ઇન્સ્ટાગ્રામઃ જ્ઞાતિગત રાજકારણના આ અખાડામાં અવાજ ઉઠાવતી છોકરીઓ

સિમી મિલિંદ જાધવ (ડાબે), શિવિ દીક્ષિત (જમણે)
ઇમેજ કૅપ્શન, સિમી મિલિંદ જાધવ (ડાબે), શિવિ દીક્ષિત (જમણે)
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કેમેરા કાળો ડ્રેસ પહેરેલી એક છોકરી પર ફોકસ થાય છે. તેના હાથમાં આકાશ તરફ તકાયેલી રાઇફલ છે અને આંગળી ટ્રિગર પર છે.

પાછળથી અવાજ આવે છે, “તું કોણ છે?”, પછી જવાબ આવે છે, “અમે બ્રાહ્મણ છીએ.” છોકરી સ્મિત કરે છે અને પાછળ બે ગોળી છૂટવાનો અવાજ સંભળાય છે.

નાનાં શહેરો અને ગામોમાં છોકરીઓ ઇન્સ્ટાગ્રામ પર પોતાની જ્ઞાતિગત ઓળખ વિશે રીલ્સ બનાવી રહી છે. બીબીસીએ આ પ્રકારનાં 100 એકાઉન્ટ્સની તપાસ કરી હતી અને એક ડઝન છોકરીઓ સાથે વાત કરીને જાણ્યું હતું કે જ્ઞાતિગત રાજકારણના આ નવા અખાડામાં છોકરીઓ કેમ અવાજ ઉઠાવી રહી છે.

રાઇફલવાળી રીલ બનાવનાર 24 વર્ષની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર શિવિ દીક્ષિત પાસે દોઢ લાખ ફોલોઅર્સ છે. તેઓ તેના એકાઉન્ટ મારફતે પોતાની બ્રાહ્મણ જ્ઞાતિ સંબંધી સેંકડો રીલ્સ બનાવી ચૂક્યાં છે. એ રીલ્સને લાખોની સંખ્યામાં લોકો નિહાળે છે.

પોતાની રીલ્સમાં શિવિ બ્રાહ્મણોને ‘સર્વશ્રેષ્ઠ’, આંતરજ્ઞીય સંબંધને ખોટા અને દલિતો માટે અનામત જેવી નીતિને અયોગ્ય ગણાવે છે.

‘હું અમારા મૂલ્યોનો પ્રસાર કરવા ઇચ્છું છું’

શિવિ દીક્ષિત
ઇમેજ કૅપ્શન, શિવિ દીક્ષિત

મેરઠમાં પોતાના પરિવારના મંદિરની છત પર શિવિ મને સમજાવે છે, “જેઓ બ્રાહ્મણ પરિવારના હોય છે, તેઓ બહુ સંસ્કારી હોય છે. અમારે ત્યાં બધા લોકો કર્મકાંડનું કામ કરે છે. હું અમારાં મૂલ્યોનો પ્રસાર કરવા ઇચ્છું છું અને અમારી જ્ઞાતિ વિશે ફેલાયેલા ભ્રમ મિટાવા માગુ છું.”

શિવિ એવી હજારો છોકરીઓ પૈકીની એક છે, જે પોતાની જ્ઞાતિ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે નવી રીતે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહી છે.

તેનું એક નવું પાસું એ છે કે તેમાં મોટાભાગની છોકરીઓ નાના શહેરો અને ગામોની છે, જ્યાં સામાન્ય રીતે છોકરાઓની સરખામણીએ છોકરીઓ ધર્મ તથા જ્ઞાતિગત ઓળખ બાબતે જાહેર મંચ પર વાત કરતી નથી.

આ છોકરીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયાના પ્રસારે તેમને પોતાનું મંતવ્ય બેધડક વ્યક્ત કરવાની અને પિતૃસત્તાક નિયંત્રણમાંથી બહાર નીકળવાની તક આપી છે.

સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી(સીએસડીએસ)એ 2014 અને 2019 વચ્ચે કરેલા સંશોધનના તારણ અનુસાર, ખાસ કરીને “ઓછું ભણેલા અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોમાં સોશિયલ મીડિયાનું લોકશાહીકરણ” થયું છે.

આ ચલણ માત્ર કથિત ઊચી જ્ઞાતિની છોકરીઓમાં જ નથી, દલિત છોકરીઓ પણ પ્રત્યુત્તર આપતી રીલ્સ બનાવી રહી છે.

ભીમાચી શેરની

ઇન્સ્ટાગ્રામ અને યુવતીઓ

22 વર્ષની બ્યૂટીશિયન સિમી મિલિંદ જાધવનું ઇન્સ્ટાગ્રામ પર નામ છે 'ભીમાચી શેરની', એટલે કે ભીમરાવ આંબેડકરની સિંહણ.

મુંબઈથી થોડા કલાકના અંતરે આવેલા વસઈ-વિરારમાં આવેલા પોતાના ફ્લેટમાં સિમી મને કહે છે, “હું બાબાસાહેબ આંબેડકરને પિતા સમાન માનું છું. તેથી હું મારા પિતાની સિંહણ છું.”

“ઊંચી જ્ઞાતિના લોકો ઇન્સ્ટાગ્રામ મારફત કેવા પ્રકારના ફેક ન્યૂઝ અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે,” એ જોઈને સિમીએ પોતાની જ્ઞાતિ વિશે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “મેં બાબાસાહેબ વિશેની માહિતી એકઠી કરી. તેમની આત્મકથા વાંચી અને મને ઇન્ટરનેટ પર તેમની વાતોનો પ્રસાર કરનારા દલિતો ધીમે-ધીમે મળ્યા.”

સિમીએ કહ્યું હતું, “હવે અમે બધા સાથે મળીને વિચારીએ છીએ અને ઊંચી જ્ઞાતિના વીડિયોના જવાબ આપતી રીલ્સ બનાવીએ છીએ.”

‘આદર્શ’ બ્રાહ્મણ અને હિંદુ રાષ્ટ્ર

વીડિયો કૅપ્શન, આ દલિત મહિલાઓએ કેવી રીતે ખેતી ખેડવાના હક્ક મેળવ્યાં અને હવે ઘઉં ઉગાડે છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે છોકરીઓ સાથે અમે વાત કરી હતી એ પૈકીની મોટાભાગની છોકરીઓએ ઇન્ટરનેટ પર વીડિયોઝ બનાવવાની શરૂઆત ચાઈનીઝ ઍપ ટિક-ટૉકથી કરી હતી. વરસ 2020માં ભારત સરકારે ટિક-ટૉક પર પ્રતિબંધ મૂક્યો એ પછી આ છોકરીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી થઈ હતી.

બધી છોકરીઓની રીલ્સમાં કેટલાક વિષય સામાન્ય છે. જેમ કે, ‘આદર્શ’ બ્રાહ્મણ કે દલિત છોકરાની વ્યાખ્યા અને આંતરજ્ઞાતિય લગ્નની ટીકા.

આંકડા દર્શાવે છે કે ભારતની આધુનિક ઇમેજથી અલગ લાગતા આ વિચાર હવે બહુ સામાન્ય છે.

સંશોધન સંસ્થા પીયૂ રિસર્ચ સેન્ટરના 2019-20ના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ અને પુરુષોને આંતરજ્ઞાતિય લગ્ન કરતાં રોકવાં જરૂરી છે, તેવું 60 ટકા લોકો માને છે.

આ ઇન્ફ્લુઅન્સર્સની રીલ્સ દેશમાંની ધાર્મિક અને જ્ઞાતિગત રેખાઓને હાઈલાઈટ કરે છે.

બ્રાહ્મણ છોકરીઓ ‘હિંદુ રાષ્ટ્રના નિર્માણ’માં યોગદાન માટે બ્રાહ્મણો અને હિંદુઓને એક કરવાની વાત કરે છે.

જોકે, સિમી જેવી છોકરીઓ તેની વિરુદ્ધ છે. તેમને ડર છે કે આવું થશે તો તેમના સમુદાયે શિક્ષણ, રોજગારની તક અને આદરભર્યું જીવન જીવવા માટે જે સંઘર્ષ કર્યો છે તે અર્થહીન થઈ જશે અને તેઓ ફરી હાંસિયા પર આવી જશે.

ઇન્સ્ટાગ્રામની કાર્યવાહી

સીએસડીએસમાં આસિસ્ટંટ પ્રોફેસર હિલાલ અહમદના જણાવ્યા મુજબ, આ ચલણ દર્શાવે છે કે મહિલાઓને રાજકારણમાં રસ ન હોવાની સામાન્ય માન્યતાને નકારવામાં આવી રહી છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “છોકરીઓને સંસ્કૃતિ અને રીતરિવાજનું પ્રતિક માનવામાં આવે છે, જે ધર્મ તથા જ્ઞાતિ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. હવે છોકરીઓ પાસે પોતાની વાત રજૂ કરવાનું માધ્યમ ઉપલબ્ધ છે ત્યારે તેઓ તેમની ધાર્મિક અને જ્ઞાતિગત ઓળખ અપનાવીને પોતાનું મંતવ્ય રજૂ કરે તેમાં આશ્ચર્યજનક કશું નથી.”

પ્રોફેસર અહમદના જણાવ્યા મુજબ, ગૌરવના નામે આ છોકરીઓ વર્તમાનમાં સામાજિક ભેદભાવ વધારી રહી છે.

તેમણે કહ્યું હતું, “આ વિરોધાભાસી છે. પોતાનો સમુદાય નિશાન પર હોવાને કારણે એક તરફ તેઓ ખુદને પીડિત ગણાવી રહી છે અને બીજી તરફ એ પણ જણાવી રહી છે કે તેમને કોઈનો ડર નથી.”

કેટલીક રીલ્સ વધારે ઉશ્કેરણીજનક, ઘૃણા ફેલાવતી અને હિંસાને ઉત્તેજન આપતી ભાષાનો ઉપયોગ કરે છે.

બીબીસીને આવા કેટલાક વીડિયો મળ્યા ત્યારે અમે ઇન્સ્ટાગ્રામની સંચાલક કંપની 'મેટા'ને જણાવ્યું હતું. એ પછી એ વીડિયો હટાવી દેવામાં આવ્યા હતા.

મેટાના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીના “કમ્યુનિટી સ્ટાન્ડર્ડઝ” મુજબ, કોઈ વ્યક્તિ કે સમૂહને તેમની જ્ઞાતિ, જે એક “પ્રોટેક્ટેડ કેરેક્ટરિસ્ટિક” છે, તેના આધારે નિશાન બનાવતા કન્ટેન્ટને અયોગ્ય ગણવામાં આવે છે.

પ્રવક્તાએ કહ્યું હતું, “હિંસાની ધમકી આપતું કે હિંસા ભડકાવતું કન્ટેન્ટ વર્જ્ય છે.”

ભેદભાવનો ઇનકાર

જ્ઞાતિના આધારે ભેદભાવના પ્રસારના અને હિંસા ભડકાવવાના આરોપોને છોકરીઓ ફગાવી દે છે તથા દાવો કરે છે કે તેઓ માત્ર તેમના સમુદાયને જોડવાનું કામ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાને બ્રાહ્મણ ગણાવતી 24 વર્ષની સમીક્ષા શર્મા કહે છે કે તેમના પર લોકોમાં “વિભાજન” કરવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે અને તેમની રીલ્સ પર એવી કમેન્ટ્સ પણ કરવામાં આવે છે.

સમીક્ષા કહે છે, “હું તેની એ દૃષ્ટિએ જોતી નથી. હું અન્ય બ્રાહ્મણ હેન્ડલ્સમાંથી પ્રેરણા લઉં છું અને મારાં સમુદાયને પ્રોત્સાહન આપું છું.”

જે ભારતમાં વયસ્ક છોકરીઓએ મોબાઈલ ફોન માટે પણ માતા-પિતાની પરવાનગી લેવી પડે છે ત્યાં સિમી માટે ઇન્સ્ટાગ્રામ ટેકનૉલૉજી મારફત પિતૃસત્તા સામે લડવા માટેની રીત છે.

તેમણે 2019માં રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેમનાં માતા-પિતાને આ બાબતે જણાવ્યું ન હતું.

એ વખતે સિમી પરિવારના ભરણપોષણ માટે એક પાર્લરમાં કામ કરતી હતી અને ત્યાં ગૂપચૂપ રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

સમય જતાં તેને ઇન્ટરનેટ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના જેવા સાથીઓ મળ્યા ત્યારે તેને પોતાની ઓળખ વ્યક્ત કરવાની તથા સચ્ચાઈ જણાવવાની હિંમત મળી હતી.

સિમી કહે છે, “માતા-પિતાને જણાવ્યું ત્યારે તેમને આંચકો તો લાગ્યો હતો, પણ સાથે ગર્વ થયો હતો કે હું મારા સમુદાય માટે આવું કરી રહી છું. તેથી હવે મારે કશું છૂપાવવાની જરૂર નથી.”

બીબીસી