નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર વચ્ચે કડવાશ અને હવે સમર્થન સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ani
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ ગયા છે. શુક્રવારે એક એનડીએની સંસદીય દળની બેઠકમાં રાજનાથસિંહને વડા પ્રધાન મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી મંજૂરી મળી ગઈ છે.
આ દરમિયાન ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર ઉપસ્થિત હતા. નરેન્દ્ર મોદીને સંસદીય દળના તરીકે ચૂંટ્યા બાદ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભારતને યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે.
તો નીતીશકુમારે કહ્યું કે હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસનું કામ વધારે આગળ વધશે. તેમના નેતૃત્વમાં એનડીએના બધાં ઘટક દળો મળીને કામ કરશે.
નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા ચૂંટયા બાદ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે સરકાર સાથે છે.
તેમણે કહ્યું, "જે કોઈ અહીંથી ત્યાં થવા માગે છે, તેમને કોઈ લાભ નહીં થાય. તેથી હું તમને (નરેન્દ્ર મોદી) અભિનંદન આપું છું. તમારા નેતૃત્વમાં બધા લોકો કામ કરે છે... અમે બધા તેમની સાથે રહીશું. તેમની સલાહ અનુસરીને આગળ વધીશું.
લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત નથી મળી. તેને 240 બેઠક મળી છે. એનડીએની વાત કરીએ તો તેણે 293 બેઠકો સાથે બહુમતના આંકડાને પાક કરી લીધો છે.
આ સરકારમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) મહત્ત્વની છે, જેમણે 16 અને 12 બેઠકો જીતી છે.
એક સખાવત, અનેક જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ભારતીય સમાજમાં નદીને 'લોકમાતા' કહીને સંબોધવામાં આવે છે, પરંતુ બિહારની કોશી નદીને 'શોકની સરિતા' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ઘણી વખત ઉપરવાસમાં તેમાં ભળતી ઉપનદી ભોટેકોશીમાં અસામાન્ય જળપ્રવાહ આવવાને કારણે કોશી નદીમાં પૂર આવી જાય છે અને સામાન્ય જનજીવન ઠપ થઈ જાય છે. પાક, જાનમાલ તથા સંપત્તિનું પણ નુકસાન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવું જ એક પૂર ઑગસ્ટ-2008માં આવ્યું હતું, ત્યારે કોશી નદીએ તેનો જળપ્રવાહ બદલી નાખ્યો હતો. અરરિયા મધેપુરા, પૂર્ણિયા, સહરસા અને સોપોલના એક હજાર જેટલાં ગામોને તેની અસર પહોંચી હતી.
ત્રીસ લાખ લોકોને અસર પહોંચી હતી અને 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. લોકોનાં ઘરોને લગભગ રૂ. 880 કરોડનું, રૂ. 400 કરોડના અનાજનું તથા રૂ. 155 કરોડનું ઘરવખરીનું નુકસાન થયું હતું.
એ સમયે બિહારમાં જનતાદળ યુનાઇટેડ તથા ભાજપની ગઠબંધન સરકાર હતી. બિહારને બેઠું કરવા માટે દેશભરમાંથી સહાયની સરવાણી ફૂટી નીકળી હતી.
સામાન્ય જનતાથી લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોએ પણ સહાય મોકલી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે પણ રૂપિયા પાંચ કરોડની સહાય કરી હતી, જોકે બે વર્ષ પછી આ મુદ્દે વિવાદ થયો હતો.
જૂન-2010માં બિહારમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી રહી હતી, એ સમયે પટણાનાં અખબારોમાં આખા-આખા પાનાની જાહેરાતો છપાઈ હતી, જેમાં કેસરી ઝબ્બો પહેરેલા મોદી તથા તથા સફેદ ઝબ્બામાં નીતીશકુમારના મળેલા હાથ હવામાં હોય તેવી તસવીર હતી અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી રૂપિયા પાંચ કરોડની સહાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર વચ્ચે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
એ જ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. સમાજવાદી આંદોલનમાંથી જન્મેલા નીતીશકુમારને લાગતું હતું કે આ જાહેરાતથી તેમની બિનસાંપ્રદાયિક નેતાની છાપને આઘાત લાગી શકે છે અને વિપક્ષ દ્વારા તેમનો ઉપયોગ થઈ શકે છે.
પોતાની નારાજગી વ્યક્ત કરવા તેમણે ભાજપના નેતાઓ સાથે પૂર્વનિર્ધારિત ભોજન કાર્યક્રમ રદ કરી દીધો હતો. તેમણે આ પ્રકારની જાહેરાતને 'અવિવેકી' ગણાવી હતી, સાથે જ મંજૂરી વગર પોતાની તસવીરનો ઉપયોગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જ્યારે ચૂંટણીપ્રચાર શરૂ થયો ત્યારે બિહાર ભાજપમાં સ્ટારપ્રચારક તરીકે નરેન્દ્ર મોદીની વ્યાપક માગ હતી, પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રીને બિહારમાં ચૂંટણીપ્રચાર ન કરવા દેવા માટે નીતીશ મક્કમ હતા અને તેમને બિહારમાં આવવા દીધા નહોતા.
અલબત્ત, અન્ય એક મોદીએ રાજ્યમાં એનડીએની સરકાર બને તે માટે સખત મહેનત કરી. આ નેતા એટલે સુશીલકુમાર મોદી, જેઓ નીતીશકુમારની સરકારમાં નાયબ મુખ્ય મંત્રી હતા.
નીતીશકુમાર અને એનડીએનો સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાક્રમ પછી વર્ષ 2012માં નરેન્દ્ર મોદીએ સતત ચોથી વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. વર્ષ 2013ના મધ્ય ભાગમાં ભાજપે મોદીને પાર્ટીની ચૂંટણીપ્રચાર અભિયાન સમિતિના વડા બનાવ્યા.
આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે ભાજપ દ્વારા મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવશે. આથી, જેડીયુ ગઠબંધનમાંથી ખસી ગયું.
લગભગ ત્રણ દાયકા બાદ વર્ષ 2014માં દેશમાં ભાજપના નેતૃત્વમાં પૂર્ણ બહુમતવાળી એનડીએની સરકાર બની.
ચૂંટણી પરિણામોના ચાર-પાંચ દિવસમાં જ નીતીશકુમારે તેમના વિશ્વાસુ જીતનરામ માંઝીને બિહારના મુખ્ય મંત્રી બનાવ્યા, પરંતુ તેમની વચ્ચે મતભેદ થયા. ચૂંટણી પહેલાં માંઝીએ પોતાનો અલગ પક્ષ રચ્યો.
વર્ષ 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં જેડીયુ, કૉંગ્રેસ તથા રાષ્ટ્રીય જનતા દળે મળીને 'મહાગઠબંધન'ની રચના કરી.એ ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોશીનો ચેક પરત મોકલવાનો નીતીશકુમાર પર આરોપ મૂક્યો હતો.
ચૂંટણી પરિણામો બાદ રાજદને 80 બેઠક મળી, જ્યારે જેડીયુને 70 જેટલી બેઠક મળી હતી. આમ છતાં નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે તેજસ્વી યાદવ નાયબ મુખ્ય મંત્રી બન્યા.
વિદ્યાર્થી આંદોલનમાંથી જન્મેલા અને પરસ્પર કટ્ટર વિરોધી મનાતા લાલુપ્રસાદ યાદવ અને નીતીશકુમાર એક સાથે હતા. 243 ધારાસભ્યવાળા વિધાનગૃહમાં એનડીએને 60 કરતાં પણ ઓછી બેઠકો મળી હતી.
સરકારને માંડ બેએક વર્ષ થયા હશે કે રાજદ અને જેડીયુમાં મતભેદ થયા. નીતીશકુમાર મહાગઠબંધનમાંથી ખસી ગયા અને એનડીએમાં પરત ફર્યા. ભાજપના ટેકાથી ફરી મુખ્ય મંત્રી બન્યા, જ્યારે સુશીલ મોદી નાયબ મુખ્ય મંત્રી.
વર્ષ 2019માં નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બન્યા. એનડીએમાં રહીને તેમણે વર્ષ 2019ની લોકસભા અને 2020ની વિધાનસભા ચૂંટણી લડી. 75 ધારાસભ્ય સાથે રાજદ સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ મહાગઠબંધનને કુલ 100 જેટલી બેઠક મળી હતી અને બહુમતીથી દૂર હતા.
ભાજપને 74 અને જનતા દળ યુનાઇટેડને 43 બેઠક મળી. બેઠક ઓછી આવવા છતાં ચૂંટણી પરિણામ પછી વિચાર પરિવર્તન કરવાને બદલે નીતીશને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
જોકે આ વ્યવસ્થા લાંબી ચાલી ન હતી અને ઑગસ્ટ-2022માં તેઓ મહાગઠબંધનમાં પરત ફર્યા હતા. જોકે, સરકારનાં કામોનો યશ લેવા મુદ્દે જેડીયુ અને રાજદની વચ્ચે મતભેદ થયા હતા.
નીતીશકુમાર મહાગઠબંધનમાંથી હઠી ગયા અને લોકસભાની ચૂંટણી પહેલાં જાન્યુઆરી-2024માં તેઓ એનડીએમાં પરત ફર્યા.
જનતાદળ યુનાઇટેડ તથા ભાજપને 12-12 બેઠક મળી, જ્યારે રામવિલાસ પાસવાનના પુત્રની લોક જનશક્તિ પાર્ટીને (રામવિલાસ) પાંચ બેઠક મળી. બે વખત બહુમતી મેળવનારા મોદી આ વખતે બહુમતથી દૂર રહ્યા છે અને આ વખતે જેડીયુના 12 સંસદસભ્યોની મોદીને જરૂર છે.












