નરેન્દ્ર મોદી દિલ્હીમાં જેમના ઘરે રહેતા એવા પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીની રાજકીય સફર

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા પૈકીની એક અને વર્ષ 1967માં સ્થપાયેલી તથા દેશમાં ખાતર ઉત્પાદન-વેચાણમાં મોખરાની ગણાતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઑપરેટિવ લિ. (ઇફકો)ના ચૅરમૅન તરીકે તાજેતરમાં દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે.
ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીક ગણાતા બિપિન પટેલ (ગોતા)ને મૅન્ડેટ આપ્યો હતો.
આ મૅન્ડેટને અવગણીને બિપિન પટેલની સામે ભાજપના જ નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને રાદડિયાની જીત થઈ હતી.
ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાને પડદા પાછળ દિલીપ સંઘાણીના આશીર્વાદ હતા તેવું મનાઈ રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા બે વર્ષ પહેલાં સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો મૅન્ડેટ આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી.
પાટીલે મીડિયાને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું, “ભાજપે એટલા માટે સહકારી ક્ષેત્રમાં મૅન્ડેટ આપવાની પ્રથા શરૂ કરી કે કેટલાક લોકો વિરોધી પાર્ટીના લોકો સાથે ‘ઇલુ-ઇલુ’ કરતા હતા.”
તો દિલીપ સંઘાણીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "લોકશાહી ઢબે સહકારી આગેવાનોએ મતદાન કર્યું છે અને આ પરિણામ આવ્યું છે. આ પરિણામને કોઈ ઇલુ ઇલુ તરીકે જોતાં હોય તો આવું કહેનારને મારે પૂછવું છે કે સવારે કૉંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં આવે અને પછી એમને ટિકિટ આપવામાં આવે એવા કેટલા લોકો ગુજરાતમાં છે. તેના કારણે કાર્યકર્તાઓ દુઃખી છે. એને ઇલુ ઇલુ કહેવાય."
તેમના આ નિવેદન બાદ સંઘાણી ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં સતત ચર્ચામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના બાદ 12મી મેના રોજ સંઘાણીના જન્મદિન નિમિત્તે યોજાયેલા સમારોહમાં પરશોત્તમ રૂપાલા, નીતિન પટેલ જેવા નેતાઓ હાજર રહ્યા હતા. એવી ચર્ચા શરૂ થઈ છે કે દિલીપ સંઘાણીએ શક્તિપ્રદર્શન કર્યું હતું.
દિલીપ સંઘાણી મીસા ઍક્ટમાં જેલમાં ગયા

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે અમરેલી શહેરની કૉલેજોમાં હડતાળ પડાવવામાં દિલીપ સંઘાણીનો ફાળો મુખ્ય હતો.
એ સમયે વર્તમાનપત્રોએ તેમની વિશેષ નોંધ લીધી હતી અને પછી દિલીપ સંઘાણી સરકારને ખૂંચ્યાં હતા. એ વખતે સરકારે દિલીપ સંઘાણીની મીસા ઍક્ટ હેઠળ ધરપકડ કરી હતી અને તેમને સાબરમતી જેલમાં પૂરવામાં આવ્યા હતા.
સાબરમતી જેલમાં તેઓ જનસંઘના આગેવાન કેશુભાઈ પટેલ, ચીમન શુક્લ, નાથાલાલ ઝઘડા અને અરવિંદ મણિયારના વધુ નજીકના સંપર્કમાં આવ્યા.
જેલમાંથી છૂટ્યા બાદ વર્ષ 1978માં તેઓ જનતા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ બન્યા. વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેઓ ભાજપમાં સક્રિય થયા હતા.
તેઓ પ્રથમ વાર યુનિવર્સિટીની સૅનેટની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. તેઓ સૅનેટ, જિલ્લા પંચાયત અને ધારાસભાની પહેલી ચૂંટણી લડ્યા અને હાર્યા પણ પછી તેઓ જીત્યા.
ભાજપના નેતા દિલીપ સંઘાણીના પિતા નનુભાઈ સંઘાણી ચલાલામાં આવેલા ખાદી કાર્યાલયમાં નોકરી કરતા હતા. તેઓ ચલાલાના ખાદી કાર્યાલયના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા હતા.
તેમનું મૂળ વતન માળિલા છે. સંઘાણીનું પ્રાથમિક શિક્ષણ ચલાલા, માળીલા, શોભાવડલા અને ચિતલ ગામની શાળાઓમાં થયું. ત્યાર બાદ છઠ્ઠા ધોરણથી તેઓ અમરેલી આવ્યા.
અહીં શાળામાં પરશોત્તમ રૂપાલા, કિશોર વાજા, ધનજી ધોરાજિયા, હેમંત પટેલ, મધુભાઈ હપાણી, બાબુ વોરા સહિતના તેમને મિત્રો મળ્યા. શાળા અને કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ વિદ્યાર્થી નેતા તરીકે આગળ આવ્યા.
પહેલી ધારાસભાની ચૂંટણી લડીને હાર્યા

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
વર્ષ 1980ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમરેલી બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે દિલીપ સંઘાણી ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. જોકે, તેમણે કૉંગ્રેસના ઉમેદવારને જોરદાર ટક્કર આપી હતી.
ચૂંટણીમાં સારો દેખાવ કર્યો એટલે વર્ષ 1982માં ભાજપમાં તેમને પ્રદેશ મંત્રીનો હોદ્દો મળ્યો. વર્ષ 1984થી 1986 સુધી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રહ્યા. દરમિયાન તેઓ વર્ષ 1981માં અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વર્ષે તેઓ એલએલબીનો અભ્યાસ પૂર્ણ થતાં વકીલ તરીકે સનદ પણ મેળવી અને વકીલાત પણ શરૂ કરી હતી.
વર્ષ 1985માં તેઓ અમરેલી બેઠકથી પહેલી વાર ધારાસભ્ય બન્યા. 1985ની ચૂંટણીમાં ભાજપના માત્ર 16 ધારાસભ્ય ચૂંટાયા હતા તે પૈકી એક દિલીપ સંઘાણી હતા.
30 વર્ષની ઉંમરે તેઓ ધારાસભ્ય અને સૌથી નાની ઉંમરના નગરપાલિકાના પ્રમુખ બન્યા. વર્ષ 1990માં ફરી ધારાસભ્ય બન્યા. ભાજપ અને જનતાદળની સંયુક્ત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા.
વી.પી. સિંઘની કેન્દ્રની સરકાર પડી જતા વર્ષ 1991માં લોકસભાની મિડ-ટર્મ લોકસભાની ચૂંટણીમાં તેઓ અમરેલી બેઠકથી પ્રથમ વાર સંસદસભ્ય બન્યા. આ સાથે જ સહકારી રાજકારણમાં પણ તેમને વધુ રસ પડ્યો.
વર્ષ 1995માં તેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયા અને 24 વર્ષ સુધી બૅન્કના ચૅરમૅન રહ્યા.
અમર ડેરીની સ્થાપનામાં પણ તેમનો ફાળો રહ્યો. વર્ષ 2004માં તેઓ અમરેલી લોકસભા બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર વીરજી ઠુમ્મર સામે પાતળી સરસાઈથી હાર્યા હતા પરંતુ વર્ષ 2007માં તેઓ અમરેલી બેઠકથી ત્રીજી વાર ધારાસભ્ય બન્યા.
નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી રાજ્ય સરકારમાં કૅબિનેટ મંત્રી બન્યા. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ અમરેલી વિધાનસભા બેઠકથી પરેશ ધાનાણી સામે હાર્યા પછી તેઓ વર્ષ 2017માં ધારી બેઠકથી ધારાસભ્યની ચૂંટણી પણ હાર્યા હતા.
દિલીપ સંઘાણીના રાજકારણ વિશે નજીકના લોકો શું કહે છે ?

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
ડૉ. ભરત કાનાબારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દિલીપ સંઘાણીએ થોડા સમય સુધી અમરેલી કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરેલી છે. તેઓ અમરેલી બાર ઍસોસિયેશનમાં પણ કાર્યરત્ હતા."
તેઓ વધુમાં ઉમેરે છે કે, "દિલીપ સંઘાણીએ કિસાન ક્રેડિટ કાર્ડ સૌપ્રથમ અમરેલીમાં લૉન્ચ કર્યું હતું. કિસાન ક્રેડિટ કાર્ડ અમરેલીના ખેડૂતોમાં સફળ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમને દેશભરમાં લાગુ કરવામાં આવી હતી. અમરેલીમાં અમર ડેરીના તેઓ સ્થાપકસભ્ય છે. અમર ડેરી એ અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે. અહીં દૂધની બનાવટોનો પ્લાન્ટ પણ છે. જેથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે."
અમરેલી ઍક્સપ્રેસ વર્તમાનપત્રના તંત્રી મનોજ રૂપારેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દિલીપ સંઘાણી વર્ષ 1980ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ હારી ગયા હતા. ત્યાર બાદ અમરેલીમાં 1982-83માં ભયંકર પૂર આવ્યું હતું. આ કુદરતી આફત એવા પૂરમાં દિલીપ સંઘાણીએ તરીને લોકોને બચાવ્યા હતા. તેમજ દરેક પ્રકારની મદદ અને સહાય કરી હતી. જેથી ત્યાંથી તેઓ લોકોમાં પ્રચલિત થયા હતા."
તેઓ વધુમાં જણાવે છે કે, “વર્ષ 1991માં કેન્દ્રમાં વીપી સિંહની સરકાર પડી પછી આવેલી મિડ-ટર્મ ચૂંટણીમાં સંઘાણી અમરેલીથી લોકસભાના સાંસદ બન્યા હતા. અમરેલી વિધાનસભા બેઠકથી તેમના સ્કૂલના મિત્ર પરશોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવામાં આવી હતી અને તેઓ જીતી ગયા. સંઘાણી ચાર ટર્મ સાંસદ રહ્યા હતા અને વર્ષ 2004માં કૉંગ્રેસના વીરજી ઠુમ્મર સામે 2400 મતથી હાર્યા હતા.”
રાજકારણની કારકિર્દીમાં વચ્ચે થોડો એવો સમય પણ રહ્યો હતો જેમાં દિલીપ સંઘાણી સાઇડલાઇન રહ્યા હતા.
મનોજ રૂપારેલ જણાવે છે કે, "જ્યારે વર્ષ 1998માં કેશુભાઈ પટેલની સરકાર બની ત્યારે કેશુભાઈએ બાવકુભાઈ અને બચુભાઈને મંત્રી બનાવ્યા હતા. પરશોત્તમ રૂપાલાને મંત્રી ન બનાવ્યા. જેથી દિલીપ સંઘાણી અને પરશોત્તમ રૂપાલાને કેશુભાઈ પટેલ સાથે નારાજગી થઈ હતી. ત્યાર બાદ વર્ષ 1998થી 2002 સુધી તેઓ સાઇડલાઇન હતા. પણ નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી તેમનો વનવાસ પૂરો થયો હતો.”
તેઓ જણાવે છે કે, “કેશુભાઈ પટેલની સરકાર પાડવામાં પણ તેમનો અને પરશોત્તમ રૂપાલાનો હાથ હોવાની ચર્ચા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમને નિકટના સંબંધ છે. નરેન્દ્ર મોદી દિલ્હી સંગઠનમાં ગયા ત્યારે દિલીપ સંઘાણી સાંસદ હતા. આથી નરેન્દ્ર મોદી સંઘાણીના બંગલે રહેતા હતા. ત્યારથી તેમનો નિકટ સંબંધ હતો. જોકે, આજે પણ તેમને વડા પ્રધાન સાથે ઘરોબો છે.”
ફિશરિઝ કૌભાંડમાં આરોપો લાગ્યા

ઇમેજ સ્રોત, Dileep Sanghani/FB
વર્ષ 2008માં પાલનપુરસ્થિત બિઝનેસમૅન ઇશાક મારડિયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને ફિશિંગ કૉન્ટ્રેક્ટમાં કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
તેમણે આરોપો લગાવ્યા હતા કે તત્કાલીન રાજ્યમંત્રી પરશોત્તમ સોલંકીએ 58 ડૅમના કૉન્ટ્રેક્ટ ટેન્ડરિગની ચોક્કસ પ્રક્રિયાને અનુસર્યા વગર આપી દીધા હતા. ત્યાર બાદ એસીબીની તપાસમાં એ સામે આવ્યું હતું કે તેમાં કૌભાંડ હતું.
કુલ 400 કરોડના કૌભાંડમાં એસીબીએ રિપોર્ટમાં લખ્યું હતું કે પરશોત્તમ સોલંકીએ ‘ફાયદો કરાવવા માટે નીતિઓમાં ફેરફાર’ કર્યા હતા.
આ કેસમાં અન્ય પાંચ અધિકારીઓ સાથે તત્કાલીન કૃષિમંત્રી દિલીપ સંઘાણીનું નામ પણ હતું અને તેમની સામે પણ તપાસ ચાલી હતી.
2018માં સંઘાણીએ ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંસ્થાપક સભ્ય અને પૂર્વ ચૅરમૅન ડૉ. વર્ગીસ કુરિયન પર અમૂલમાંથી ક્રિશ્ચિયન મિશનરીઓને ફંડ આપીને ધર્માંતરણ કરાવવાના આરોપો લગાવ્યા હતા, જેના કારણે મોટો વિવાદ થયો હતો.
જોકે, અમૂલના તત્કાલીન એમડી આર.એસ. સોઢીએ સંઘાણીના આરોપોને ફગાવતા કહ્યું હતું કે ડૉ. કુરિયનનો ધર્મ આ દેશનો દરેક ખેડૂત હતો.
વરિષ્ઠ પત્રકાર મનોજ રૂપારેલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "2012માં જ્યારે સંઘાણી કૅબિનેટ મંત્રી હતા એ સમયે અમરેલી નગરપાલિકા 8થી 10 દિવસે પાણી આપતી હતી. એ સમયે તેમણે અમરેલીમાં સ્વિમિંગ-પૂલનું તેમણે તરીને ઉદ્ધાટન કર્યું હતું. તેઓ સ્વિમિંગ-પૂલમાં સ્નાન કરતાં હોય તેવા ફોટા વાઇરલ થતાં લોકો ખૂબ રોષે ભરાયા હતા."
જોકે સંઘાણીના સમર્થકોનું એવું કહેવું હતું કે વિરોધીઓ તેમની વિરુદ્ધ 'દુષ્પ્રચાર' કર્યો હતો.
તાજેતરમાં જ ઇફકો પ્રકરણ બાદ સંઘાણી સામેના આરોપવાળો એક વર્ષ જૂનો લેટર ફરીથી વાઇરલ થયો છે. ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને લખાયેલા આ પત્રમાં એવા આરોપો લગાવાયો હતો છે કે સંઘાણીએ ગુજકોમાસોલમાં વાઇસ ચૅરમૅનને કહ્યા વગર જ જાતે કેટલાક નિર્ણયો લઈને પોતાના સંબંધીઓને ફાયદો કરાવ્યો હતો. જોકે, સંઘાણીએ આ આરોપોને નકાર્યા હતા.












