‘શાસન કરો, પણ અમારા પર રાજ ન કરો’ - લોકસભાનાં પરિણામો વિશે લોકો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થઈ ગયાં છે. પરિણામો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો મળી છે. ભાજપ એકલે હાથે બહુમતી મેળવી શક્યો નથી.
નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભાજપને સરકાર બનાવવા માટે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના પક્ષોની જરૂર પડશે.
સતત બે ટર્મ ભારે બહુમતીથી સત્તામાં રહ્યા પછી નરેન્દ્ર મોદી અને ભાજપને કેમ ત્રીજી વખત પૂર્ણ બહુમતી ન મળી?
એવું તો શું થયું કે તમામ સર્વેક્ષણોમાં તેમની પ્રચંડ જીતના પૂર્વાનુમાન છતાં પણ દેશના અનેક રાજ્યોમાં બેઠકો ઘટી ગઈ?
લોકોએ મતદાન કરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? બીબીસી ભારતના અલગ-અલગ વિસ્તારોમાં રહેેતા લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ પરિણામોને લોકો કઈ રીતે જુએ છે?
ભાજપને મત આપવા તથા ન આપવા બદલ તેમના મનમાં શું વિચારો ચાલી રહ્યા હતા? આ પરિણામોથી દેશની પ્રજાએ શું સંદેશ આપ્યો?
‘શાસન કરો, પણ રાજ ન કરો’

ભારતની આર્થિક રાજધાની મુંબઈના યુવા મતદાર ચૈતન્ય પ્રભુએ બીબીસી સંવાદદાતા પ્રાજક્તા પોલ સાથે વાત કરી હતી અને સમજાવ્યું હતું કે કેમ ભાજપનું પ્રદર્શન અપેક્ષા કરતાં ખરાબ રહ્યું.
ચૈતન્ય પ્રભુ કહે છે, “આ પરિણામ એ વાતનું પ્રતિબિંબ છે કે ભારત કઈ રીતે વિચારે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“લાંબા સમય સુધી ભારત પર અનેક લોકોએ શાસન કર્યું છે, જેના અહીંના લોકોને કડવા અનુભવો થયા છે. ભારતના લોકોને હંમેશાં કોઈ તેના પર રાજ કરે એ ગમતું નથી. સંદેશ એ છે કે તમે શાસન કરો, પણ અમારા પર રાજ કરવાની ભાવના ન રાખો.”
તેઓ કહે છે કે, “લોકો ઇચ્છે છે કે તેમના જીવનને પ્રભાવિત કરનારા પ્રશ્નો જેમ કે નોકરી, પાણીની તંગી વગેરેનું તરત જ સમાધાન થાય. પણ આ સરકારે એમ કર્યું નહીં.”
‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ભાજપને બહુમતી નહીં મળે’
ઉત્તર પ્રદેશના જ 39 વર્ષીય મતદાર દેવ શર્માનું કહેવું છે કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે મોદીના ભાજપને બહુમતી નહીં મળે.
તેઓ કહે છે કે, “મને લાગતું હતું કે ભાજપ આરામથી 350 કરતાં પણ વધુ બેઠકો જીતી જશે.”
દેવ શર્માનું કહેવું છે કે પાછલાં 10 વર્ષોમાં વડા પ્રધાન મોદીએ દેશ માટે ઘણા સારાં કામો કર્યાં છે.
તેઓ કહે છે, “વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 10 વર્ષમાં તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ અને દેશની સુરક્ષાના મુદ્દે ઘણું કામ કર્યું છે.”
તેમનું કહેવું છે કે આવું અણધાર્યું પરિણામ આવવા પાછળ કદાચ એવું કારણ હોઈ શકે છે કે લોકોને પરિવર્તન જોઈતું હોય. “પણ એ કહેવું અઘરું છે કે ક્યા પ્રકારનો બદલાવ તેઓ ઇચ્છે છે. અયોધ્યામાં રામમંદિર બાંધવા છતાં પણ ભાજપ હારી ગયો.”
અહીં ઉલ્લેખનીય છે કે ફૈઝાબાદ (અયોધ્યા) બેઠક પર ભાજપની સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સામે હાર થઈ છે. અહીં જ વડા પ્રધાન મોદીએ રામમંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
‘મોદીએ તેમનું તેજ ગુમાવી દીધું છે’

મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધનને 48માંથી માત્ર 17 બેઠકો પર જ વિજય મળ્યો છે. અહીં થયેલા નુકસાનનો પણ ભાજપ બહુમતીથી દૂર રહ્યો તેમાં મોટો ફાળો છે.
મહારાષ્ટ્રનાં જ એક મતદાર સીમા ખાન કહે છે, “10 વર્ષનું નરેન્દ્ર મોદીનું શાસન એ જાણે કે લડાઈઓ, ધર્મના નામે ધ્રુવીકરણનું શાસન હતું.”
“બીજી તરફ બેરોજગારી તેની ચરમસીમાએ હતી અને સરકારે તેને ઓછી કરવા માટે પ્રયત્નો ન કર્યા. વડા પ્રધાને પણ સામાન્ય માણસ સાથે જોડાવા માટેના પ્રયત્નો ન કર્યા.”
તેઓ કહે છે, “મને લાગે છે કે વડા પ્રધાનનું જે તેજ હતું, એ તેમણે ગુમાવી દીધું છે.”
‘મોંઘવારી અને બેરોજગારીએ જીવન અઘરું બનાવી દીધું’

વડા પ્રધાન મોદી જ્યાંથી સાંસદ તરીકે ચૂંટાયા એ વારાણસીના મતદારોએ પણ આ પરિણામ માટેનાં કારણો જણાવ્યા હતા.
વિશાખા ત્રિપાઠીનું કહેવું છે કે વડા પ્રધાને જે કામ કર્યાં છે, તેને તેઓ બિરદાવે છે. પણ પરિણામો સામાન્ય માણસની ચિંતાનું પ્રતિબિંબ છે.
તેઓ કહે છે, “તેમણે વિકાસ કર્યો, અનેક રસ્તાઓ બનાવ્યા, અયોધ્યા સહિત અનેક મંદિરો પણ બનાવ્યા. પરંતુ મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટા મુદ્દાઓ છે.”
“સામાન્ય માણસ તેનું ઘર ચલાવવા કઈ રીતે પૈસા બચાવે? અમારી મુખ્ય ચિંતાઓ હજુ પણ રોટી, કપડાં અને મકાનને લઈને જ છે. અમે અમારા બાળકોના શિક્ષણ અને ભવિષ્યનું શું કરીએ? આ બધા વિશે વિચારવું પણ અઘરું થઈ ગયું છે.”
‘લોકો એવું ઇચ્છતા નહોતા કે એક જ પક્ષ પાસે બધી સત્તા રહે’

વારાણસીના જ એક અન્ય મતદાર ધ્રુવસિંહ સાથે બીબીસીએ વાતચીત કરી હતી.
વારાણસીથી વડા પ્રધાન મોદીની જીતનું માર્જિન 2019ની સરખામણીએ 4 લાખથી ઘટીને દોઢ લાખ થઈ ગયું છે.
તેના વિશે ધ્રુવ કહે છે કે, “આ એટલા માટે થયું કારણ કે નરેન્દ્ર મોદી સામાન્ય માણસની ચિંતાઓને ધ્યાને લેવામાં નિષ્ફળ ગયા છે.”
કેન્દ્રમાં ભાજપને બહુમતી ન મળવાનાં કારણો અંગે તેઓ જણાવે છે કે કદાચ લોકો ઇચ્છતા નહોતા કે એક જ પક્ષ પાસે તમામ સત્તા રહે.
તેઓ કહે છે કે, “એક જ પક્ષની સરકાર એ દેશને તાનાશાહી તરફ દોરી જાય છે. લોકોને નરેન્દ્ર મોદીની સરકારમાં કંઈક આવી અનુભૂતિ થઈ અને તેમણે વિચાર્યું કે હવે ગઠબંધન વાળી સરકાર જરૂરી છે.”
‘પહેલીવારના મતદાર તરીકે મેં ભાજપને મત આપ્યો પણ તેની હાર થઈ’

આદિત્ય કૃષ્ણે આ ચૂંટણીમાં પહેલી વાર મતદાન કર્યું હતું. તેમની ઉંમર 20 વર્ષની છે. લોકસભા ચૂંટણીમાં તેમણે જીવનમાં પહેલી વાર મતદાન કર્યું હતું.
તેઓ કહે છે કે, “મને એ વાતનું દુખ છે કે મેં જેને મત આપ્યો તો એ ભાજપ મારા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હારી ગયો. મેં આવા પરિણામની અપેક્ષા કરી ન હતી.”
પણ તેઓ ઇચ્છે છે કે જેમની પણ સરકાર બને તેમણે યુવાનો માટે નોકરીનું સર્જન કરવું જોઈએ તો જ અમે અમારા પરિવારને ટેકો કરી શકીશું.
તેમનું કહેવું છે કે નવી સરકારે લોકો માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય સસ્તું કરવું જોઈએ, ગરીબોને ધ્યાનમાં રાખવા જોઈએ.
તેઓ કહે છે, “ભાજપના શાસન હેઠળ દેશ વધુ સુરક્ષિત બન્યો છે, અને એ સારી બાબત છે.”
‘ભાજપ માટે ચિંતાનો વિષય’

વડા પ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં તેમની પાર્ટીનું દમદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. જોકે, તેમણે રાજ્યમાં એક બેઠક ગુમાવી છે અને અનેક બેઠકો પર સરસાઈ ઓછી થઈ છે.
ગુજરાતની ભરૂચ બેઠક પર ભાજપનો વિજય થયો છે અને મનસુખ વસાવા સાતમી વાર સંસદસભ્ય બન્યા છે.
અહીંના મતદાર યોગી પટેલ કહે છે કે, “મનસુખભાઈ સાતમી વખત સંસદસભ્ય બન્યા છે એ ભરૂચ માટે આનંદની અને ગર્વની વાત છે. પણ એ નોંધવું જોઈએ કે તેમની સરસાઈ 89 હજારની છે અને ઘટી છે.”
તેઓ કહે છે, “ભાજપની સરસાઈ ઘટી રહી છે એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. મને લાગે છે કે લોકો વાયદાઓથી કંટાળ્યા છે. નવા સાંસદ શિક્ષિત બેરોજગારો માટે કામ કરે એવી અમારી આશા છે.”












