ઍક્ઝિટ પોલ એટલે શું અને ગત ચૂંટણીઓનાં અનુમાન કેવાં રહ્યાં?

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એ પછી મત ગણતરીના દિવસ ચોથી જૂનની પ્રતીક્ષા કરવામાં આવશે, પરંતુ મત ગણતરી પૂર્વે મતદાન પૂર્ણ થતાંની સાથે જ ચૂંટણીનું વિશ્લેષણ કરતી બધી એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો ઍક્ઝિટ પોલ જાહેર કરશે.

2024 લોકસભા ચૂંટણીના ઍક્ઝિટ પોલનાં તારણો તો પહેલી જૂને જ ખબર પડશે, પરંતુ એ પહેલાં ઍક્ઝિટ પોલ્સ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. પછી એ જોઈશું કે 2019ની લોકસભા ચૂંટણીથી માંડીને 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના ઍક્ઝિટ પોલ્સ તથા તેનું વાસ્તવિક પરિણામ શું હતું.

ઍક્ઝિટ પોલ્સ સંબંધી મુદ્દાઓને સમજવા માટે બીબીસીએ જાણીતા ચૂંટણી વિશ્લેષક તથા સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સ્ટડીઝ (સીએસડીએસ) – લોકનીતિના સહ નિર્દેશક પ્રોફેસર સંજયકુમાર સાથે વાત કરી હતી.

ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે?

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર સંજયકુમાર

ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવવા ઇચ્છો છો.

ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. વડા પ્રધાનપદ માટે તમને પસંદ ઉમેદવાર કોણ છે વગેરે જેવા કેટલાક અન્ય સવાલો પણ પૂછવામાં આવે તે શક્ય છે.

સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.

ભારતમાં ઍક્ઝિટ પોલ કરતી મુખ્ય એજન્સીઓ કઈ છે

વીડિયો કૅપ્શન, Exit Poll એટલે શું? પરિણામ પહેલાં જ કેવી રીતે ખબર પડે કે કોણ જીતશે?

સી-વોટર, ઍક્સિસ માય ઇન્ડિયા અને સીએનએક્સ ભારતની ચૂંટણીનું વિશ્લેષણ કરતી કેટલીક મુખ્ય એજન્સીઓ છે. ચૂંટણી સમયે અનેક નવી કંપનીઓ પણ આવે છે, જે ચૂંટણી પૂર્ણ થતાં જ ગાયબ થઈ જાય છે.

ઍક્ઝિટ પોલ સંબંધી નિયમ-કાયદા શું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 126એ હેઠળ ઍક્ઝિટ પોલનું નિયમન કરવામાં આવે છે. ભારતમાં ચૂંટણી પંચે ઍક્ઝિટ પોલ સંબંધે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનો હેતુ ચૂંટણી પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હોય છે.

ચૂંટણીપંચ ઍક્ઝિટ પોલ બાબતે સમયાંતરે દિશાનિર્દેશ બહાર પાડે છે. તેમાં જણાવવામાં આવે છે કે ઍક્ઝિટ પોલ કરવાની રીત કેવી હોવી જોઈએ. એક સામાન્ય નિયમ એવો છે કે ઍક્ઝિટ પોલનું તારણ મતદાનના દિવસે પ્રસારિત કરી શકાતું નથી.

ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાથી છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક સુધી ઍક્ઝિટ પોલનાં તારણ પ્રકાશિત કરી શકાતાં નથી. એ સિવાય ઍક્ઝિટ પોલનું પરિણામ મતદાન પછી પ્રકાશિત કરવા માટે સર્વેક્ષણ એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે.

ઍક્ઝિટ પોલનાં તારણ સામાન્ય રીતે સાચા હોય છે, ખરાં?

પ્રોફેસર સંજયકુમાર તેને હવામાન વિભાગના અનુમાનના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે, “ઍક્ઝિટ પોલનાં તારણ પણ હવામાન વિભાગનાં અનુમાનો જેવાં જ હોય છે. ઘણીવાર બહુ સટિક હોય છે, ઘણીવાર વાસ્તવની આસપાસ હોય છે, જ્યારે ઘણીવાર ખોટાં હોય છે. ઍક્ઝિટ પોલમાં મતદાનની ટકાવારી અને તેના આધારે પક્ષોને મળનારી બેઠકોનું અનુમાન કરવામાં આવે છે.”

તેઓ કહે છે, “2004ની ચૂંટણી આપણે ભૂલવી ન જોઈએ. એ વખતે તમામ ઍક્ઝિટ પોલ્સના તારણમાં કહેવામાં આવ્યુ હતું કે અટલ બિહારી વાજપેયીની સરકાર ફરી સત્તા પર આવશે. પરંતુ તમામ ઍક્ઝિટ પોલ ખોટાં સાબિત થયાં હતાં અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી.”

અલગ-અલગ ઍક્ઝિટ પોલનાં અનુમાન અલગ-અલગ કેમ?

આ સવાલના જવાબમાં એક ઉદાહરણ આપતાં પ્રોફેસર સંજયકુમાર કહે છે, “ઘણીવાર એક જ બીમારીનું નિદાન અલગ-અલગ ડૉક્ટરો અલગ-અલગ રીતે કરતા હોય છે. ઍક્ઝિટ પોલ્સમાં પણ એવું હોઈ શકે છે. અલગ-અલગ એજન્સીઓએ અલગ-અલગ સૅમ્પલિંગ કે અલગ રીતે ફિલ્ડ વર્ક કર્યું હોય એ તેનું કારણ હોઈ શકે છે. કેટલીક એજન્સીઓ ફોન મારફત ડેટા એકઠો કરતી હોય છે. જ્યારે કેટલી એજન્સીઓ પોતાના લોકોને ફિલ્ડમાં મોકલતી હોય છે. તેથી પરિણામ અલગ-અલગ હોઈ શકે છે.”

ભારતમાં પહેલી વાર ઍક્ઝિટ પોલ ક્યારે થયો હતો?

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં બીજી સામાન્ય ચૂંટણી વખતે 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયને પહેલી વખત ઇલેક્શન પોલ કર્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના વડા ઍરિક ડી કોસ્ટાએ ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું, પરંતુ તેને સંપૂર્ણ રીતે ઍક્ઝિટ પોલ કહી શકાય નહીં.

એ પછી 1980માં ડૉ. પ્રણય રોયે પહેલીવાર ઍક્ઝિટ પોલ કર્યો હતો. તેમણે 1984ની ચૂંટણીમાં બીજી વખત ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પછી 1996માં દૂરદર્શને ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પોલ પત્રકાર નલિની સિંહે કર્યો હતો, પરંતુ તેના આંકડા મેળવવા માટે સીએસડીએસએ ફિલ્ડ વર્ક કર્યું હતું.

એ પછીથી આ સિલસિલો સતત ચાલતો રહ્યો છે. એ સમયે એક-બે ઍક્ઝિટ પોલ્સ થતા હતા, જ્યારે આજકાલ ડઝનબંધ ઍક્ઝિટ પોલ્સ થાય છે.

દુનિયાના બીજા દેશોમાં પણ ઍક્ઝિટ પોલ કરવામાં આવે છે?

ભારત પહેલાં અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ થતા રહ્યા છે. અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત દુનિયાભરના અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે.

સૌથી પહેલો ઍક્ઝિટ પોલ અમેરિકામાં 1936માં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યોર્જ ગેલપ અને ક્લૉડ રોબિન્સને ન્યૂયોર્ક શહેરમાં એક ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું. તેમાં મતદાન કરીને બહાર નીકળેલા મતદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે પ્રમુખપદ માટે ક્યા ઉમેદવારને મત આપ્યો હતો?

આ રીતે મેળવવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું કે ફ્રૅંકલિન ડી રુઝવેલ્ટ ચૂંટણી જીતશે. રુઝવેલ્ટ વાસ્તવમાં જીત્યા હતા. એ પછી ઍક્ઝિટ પોલ અન્ય દેશોમાં પણ લોકપ્રિય થયા હતા. 1937માં બ્રિટનમાં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો, જ્યારે ફ્રાંસમાં 1938માં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો.

હવે ભારતમાં થયેલા ઍક્ઝિટ પોલ્સની વાત કરીએ. સૌથી પહેલાં 2019ની લોકસભા ચૂંટણીની વાત.

2019ની લોકસભા ચૂંટણી

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

2019ની લોકસભા ચૂંટણીમાં મોટાભાગના ઍક્ઝિટ પોલ્સમાં ભાજપ અને એનડીએને 300થી વધુ બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, જ્યારે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનને 100ની આસપાસ બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

અસલી પરિણામ ઍક્ઝિટ પોલનાં અનુમાનો મુજબનું જ હતું. ભાજપને 303 બેઠકો મળી હતી અને એનડીએની લગભગ 350 બેઠકો હતી, જ્યારે કૉંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી.

વિધાનસભાની ચૂંટણી: 2021

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, 2021

2021માં કેરળ, આસામ, તામિલનાડુ, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ થઈ હતી, પરંતુ બધાની નજર પશ્ચિમ બંગાળનાં પરિણામો પર હતી.

મોટાભાગની એજન્સીઓએ 292 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 100થી વધારે બેઠકો આપી હતી અને 'જન કી બાત' નામની એક એજન્સીએ તો બીજેપીને 174 બેઠકો મળવાનું અનુમાન જાહેર કર્યું હતું. કેટલીક એજન્સીઓએ તૃણમૂલ કૉંગ્રેસની બેઠકોમાં વધારો દર્શાવ્યો હતો, જ્યારે કેટલીક એજન્સીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બીજેપી પશ્ચિમ બંગાળમાં પહેલીવાર સરકાર બનાવી શકે છે.

જોકે, પરિણામ આવ્યું ત્યારે મમતા બેનરજીની ટીએમસી ફરી એકવાર સત્તા પર પાછી આવી હતી અને બીજેપીએ 2016માં મળેલી ત્રણ બેઠકોની તુલનાએ બહેતર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે લગભગ 75 બેઠકો જ મેળવી શકી હતી તથા સરકાર બનાવવાથી બહુ દૂર રહી હતી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી, 2022

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

નવેમ્બર-ડિસેમ્બર 2022માં ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના ઍક્ઝિટ પોલ્સની વાત કરીએ તો તેમાં બીજેપી ફરી સત્તા પર પાછી ફરતી દર્શાવવામાં આવી હતી અને 182 બેઠકોવાળી વિધાનસભામાં બીજેપીને 117થી 148 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

બધા ઍક્ઝિટ પોલ્સમાં વિરોધ પક્ષ કૉંગ્રેસને 30થી 50 બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પરિણામ આવ્યું ત્યારે બીજેપીએ રાજ્યમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 156 બેઠકો મેળવી હતી, જ્યારે કૉંગ્રેસે તેનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે માત્ર 17 બેઠકો જીતી શકી હતી.

હિમાચલ પ્રદેશમાં બીજેપી આગળ રહેશે તેવું મોટાભાગના એજન્સીઓના ઍક્ઝિટ પોલ્સમાં જણાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટૂડે-ઍક્સિસ માય ઇન્ડિયાએ કૉંગ્રેસને સરસાઈ આપી હતી. પરંતુ પરિણામ આવ્યું ત્યારે 68 બેઠકોવાળી હિમાચલ વિધાનસભામાં કૉંગ્રેસે 40 બેઠકો જીતીને સરકાર રચી હતી, જ્યારે બીજેપીને માત્ર 25 બેઠકો જ મળી હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણી, 2023

એપ્રિલ-મે 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યાં એકાદ એજન્સીને બાદ કરતાં મોટાભાગની એજન્સીઓએ જણાવ્યું હતું કે કૉંગ્રેસનું પ્રદર્શન બીજેપી કરતાં બહેતર હશે.

પરિણામ એ અનુમાન મુજબનું જ આવ્યું હતું. ફરક એટલો હતો કે કૉંગ્રેસનું પ્રદર્શન મોટાભાગના અનુમાન કરતાં બહેતર હતું. 224 બેઠકોવાળી વિધાનસભામાં કૉંગ્રેસે 43 ટકા મત સાથે 136 બેઠકો જીતી હતી.

એ છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યમાં કૉંગ્રેસની અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી. બીજેપી માત્ર 65 બેઠકો મેળવી શકી હતી અને જનતા દળ (એસ)ના ખાતમાં માત્ર 19 બેઠકો આવી હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

નવેમ્બર-ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાઈ હતી.

છત્તીસગઢમાં તમામ એજન્સીઓના ઍક્ઝિટ પોલ્સમાં કૉંગ્રેસ તથા બીજેપી વચ્ચે ખૂબ સ્પર્ધા હોવાનું જણાવવામાં આવ્યું હતું અથવા તો કૉંગ્રેસને સરસાઈ મળવાનું દર્શાવવામાં આવ્યું હતું.

90 બેઠકોવાળી વિધાનસભામાં કૉંગ્રેસને 40થી ઓછી બેઠકો મળવાનું અનુમાન એકેય એજન્સીએ વ્યક્ત કર્યું ન હતું. બીજેપીને 25થી માંડીને 48 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જોકે, પરિણામ આવ્યું ત્યારે બીજેપીએ 54 બેઠકો જીતીને સરકાર રચી હતી, જ્યારે કૉંગ્રેસના હિસ્સે 35 બેઠકો આવી હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 બેઠકો છે. ઍક્ઝિટ પોલ્સ જણાવવામાં આવ્યું હતું કે બીજેપીને 88થી માંડીને 163 બેઠકો મળશે, જ્યારે કૉંગ્રેસને ઓછામાં ઓછી 62 અને વધુમાં વધુ 137 બેઠકો મળશે.

પરિણામ આવ્યું ત્યારે બીજેપીએ 163 બેઠકો મેળવી હતી, જ્યારે કૉંગ્રેસ 66 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

રાજસ્થાન માટેના એબીપી ન્યૂઝ-સી વોટર ઍક્ઝિટ પોલમાં બીજેપીનું પલ્લું ભારે દેખાતું હતું. તેના જણાવ્યા મુજબ, બીજેપીને 114થી 194, જ્યારે અન્ય પક્ષોને 9થી 19 બેઠકો મળવાનું અનુમાન હતું.

ન્યૂઝ 24-ટુડે ચાણક્ય ઍક્ઝિટ પોલ અનુસાર, બીજેપીને 77થી 101, કૉંગ્રેસને 89થી 113 અને અન્ય પક્ષોને બેથી 16 બેઠકો મળવાનું અનુમાન હતું.

ઇન્ડિયા ટુડે-ઍક્સિસ માય ઇન્ડિયાના પોલ મુજબ, રાજસ્થાનમાં બીજેપીને 80થી 100, કૉંગ્રેસને 86થી 106, જ્યારે અન્યોને 9થી 18 બેઠકો મળી શકે છે.

ઇન્ડિયા ટીવીના ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસને 94થી 104, બીજેપીને 80થી 90 અને અન્યોને 14થી 18 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

ટાઇમ્સ નાઉ-ઈટીજીના ઍક્ઝિટ પોલ અનુસાર કૉંગ્રેસને 56થી 72, બીજેપીને 108થી 128 અને અન્યોને 13થી 21 બેઠકો મળવાનો અંદાજ હતો.

રાજસ્થાનમાં બીજેપીને કમસે કમ 77 અને મહત્તમ 128 બેઠકો મળવાનો અંદાજ હતો, જ્યારે સત્તાધારી કૉંગ્રેસને કમસે કમ 56 તથા મહત્તમ 113 બેઠકો મળવાનો અદાજ હતો.

પરિણામ આવ્યું ત્યારે બીજેપીને 115 બેઠકો મળી હતી અને કૉંગ્રેસને 69 બેઠકો મળી હતી. અન્ય નાના-મોટા પક્ષો તથા અપક્ષોને 15 બેઠકો પર જીત મળી હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

તેલંગણામાં મોટાભાગના ઍક્ઝિટ પોલ્સ સત્તાધારી બીઆરએસ અને મુખ્ય મંત્રી ચંદ્રશેખરની અપેક્ષાથી વિપરીત હતા. ત્યાં કૉંગ્રેસ અન્યોથી આગળ દેખાતી હતી.

એબીપી ન્યૂઝ-સી વોટર ઍક્ઝિટ પોલ મુજબ, બીઆરએસને 38થી 54, કૉંગ્રેસને 49થી 65, બીજેપીને પાંચથી 13 અને અન્ય પક્ષોને પાંચથી નવ બેઠકો મળવાનો અંદાજ હતો.

ન્યૂઝ 24-ચાણક્યના ઍક્ઝિટ પોલમાં પણ કૉંગ્રેસને બહુમતી મળવાનો અંદાજ વ્યક્ત કરવામા આવ્યો હતો. બીઆરએસને 24થી 42, બીજેપીને બેથી બાર, કૉંગ્રેસને 62થી 80 અને અન્ય પક્ષોને પાંચથી 11 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

ઍક્ઝિટ પોલ, લોકસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

ઇન્ડિયા ટીવીના ઍક્ઝિટ પોલ મુજબ, તેલંગણાની 119 બેઠકોમાંથી બીઆરએસને 31થી 47, કૉંગ્રેસને 63થી 79, બીજેપીને બેથી ચાર અને એઆઈએમઆઈએમને પાંચથી સાત બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ટાઇમ્સ નાઉ-ઈટીજીના ઍક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે અહીં કૉંગ્રેસને 60થી 70 બેઠકો મળી શકે છે. બીઆરએસને 37થી 45, બીજેપીને છથી આઠ અને એઆઈએમઆઈએમને પાંચથી સાત બેઠકો મળી શકે છે.

લગભગ તમામ એજન્સીઓએ તેલંગાણામાં કૉંગ્રેસને સરસાઈ મળતી દેખાડી હતી. કૉંગ્રેસને કમસે કમ 40 અને વધુમાં વધુ 80 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સત્તાધારી બીઆરએસ સત્તામાંથી બહાર થનારી હોવાનું તમામ ઍક્ઝિટ પોલમાં જોવા મળતું હતું. પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસને 64 બેઠકો મળી હતી, જ્યારે બીઆરએસને 39 બેઠકો મળી હતી.