવામાં આવશે. મિશ્રના કહેવા મુજબ, જિલ્લા વહીવટી તંત્રે લગભગ 300 લોકોને જણાવી દીધું છે કે તેમનું ઘર સરકારી જમીન પર આવેલું છે.
મિશ્રએ કહ્યું હતું, “જે ઘરમાં અમે આઝાદી પહેલાંથી રહીએ છીએ, જે ઘર માટે અમે પ્રોપર્ટી ટેક્સ ચૂકવીએ છીએ એ ઘર સરકારી જમીન પર હોવાનું હવે જણાવવામાં આવ્યું છે. જગન્નાથ કૉરિડૉર બનાવવાનો આઇડિયા ગુજરાત ભાજપના નેતા સુનીલ ઓઝાનો હતો. જે જગન્નાથ મંદિર માટે કૉરિડૉરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે કોઈ પ્રાચીન મંદિર નથી, પરંતુ જેને વિકાસના નામે વિનાશ કરવો હોય તેને કોણ રોકી શકે?”
તેમણે ઉમેર્યું હતું, “કૉરિડૉરનું નિર્માણ અટકાવો અને લોકોનાં ઘરોને બચાવી લો, એવું મેં મારા વારાણસી દક્ષિણ વિસ્તારના બીજેપીના વિધાનસભ્ય સૌરભ શ્રીવાસ્તવને કહ્યું તો તેમણે કહ્યું હતું કે અમને તમારા મત નથી જોઈતા.”
“પછી મેં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને 2019ની સરખામણીએ એક મત પણ ઓછો મળશે તો એ મારી જીત હશે, પરંતુ મહાદેવની કૃપાથી આ વખતે તેમને 2,27,000 મત ઓછા મળ્યા. બીજેપીવાળાઓનો અહમ એટલો વધી ગયો છે કે તેનો જવાબ દેવો જરૂરી છે. નરેન્દ્ર મોદીને બીજેપીવાળાઓ જ હરાવશે. જે 300 ઘર તોડી નાખવાનાં છે તેમાંથી 99 ટકા ઘર કાયમ મોદી-મોદી કરતા લોકોનાં જ છે.”
ભાજપના કાશીક્ષેત્રના અધ્યક્ષ દિલીપ પટેલે સ્વીકાર્યું હતું કે શહેરમાં વિકાસનાં કામોને કારણે લોકોમાં થોડો રોષ છે, પરંતુ વિકાસ કરવો જરૂરી છે. તેમણે કહ્યું હતું, “જે 300 ઘર તોડવાનાં છે તે કાયદેસરનાં નથી.”
બનારસમાં ગુજરાતીઓના વધતા પ્રભાવ બાબતે દિલીપ પટેલે કહ્યું હતું, “આ વિરોધ પક્ષોની ચાલ છે, જેથી સ્થાનિક લોકોને બીજેપી વિરુદ્ધ ભડકાવી શકાય.”
દિલીપ પટેલના કહેવા મુજબ, પેપર લીકને કારણે પણ બીજેપીએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.
ટીએફસી અને બાબતપુર માર્ગનું નિર્માણ ગુજરાતના કૉન્ટ્રેક્ટર ગૌરવસિંહ પટેલે કરાવ્યું હોવાનું તેમજ વિશ્વનાથ કૉરિડૉરના ડિઝાઇનિંગ માટે પણ ગુજરાતના જ લોકો આવ્યા હતા, એ દિલીપ પટેલે સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું, “મામલો ગુજરાતી અને મરાઠીનો નથી, પરંતુ દક્ષતાનો છે. જે સારું કામ કરે તેને જ જવાબદારી મળે છે.”
બનારસમાં નાની જીતનો અર્થ

નરેન્દ્ર મોદીને બનારસમાંથી ચૂંટણી લડાવવી તે બીજેપીનો વ્યૂહાત્મક નિર્ણય હતો.
બનારસ જ્યાં આવેલું છે ત્યાંથી નરેન્દ્ર મોદીની જીતની અસર ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહારમાં પણ થાય છે. આ બન્ને રાજ્યોમાં લોકસભાની કુલ 120 બેઠકો છે. આ રાજ્યોમાં મહત્તમ બેઠકો જીત્યા પછી જ કોઈ પક્ષ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે.
એ ઉપરાંત બનારસનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. બનારસને ભગવાન શંકરની નગરી ગણવામાં આવે છે. અહીં જ્ઞાનવાપી મસ્જિદ સંબંધી વિવાદ પણ છે. અયોધ્યા અને મથુરાની માફક બનારસમાં પણ મંદિર-મસ્જિદ વિવાદ છે.
જ્ઞાનવાપીનો મુદ્દો દાયકાઓથી અભરાઈ પર ચડેલો હતો, પરંતુ અયોધ્યા વિશેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ મામલો અદાલતમાં પહોંચ્યો છે, પરંતુ આ વખતે બીજેપીને દરેક તરફથી નિરાશા સાંપડી છે.
નરેન્દ્ર મોદીને મોટી જીત પણ મળી નહીં અને પૂર્વાંચલમાં બીજેપી માથાભેર પટકાઈ. પૂર્વાંચલની 13માંથી 10 બેઠકો બીજેપી હારી અને બનારસની આસપાસ બિહારમાં પણ બીજેપીનો પરાજય થયો.
જોકે, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પોતાના ગઢ ગોરખપુરની આજુબાજુની બેઠકો બચાવવામાં સફળ થયા છે. ગોરખપુર, મહારાજગંજ, દેવરિયા, કુશીનગર અને બાંસગાંવમાં બીજેપીની જીત થઈ છે.
નરેન્દ્ર મોદી તેમનો પ્રભાવ ગુમાવી રહ્યા છે?
દિલીપ પટેલે કહ્યું હતું, “વડા પ્રધાનનો દોઢ લાખ મતથી વિજય અમારા માટે શરમની વાત છે, એવું હું માનું છું, પરંતુ આવું વિરોધ પક્ષે ફેલાવેલી એવી અફવાને કારણે થયું છે કે અમે સત્તા પર આવીશું તો બંધારણ બદલી નાખીશું. આ અફવાને કારણે દલિતો કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષમાં ચાલ્યા ગયા. સમાજવાદી પાર્ટીને લીધે યાદવો પણ અમારી વિરુદ્ધ ગયા અને મુસલમાનો તો પહેલાંથી જ તેમની સાથે છે.”
પ્રારંભિક વલણોમાંમાં નરેન્દ્ર મોદી કૉંગ્રેસના ઉમેદવાર અજય રાયથી પાછળ હતા. બનારસમાં બીજેપીના જૂના નેતા લાલચંદ્ર કુશવાહાને નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાના નામાંકનમાં પ્રસ્તાવક બનાવ્યા હતા.
મતગણતરીમાં નરેન્દ્ર મોદી પાછળ હતા ત્યારે પ્રારંભિક મતગણતરીમાં નરેન્દ્ર મોદી પાછળ રહ્યા હોવા બાબતે સ્મિત કરતાં લાલચંદ્ર કુશવાહાએ કહ્યું હતું, “મારી તો તબીયત બગડવા લાગી હતી. પછી મેં તપાસ કરી કે આવું શા માટે થઈ રહ્યું છે. પક્ષના કાર્યકરોએ જણાવ્યું હતું કે હજુ તો મુસ્લિમ વિસ્તારોનાં ઈવીએમ ખુલ્યાં છે. એ પછી મને રાહત થઈ હતી. બીજેપીના લોકો અતિ ઉત્સાહમાં હતા. તેમના લાગતું હતું કે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી જીતી જઈશું. તેમને ખબર ન હતી કે વિરોધ પક્ષ એકજૂથ છે અને મત પણ એ મુજબ જ મળશે. મોદીજી માત્ર દોઠ લાખ મતની સરસાઈથી જીત્યા એ અમારા માટે દુખદ છે.”
એ સાચી વાત છે કે ગત બે ચૂંટણીથી બીજેપી વિરોધ મતો વહેંચાઈ જતા હતા. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરસાઈ વધી જતી હતી, પરંતુ આ વખતે બનારસમાં મુકાબલો સંપૂર્ણપણે દ્વિપક્ષી હતો. આ વખતની ચૂંટણીમાં લગભગ 95 ટકા મત નરેન્દ્ર મોદી અને અજય રાય વચ્ચે વહેંચાયા હતા, જ્યારે બાકીના પાંચ ટકા નોટા સહિતના અન્ય પાંચ ઉમેદવારોને મળ્યા હતા.
ત્રીજા નંબરે રહેલા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર અતહર જમાલ લારીને માત્ર 33,000 મત મળ્યા હતા. એટલે કે તેમને મુસલમાનોએ પણ મત આપ્યા ન હતા. બનારસમાં મુસલમાનોના લગભગ સાડા ત્રણ લાખ મત છે.
2019માં સમાજવાદી પાર્ટીનાં શાલિની યાદવને 1,95,159 મત મળ્યા હતા અને કૉંગ્રેસના અજય રાયને 1,52,548 મત મળ્યા હતા. 2019માં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન હતું. શાલિની યાદવને 18.40 ટકા, જ્યારે અજય રાયને 14.38 ટકા મત મળ્યા હતા. બીજેપીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પતંજલિ પાંડેના કહેવા મુજબ, આ વખતે મુસલમાનો અને યાદવોએ નરેન્દ્ર મોદીની સરસાઈ ઘટાડી છે. તેમણે કહ્યું હતું, “નરેન્દ્ર મોદી પોતાનું કલેજું કાઢીને મુસલમાનોને આપશે તો પણ તેઓ તેમને મત નહીં આપે.”
પતંજલિ પાંડેની કલેજાવાળી ટિપ્પણી બાબતે બનારસના જલાલીપુરાના નગરસેવક હાજી વકાસ અન્સારીએ જણાવ્યુ હતું કે મુસલમાનોને મોદીજીનું કલેજું નહીં, પણ સન્માન જોઈએ છે. તેમણે કહ્યું હતું, “મોદીજી મુસલમાનોને ટિકિટ આપવાનું શરૂ કરે, અમને પ્રેમભરી નજરે જુએ અને તેમની કૅબિનેટમાં કેટલાક મુસલમાનોને સામેલ કરે એ પછી પણ કોઈ મુસલમાન મત ન આપે તો આવી ફરિયાદ વધારે યોગ્ય લાગે.”
કૉંગ્રેસે ખોટા ઉમેદવારની પસંદગી કરી?

બનારસમાં સમાજવાદી પાર્ટીના જૂના નેતા સુરેન્દ્રસિંહ પટેલ 2002થી 2017 સુધી સેવાપુરી મતવિસ્તારના સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય હતા. મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવ સરકારમાં તેઓ મંત્રી પણ હતા.
તેમના કહેવા મુજબ, આ વખતે નરેન્દ્ર મોદીને બનારસમાંથી હરાવવાની સારી તક હતી, પરંતુ કૉંગ્રેસે એ તક ગુમાવી દીધી.
તેમણે કહ્યું હતું, “રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ બનારસમાં રેલી કરવા આવ્યા ત્યારે અખિલેશે મારી સામે રાહુલને અજય રાય બાબતે કહ્યું હતું કે તમે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી નથી. અખિલેશે કહ્યું હતું કે અહીંથી સમાજવાદી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોત તો પરિણામ અલગ આવ્યું હોત. એ સાંભળીને રાહુલ ગાંધી હસવા લાગ્યા હતા. કૉંગ્રેસ બનારસમાં નરેન્દ્ર મોદીને હરાવવા ઈચ્છતી હોત તો તેણે અજય રાયને ઉમેદવાર બનાવ્યા ન હોત, પરંતુ સ્ટાર ઉમેદવારોની બાબતમાં આપસી સમજૂતી હોય છે. મોદીજી પણ અમેઠી અને રાયબરેલી ચૂંટણીપ્રચાર કરવા ગયા ન હતા.”
અખિલેશ યાદવને પણ અજય રાય પસંદ ન હોવાનું કહેવાય છે.
ગત વર્ષે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ અને અજય રાય વચ્ચે બોલાચાલી થઈ હતી. અખિલેશ યાદવ મધ્ય પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ વિધાનસભાની કેટલીક બેઠકો પર લડવા ઇચ્છતા હતા, પરંતુ કૉંગ્રેસે એકેય બેઠક આપવાનો ઈનકાર કર્યો હતો. તેની બોલાચાલીમાં અજય રાય પણ અખિલેશનું નિશાન બન્યા હતા.
અખિલેશ યાદવે અજય રાયને 'ચિરકૂટ' કહ્યા હતા. વાસ્તવમાં દારાસિંહ ચૌહાણ બીજેપીમાં ગયા પછી ગયા વર્ષે ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી અને તેમાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. એ બાબતે અજય રાયે કહ્યું હતું કે ઘોસીમાં કૉંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો હોત તો સમાજવાદી પાર્ટી હારી ગઈ હોત.
અજય રાયની એ ટિપ્પણી બાબતે અખિલેશ યાદવે કહ્યું હતું, “તેમની કોઈ હેસિયત નથી. તેઓ ઇન્ડિયા ગઠબંધનને એકેય બેઠકમાં સામેલ ન હતા. તેઓ આ બાબતે કશું જાણતા નથી. કૉંગ્રેસને મારી વિનંતી છે કે તેઓ તેમના કોઈ ચિરકૂટ અને નાના નેતાને ટિપ્પણી કરતા અટકાવે.”
અખિલેશ યાદવને અજય રાય પસંદ નથી

અખિલેશની આ ટિપ્પણી પછી અજય રાયે જણાવ્યું હતું કે જેણે પોતાના પિતાનો આદર કર્યો નથી, એ તેમના જેવા નાના કાર્યકરનો આદર ક્યાંથી કરે.
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે પત્રકારોએ અખિલેશને પૂછ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધન કેટલી બેઠકો જીતશે?
અખિલેશ યાદવે કહ્યું હતું, “ક્યોટોને બાદ કરતાં ઉત્તર પ્રદેશની તમામ 79 બેઠકો.” અખિલેશ યાદવ બનારસને વ્યંગમાં ક્યોટો કહી રહ્યા હતા, કારણ કે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બનારસને જાપાનના ક્યોટો જેવું બનાવવાનું વચન આપ્યું હતું.
તેનો અર્થ એ થાય કે બનારસમાં પરાજય થવાનો છે તે અખિલેશ યાદવ પણ માનતા હતા.
કાશી હિન્દુ યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીના ડીન તરીકે કામ કરી ચૂકેલા પ્રોફેસર મહેન્દ્ર પ્રતાપસિંહ પૂર્વાંચલના રાજકારણના જાણકાર છે. તેઓ માને છે કે અજય રાયની ઉમેદવારીથી અખિલેશ યાદવ બહુ ખુશ ન હતા.
તેમણે કહ્યું હતું, “બનારસમાં સુરેન્દ્રસિંહ પટેલ ઉમેદવાર હોત તો નરેન્દ્ર મોદી હારી ગયા હોત. અહીં પટેલોના સાડા ત્રણ લાખ મત છે. એટલા જ મુસ્લિમ મત છે. લગભગ એક લાખ યાદવ મત છે અને દલિત પણ દોઢ લાખ છે. અજય રાય ભૂમિહાર જાતિના છે અને તેમના એક લાખ મત પણ અહીં નથી. તેથી નરેન્દ્ર મોદીને હરાવવા માટે દિલીપ પટેલ સૌથી વધુ યોગ્ય ઉમેદવાર હતા.”
નરેન્દ્ર મોદી વિરુદ્ધ અજય રાય

બનારસમાં કુલ 19,97,578 મતદારો છે. પહેલી જૂને બનારસમાં 56.35 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે કુલ 11,30,143 મતદારોએ જ મતદાન કર્યું હતું. તેમાંથી નરેન્દ્ર મોદીને 54.24 ટકા એટલે કે 6,12,970 મત મળ્યા હતા, જ્યારે અજય રાયને 40.74 ટકા એટલે કે 4,60,457 મત મળ્યા હતા. આમ નરેન્દ્ર મોદીને 1,52,513 મતની સરસાઈ મળી હતી.
2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વોટ શૅર 63.6 ટકા હતો, જ્યારે 2014માં 56.4 ટકા હતો. 2019માં નરેન્દ્ર મોદી 4,79,505 મતની સરસાઈથી જીત્યા હતા. 2024નો નરેન્દ્ર મોદીનો વિજય 2019 કરતાં જ નહીં, પરંતુ 2014 કરતાં પણ નાનો છે. 2014માં નરેન્દ્ર મોદીને 3,71,784 મતની સરસાઈ મળી હતી.
બનારસમાં 2014ની સરખામણીએ નરેન્દ્ર મોદીનો વોટ શૅર 2019માં 7.25 ટકા વધ્યો હતો, જ્યારે 2019ની સરખામણીએ 2024માં તેમનો વોટ શૅર 9 ટકાથી વધારે ઘટ્યો છે.
2014થી લઈને 2024 સુધી બનારસમાં નરેન્દ્ર મોદીના સૌથી નજીકના પ્રતિદ્વંદી દરેક વખત બદલાતા રહ્યા છે.
2014માં નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે સૌથી વધુ મત આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. 2019માં બીજા નંબરે સમાજવાદી પાર્ટીનાં શાલિની યાદવ હતાં અને 2024માં કૉંગ્રેસના અજય રાય છે. 2014માં આમ આદમી પાર્ટી આપબળે બનારસમાં ચૂંટણી લડી હતી. 2019માં સમાજવાદી પાર્ટી, આરએલડી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન હતું, જ્યારે 2024માં સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.
આંકડા પરથી સ્પષ્ટ છે કે 2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષના મત બનારસમાં જરાય વહેંચાયા ન હતા અને તેની સીધી અસર નરેન્દ્ર મોદીની સરસાઈ પર થઈ છે. બનારસમાં 2014માં નરેન્દ્ર મોદી સામે નોટા સહિત કુલ 42 ઉમેદવારો હતા. 2019માં 26 અને 2024માં માત્ર સાત ઉમેદવારો હતા.
વોટ શૅરના હિસાબે જોઈએ તો આ વખતે બીજા નંબરે રહેલા ઉમેદવારને 2014 અને 2019ની સરખામણીએ સૌથી વધુ 40.4 ટકા મત મળ્યા છે. 2014માં અરવિંદ કેજરીવાલ બીજા નંબરે હતા અને તેમનો વોટ શૅર 20.3 ટકા હતો. 2019માં બીજા નંબરે રહેલાં શાલિની યાદવનો વોટ શૅર 18.4 ટકા હતો.
બનારસમાં રોહનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ અને સેવાપુરી એમ પાંચ વિધાનસભા ક્ષેત્રો છે. આ તમામ વિધાનસભા ક્ષેત્રોમાં 2019ની સરખામણીએ નરેન્દ્ર મોદીનો વોટ શૅર ઘટ્યો છે અને અજય રાયનો વધ્યો છે.
આ વખતે વિરોધ પક્ષો એક થઈને કૉંગ્રેસના ઉમેદવાર અજય રાયની સાથે રહ્યા અને તેની સીધી અસર નરેન્દ્ર મોદીની સરસાઈ પર થઈ.












