ચંદ્રશેખરના વિજયની માયાવતીના રાજકારણ પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણીમાં દલિત નેતા ચંદ્રશેખર આઝાદે ઉત્તર પ્રદેશની નગિના(એસસી) બેઠક પરથી ભાજપના ઓમકુમારને દોઢ લાખ મતોથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.
આ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના (બીએસપી) ઉમેદવાર સુરેન્દ્રપાલસિંહ ચોથા ક્રમે રહ્યા અને તેમને માત્ર 13 હજાર મત જ મળ્યા. આ વાત એટલા માટે પણ મહત્ત્વની છે કે વર્ષ 2019માં બસપાના ઉમેદવાર ગિરીશચંદ્રે અહીં વિજય નોંધાવ્યો હતો.
એ વખતે સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) વચ્ચે ગઠબંધન હતું.
વિજય બાદ ચંદ્રશેખરે બીબીસીના સહયોગી પત્રકાર શહબાઝ અનવર સાથે વાત કરતાં કહ્યું, "હું નગિનાની જનતાને વિશ્વાસ અપાવવા માગું છું કે છેલ્લી ઘડી સુધી લોકોની સેવા કરતો રહીશ. જેમણે મત આપ્યા છે, એ તમામ દલિત-મુસ્લિમ સમાજને કહીશ કે તેમણે મારા પર જે કરજ ચઢાવ્યું છે, એને જીવનની અંતિમ ક્ષણ સુધી ચૂકવીશ."
પશ્ચિમ ઉત્તર પ્રદેશના 36 વર્ષના ચંદ્રશેખરના આ વિજયના કેટલાય મતલબ છે. ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીની રાજનીતિ માટે, જે આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી શકી નથી.
વરિષ્ઠ પત્રકાર શીતલ પી. સિંહનું માનવું છે, "માયાવતીનું રાષ્ટ્રીય રાજકારણમાં ધીમેધીમે અપ્રાસંગિક બનવું અને ચંદ્રશેખરના વિજયે એમને એ તક આપી છે કે તેઓ સમગ્ર ભારતમાં પોતાનું સંગઠન મજબૂત કરે. ચંદ્રશેખર પાસે આ સોનેરી તક છે. પરિસ્થિતિ એમના માટે અનુકૂળ છે. સ્વાસ્થ્ય અને ઉંમર એમની સાથે છે."
દલિત રાજકારણનો ચહેરો

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર ભારતની દલિત રાજનીતિમાં ચંદ્રશેખર એક યુવા ચહેરો છે. તેઓ રસ્તા પર ઊતરવામાં પરેજી નથી પાળતા અને સંઘર્ષ દરમિયાન જેલ પણ જઈ ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના બેહત તાલુકાના ચંદ્રશેખરે વર્ષ 2012માં હેમવતી નંદર બહુગુણા ગઢવાલ યુનિર્સિટીમાંથી કાયદાની ડીગ્રી હાંસલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીના સોગંદનામા અનુસાર તેમનું નામ ચંદ્રશેખર છે પણ તેઓ ચંદ્રશેખર આઝાદના નામે ચર્ચિત છે. તેમના પિતા ગોવર્ધનદાસ સરકારી શાળામાં શિક્ષક હતા અને માતાં ઘર સંભાળે છે.
વર્ષ 2015માં 'ભીમ આર્મી' નામનું સંગઠન બનાવ્યા બાદ ચંદ્રશેખર ચર્ચામાં આવ્યા હતા. જાતિગત હુમલા અને હુલ્લડો વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અને દલિત બાળકોમાં શિક્ષણનો પ્રચાર કરવાનો ઉદ્દેશ હોવાનો ભીમ આર્મી દાવો કરે છે.
વર્ષ 2015થી જ દેશના અલગઅલગ ભાગોમાં દલિત પર અત્યાચારોના મામલે અવાજ બુલંદ કરવામાં ભીમ આર્મી સક્રિય રહી છે.
15 માર્ચ, 2020ના રોજ ચંદ્રશેખર આઝાદે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ની રચના કરી હતી, જેના તેઓ પોતે અધ્યક્ષ પણ છે. આ પાર્ટી બાબાસાહેબ આંબેડકર, ગૌતમ બુદ્ધ, સંત રવિદાસ,સંત કબીર, ગુરુ નાનકદેવ, સમ્રાટ અશોક વગેરેને પોતાના આદર્શ ગણ છે.
પાર્ટીની વેબસાઇટ અનુસાર એનો ઉદ્દેશ "દેશનાં સાધન, સંસાધન અને ઉદ્યોગવેપાર સાથે સરકારી, ખાનગી નોકરીઓમાં વંચિત વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત" કરવાનો છે
વેબસાઇટ પર કૉંગ્રેસ, બીએસપી અને બીજેપીને નિશાન બનાવતાં લખાયું છે, "એવા સમયે કે જ્યારે 'હાથ' સતત કાદવમાં 'કમલ'ને ખીલવાની તક આપી રહ્યો હોય, આપણા સમાજના ઘણા બધા નેતા ભાઈ-ભત્રીજાવાદી હોય, ઉંમરના પડાવ પર 'માયા' બચાવવા માટે સમાધાનકારી બનીને મનુવાદીઓની કઠપૂતળી બની ગયા હોય... "
ચંદ્રશેખરનુ રાજકારણ

ઇમેજ સ્રોત, @BHIMARMYCHIEF
ચંદ્રશેખરનો પક્ષ આસપા (આઝાદ સમાજ પાર્ટી)એ પોતાના ઉમેદવાર છત્તીસગઢ, બિહાર, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઊભા રાખ્યા હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલકુમાર ચિત્તોડ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "પક્ષે યુપીમાં ચાર જગ્યા પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા પણ અમે વિજય માત્ર નગિના બેઠક પર જ મળ્યો. ચંદ્રશેખરને લોકોએ સંસદમાં મોકલ્યા છે. અમે લોકો સંગઠનને મજબૂત કરીશું અને આગામી ચૂંટણી લડીશું."
બીબીસીના સહયોગી પત્રકાર શહબાઝ અનવર સાથે વાત કરતાં ચંદ્રશેખર કહે છે, "સરકાર કોઈની પણ બને...જનતાના અધિકારોને અમે સરકાર જડબામાંથી કાઢી લાવીશું. જો કોઈ ગરીબ પર અત્યાચાર કરશે, પહેલાં મૉબ લિંચીગ થતું, ઘોડી પર બેસવા પર, મૂંછો રાખવા પર હત્યાઓ થતી, જો ક્યાંય અત્યાચાર થશે તો સરકારને ચંદ્રશેખર આઝાદનો સામનો કરવો પડશે. "
''સરકાર ગમે તે કરે પણ માનવહત્યાને રોકે... જાતિ અને ધર્મના આધાર પર અન્યાય નહીં થવા દઈએ. થશે તો ચંદ્રશેખર આઝાદ સાથે ટકરાવવું પડશે એ વાત સૌ કોઈ જાણી લે."
ચંદ્રશેખરને યુપીમાં એક દલિત યુવા નેતાના ઉભાર તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે, દલિતચિંતક, સ્તંભકાર અને 'કાંશીરામના બે ચહેરા' સહિતનાં કેટલાંય પુસ્તકોના લેખક કંવલ ભારતીનો મત અલગ છે.
કંવલ ભારતી જણાવે છે, "ચંદ્રશેખર દલિત રાજકારણનો નવો ચહેરો તો બનશે પણ એમનાથી હાલ વધારે આશા ના રાખી શકાય. કેમ કે તેમની પાસે દલિતમૂક્તિનું કોઈ વિઝન નથી. તેઓ તત્કાલ પરિસ્થિતિઓ અનુસાર પ્રતક્રિયા આપે છે. પણ ખાનગીકરણ, ઉદારીકરણથી લઈને દલિતોને હિંદુત્વના ફૉલ્ડરમાંથી બહાર કાઢવા માટે તેમની પાસે કોઈ વિચારધારા નથી."
ચંદ્રશેખરનો વિજય બીએસપી માટે મોટો ઝટકો?

ઇમેજ સ્રોત, ANI
'ફૉર્વર્ડ પ્રેસ'માં હિંદીના સંપાદક અને 'જાતિઓ કી આત્મકથા' પુસ્તકના લેખક નવલ કિશોરકુમાર પણ ચંદ્રશેખરની સંગઠન સંબંધિત ક્ષમતાઓ પર સવાલ ઉઠાવે છે.
તેઓ કહે છે, "નગિનામાં લઘુમતીઓ અને દલિતોની વસતી સારી એવી છે. બીએસપી ચૂંટણી જીતવા માટે નહીં પણ મત કાપવા કે પોતાની હાજરી નોંધાવવા લડે છે. એવી સ્થિતિમાં ચંદ્રશેખર જીત્યા છે. તેઓ આક્રમક તો છે પણ તેને સંગઠન સંબંધિત પોતાની ક્ષમતાઓ પર કામ કરવું પડશે. મૂંછોથી વધારે વિવેકથી કામ લેવું પડશે."
નવલ કિશોરના મતે "જે રીતે બિહારની પૂર્ણિયા બેઠક પર અપક્ષ પપ્પુ યાદવનો વિજય થયો છે, એ જ રીતે નગિનામાં ચંદ્રશેખરના વિજયને જોવો જોઈએ. આનાથી દલિતોના રાજકારણ પર વધારે અસર નહીં પડે."
તો શું ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીપદ સુધી પહોંચનાર માયાવતી શું હવે અપ્રાસંગિક બની ગયાં છે? કેટલાય જાણકારો ગત ચૂંટણીમાં એમના પક્ષના પ્રદર્શન બાદ આ જ સવાલ ઉઠાવી રહ્યા છે.
1984માં બનેલી બીએસપીની વોટ બૅન્ક અનુસૂચિત જાતિના લોકો રહ્યા છે. બીએસપી કેટલાંય રાજ્યોમાં ચૂંટણી સંબંધિત રાજકારણમાં સક્રિય છે પણ પક્ષનો વ્યાપક આધાર ઉત્તર પ્રદેશમાં જ રહ્યો છે.
માયાવતીએ ચૂંટણીપરિણામો બાદ કહ્યું, "દલિત મતદારોમાંથી મારી પોતાની જાતિના મોટા ભાગના લોકોએ બીએસપીને મત આપીને પોતાની મહત્ત્વની ભાગીદારી નિભાવી. એમનો હું આભાર પ્રગટ કરું છું. સાથે જ મુસ્લિમ સમાજ, જેને કેટલીય ચૂંટણીઓથી યોગ્ય પ્રતિનિધિત્વ નથી અપાઈ રહ્યું, તેઓ બીએસપીને ઠીક રીતે સમજી નથી રહ્યા. એટલે પક્ષ ભવિષ્યમાં તેમને સમજીવિચારીને જ તક આપશે, જેથી ભવિષ્યમાં ભંયકર નુકસાન ના થાય."
માયાવતીનું આ નિવેદન જોઈએ તો તેમણે ચંદ્રશેખરના ઉભાર પર કોઈ ટિપ્પણી નથી કરી. તેમણે પોતાની જાતિના કોર મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને મુસ્લિમો પ્રત્યે નારાજગી જાહેર કરી. માયાવતી અને ચંદ્રશેખર બન્ને જાટવ સમાજમાંથી આવે છે.
નબળી પડી રહેલી બીએસપી

ઇમેજ સ્રોત, ANI
દલિતચિંતક કંવલ ભારતીનું કહેવું છે, "લઘુમતી, પછાત, અતિ પછાત કે દલિત માયાવતીના મતદારો રહ્યા છે પણ બીએસપી પોતાનાં જમીન અને વિશ્વાસ બન્ને ગુમાવી ચૂકી છે. માયાવતી હવે ભાજપ તરફથી રમી રહ્યાં છે અને પોતાના ઉમેદવારોને એટલે ઊભા રાખે છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો હારી જાય. તેઓ દલિત અત્ચાચાર, સાંપ્રદાયિકતા, ધાર્મિક ઉન્માદ અને અનામતના પ્રશ્ને ચૂપ રહે છે."
આંકડા જોઈએ તો સમજાશે કે બીએસપીની વોટ બૅન્ક વીખરાઈ રહી છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં બીએસપીને 19.43 ટકા મત મળ્યા હતા અને પક્ષને 10 બેઠકો પર જીત હાંસલ થઈ હતી.
તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને મળેલા મતોની ટકાવારી ઘટીને 12.88 ટકા થઈ ગઈ હતી અને પક્ષને માત્ર એક જ બેઠક વિજય મળ્યો હતો. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પક્ષને મળેલા મતોની ટકાવારી ઘટીને 9.39 થઈ ગઈ છે અને પક્ષ ખાતું પણ ખોલાવી શક્યો નથી.
આ જ રીતે મધ્ય પ્રદેશમાં પક્ષના પ્રદર્શનની વાત કરવામાં આવે તો અહીં વર્ષ 2018માં એને 5.01 ટકા મત મળ્યા હતા, જે 2023માં ઘટીને 3.40 ટકા થઈ ગયા હતા.
જોકે, 2022માં પંજાબ વિધાનસભામાં પક્ષને મળેલા મતોની ટકાવારી સુધરી પણ એ સુધારો બહુ મામુલી હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં પક્ષને 1.5 ટકા મત મળ્યા હતા, જે વર્ષ 2022માં પંજાબ વિધાનસભામાં મામુલી સરસાઈ સાથે 1.77 ટકા થયા હતા.
નવલ કિશોર જણાવે છે, "બીએસપીનો સમય હજુ પણ ગયો નથી. હજુ પણ 9 ટકા એના કોર વોટર છે. જોકે, બીએસપીએ મોટું હૃદય રાખીને બિનજાટવ લોકોને સન્માન આપવું પડશે. માયાવતીને 2007માં જ્યારે યુપીમાં સત્તા મળી ત્યારે તેમની સાથે પછાત, અત્યંત પછાત, જાટવ અને બિનજાટવ બધા જ હતા."
''જોકે, તેમની નજીક રહેલા સતીશ મિશ્રાનો જેમ-જેમ પક્ષના નીતિગત નિર્ણયો અને માળખામાં પ્રભાવ વધ્યો એમ-એમ એક બાદ એક પક્ષના જાટવ, બિનજાટવ નેતાઓ હઠવા લાગ્યા. એમાં બાબુસિંહ કુશવાહા, દદ્દુ પ્રસાદથી લઈને ઓમપ્રકાશ રાજભર સુધીના સામેલ હતા. એટલે 2012 બાદ સત્તામાં ક્યારેય વાપસી ના થઈ"
દલિત મતદારોનો સહારો

ઇમેજ સ્રોત, ANI
યુપીમાં અનુસૂચિત જાતિઓની વસતિ લગભગ 25 ટકા છે. એનું મુખ્ય વિભાજન જાટવ અને બિન-જાટવ સમુદાયોમાં કરી શકાય. યુપીમાં કુલ અનુસૂચિત જાતિના 52 ટકા જાટવ છે અને બિન-જાટવમાં પાસી, ધોબી, ખટીક, ધાનુક વગેરે સામેલ છે, જેઓ 46 ટકા થાય છે.
યુપી વિધાનસભામાં 86 બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં 84 અનુસૂચિત જાતિ માટે અને બે અનુસૂચિત જનજાતિ માટે. સ્પષ્ટ રૂપે આ બહુ મોટી સંખ્યા છે અને એ સરકાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ જ દલિત મતબૅન્કના આધારે માયાવતી રાજ્યમાં ચાર વખત મુખ્ય મંત્રી બન્યાં હતાં.
ચંદ્રશેખરે ભીમ આર્મીની રચના બાદ બીએસપીને પોતાની પાર્ટી ગણાવી હતી. જોકે, બાદમાં વર્ષ 2020માં તેમણે ખુદની પાર્ટી બનાવી લીધી. ચંદ્રશેખરે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી ગોરખપુરમાં યોગી આદિત્યનાથના વિરુદ્ધમાં લડી હતી. જોકે, એ ચૂંટણીમાં એમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
ચંદ્રશેખર વિધાનસભાની ચૂંટણીમાં તો કમાલ ના કરી શક્યા પણ તેમણે રસ્તા પર પોતાની લડાઈ ચાલુ રાખી હતી. બીજી તરફ માયાવતીએ પણ પોતાની પાર્ટીમાં યુવા નેતૃત્વના રૂપે પોતાના ભત્રિજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા.
આકાશ આનંદે નગિનામાં ચૂંટણીસભા કરતાં ચંદ્રશેખર આઝાદ પર નિશાન તાક્યું હતું. જોકે, માનવામાં આવે છે કે એક ચૂંટણીસભામાં ભાજપ સરકાર પર આકાશ આનંદના આકરા પ્રહારોથી માયાવતી નારાજ થઈ ગયાં હતાં અને બાદમાં તેમણે આકાશ આનંદને રાષ્ટ્રીય સમન્વયકના પદ પરથી હઠાવી દીધા હતા.
બીએસપી સમર્થક સંતોષકુમાર બીબીસીને જણાવે છે, "એવું કરીને તો બહેનજીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ભાજપના ઇશારાઓ પર કામ કરી રહ્યાં છે. એવામાં તેમના મત તો ઘટશે જ! યુવાઓને જગ્યા આપવાથી જ પક્ષ આગળ વધે છે અને એ રીતે પક્ષ સાથે ફરીથી એમના સમર્થકો પણ જોડાત."
તો બીજી તરફ પત્રકાશ શીતલ પી. સિંહ જણાવે છે, "આકાશ આનંદને હઠાવવા એ ભ્રૂણહત્યા જેવું હતું. હવે ચંદ્રશેખર સંસદ જઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં દલિત યુવાનો એમની સાથે થઈ ગયા છે અને હવે જ્યારે એમને તક મળી છે ત્યારે તેમની પાસે પોતાના સંગઠનના વિસ્તારની અપેક્ષા રખાઈ રહી છે."












