નાની ઉંમરે સાંસદ બનીને ભાજપના નેતાને હરાવનાર દલિત મહિલા કોણ છે?

- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટેે, અલવરના સમૂચી ગામથી
રાજસ્થાનના પાટનગરથી અંદાજે 160 કિલોમીટર દૂર અલવર જિલ્લામાં સમૂચી ગામ આવેલું છે. દલિત બહુમતી ધરાવતા આ ગામમાં પાક્કાં બનેલાં મકાનોમાંથી સૌથી મોટું મકાન બે માળનું છે. ઘરની બહાર બાળકો રમી રહ્યાં છે તથા વૃક્ષ નીચે કેટલીક મહિલાઓ પરંપરાગત કપડાંમાં ઘૂમટો તાણીને બેઠી છે. ઘરમાં ગામ અને પરિવારના જ કેટલાક પુરુષો ચર્ચા કરી રહ્યા છે.
સમૂચી ગામમાં આવેલું આ બે માળનું ઘર હાલમાં જ ભરતપુર બેઠકથી ચૂંટાયેલાં સાંસદ સંજના જાટવનું છે, જેઓ સૌથી ઓછી ઉંમરના મહિલા સાંસદ બન્યાં બાદ દેશભરમાં ચર્ચાઓમાં છવાઈ ગયાં છે.
સોનેરી બૉર્ડરવાળી સાડી, માથા પર ઘૂમટો, હાથમાં ઘડિયાળ અને ચપ્પલ પહેરેલાં સામાન્ય કદ-કાઠી ધરાવતાં આ સાંસદ સંજના જાટવ છે.
દેશની સંસદના સદસ્ય તરીકે ચૂંટાવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે.
ક્યારેક તેઓ સરકારી નોકરી કરવા ઈચ્છતા હતા

1મે, 1998ના રોજ સંજના જાટવનો જન્મ ભરતપુર જિલ્લાની વૈર વિધાનસભા હેઠળ આવતા ભુસાવર નામના ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલાં સંજના જાટવ બારમું ધોરણ ભણ્યાં અને ત્યારપછી 2016માં તેમનાં લગ્ન થઈ ગયાં. તેઓ લગ્ન કરીને અલવરના સમૂચી ગામમાં ગયાં.
લગ્ન સમયથી જ તેમના પતિ કપ્તાનસિંહ રાજસ્થાન પોલીસમાં કૉન્સ્ટેબલના પદે કાર્યરત્ છે.
કૉન્સ્ટેબલ પતિથી પ્રેરિત થઈને તેમણે ગ્રૅજ્યુએશન કર્યું હતું અને સરકારી સેવાઓમાં જવાની તેઓ ઈચ્છા સેવી.
સંજના જાટવ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “સાસરિયાએ મને વહૂ નહીં પરંતુ દીકરી સમજીને રાખી. મને ભણાવી. મારી ઇચ્છા સરકારી સેવાઓમાં જવાની હતી પરંતુ કિસ્મતને જે મંજૂર હોય એ જ થાય છે. ”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પતિ પોલીસ કૉન્સ્ટેબલ કપ્તાનસિંહ કહે છે, “મેં લગ્ન પછી તેનું ગ્રૅજ્યુએશન ચાલુ રખાવ્યું હતું. મહિલાઓને લઈને અમારા પરિવારમાં સકારાત્મક વિચારો છે. રાજકારણમાં સંજનાને સમય આપવો ન હતો પરંતુ અમે ઇચ્છતા હતા કે સંજના રાજકારણમાં પરિવાર અને ગામનું નામ રોશન કરે.”
સંજના કહે છે, “લગ્ન પછી ગ્રૅજ્યુએશન અને એલએલબી કર્યું છે. મારા પતિનો જ મારા આ જીવનમાં મોટો પ્રભાવ છે.”
બે બાળકોનાં માતા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
26 વર્ષનાં સંજના જાટવ તેમના સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહે છે, તેઓ પત્ની, પુત્રવધૂ અને બે બાળકોનાં માતાની જવાબદારી નિભાવી રહ્યાં છે.
ગામમાં બે માળના મકાનની નજીક તેમનું બીજું ઘર છે. રસોડામાં વાસણો સાફ કરતી વેળા તેઓ કહે છે, "લગ્નનાં બે વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો, હવે તે છ વર્ષનો છે અને અમારે ચાર વર્ષની પુત્રી પણ છે."
"રાજકારણમાં જ્યારે હું સમય ફાળવું ત્યારે મારાં સાસુ બાળકોની સંભાળ રાખે છે. હું ઘરનું કામ કરું છું અને રાજકારણમાં પણ સમય આપું છું."
સાસુ રામવતી કહે છે, "સંજના ખૂબ સારી છે, તે મને કોઈ કામ કરવા દેતી નથી."
હવે તેમને દિલ્હી પણ જવું પડશે અને ભરતપુર પણ જવું પડશે તો શું તેઓ તેમનાં બાળકો અને પરિવારને સમય આપી શકશે? આ સવાલ પર સંજના કહે છે, "જો હું દિલ્હીમાં રહીશ તો દિલ્હીનું કામ કરીશ, જ્યારે હું ભરતપુરમાં રહીશ તો ત્યાં અને ઘરમાં મારાં બાળકો અને પરિવારને જ સમય આપીશ."
પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ અને શાંત હસતાં ચહેરા સાથે સંજના જાટવનાં સાસુ રામવતી કહે છે, "સંજના ખૂબ જ સારી છે, જ્યારથી તે આવી છે ત્યારથી તે પરિવારનું ખૂબ ધ્યાન રાખે છે. તે દરેકનું ભલું કરશે."
સંજના જાટવની જીત બાદ તેમના ડાન્સ કરતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરાઈ રહ્યા છે. આ અંગે સંજના હસીને કહે છે કે જ્યારે ખુશીનો સમય હતો ત્યારે તેમણે ડાન્સ કર્યો હતો. તેમનાં સાસુ રામવતી કહે છે કે ડાન્સ તો બધા કરે છે.
જિલ્લા પરિષદ સદસ્યથી સાંસદ સુધી
સંજના જાટવ કહે છે, “મારા પિતા ટ્રૅક્ટર ચલાવતા હતા. પિયરમાં કોઈ ક્યાંય રાજકારણમાં જોડાયેલું નથી. પરંતું હું લગ્ન પછી સાસરે આવી તો તેમના કાકા-સસરા સરપંચ હતા. ત્યાંથી જ તેમને રાજકારણનો અનુભવ મળ્યો.”
તેઓ અલવર જિલ્લા પરિષદના સદસ્ય રહ્યાં છે અને ત્યાંથી જ તેઓ રાજકારણનું પહેલું પગથિયું ચઢ્યાં હતાં.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તથા પ્રિયંકા ગાંધીની ‘લડકી હું લડ સકતી હું’ અભિયાન સાથે તેઓ જોડાયેલા રહ્યાં છે.
કૉંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં અલવરની કઠૂમર બેઠક પરથી સંજના જાટવને ટિકિટ આપી હતી. પણ તેઓ માત્ર 409 મતોથી ચૂંટણી હારી ગયાં હતાં.
ભરતપુરથી મળેલી જીત અંગે તેઓ કહે છે, “મારા માટે તો આ બહુ મોટી જીત છે. ગત વિધાનસભા ચૂંટણી લડી અને માત્ર 409 મતોથી હું હારી ગઈ હતી એટલે મને એક-એક મતની કિંમત ખબર છે.”
તેઓ કહે છે, “વિધાનસભાની હારના આઘાતથી મારા પિતાનું નિધન થઈ ગયું.”
વિધાનસભાની હાર પછી શું તેમને લોકસભામાં જીતની આશા હતી કે કેમ? એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, “પ્રજાએ મને બહુ પ્રેમ આપ્યો છે અને મારો વિશ્વાસ વધાર્યો. મને એ લાગવા જ ન દીધું કે હું વિધાનસભાની ચૂંટણી જીતી છું. પક્ષે પણ મને ક્યારેય હારેલી ન સમજી અને મને સાંસદની ટિકિટ આપી. પક્ષના વિશ્વાસથી જ હું અહીં સુધી પહોંચી છું. ”
મુખ્ય મંત્રીના ગૃહ જિલ્લામાં ભાજપને હરાવ્યો

સંજના જાટવની જીતની ચર્ચા દેશભરમાં તેમની ઉંમરને કારણે છે. પરંતુ રાજસ્થાનમાં સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે તેમણે ભાજપની સરકારના મુખ્ય મંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં પૂર્વ સાંસદ રામસ્વરૂપ કોલીને હરાવ્યા છે.
આ જીત કેટલી મોટી છે એ સવાલ અંગે તેઓ કહે છે કે, “મેં નહીં, પ્રજાએ તેમને હરાવ્યા છે. માત્ર તેમના જિલ્લામાં જ નહીં પણ તેમના ગામ અટારીમાં પણ તેમની હાર થઈ છે. તેમના ગામમાંથી પણ મને વધુ મતો મળ્યા છે.”
સંજના જાટલને કુલ 5,79,890 મતો મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલીને 5,27,907 મતો મળ્યા છે. 51,983 મતોથી સંજના જાટવને જીત મળી છે.
ભરતપુર લોકસભા બેઠકમાં આઠ વિધાનસભાઓ આવે છે જેમાં કઠૂમર, માંમાં, નગર, ડીગ-કુમ્હેર, નદબઈ, વૈર અને બયાના બેઠક પર સંજના જાટવને વધુ મતો મળ્યા છે જ્યારે ભરતપુર બેઠક પર ભાજપના ઉમેદવારને વધુ મતો મળ્યા છે.
ઓછો અનુભવ નડશે?
ચર્ચાઓ એ પણ છે કે ઓછી ઉંમર અને રાજકારણનો વધુ અનુભવ ન હોવાને કારણે તેમને અનેક અડચણો નડી શકે છે પરંતુ સંજના જાટવ કહે છે, “હું ભરતપુરના વિકાસને એક નવી દિશા આપીશ.”
ભરતપુર આનંદનગર કૉલોનીના રમેશચંદ સમૂચી ગામમાં તેમના પરિચિતના ઘરે આવેલા છે. તેઓ ગામની જ એક દુકાન પર વાતચીતમાં કહે છે કે, “તેઓ રાજકારણમાં પહેલેથી જ છે. પરિષદના સદસ્ય પણ રહેલા છે. વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યાં છે. આથી તેમની પાસે જ્ઞાન પણ છે અને જનતાનું સમર્થન પણ છે. અમને આશા પણ છે કે તેઓ સારો વિકાસ પણ કરશે. ખેડૂતો, વીજળી-પાણીની સમસ્યાઓ દૂર થવી જોઈએ. જે ગરીબોને મકાનો નથી મળ્યાં તેમને મકાન મળવાં જોઈએ.”
ભરતપુરથી ભાજપના ઉમેદવાર રહેલા રામસ્વરૂપ કોલી સંજના જાટવના અનુભવને લઈને કહે છે, “અમારી યોજનાઓ જેવી કે ઈસીઆરપીની યોજનામાં સહયોગ નહીં કરે.”
તેઓ આગળ જણાવે છે કે, “અનુભવ તો આવી જશે. સમય સાથે શીખી જશે. પરંતુ જે સમસ્યાઓ છે એ ઉઠાવવી જોઈએ. વિપક્ષમાં રહીને કોઈનું કામ ન થઈ શકે. હું ભરતપુરથી સાંસદ હતો. 2004-2009 દરમિયાન કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી અને મારાં કોઈ કામ ન થયાં.”
સૌથી પહેલાં જાટ-ગુર્જર અનામતનો મુદ્દો ઉઠાવીશું
સંજના જાટવ કહે છે, "ભરતપુર સંસદીય ક્ષેત્રમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. આ સાથે જ અહીં રોજગાર માટે કોઈ મોટા ઉદ્યોગો નથી. બાળકોને ભણવા માટે બહાર જવું પડે છે, એવી વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવશે કે જેથી તેમને મુશ્કેલી ન પડે અને બહાર ન જવું પડે. વિકાસની દ્રષ્ટિએ ભરતપુરને એક નવી દિશા આપવાનું કામ કરીશું."
તેઓ કહે છે, "જ્યાં સુધી મેં જોયું છે, ભાજપના શાસનમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ઘણો વધારો થયો છે. હું મહિલાઓનો અવાજ ઉઠાવીશ અને હંમેશાં તેમની સાથે ઊભી રહીશ."
સંજના દલિત સમુદાયમાંથી આવે છે. તેઓ જ્યારે હવે સાંસદ બની ગયાં છે ત્યારે તેઓ પોતાના સમુદાય માટે શું કરશે? આ પ્રશ્ન પર તેઓ કહે છે, "હું માત્ર મારા સમાજ માટે જ નહીં પરંતુ સર્વસમાજ માટે કામ કરીશ. સર્વ સમાજના લોકોએે મને મત આપ્યા છે."
"હું લોકસભામાં જાટ અને ગુર્જર અનામતનો મુદ્દો ઉઠાવીશ. હું માનું છું કે તેમની સાથે ખોટું કરવામાં આવ્યું છે. જ્યારે તમામ જિલ્લાઓમાં અનામત આપવામાં આવી છે, તો પછી ભરતપુર અને ધોલપુરમાં જાટને કેમ છોડી દેવામાં આવ્યા? "
ભાજપમાં અંદરખાને ખેંચતાણ હારનું કારણ બની?

ભરતપુરમાં લોકસભાની ચૂંટણી પહેલાં કાર્યંકર્તાઓમાં આંતરિક વિખવાદ પણ ભાજપની હારનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવાર રામસ્વરૂપ કોલી પણ આ વાતનો ઇન્કાર કરતા નથી. તે કહે છે, "અમારા પોતાના લોકોએ અમને સાથ આપ્યો ન હતો."
શું તમને ભાજપના કાર્યકરો દ્વારા આંતરિક રીતે ટેકો મળ્યો હતો? આ પ્રશ્ન પર સંજના જાટવ કહે છે, "ના. એવું બિલકુલ નથી. તેમણે અમારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે. તેમણે અમને હેરાન કર્યાં છે. અમારા પરિવારના સભ્યો સામે કેસ કર્યા છે અને મારા પોલીસ કોન્સ્ટેબલ પતિને માનસિક ત્રાસ આપ્યો છે. અમારા લોકો અને પાર્ટીએ અમને ટેકો આપ્યો છે."
ભરતપુર અને ધોલપુરના જાટ સમુદાય માટે અનામતની માંગને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉની અશોક ગેહલોત સરકારે ઉકેલનું વચન આપ્યું હતું પરંતુ તેમ થયું ન હતું.
ભાજપની રાજ્ય સરકારે પણ કમિટીની રચના કરી અનામત માટે ખાતરી આપી હતી.
જોકે, આ મામલે કંઈ ન થવાથી નારાજ જાટ સમુદાય ચૂંટણી પહેલાં શપથ લીધા હતા કે તેઓ ભાજપને મત નહીં આપે. જ્યારે, રામસ્વરૂપ કોલી માને છે કે જાટોએ તેમને મત આપ્યો છે.
સચીન પાયલટ પણ ઓછી ઉંમરના સાંસદ હતા
સંજના જાટવ લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ 26 વર્ષનાં થયાં છે. પરંતુ એ પહેલાં સચીન પાઇલટ 26 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા અને એ રેકૉર્ડ તેમના નામે હતો.
સંજના જાટવ તેને લઈને કહે છે કે બંને રેકૉર્ડ પોતપોતાની જગ્યાએ છે.
જ્યારે સચીન પાઇલટે આ અંગે વાતચીત કરતાં કહ્યું હતું કે, “હું 26 વર્ષની ઉંમરે સાંસદ બની ગયો હતો. પરંતુ કોઈએ મને કહ્યું હતું કે તેઓ મારાથી પણ ઓછી ઉંમરે સાંસદ બન્યાં છે. રેકૉર્ડ ટૂટવા માટે જ હોય છે. મને ખુશી છે કે એક દલિત, ગરીબ ઘરનાં સજ્જન મહિલા સાંસદ બન્યાં છે. ”












