મોદીને ચૂંટણીમાં બહુમતી ન મળી તે વિશે પાકિસ્તાન સહિત વિદેશોમાં શું ચર્ચા થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી. જોકે, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી છે.
વડા પ્રધાનના ચહેરાને આગળ કરીને આ ચૂંટણી લડનાર ભાજપ અને એનડીએ ગઠબંધનને 272થી વધારે બેઠકો મળી છે.
વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની સંખ્યા છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં મળેલી બેઠકોની તુલનામાં ખૂબ જ વધારે હતી.
આ ચૂંટણી પર વિશ્વભરના દેશોની નજર હતી. કારણ કે વડા પ્રધાન મોદી ત્રીજા કાર્યકાળમાં વધુ મોટી બહુમતી સાથે પાછા ફરશે તેવી આશા હતી.
ભાજપને હવે એનડીએનાં ઘટક દળો પર વધારે નિર્ભર રહેવું પડશે. અહીં મુખ્ય સવાલ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓ કેવી રીતે ઘડશે.
આ પરિણામોને વિશ્વના દેશો ખાસ કરીને ભારતના પાડોશીઓ અને અમેરિકા કેવી રીતે જુએ છે.
આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની કેવી અસર થશે. આ વિશે બીબીસી સંવાદદાતાઓના રિપોર્ટ અને નિષ્ણાતોનો મત જાણો.
પાકિસ્તાનમાં કેવી પ્રતિક્રિયા જોવા મળી?

ઇમેજ સ્રોત, Getty Images
શુમાયલા જાફરી, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપને મળેલી બેઠકો વિશે પાકિસ્તાનમાંથી કોઈ ખાસ પ્રતિક્રિયા આવી નથી.
જોકે, ભારત પર નજર રાખનાર લોકોને જરૂર હેરાની થઈ કે ભાજપની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને મળેલી બહુમતી પાતળી છે.
પાકિસ્તાનના લોકો ભારતની લોકસભા ચૂંટણીનાં પરિણામો પ્રત્યે ઉદાસીન છે. કારણ કે તેઓ પોતાના દેશની રાજકીય, આર્થિક અને સુરક્ષા જેવી સમસ્યાઓ વિશે ચિંતા કરે છે. જોકે, ભાજપને પૂર્ણ બહુમતી ન મળવાથી લોકો હેરાન પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન કથિતરૂપે મુસલમાનોને નિશાના પર લીધા હતા. આ કારણે ભારતીય મુસ્લિમોને લઈને પાકિસ્તાનમાં સામાન્ય ચિંતા છે.
સામાન્ય પાકિસ્તાની લોકો માને છે કે ભાજપ ફરીથી સત્તામા આવશે તે ભારતના મુસ્લિમો માટે સારા સમાચાર નથી.
લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધરે તેવી આશા નથી.
જોકે, કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે મોદીના શાસનમાં ભારતના આર્થિક વિકાસ, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર અને નિર્માણ ક્ષેત્રમાં વિકાસના વખાણ પણ કર્યા હતા.
પાકિસ્તાનમાં નીતિ ઘડનારાના વિચારો પણ સામાન્ય લોકો સાથે મળી આવે છે કે ભારત “વધારે આક્રમક અને આત્મવિશ્વાસ”થી ભરપુર હશે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
ડૉ. ખુર્રમ અબ્બાસ ઇસ્લામાબાદસ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઑફ સ્ટ્રૅટેજિક સ્ટડીઝમાં ઇન્ડિયા સેન્ટરના ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે જો ભાજપ ત્રીજી વખત સત્તામાં આવશે તો પાકિસ્તાનને પહેલાં કરતાં વધારે આક્રમક અને આત્મવિશ્વાસથી ભરપુર ભારતનો સામનો કરવો પડશે. કાશ્મીર, ગિલગિટ બાલટિસ્તાન અને ઇન્ડસ જળ સમજૂતી જેવા વિષયો પર તણાવ વધશે.
તેમણે ઉમેર્યુ, “એવું લાગી રહ્યું છે કે ભારતમાં એક રાજકીય અને રણનીતિક સમજૂતી બની ગઈ છે કે આ સમયે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવામાં આર્થિક અને રાજકીય લાભ નથી. ભારત પાકિસ્તાનને સતત અલગ-થલગ પાડવાની નીતિને અપનાવશે.”
ખુર્ર્મ અબ્બાસ માને છે કે ભારત બલોચ વિદ્રોહીઓ અને પાકિસ્તાન વિરોધી ચરમપંથી જૂથોને છુપી રીતે સમર્થન આપવાનું ચાલુ રાખશે. પાકિસ્તાન માટે વધારે એક ચિંતાનો વિષય છે કે પોતાની જ ધરતી પર પોતાના નાગરિકોની હત્યા થઈ છે, જેના વિશે ભારત પર આંગળીઓ ઊઠી રહી છે.
પાકિસ્તાને ભારત સાથે વેપાર શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. જોકે, ડૉ. ખુર્રમ અબ્બાસ આ વિશે આશંકિત છે.
મરિયમ મસ્તૂર ઇસ્લામાબાદસ્થિત પોલીસી થિંક ટૅન્ક ઇન્સ્ટિયૂટ ઑફ રીઝનલ સ્ટડીઝમાં ઇન્ડિયા એનાલિસ્ટ છે.
તેમણે કહ્યું, “મોદીએ 2019માં પુલવામા હુમલાને લઈને પાકિસ્તાન વિરોધી ભાવના પર પોતાના સમર્થકોને એકઠા કર્યા હતા. તેમણે પોતાની રાજકીય વિરોધી કૉંગ્રેસ અને ભારતીય મુસ્લિમોને નુકસાન પહોંચાડવા અને અપમાનિત કરવા માટે તેમના (મુસ્લિમો) પર પાકિસ્તાન તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો.”
જોકે, ડૉ. ખુર્રમ અબ્બાસને આશા છે. તેમણે કહ્યું, "કેટલાક લોકોનું માનવું છે કે જો મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે તો આ તેમનો છેલ્લો કાર્યકાળ રહેશે અને તેઓ એક વિરાસત મૂકીને જવા ઇચ્છશે. તેઓ કેવી વિરાસત મૂકીને જવા માંગે છે એક શાંતિદૂતના રૂપે સકારાત્મક વિરાસત કે 'ભાગલા પાડો અને રાજ કરો' વાળી એક નકારાત્મક વિરાસત."
અમેરિકા ભારતનાં ચૂંટણી પરિણામોને કેવી રીતે જુએ છે?

પ્રોફેસર મુક્તદર ખાન અમેરિકાની ડૅલેવર યુનિવર્સિટીમાં ઇન્ટરનેશલ સ્ટડીઝના નિષ્ણાત છે.
તેમણે કહ્યું કે ભારતને વિશે અમેરિકાની નીતિ એકદમ સ્પષ્ટ છે. અમેરિકા ભારતને મહત્ત્વપૂર્ણ માને છે, ખાસ કરીને ચીનને સંતુલિત કરવાની દૃષ્ટિએ. જોકે, તુલસી ગૅબર્ડ જેવા કેટલાક કંઝર્વેટિવ નેતાઓ સિવાય અમેરિકાના રાજનેતાઓ મોદીને ખાસ પસંદ કરતા નથી.
જોકે, ભારત સાથે સંબંધો વિશે અમેરિકાના નેતાઓ કહે છે કે આ સદીનો સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ છે.
જો ભારત ચીનની વિરુદ્ધ સંપૂર્ણ રીતે અમેરિકાનો સાથ આપશે તો અમેરિકા અને પશ્ચિમના દેશોનો વિશ્વ પર દબદબો 21મી સદી સુધી રહેશે.
જોકે, ભારત જો અમેરિકાની વિરુદ્ધ જઈને ચીન અને રશિયા સાથે મળી જશે તો પશ્ચિમી દેશોનું પ્રભુત્વ આ સદીમાં ખતમ થઈ જશે. આ જ કારણે ભારત અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
વિદેશી દેશોને મોદી સાથે ડીલ કરવામાં ઘણી મુશ્કેલીઓ થઈ હતી. કારણ કે ભારતની વિદેશ નીતિ ઘણી આક્રમક થઈ ગઈ હતી, જેમકે વિદેશમાં હત્યાઓને થઈ રહેલા વિવાદો. તે લોકો હવે પહેલાં કરતાં વધારે ખુશ થશે કારણ કે મોદી નબળા પડશે.
મોદી ગયા જુલાઈ મહિનામાં અમેરિકા પ્રવાસે હતા. તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તે સમયે ચરમ પર હતી. ત્યારબાદ અમેરિકા અને કૅનેડામાં ખાલિસ્તાનીઓની હત્યા પછી ભારત અને મોદી સરકારના કદ પર અસર પડી હતી. આ કારણે પશ્ચિમી દેશોમાં તેમની ઘણી ટીકા પણ કરવામાં આવી હતી.
અમેરિકાના મીડિયામાં પણ આ ચૂંટણી વિશે ચર્ચા હતી અને તેમનો પણ મત છે કે મોદીએ જીત તો મેળવી પરંતુ તેમણે હવે થોડુંક નરમ વલણ અપનાવું પડશે.
અમેરિકાનો ભારતીય સમુદાય આ પરિણામોથી થોડોક નિરાશ છે, પરંતુ એ વાતથી સંતુષ્ટ છે કે મોદી જ વડા પ્રધાન રહેશે.
બાંગ્લાદેશ સાથે સંબંધો પર કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશના ઢાંકાથી અકબર હુસૈન, વરિષ્ઠ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ બાંગ્લા
ભારતમાં લોકસભાની ચૂંટણી બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
શેખ હસીનાના નેતૃત્વમાં આવામી લીગની સરકાર 2009માં જ્યારે સત્તામાં આવી ત્યારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો મજબૂત થયા છે.
તે સમયે ભારતમાં કૉંગ્રેસની સત્તા હતી. જોકે, નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી પણ બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત રહ્યા હતા. આ દરમિયાન બંને દેશોએ દાયકાઓથી ચાલી રહેલા મુદ્દાઓનો પણ ઉકેલ લાવ્યો હતો.
મનમોહનસિંહની સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે કેટલીક સમજૂતીઓ કરી હતી. આ સમજૂતીઓને નરેન્દ્ર મોદી સરકારે લાગુ કર્યા હતા.
શેખ હસીનાની આવામી લીગ પાર્ટી હંમેશાં કહે છે કે અમે ભારતમાં કોઈ ખાસ પાર્ટીને બદલે ભારત સરકાર સાથે સંબંધો રાખવા પર વધારે ધ્યાન આપીએ છીએ.
જોકે, ભારતમાં કોઈપણ પાર્ટીની સરકાર બને, શેખ હસીના ભારતનાં સૌથી ભરોસાપાત્ર પાર્ટનર રહ્યાં છે. આ જ રીતે શેખ હસીનાની સરકાર ભારતને સૌથી ભરોસાપાત્ર પાર્ટનર માને છે.
ભારતની સત્તાધારી પાર્ટીઓ વચ્ચે એક બાબતે સહમતિ છે કે તે બાંગ્લાદેશ સંબંધોની નીતિમાં ફેરફાર કરશે નહીં.
જોકે, મોદી સરકાર દરમિયાન મુસ્લિમો સાથે વ્યવહાર અને નાગરિકતા સંશોધન કાયદાને મામલે બાંગ્લાદેશમાં થોડીક અસહજતા છે. કારણ કે ભારતમાં કંઈ પણ થાય તો તેની અસર બાંગ્લાદેશ પર પડે છે.
બાંગ્લાદેશમાં છેલ્લા એક દાયકામાં ભારત વિરોધી ભાવના વધી છે. કારણ કે બાંગ્લાદેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં ભારત જે રીતે પોતાની ભૂમિકા ભજવે છે તેની ખૂબ જ ટીકા થતી રહી છે.
બાંગ્લાદેશની છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીમાં ભારતની મોદી સરકારે શેખ હસીનાની આવામી લીગ પાર્ટીને જાહેરમાં સમર્થન આપ્યું હતું, બાંગ્લાદેશમાં તેની ઘણી આલોચના થઈ હતી.
જોકે, ભારતની આંતરિક નીતિમાં આવનારા દિવસોમાં કેવો ફેરફાર થશે તેના પર બાંગ્લાદેશના લોકોની નજર રહેશે.
નેપાળ કેવી રીતે જુએ આ ચૂંટણી પરિણામોને?

ઇમેજ સ્રોત, Getty Images
સંજય ઢકાલ, બીબીસી સંવાદદાતા, કાઠમાંડૂથી
નેપાળમાં કહેવામાં આવે છે કે જો દિલ્હીમાં વરસાદ થાય તો નેપાળમાં છતરી ખૂલે છે. આ જ કારણે ભારતની સામાન્ય ચૂંટણીને નેપાળના લોકો પણ ઉત્સુકતા સાથે જુએ છે.
જોકે, દિલ્હીમાં કોઈની પણ સત્તા આવે તેનો બંને દેશોના આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક સંબંધો પર ખાસ અસર થતી નથી.
ભારતની સામાન્ય ચૂંટણીનાં જે પરિણામો આવ્યાં છે, તે જોતા નથી લાગતું કે બંને દેશો વચ્ચેના સંબંધમાં કોઈ મોટો ફેરફાર આવે.
ભારતમાં હિંદુત્વના એજન્ડા સાથે જોડાયેલી પાર્ટી સત્તામાં હોવાને કારણે નેપાળમાં પણ હિંદુ રાજ્યની જૂની વિરાસતને ફરીથી સ્થાપિત કરવામાં રૂચિ રાખનાર લોકો ઉત્સાહિત છે. મોદી અને ભાજપે ભલે આ વિશે ખુલીને વાત ન કરી હોય.
જોકે, દિલ્હીમાં બનનારી નવી સરકાર સામે પોતાના સૌથી પાડોશી દેશો સાથે સંબંધોને સુધારવા અને મજબૂત કરવા માટે એક લાંબી યાદીની જરૂર છે.
છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળના સંબંધો સંકટના એક છેડાથી બીજા છેડા વચ્ચે લોલકની જેમ ઝૂલી રહ્યા છે.
2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે તેમણે પોતાની બીજી વિદેશ યાત્રામાં નેપાળનો પ્રવાસ કર્યો હતો. નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાન ભારતની મદદથી પણ સંબંધ મજબૂત બન્યા હતા.
જોકે, નેપાળે જ્યારે તે જ વર્ષે નવું બંધારણ જાહેર કર્યુ હતું, ત્યારે ભારતની સરહદ પર અઘોષિત નાકાબંધી થઈ હતી. ત્યારબાદ 2020માં સીમાના નકશાને લઈને બંને દેશો વચ્ચે શરૂ થયેલા વિવાદનું સમાધાન થયું નથી.
આ સિવાય બંને દેશો વચ્ચે મૈત્રી કરારમાં ફેરફારના મુદ્દે અને સેનામાં અગ્નિવીર યોજનાને કારણે ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી, વેપાર ખાધમાં વધારો અને ઠપ હવાઈ માર્ગ જેવા કેટલાક મુદ્દાઓને કારણે સંબંધોમાં ખટાશ પેદા થઈ શકે છે.
નેપાળની સૅન્ટ્રલ બૅન્કમાં હાલમાં પણ પાંચ કરોડની કિંમતની જૂની ભારતીય ચલણી નોટો પડી છે. ભારતે આ ચલણી નોટોને 2016માં કરવામાં આવેલી નોટબંધી પછી સ્વીકાર કરવાની મનાઈ કરી હતી.
યુએઈ સાથે દ્વિપક્ષીય વેપાર અને સાંસ્કૃતિક સંબંધ

સંજીપ દત્તા, સીઈઓ, યુએઈ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએઈ ચૅપ્ટર)
(રોનક કટેચાને આપેલો ઇન્ટરવ્યૂ)
યુએઈ અને ભારત વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો અને મજબૂત છે. સરકાર કોઈ પણ હોય બંને દેશો વચ્ચે વેપાર યથાવત્ રહેશે.
આ સમયે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય 100 અબજ ડૉલર અને 75 અબજ ડૉલરના એફડીઆઈનું ટાર્ગેટ છે. બંને લક્ષ્યો વાસ્તવિકતાની નજીક છે.
બંને દેશો વચ્ચે ઇકોનોમિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ નક્કી થયો હતો. તે સૌથી પહેલા 90 દિવસની અંદર થયો હતો. સંજીપ માને છે કે બાકી દેશો સાથેના સંબંધોમાં તેને એક મૉડલ તરીકે લઈ શકાય.
જો આ સમજૂતી રહેશે તો ઘણાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે કામ પર કેન્દ્રિત રહેશે. જેમકે, સ્વાસ્થ્ય, ટેકનૉલૉજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે લેવડ-દેવડ પણ વધારે છે, તે પછી સ્કિલ હોય કે નૉલેજ ટ્રાન્સફરનો મામલો હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
આ જ કારણે કોઈપણ સરકાર આવે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સંબંધ યથાવત્ રહેશે અને મજબૂત થશે.
બંને દેશોના લોકો વચ્ચે પણ સંબંધ મજબૂત છે. યુએઈમાં ભારતીય મૂળના લોકોની વસ્તી અન્ય દેશો કરતા સૌથી વધારે છે.
બંને દેશોના સાંસ્કૃતિક મૂલ્યોમાં પણ ઘણી સમાનતા છે. અહીં હમણાં જ મંદિર બન્યું છે. કોઈપણ સરકાર આવે યુએઈ અને ભારતના સંબંધોમાં કોઈ ફર્ક નહીં પડે.












