લોકસભા ચૂંટણીમાં બંધારણ અને અનામતની ચર્ચાની દલિતો પર કેવી અસર પડી?

ઇમેજ સ્રોત, ani/getty
- લેેખક, ઇકબાલ અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૂરા થઈ ગયા છે અને ઍક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને બહુમતી મળી રહી છે.
હવે ચાર જૂને મતગણતરી થશે.
આ વખતે ચૂંટણીપ્રચારમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વિપક્ષે કેટલાય મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જોકે, ભારતીય બંધારણ અને અનામતના મુદા સૌથી વધારે ચર્ચામાં રહ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની શરૂઆતમાં “400 પાર”નો નારો આપ્યો હતો.
એ વાત સ્વાભાવિક છે કે મોદીએ નારો આપ્યો તો તેમની પાર્ટી અને એનડીએ ગઠબંધનના બીજા પક્ષોએ પણ આ નારાનો પોતાની ચૂંટણી સભાઓમાં ઉપયોગ કર્યો.
ભાજપના નેતાઓ અને સંસદસભ્યોએ આ પ્રકારનાં કેટલાંક નિવેદનો પણ આપ્યાં હતાં.
ભાજપના નેતાઓનાં નિવેદનો

ઇમેજ સ્રોત, ANI/FACEBOOK
ઉત્તરપ્રદેશના ફૈઝાબાદના (હવે અયોધ્યા) સંસદસભ્ય અને ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે કહ્યું હતું કે સરકાર તો 272 બેઠક મેળવવાથી બની જ જશે, પરંતુ બંધારણને બદલવા કે તેમાં સંશોધન કરવા માટે બે તૃતીયાંશ બેઠકોની જરૂર પડે છે.
કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને છ વખત સંસદસભ્ય રહેલા અનંતકુમાર હેગડેએ એક નિવેદનમાં કહ્યું, “બંધારણને ફરીથી ઘડવાની જરૂર છે. કૉંગ્રેસ બંધારણમાં બિનજરૂર વસ્તુઓ ઉમેરીને તેના મૂળ રૂપને વિકૃત કરી નાખ્યું છે. ખાસ કરીને એવા કાયદાઓ ઉમેરીને જેનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજને દબાવવાનો હતો. જો આ કાયદા બદલવા હોય તો વર્તમાન બહુમતી સાથે શક્ય નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભાજપે તેમના નિવેદનની અવગણના કરી હતી અને તેમની ટિકિટ પણ કાપી હતી.
રાજસ્થાનના નાગૌરથી ભાજપનાં ઉમેદવાર જ્યોતિ મિર્ધાનું એક નિવેદન પણ વાઇરલ થયું હતું. એક વીડિયોમાં મિર્ધા કહેતાં જોવાં મળે છે કે દેશના હિત માટે કેટલાક કડક નિર્ણય લેવા પડે છે અને તે માટે અમારે કેટલાક બંધારણીય ફેરફારો કરવા પડે છે.
વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસે કહેવાનું શરૂ કર્યું કે ભાજપ 400 બેઠકો એટલા માટે જીતવા માગે છે જેથી બંધારણમાં ફેરફાર કરીને દલિતો અને પછાત વર્ગને મળતી અનામતને ખતમ કરી શકે.
ભાજપના આવા જ કેટલાક નેતાઓનાં નિવેદનના આધારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવ અને વિપક્ષના દરેક નેતા કહેવા લાગ્યા કે મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે તો બંધારણ અને અનામત બંને પર જોખમ છે.
વિપક્ષનો આ નારો સાચે જ બંધારણને બચાવવા માટે છે કે દલિત અને પછાત વર્ગના મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે છે. એ વાત કહેવી મુશ્કેલ છે, પરંતુ આ મુદ્દો ચૂંટણીપ્રચારમાં ચર્ચામાં રહ્યો છે.
એસસી-એસટી અનામત

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર હેઠળ આવતી શિક્ષણ સંસ્થાઓ અને નોકરિયામાં દલિતો (લગભગ 15 ટકા), એસટી (લગભગ 7.5 ટકા) અને પછાત વર્ગને (27 ટકા) અનામત મળે છે.
રાજ્યો તરફથી પણ તેમને અનામત મળે છે, પરંતુ તેની ટકાવારીમાં ફેરફાર હોય છે.
આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના લોકો માટે સંસદ અને વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવે છે.
સંસદની કુલ 545 બેઠકોમાંથી બે બેઠકો એન્ગલો-ઇન્ડિયન લોકો માટે અનામત રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેમનું નામાંકન કરે છે. બાકીની 543 બેઠકો માટે ચૂંટણી યોજાય છે.
આ 543 બેઠકો પૈકી 84 બેઠકો અને 47 બેઠકો એસટી માટે અનામત છે.
વિધાનસભામાં પણ એસસી અને એસટી માટે બેઠકો અનામત રાખવામાં આવે છે.
બંધારણમાં ફેરફાર

ઇમેજ સ્રોત, CENTRALVISTA.GOV.IN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય બંધારણમાં સંશોધન એક જટિલ પ્રક્રિયા છે. બંધારણના અનુચ્છેદ 368માં બંધારણ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે સંસદને આપેલી શક્તિનો ઉલ્લેખ છે.
સંસદમાં કેટલાંક સંશોધનો સામાન્ય બહુમત સાથે પાસ થઈ શકે છે. જોકે, કેટલાંક સંશોધનો માટે વિશેષ બહુમતીની (બે તૃતીયાંશ) જરૂર પડે છે.
આ ઉપરાંત કેટલાંક સંશોધનો માટે વિશેષ બહુમતી સિવાય અડધા રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ જરૂરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે પ્રખ્યાત બોમઈ કેસ (1994)માં બંધારણના મૂળ ઢાંચાની વ્યાખ્યા કરતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે બંધારણના મૂળ ઢાંચામાં કોઈ પણ ફેરફાર કરી ન શકાય.
જોકે, ભારતીય બંધારણમાં 100થી વધારે વખત સંશોધન થયું છે. મોટાં ભાગનાં સંશોધનો કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે થયાં હતાં. આ વખતે એવું શું થયું કે આ વિષયની ચર્ચા થઈ રહી છે? સત્તાધારી અને વિપક્ષ બંને આ મુદ્દાને પોતાના ચૂંટણીપ્રચારમાં ઉપયોગ કરી રહ્યા છે?
કેટલાક લોકોને લાગે છે કે સંસદનાં બધાં જ કામો સામાન્ય બહુમતી સાથે જ કરી શકાય છે. તો પછી ભાજપને 400 બેઠકે શું કામ જોઈએ છે?
વિપક્ષ આ જ વાતને મુદ્દો બનાવીને મતદારોની ખાસ કરીને દલિત અને પછાત વર્ગના મતદારોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે વડા પ્રધાન બંધારણને બદલવા અને અનામતને સમાપ્ત કરવા માટે 400 બેઠકો જીતવા ઇચ્છે છે.
આ સાથે જ સવાલ થાય છે કે શું વિપક્ષના આ દાવાઓની દલિત પર કેટલી અસર છે. શું દલિતો સાચે જ ચિંતિત છે કે ભાજપની જીતથી બંધારણ પર ખતરો છે અને અનામત ખતમ થઈ શકે છે?
બીબીસીએ આ સવાલોનો જવાબ જાણવા માટે બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના લોકો સાથે વાત કરી હતી.
બિહાર

ઇમેજ સ્રોત, Getty Images
આ મુદ્દા વિશે લોકોનો મત જાણવા માટે બીબીસી સંવાદદાતા ચંદન જજવાડેએ બિહારના કેટલાક વિસ્તારોનો પ્રવાસ કર્યો અને અલગ-અલગ લોકો સાથે વાતચીત કરી હતી.
બિહારના છપરા જિલ્લાની મહારાજગંજ લોકસભાના શામપુર ગામના રહેવાસી વિશ્વજિત ચૌહાણે અંગ્રેજીમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યુ છે.
ચૌહાણે બીબીસીને કહ્યું, “જે લોકોને અનામતનો લાભ મળે છે તે સમાજમાં આ વાત જરૂર પહોંચી છે કે ભાજપની સરકાર અનામતને ખતમ કરી દેશે. આ વાતની અસર મતદાન પર પણ પડી છે. આ પાછળ સૌથી મોટું કારણ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ અલગ-અલગ સ્ટેજ પર અનામતને ખતમ કરવા માટે આપેલાં નિવેદનો છે.”
પટણાના મનેર વિસ્તારમાં રહેતા વિકાસકુમાર મગધ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહ્યા છે.
કુમારે કહ્યુ, “દલિતોમાં એ વાતની ચેતના છે કે ભાજપ અનામતને ઓછી કે ખતમ કરી શકે છે. આ જ કારણે ઇડબ્લ્યુએસ કૅટગરીને સામેલ કરવામાં આવી છે. અનામતનો લાભ મેળવનાર લોકો જે સામાજિક ડંખ સહન કરે છે તેમના મનમાં બંધારણ અને અનામતના ભવિષ્ય વિશે ડર છે. આ વાત મતદાનની પૅટર્નમાં જરૂર દેખાશે.”
જોકે, બધા જ લોકો આ જ રીતે વિચારે તે જરૂરી નથી.
વિપક્ષ ભલે ભાજપ પર બંધારણને બદલવા અને અનામતને ખતમ કરવાના આરોપો લગાવ્યા હોય પણ બિહારમાં દલિત નેતા ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનનો ભાગ છે.
દલિત વસ્તીની સ્થિતિ

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સંવાદદાતા ચંદન જજવાડે સિવાન જિલ્લાના સરાવે ગામની એક દલિત વસ્તીની મુલાકાત લીધી હતી.
વિશ્વકર્મા માંઝી આ ગામના સરપંચ પણ હતા. તેમણે કહ્યું કે ગામમાં આ પ્રકારની વાતોની કોઈ અસર દેખાતી નથી.
વિશ્વકર્મા માંઝીએ કહ્યુ, “અમારી સમજણ પ્રમાણે બંધારણને બદલી શકાય નહીં અને ફેરફાર કરવો પણ ન જોઇએ. જે લોકો ભણેલા છે અને જાણકારી છે તેમને કોઈ બીક નથી કે બંધારણ બદલી નાખવામા આવશે અને અનામત છીનવી લેશે. ચૂંટણીમાં આ પ્રકારની વાતો થતી રહે છે, પરંતુ તેનાથી કોઈ ફર્ક પડશે નહીં.”
સરાવેના રહેવાસી ભીખુરામે કહ્યું, “આ પ્રકારની કોઈ વાત ગામમાં થઈ નથી. બંધારણ અને અનામત ખતમ કેવી રીતે થઈ જશે? મોદીજી અત્યારે ઘઉં અને ચોખા આપે છે.”
આ જ ગામના ઇન્દ્રજિતરામ કહે છે, “આ પ્રકારનો ડર અહીં નથી. બંધારણ કેવી રીતે બદલી શકે. દેશ આ બંધારણ થકી ચાલે છે. અનામત પણ બંધારણના આધારે જ મળ્યું છે. કોઈ પણ પાર્ટી પણ બંધારણ થકી જ ચાલે છે. બંધારણ કોઈ એવી વસ્તુ નથી કે આજે લખ્યું અને કાલે બદલી નાખ્યું. અમારા માટે શિક્ષણ મુદ્દો છે.”
પટણના એએન સિન્હા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝના પ્રોફેસર વિદ્યાર્થી વિકાસે દલિત અને આદિવાસીના સામાજિક અને આર્થિક વિષયો પર ઘણું રિસર્ચ કર્યું છે.
બીબીસી સંવાદદાતા ચંદન જજવાડે સાથેની વાતચીતમાં વિકાસે કહ્યું, “આ વાતની હકીકત જાણવા માટે તમારે અનામત અને બંધારણનો ફાયદો કોને મળ્યો છે તે વિશે વિચારવું પડશે. જો તમે એકદમ સામાન્ય દલિતોની વાત કરશો તો તેમના માટે રોટી અને ચોખાની જરૂરિયાત સૌથી વધારે છે.”
“જોકે, શિક્ષિત તબક્કાના લોકો જેને અનામતનો લાભ લેવો છે, તે લોકોની એક વાત સ્પષ્ટ છે કે છેલ્લાં દસ વર્ષમાં બંધારણની કેટલીક જોગવાઈઓ પર ધીરે-ધીરે હુમલાઓ કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં એક વખત પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો કે બિનસાંપ્રદાયિકતા જેવા શબ્દોને હટાવવામાં આવે. આ વિશે રાજદ તરફથી રાજ્યસભાના સંસદસભ્ય મનોજ ઝાએ દલીલ કરી હતી. શિક્ષિત લોકો અને તેમના પરિવારોને આ વિશે જાણકારી અને બીક પણ છે કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર ફરીથી આવશે તો અનામત ખતમ થઈ જશે.”
ઉત્તરપ્રદેશ
એસઆર દારાપુરી ઉત્તરપ્રદેશના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે.
બીબીસીનાં સહયોગી નીતુસિંહ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “આ વિશે ચિંતા અને આશંકાઓ છે. જેમ કે ભાજપના લોકો દાવાઓ કરી રહ્યા છે કે જો બહુમતી સાથે અમારી સરકાર આવશે તો બંધારણ બદલી નાખીશું.”
“સમયે-સમયે અનામતના રિવ્યૂની વાત કરે છે કે અનામતનું મૂલ્યાંકન થવું જોઈએ. આ બંને દાવાઓ દલિતોના હિતમાં નથી. આ લોકો બંધારણને બદલી નાખશે અને જે અનામત છે તેને ખતમ તો નહીં કરે, પરંતુ નિરર્થક કરી નાખશે.”
જો સાચે જ આ પ્રકારની બીક છે તો તેની અસર મતદાન પર પડશે? આ સવાલનો જવાબ આપતા દારાપુરીએ કહ્યુ, “અત્યાર સુધીની ચૂંટણીમાં દલિતોએ આ શંકાઓને ધ્યાનમાં રાખીને એક રણનીતિ બનાવી હતી કે ભાજપને હરાવો અને ગઠબંધનને (ઇન્ડિયા) જીતાડો. દલિતો માયાવતીને પણ મત નથી આપી રહ્યા.”
“મેં પોતે લખીમપુરખીરીમાં મત આપ્યો હતો. મેં ત્યાં જોયુ કે દલિતોનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે. તેનો અર્થ ગઠબંધનને જીતાડવાનો છે. જે દલિતો જાગૃત છે તેઓ માયાવતીને બિલકુલ મત નથી આપી રહ્યા. આ વખતે મત આપવાની પૅટર્નમાં ખૂબ જ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. તેઓ (દલિતો) ભાજપની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે.”
મતદારો શું વિચારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના પથખુરીના રહેવાસી કલ્લા ચૌધરી દલિત સમાજમાંથી આવે છે.
તેમણે કહ્યુ, “અમે પરંપરાગત રીતે બહુજન સમાજવાદી પાર્ટીના મતદારો છીએ. અમે તે પહેલાં કૉંગ્રેસને મત આપતા હતા. જોકે, અત્યારનો માહોલ અલગ છે. સરકાર અનામત ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે, કરી શકશે કે નહીં તે અલગ વાત છે.”
કલ્લાએ કહ્યું કે અમારી પાર્ટી નબળી છે અને અમારો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે.
બાંદા જિલ્લાના તિન્દવારી ગામની એક દલિત વસ્તીમાં મહિલાઓ સવારના સમયે પાણી ભરી રહી હતી. ગામના પુરુષો થોડાક દૂર પત્તાં રમી રહ્યા હતા.
નીતુસિંહે જ્યારે તેમની પાસે જઈને ચર્ચા શરૂ કરી તો મોટા ભાગના લોકોને ચૂંટણીમાં કોઈ રસ દાખવ્યો ન હતો. મહિલાઓને તો એ વાતની પણ જાણકારી ન હતી કે ત્યાં મતદાન ક્યારે છે.
જોકે, પુરુષો આ મામલે જાગરૂક હતા. મંશારામ કહે છે, “સરકાર મનુસ્મૃતિને લાગુ કરવા માગે છે. દલિતની પરિસ્થિતિ કેવી છે તેનો અંદાજ વસ્તી જોઈને જ ખબર પડી જાય છે. જો અનામત પણ ખતમ થઈ જશે તો અમારી શું હાલત થશે?”
તેમણે કહ્યુ કે અમે બહુજન સમાજવાદી પાર્ટીને જ મત આપીશું, કારણ કે અમે તે જ પાર્ટીને ઓળખીએ છીએ.
સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ ગઠબંધનને મત ન આપવાનું કારણ જણાવતા રામાધાર ચૌધરી કહે છે, “તેમની સરકારમાં ગુંડાગીરી વધારે થાય છે. અમારી જાતિના લોકો સાથે મારપીટ જેવી ઘટનાઓ થાય છે. આવી પરિસ્થિતીમાં અમે શું કરીએ? બહેનજીએ (માયાવતી) અમને ઘણા અધિકારો આપ્યા છે.”
મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં દલિતોમાં પણ ચિંતા છે કે બંધારણ સાથે કોઈ છેડછાડ અથવા ફેરફાર થઈ શકે છે.
કેટલાક દલિત બહુમતીવાળા વિસ્તારોમાં આ એક ચૂંટણીનો મુદ્દો પણ બની ગયો છે. 2011ની વસ્તીગણતરી પ્રમાણે મહારાષ્ટ્રમાં દલિતોની વસ્તી લગભગ 12 ટકા છે.
વિદર્ભમાં દલિતો અને આદિવાસીઓની એક મોટી સંખ્યા છે. પહેલા બે તબક્કાઓમાં અહીં મતદાન થયું હતું. રાજકીય પક્ષો અને તેના કાર્યકર્તા જ નહીં, પરંતુ સામાન્ય લોકો અને સામાજિક કાર્યકર્તાઓ આ મુદ્દે વાતચીત કરી રહ્યા છે.
નાગપુરસ્થિત વરિષ્ઠ પત્રકાર રવિ ગજભિએ બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણૂર સાથેની વાતચીતમાં કહ્યુ, “ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઈવીએમને લઈને જે વિરોધપ્રદર્શન થયું હતું તે દરમિયાન નાગપુર અને વિદર્ભના વિસ્તરોમાં બંધારણને બદલવાની શંકા પર વાતચીત થઈ રહી હતી.”
“નાગપુરના “સંવિધાન ચોક” પર કેટલાક દલિત કાર્યકર્તાઓ, વકીલ અને સામાજિક કાર્યકર્તાઓ ધરણાં પર બેઠા હતા. ત્યાર બાદ આ વાત ફેલાઈ કે આ લોકો (ભાજપ) ઈવીએમનો ઉપયોગ કરીને 400 બેઠકો જીતશે અને પછી બંધારણ પર ખતરો આવશે. કેટલાક કાર્યકર્તાઓએ આ વાતને દલિત અને પછાત લોકોની વસ્તીમાં જઈને લોકોને કહેવાનું શરૂ કર્યુ. આ વાત આ જ રીતે વિદર્ભનાં ગામોમાં પહોંચી ગઈ.”
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી સભાઓમાં કેટલીય વખત કહ્યું કે બંધારણ સાથે કોઈ ચેડાં થશે નહીં. મુંબઈના શિવાજીપાર્કમાં 17 મેના રોજ યોજાયેલી ચૂંટણી સભામાં મોદીએ દલિતોને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો કે બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને કોઈ પણ બદલી ન શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય એનડીએમાં સામેલ કેટલાય દલિત નેતા પણ કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આ દાવાઓને નકાર્યા હતા.
અઠાવલે મહારાષ્ટ્રમાં એક પ્રમુખ દલિત નેતા છે અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના (અઠાવલે) અધ્યક્ષ છે.
મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા લોકસભા બેઠક પર એનડીએ ગઠબંધનના ઉમેદવાર સુનીલ મેંઢેનો પ્રચાર કરવા માટે અઠાવલે ગોંદિયા આવ્યા હતા.
અઠાવલેએ તે સમયે પત્રકારોને કહ્યુ, “કૉંગ્રેસ અને બીજા વિપક્ષી દળો પાસે વર્તમાન એનડીએ સરકાર સામે કોઈ મુદ્દો ન હોવાને કારણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ (વિપક્ષી દળો) આરોપ લગાવી રહ્યા છે કે સરકાર 400થી વધારે બેઠકો જીતશે તો બંધારણને બદલી નાખશે. તેમનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. જો સરકાર આવા કોઈ પ્રયત્નો કરશે તો હું મંત્રીમંડળમાંથી રાજીનામું આપીશ અને ભાજપ પાસેથી સમર્થન પાછું ખેંચી લઈશ.”
શોલાપુર એક અનામત બેઠક છે. મોદીએ ત્યાં એક ચૂંટણી સભામાં કહ્યુ, “કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના લોકો જુઠાણું ફેલાવી રહ્યા છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે ભાજપ બંધારણને બદલીને અનામત ખતમ કરી નાખશે. જોકે, હું કહેવા માગું છું કે બાબાસાહેબ પોતે પણ જ બંધારણ બદલવાની માગણી કરે તો પણ તે શક્ય નથી.”
શિવસેનાનું વલણ

ઇમેજ સ્રોત, ANI
ઉદ્ધવ ઠાકરેએ પોતાના મુખપત્ર સામનાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ, “તેમને (ભાજપને) એ વાત પસંદ નથી કે બાબાસાહેબ આંબેડકરના ઘડેલા બંધારણનું પાલન કરવું પડે છે, જેઓ દલિત સમાજમાંથી આવે છે. ભાજપ એટલે જ બંધારણને બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છે.”
મુંબઈમાં પણ આ વિશે ચર્ચા જોવા મળી રહી છે. દલિત કાર્યકર્તા જિતેન્દ્ર નિકલજેએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યુ, “કેટલાક લોકો વિચારે છે કે ચૂંટણીને કારણે આ મુદ્દો ઊઠ્યો છે. જોકે, એ વાત સાચી નથી. દલિતોમાં આ બીક એક લાંબા સમયથી છે.”
“દલિતોએ જ્યારે જોયું કે સીએએ થકી મુસલમાનોને દબાવવામાં આવી રહ્યા છે. આ કારણે જ દલિતો પણ એ વિચારવા માટે મજબૂર છે કે દલિતોના અધિકારો છીનવી લેવાશે તો શું થશે? બંધારણને બદલવું તો અશક્ય છે, પરંતુ આ વિશે દલિતોમાં ડર છે આ વાતથી ઇનકાર ન કરી શકાય.”
એક સરકારી અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મુંબઈમાં દર વર્ષે છ ડિસેમ્બરે બંધારણની હજારો કૉપી વેચાય છે. દલિત એ વાત જાણે છે કે તેમને જે અધિકારો મળ્યા છે તે ડૉ. આંબેડકર અને તેમને ઘડેલા બંધારણે આપ્યા છે. આ જ કારણે જ્યારે પણ બંધારણને બદલવાની વાત આવે છે ત્યારે દલિત સમાજના લોકો આક્રમક થઈ જાય છે.”
દલિત સમાજમાંથી આવતા સચીન મગાડે એક હોટલમાં મૅનેજરની નોકરી કરે છે. તેઓ માને છે કે રાજકીય પક્ષો બંધારણ પ્રત્યે દલિતોની ભાવનાનો રાજકીય લાભ લેવા માગે છે.
મગાડેએ કહ્યુ, “રાજકીય પક્ષોને ખબર છે કે અમે લોકો બાબાસાહેબ અને બંધારણ થકી જ રાજકીય રૂપે જાગૃત છીએ. આ એક ભાવનાત્મક મુદ્દો છે. આ ભાવનાને કારણે દલિતો એકઠા થાય છે. બંધારણને કોઈ પણ બદલી શકે નહીં.”
દલિતોના મુદ્દે લાંબા સમયથી કામ કરનાર સામાજિક કાર્યકર્તા અને લેખક અર્જુન ડાંગલેએ કહ્યું, “મહારાષ્ટ્રના દલિત મતદાતાઓનો સવાલ છે ત્યાં સુધી તેમના (દલિતો) માટે આ એક મહત્ત્વનો મુદ્દો છે. આ ખોટી ધારણા છે કે દલિત લોકો પોતાના નેતાઓ પાછળ જ ભાગે છે. આ વખતે અલગ વાત છે.”
અર્જુન ડાંગલેના મત પ્રમાણે કર્ણાટકથી ભાજપના સંસદસભ્ય અનંતકુમાર હેગડેના “400 પાર અને બંધારણને લગતા નિવેદનો”ને કારણે દલિતોમાં આ વિશે વધારે ચર્ચા થઈ હતી.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડૉક્ટર સુહાસ પાલશિકરે કહ્યુ, “આ મુદ્દો દલિત મતદારોને જરૂર અસર કરશે. દુર્ભાગ્ય રૂપે આપણા સમાજમાં એ વાત માનવામાં આવે છે કે આંબેડકર અને બંધારણનો મુદ્દો માત્ર દલિતો સુધી જ સીમિત છે. આ જ કારણે દલિતો માટે આ એક ભાવનાત્મક મુદ્દો બની ગયો છે.”
પંજાબ

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબની કુલ વસ્તીના 33 ટકા લોકો દલિત સમાજમાંથી આવે છે.
પંજાબની કુલ 13 લોકસભા બેઠકો પૈકી કેટલીક બેઠકો પર દલિત મતદારોની સંખ્યા 40 ટકાથી પણ વધારે છે.
પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર મહમદ ખાલિદે બીબીસી સંવાદદાતા અર્શદીપકોરને કહ્યું, “બંધારણને બદલવું કે અનામત ખતમ કરવી તે એક લાંબી પ્રક્રિયા છે. હું તો કહીશ કે તે લગભગ અશક્ય છે, કારણ કે તે કરવા માટે રાજ્યોની પરવાનગીની પણ જરૂર છે.”
જોકે, ખાલિદે કહ્યુ કે દલિતોને લાગશે કે અનામત ખતમ થઈ શકે છે તો તેની અસર તેમના મતદાનની પૅટર્નને ચોક્કસ અસર કરશે.












