'અસ્પૃશ્યતા છોડી એટલે ભયંકર દુકાળ પડ્યો', શંકરાચાર્યના દાવાને પડકાર્યો ત્યારે શું થયું હતું?

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, કુમાર સપ્તર્ષિ અને શંકરાચાર્ય
    • લેેખક, કુમાર સપ્તર્ષિ
    • પદ, બીબીસી મરાઠી માટે

(કુમાર સપ્તર્ષિ સમાજવાદી ચળવળના વરિષ્ઠ નેતા છે. પ્રાચી કુલકર્ણીએ બીબીસી મરાઠી માટે તેમની મુલાકાત લીધી હતી અને તેનું લેખ સ્વરૂપે શબ્દાંકન કર્યું છે.)

1973માં કુમાર સપ્તર્ષિએ પુરીના શંકરાચાર્યે આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને બે દિવસ તેમની સાથે ચર્ચા છેડી. ધાર્મિક સવાલોને તાર્કિક મુદ્દાઓ પર લાવનારી આ ચર્ચા મહારાષ્ટ્ર સમેત આખા દિશમાં ચર્ચિત થઈ. આ ઐતિહાસિક વિવાદની કહાણી વાંચોઃ

પુરીના શંકરાચાર્ય નિરંજનદેવ તીર્થે 1973ની 22 માર્ચે પૂણેના ‘કેસરી’ દૈનિકમાં જાહેર આહ્વાન કર્યું હતું.

“અસ્પૃશ્યતાની પ્રથા છોડી દેવાને કારણે જ મહારાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો છે. પરિવર્તનવાદીઓ લોકો અસ્પૃશ્યતાનું પાલન નહીં કરવાનું કહે છે. સમાનતાનો આ વિચાર ભગવાન અને પ્રકૃતિને માન્ય નથી.”

“કોઈ મારા આ વલણ સાથે અસંમત હોય તો તેની સાથે હું આઠ દિવસ સુધી સતત જાહેર ચર્ચા કરવા તૈયાર છું,” એવું આહ્વાન તેમણે કર્યું હતું.

હું ત્યારે 31 વર્ષનો હતો. મેં એ આહ્વાન સ્વીકારવાનું નક્કી કર્યું હતું.

કુમાર સપ્તર્ષિએ શંકરાચાર્યને પડકાર ફેંક્યો

પુરીના શંકરાચાર્ય અગાઉ નાગપુરના ખરે અટકવાળા સજ્જન હોવાનું જાણવા મળ્યું હતું. અમે ફોન કરીને શંકરાચાર્યને મળવા માટે સમય માગ્યો હતો.

યુવા ક્રાંતિકારી દળ (યુક્રાંદ)ના પાંચ-છ કાર્યકરો સાથે અમે બરાબર સાડા છ વાગ્યે મંગલ કાર્યાલયે ગયા હતા અને નમસ્કાર કરીને તેમના હાથમાં એક પત્ર આપ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેં કહ્યું હતું, “તમે જે દિવસે, જે સમય નક્કી કરશો એ સમયે અમે આવીશું. તમે કહો, ચર્ચાનો આધાર ધર્મગ્રંથોમાં લખેલાં વચનો હશે કે તર્ક હશે.”

શંકરાચાર્યે થોડી વાર થોભીને કહ્યું, “પંચોની શું જરૂર છે. અલગ સમય નક્કી કરવાની પણ જરૂર નથી. ચર્ચા હમણાં જ શરૂ થશે.”

મહારાજનું મનુસ્મૃતિ વિશેનું પ્રવચન શરૂ થાય એ પહેલાં પંડિત વસંત ગાડગીલે સંસ્કૃતમાં પ્રસ્તાવના રજૂ કરી હતી.

પ્રેક્ષકોને કહેવામાં આવ્યું હતું કે ચર્ચાનું આહ્વાન સ્વીકારનારા કેટલાક યુવાનો સભાખંડમાં આવ્યા છે. મને મંચ પર નજીક બોલાવવામાં આવ્યો હતો અને જમીન પર ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું.

મેં હાથ જોડીને વાત શરૂ કરી હતી.

“આદરણીય મહારાજ, તમારા જેવા મોટા, વડીલ, મહાન વ્યક્તિ સામે મારા જેવી બહુ નાની વ્યક્તિ બહુ દબાણ અનુભવી રહી છે. હું તમને પ્રણામ કરું છું.

પ્રણામ એ ખાસ બ્રાહ્મણી શબ્દ છે.

તમે બધા જ્ઞાની છો. હું વ્યવસાયે ડૉક્ટર છું. હું શાસ્ત્રો વાંચું છું, પણ શાસ્ત્રોનો અર્થ જાણવો અને બીજાને જણાવવો એ મારો વ્યવસાય નથી.

હું એક સામાજિક કાર્યકર છું. મહારાષ્ટ્રમાં 1972માં ભયંકર દુષ્કાળ શરૂ થયો હતો. તે હજુ પણ ચાલી રહ્યો છે. મેં મારા સહકાર્યકરો સાથે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ કરીને દુષ્કાળગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદનો પ્રયાસ કર્યો છે. એ આ ચર્ચા માટેની મારી લાયકાત છે.

શંકરાચાર્ય મહારાજની ભૂમિકા અલગ છે. તેઓ સમાનતાના મૂલ્યનો સખત વિરોધ કરે છે. તેમણે તેમનો વિરોધ છુપાવ્યો નથી તેનો મને આનંદ છે. આજે આપણે બે-ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તાત્ત્વિક મંથનમાંથી શુદ્ધ તત્ત્તામૃત શોધવાનું અને સમજવાનું છે.

મારો દાવો છે કે પ્રકૃતિ સ્વાભાવિક રીતે સમાનતાવાદી છે. તેમાં જરા સરખો ફેરફાર પણ તેને મંજૂર નથી.

કુમાર સપ્તર્ષિ

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, કુમાર સપ્તર્ષિ

મહારાજનું બીજું વિધાન છે કે ભગવાનને અસમાનતા મંજૂર છે, પરંતુ એ વિશે હું વાત કરવાનો નથી. હું તે નિવેદનની નોંધ લેવા ઇચ્છતો નથી, કારણ કે ઈશ્વરની કલ્પના માનવસર્જિત છે.”

મારી ભૂમિકા શ્રોતાઓ સમક્ષ સ્પષ્ટ કરીને પ્રત્યક્ષ ચર્ચાના પ્રારંભ માટે હું શંકરાચાર્યના આસન તરફ વળ્યો અને કહ્યું, “મહારાજ, લોકો અસ્પૃશ્યતાની પ્રથાને અનુસરતા ન હોવાને કારણે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો છે એવું તમારું વિધાન અતાર્કિક અને બુદ્ધિહીન છે. તેમાં અસંગતતાને ઢાંકવા માટે તમે ભગવાન અને પ્રકૃતિને વચ્ચે લાવી રહ્યા છો. મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે હિન્દુ શાસ્ત્રોમાં પણ આ પ્રથા માટે કોઈ સમર્થન મળેલું નથી.

અલબત્ત, શાસ્ત્રો માનવસર્જિત છે, કુદરત નિર્મિત નથી. જે વર્ગે એક સમયે આ ગ્રંથો લખ્યા હતા, તેમના વારસદારો આજે પણ તેનું સમર્થન કરે છે. અસ્પૃશ્યતાને શાસ્ત્રો દ્વારા સ્પષ્ટ સમર્થન આપવામાં આવ્યું નથી, પરંતુ તેના પાને-પાને અસમાનતાનો પ્રચાર જરૂર છે.

શાસ્ત્રોમાં સમાવિષ્ટ વિચાર, તર્ક, માનવ અધિકાર અને સમગ્ર માનવજાત સાથે અસંગત હોય તો આપણે બધાએ તેનો ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોના આધારે કોઈએ ખોટી વાતનો ઉપદેશ આપવો ન જોઈએ. તેનાથી સમાજને અન્યાય થશે.

પ્રકૃતિની શ્રેષ્ઠતાને આપણે બધાએ સ્વીકારવી જોઈએ. પ્રકૃતિનું જ્ઞાન માત્ર કલ્પના દ્વારા મળતું નથી. વિજ્ઞાન પ્રકૃતિનાં રહસ્યોને ઉજાગર કરતું શાસ્ત્ર છે.

સત્યની શોધ કરતી વખતે ત્રણ કસોટી કરવાનું વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ કુદરતના નિયમોને સમજવાનો દાવો કરતી હોય તો તેણે ખાતરી કરાવવી પડશે કે તે સાર્વત્રિક, કાલાતીત અને માનવીય ઇચ્છાથી મુક્ત છે, તે સ્વાયત્ત છે અને ત્રિકાળના અવરોધથી રહિત છે. કોપ એ માનવીય ભાવના છે, કુદરતી નથી. અસ્પૃશ્યતા કુદરતી છે એ વૈજ્ઞાનિક સત્ય નથી. સત્ય હોય તો તેણે ત્રણેય કસોટી પર પાર ઉતરવું જરૂરી છે. વૈશ્વિકતા પ્રથમ કસોટી છે. અસ્પૃશ્યતા વૈશ્વિક નથી. ભારત બહાર અસ્પૃશ્યતાની પ્રથા ક્યાંય જોવા મળતી નથી.

બીજો માપદંડ કાળસાતત્યનો છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી અસ્પૃશ્યતાની પ્રથા અસ્તિત્વમાં ન હતી. તે વિશ્વના અંત સુધી ટકી શકવાની નથી. આ પ્રથા વિશ્વના આદિકાળથી અસ્તિત્વમાં છે અને વિશ્વના અંત સુધી ટકી રહેશે એવું આપણે સપ્રમાણ સિદ્ધ કરી શકીશું?

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, KUMAR SAPTARSHI

તમારું વિધાન ત્રીજા માપદંડ પર પણ ટકી શકે તેવું નથી. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઊકળે છે તે સર્વવ્યાપી હકીકત છે, કારણ કે પાણી સમગ્ર વિશ્વમાં એ જ તાપમાન પર ઊકળે છે. માનવઇચ્છા પ્રકૃતિના સત્યને બદલી શકતી નથી. અસ્પૃશ્યતાની કુપ્રથા પણ માનવઇચ્છાથી મુક્ત, સંપૂર્ણ કે સ્વાયત નથી.

આપણે માનવીય ભાવનાઓ અને કુદરતના નિયમોનો ખોટો અર્થ સમજ્યા છીએ અને ખોટો સિદ્ધાંત રજૂ કર્યો છે. મનુષ્યની ઇચ્છામાં પરિવર્તન થતું રહે છે, પરંતુ કુદરતના નિયમો અપરિવર્તનશીલ છે. માનવીય ઇચ્છાઓ અતાર્કિક હોવા છતાં તેને અન્ય પર લાદવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે તે ઇચ્છાઓ માટે અહીંતહીંથી આધાર મેળવવાના દાવપેચ કરવામાં આવે છે.

ક્યારેક મહાપુરુષોની વાણી, ક્યારેક શાસ્ત્રો, ક્યારેક ભગવાન તો ક્યારેક પ્રકૃતિનો સહારો લેવામાં આવે છે, પરંતુ આ છેતરપિંડી છે. ભક્તો, અનુયાયીઓના મન અને બુદ્ધિ પર તમે પ્રભુત્વ ધરાવો છો. તમારા જેવા લોકો જે પોકળ અને ખતરનાક નિવેદનો કરે છે તેનાથી સમાજને મોટું નુકસાન થાય છે.

જેઓ અસ્પૃશ્યતાની પ્રથાને નષ્ટ કરવા ઇચ્છે છે તેમના પ્રબોધનનું પરિણામ નષ્ટ કરવા માટે તમે કુદરતના કોપનો ડર દેખાડો છો. તમે સમાજને કહો છો કે “આ લોકોની વાત સાંભળશો તો આફત આવશે. કુદરત કોપાયમાન થશે અને દુષ્કાળ પડશે. તમારો વિનાશ થશે.” એક ધર્માચાર્યને આવી ભાષા શોભતી નથી.”

અને શંકરાચાર્ય ગુસ્સે થઈ ગયા...

શંકરાચાર્યે કહ્યું હતું, “પ્રકૃતિ એટલે અસમાનતા. અસમાનતા એ નિસર્ગનો ધર્મ છે. દરેક કણ અસમાનતાભર્યો છે. કોઈ પણ માણસની બે આંખ, નાક, કાન સરખા નથી. સમાનતા સપ્તર્ષિ જેવા સમાજવાદીઓની કલ્પના છે. તેમની કલ્પના પ્રકૃતિ અને ભગવાનનું ઘોર અપમાન છે.”

તેનો જવાબ આપતાં મેં કહ્યું હતું, “તમે મનુષ્યમાં ઉપરછલ્લા તફાવત વર્ણવી રહ્યા છો તેને વિષમતા કહી શકાય નહીં. તે વૈવિધ્ય છે. હું એક ડૉક્ટર છું. મારો અનુભવ છે કે પ્રકૃતિ ન્યાયી છે. અમારું પ્રશિક્ષણ ફક્ત મૃત માનવીના શરીર પર કરવામાં આવે છે. અમે મૃત માનવ શરીરના પ્રત્યેક ભાગનો અભ્યાસ કરીએ છીએ. પ્રત્યેક માણસનું શરીર અલગ-અલગ હોય તો આ પ્રશિક્ષણ નિરર્થક સાબિત થયું હોત. વધુ એક વાત. અમે સમાજવાદીઓ સમગ્ર માનવજાતિ માટે સમાન અધિકારોની માગ કરીએ છીએ. માનવ અધિકારોમાં સમાનતા હોવી જોઈએ.”

તેથી તેમણે કહ્યું હતું, “માણસોમાં ભિન્નતા હોય છે. તમે બરાબર જોયું ન હોય તો ઠીક છે. ચાલો, હું તમને બીજું ઉદાહરણ આપું. ગાય અથવા કોઈ અન્ય પ્રાણીનું ઉદાહરણ લો. કેટલીક ગાય કાળી હોય છે, કેટલીક સફેદ હોય છે, કેટલીક લાલ હોય છે. તેનું કારણ પણ ભિન્નતા છે.”

શંકરાચાર્યે તેમની રજૂઆત પૂર્ણ કરીને એકતરફી જાહેરાત કરી હતી કે “અમે જીતી ગયા, સપ્તર્ષિ હારી ગયા. બોલો, શ્રીરામ જયરામ. કહો, અધર્મનો નાશ થાય.”

તેમણે મારા પ્રશ્નોનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તેમણે કહ્યું હતું, “તમારા ઔષધના અભ્યાસમાં બધાની પ્રકૃતિ સમાન હોતી નથી. જેમને મારવાના હોય તેમને ફાંસીની સજા આપવામાં આવે છે. જેમને મારવા જરૂરી ન હોય તેમને ટાઇફૉઇડ થાય છે તો પણ તેનું મોત થતું નથી. રોગ અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. માણસના પાછલા જન્મના પુણ્ય ખતમ થઈ જાય ત્યારે તે મૃત્યુ પામે છે.”

શંકરાચાર્ય મારી વાત સારી રીતે સાંભળતા ન હતા. તેઓ મને અધવચ્ચે અટકાવીને આગળનું ઉદાહરણ આપતા હતા. આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું હતું. ચર્ચા કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન હતી.

છેવટે મહારાજે કહ્યું, “છોકરાઓને એક લાઇનમાં ઊભા રાખો અને તેમને પથ્થર ફેંકવાનું કહો. દરેકનો પથ્થર અલગ-અલગ અંતરે જઈને પડશે. કુદરતે બધાં બાળકોને સમાન તાકાત આપી હોત તો બધાના પથ્થર સમાન અંતરે જઈને પડ્યા હોત. નિષ્કર્ષ એ છે કે દરેક વ્યક્તિની શક્તિ અલગ-અલગ છે. સમાજવાદી વિચારધારાના લોકો માને છે કે દરેક પાસે સમાન શક્તિ છે. તેમનો સિદ્ધાંત ખોટો સાબિત થયો છે.”

મારો જવાબ હતો, “મહારાજ, તમે દલીલ કરો છો અને ખોટો નિષ્કર્ષ કાઢો છો. આજની ચર્ચાનો એકમાત્ર મુદ્દો પ્રકૃતિનું વર્તન સમાન છે કે અસમાન એ જ છે. બાળકો દ્વારા ફેંકવામાં આવેલા પથ્થર સમાન અંતરે જઈને પડશે નહીં એ સાચું, પણ તેથી ગુરુત્વાકર્ષણ, વેગ વગેરેને સિદ્ધાંત ખોટા છે તેવું સાબિત થતું નથી. પથ્થર ફેંકવામાં આવે ત્યારે વાતાવરણમાં સમાન બળ અને હવાનો સમાન વેગ હોય તો નિયમાનુસાર પથ્થરો જઈને સમાન અંતરે પડશે. ચર્ચા તર્ક અનુસાર નહીં થાય તો આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીશું નહીં.”

ત્યાં સુધી મને સમજાયું ન હતું કે તેઓ તર્ક અનુસાર સુસંગત ચર્ચા કરી શકશે નહીં. ચર્ચા પૂર્ણ થાય એ પહેલાં એક જ્વલંત મુદ્દો ઉઠાવવો જોઈએ તેવો વિચાર મારા મનમાં ઝબક્યો હતો.

શંકરાચાર્યને પહાડ પરથી કૂદવાનો પડકાર ફેંક્યો

મેં કહ્યું, “ચાલો, એક ક્ષણ માટે કલ્પના કરીએ કે આપણે ઉદ્યાન પ્રસાદ કાર્યાલયની અગાશીમાં ઊભા છીએ. ત્યાંથી આપણે રસ્તા પર કૂદકો મારીશું તો શું થશે તેની ચર્ચા કરી રહ્યા છીએ. મારા મતે ગુરુત્વાકર્ષણને કારણે આપણે બન્ને રસ્તા પર પડીશું. બન્ને માથાં ફૂટશે. પ્રકૃતિના નિયમ અનુસાર આવું થવું અનિવાર્ય છે.”

“તમે પુણ્યશાળી વ્યક્તિ છો અને હું પાપી છું તેનાથી બન્નેના ભવિષ્યમાં કોઈ ફરક નહીં પડે. તમે પુણ્યશાળી, ધર્માચાર્ય છો તેથી ગુરુત્વાકર્ષણના નિયમમાં પ્રકૃતિ અપવાદ નહીં કરે. તમે હવામાં તરતા રહેશો અને હું જ રસ્તા પર પડીશ એવું થશે નહીં. મને આ વાતની ખબર હોવાથી હું નિશ્ચિત રીતે કૂદકો મારીશ નહીં અને તમને પણ કૂદવા નહીં દઉં. આ કાલ્પનિક પરિસ્થિતિમાં તમારી ભૂમિકા શું હશે?”

“તમારો જવાબ ચર્ચાનું પરિણામ નક્કી કરી શકે છે. તમે પોતે પણ કૂદકો નહીં મારો અને મને પણ કૂદકો નહીં મારવા દો તો માની લેવામાં આવશે કે તમે મારી વાત સ્પષ્ટપણે સ્વીકારી લીધી છે. કુદરતની ભેદરહિત અનિવાર્યતાને સ્વીકારી લીધી છે, ભવિષ્યને જાણી લીધું છે અને અનર્થ ટાળવા માટે આપણે બન્નેમાંથી એક જણે કૂદકો મારવો જોઈએ એવા પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે.”

તેનાથી વિપરીત, મૃત્યુ પૂર્વનિર્ધારિત છે અને પૂર્વનિર્ધારિત સમયે જ થાય છે, એવું તમે ખરેખર માનતા હશો તો કહેશો કે, “અરે કુમાર, તું મરી જઈશ. કૂદકો મારીશ નહીં. હું કૂદકો મારું છું. મને કંઈ નહીં થાય. મારી ચિંતા કરીશ નહીં. મેં વધારે પુણ્ય કર્યું છે.” તમે આવું કહેશો તો ચર્ચાનું પરિણામ હમણાં જ આવી જશે. તેથી ઓછામાં ઓછું એટલું સાબિત થશે કે તમે કહો છો તેના પર તમને વિશ્વાસ છે.

મારી દલીલનો જગદગુરુ શંકરાચાર્ય શું જવાબ આપે છે તે સાંભળવા બધા બહુ ઉત્સુક હતા.

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, UGC

શંકરાચાર્ય જોરદાર ગુસ્સે થયા અને કહ્યું, “તમે આ સાંભળ્યું? તેમણે પોતાનું નામ સપ્તર્ષિ રાખ્યું છે. તેમના નામમાં એક નહીં, સાત-સાત ઋષિ છે. તેમના નામમાં સાત ઋષિ હોવા છતાં તેઓ વેદ, મનુસ્મૃતિ, બ્રાહ્મણ અને મારો ઉપહાસ કરે છે. હું હિન્દુ ધર્મનો આચાર્ય છું ને? એટલા માટે આ કહેવાની હિંમત છે. તમે તમારુ નામ ડેવિડ કે મહંમદ કેમ નથી રાખ્યું? એ રાખો. સપ્તર્ષિ નામ છોડી દો. તમારામાં ખરેખર હિંમત હોય અને તમે ખરા હિન્દુ હો તો કુરાન, બાઈબલ વિશે બોલો. એ ગ્રંથોની ટીકા કરો.”

તેના અનુસંધાને મેં કહ્યું, “હું હિન્દુ ધર્મનો કે ધર્મગ્રંથોનો ઉપહાસ કરતો એક પણ શબ્દ બોલ્યો નથી. મારા મોંમાં એકેય શબ્દ મૂકશો નહીં. મને કુરાન કે બાઈબલનો પણ અનાદર કરવાની કોઈ ઇચ્છા નથી. બાઈબલ કે કુરાનની ટીકા કરું તો જ હું ‘મર્દ હિન્દુ‘ છું, એવું તમારું અર્થઘટન વિચિત્ર છે. સાચો હિન્દુ પવિત્ર ગણાતા તમામ સ્થળનો આદર કરતો હોય છે. કૃપા કરીને તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો. શાંત રહો.”

આટલું કહીને મેં તેમને નમસ્કાર કર્યા.

મહારાજ શાંત થયા. તેમણે તેમની મુદ્રા બદલી. તેઓ ભક્તોના મનમાં એવું ઠસાવવા માગતા હતા કે બે કલાક સુધી ચાલેલી ચર્ચામાં તેઓ જીતી ગયા છે અને કુમાર સપ્તર્ષિ હારી ગયા છે.

તેથી તેમણે કહ્યું, “ચર્ચાનો પૂર્વાધ અહીં સમાપ્ત થાય છે. બીજા ભાગની ચર્ચા આવતી કાલે સાંજે થશે. જોઈએ કાલે શું થાય છે, પરંતુ આજે તો કુમાર સપ્તર્ષિ હારી ગયા છે અને અમે જીતી ગયા છીએ, હિન્દુ ધર્મનો વિજય થયો છે.”

મેં તેમને અટકાવીને કહ્યું, “મહારાજ, મારી લડાઈ હિન્દુ ધર્મ સાથે નથી. તમે કારણ વિના હિન્દુ ધર્મને વચ્ચે શા માટે લાવો છો? જીતમ્ મયા, જીતમ્ મયા એવો આગ્રહ શા માટે કરો છો? હું તમને હરાવવા કે તમારી સામે જીતવા ઇચ્છતો નથી. મને માત્ર તમારા વિચારો સામે, તમારી ભૂમિકા સામે વાંધો છે. તમારી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, કોઈ અંગત લડાઈ નથી.”

બીજા દિવસે રાતે ભલે ગમે તેટલો સમય લાગે, પણ ચર્ચાનો નિષ્કર્ષ ન નીકળે ત્યાં સુધી બેસી રહેવાનું નક્કી થયું હતું.

દલિત પેન્થરના નેતા નામદેવ ઢસાળે શંકરાચાર્ય પર ચપ્પલ ફેંક્યું

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, નામદેવ ઢસાળ

ચર્ચાના બીજા દિવસે મારા વિરોધમાં શિવસેના સરઘસ કાઢવાની હતી. તેના વિરોધમાં દલિતોનો મોરચો પણ નીકળવાનો હતો.

દલિત પેન્થરના નેતા નામદેવ ઢસાળે પ્રવચન દરમિયાન શંકરાચાર્ય પર એક ચપ્પલ ફેંક્યું હોવાના સમાચાર 22 માર્ચનાં અખબારોમાં પ્રકાશિત થયા હતા. એ ઉપરાંત નામદેવે એક પત્રિકા પણ બહાર પાડી હતી.

તેમાં યુક્રાંદ “મધ્યમવર્ગીય, બ્રાહ્મણી સંગઠન” હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું કે “હજારો વર્ષોથી નિર્દયપણે આપણા ગળા કાપી રહેલા, ચાર વર્ષની વ્યવસ્થાનો પ્રચાર કરી રહેલા શંકરાચાર્યને જોડાં મારવાં જોઈએ. તેમની સરકારે ધરપકડ કરવી જોઈએ. તેઓ બંધારણની વિરુદ્ધ બોલે છે. તે ગુનો છે. યુક્રાંદના બ્રાહ્મણો ઠાલી ચર્ચા કર્યા કરે છે. તેથી શંકરાચાર્યની કિંમત વધે છે. આવા નિરર્થક કાર્યક્રમો બંધ કરો.”

એ મધરાતે નામદેવે મારો સંપર્ક સાધ્યો હતો. મેં તેમના પર ગુસ્સે થઈને કહ્યું, “નામદેવ, તમારે આવું કરવું ન જોઈતું હતું. તમે શું હાંસલ કર્યું? સમાજ સમક્ષનો સવાલ શંકરાચાર્યનો નથી. મુદ્દો એ છે કે સામાન્ય ભારતીયો ધાર્મિક ભાવનાથી તેમને વિચારોનું અનુસરણ કરે છે. બહુજન સમાજ બ્રાહ્મણોને ધિક્કારે છે. તે ખોટું છે.”

“દરેક ધિક્કાર આંધળો હોય છે. તેનાથી વિપરીત બ્રાહ્મણેત્તર લોકો બ્રાહ્મણનિર્મિત વિચારોની ગુલામી છોડવા તૈયાર નથી. નામદેવ, યાદ રાખો કે આવી પ્રતિક્રાંતિથી જ પોષક વાતાવરણ તૈયાર થતું હોય છે. તમારી ઉગ્રતામાં સમજદારી, સત્યાગ્રહ અને અહિંસા ઉમેરશો તો તમે મહાન પ્રગતિશીલ નેતા બનશો.”

નામદેવને મારી વાત સમજાઈ, પરંતુ તેમણે કહ્યું, “તમારો અહિંસાનો, વૈચારિક પરિવર્તનનો, મધ્યમવર્ગીય લોકશાહી માર્ગ મને બહુ દૂરનો લાગે છે.”

યુક્રાંદનું વલણ કોઈને જોડા મારવાનું ન હતું. તેથી સવારે સમાચાર વાંચીને તરત જ મેં શંકરાચાર્યને ફોન કરીને તેમના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી.

પછી શું થયું?

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

22 માર્ચે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રવેશદ્વાર પર ઊભેલા લોકોએ મને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

વેદ પ્રકાંડ પંડિત વસંત ગાડગીલને મેં સ્મિત કરતાં કહ્યું, “કમાલ છો તમે. અમારા લીધે આ પરિસ્થિત સર્જાઈ છે અને તમે મને, વરરાજાનો મંડપમાં પ્રવેશ નકારી રહ્યા છો.” તેમણે દ્વારપાળોને ઈશારો કર્યો. મને પ્રવેશ મળ્યો.

સભાગૃહમાં પ્રવેશ્યા પછી, બહાર શું ચાલી રહ્યું છે તે જાણવાનો કોઈ રસ્તો ન હતો. ચર્ચાના પ્રારંભમાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે સમજાતું ન હતું. તેનું કારણ પછી બહાર આવ્યું હતું. જેમણે ધમાલ કરવાની હતી એ લોકો સભાગૃહમાં પહોંચ્યા ન હતા. પછી શંકરાચાર્ય આવ્યા અને ચાંદીના આસન પર બિરાજ્યા.

તેમના વિધાનથી ઉપદ્રવ થશે, એવું ધારીને તેઓ તેનું નિરાકરણ ઇચ્છતા હતા. શંકરાચાર્યે તેમની વાત પૂરી કરવાની હતી. શરૂઆતમાં મારા વિરોધ વગેરે થયું હતું. પછી મહારાજે એકતરફી જાહેરાત કરી હતી કે પહેલાં તેઓ સંપૂર્ણ ભાષણ આપશે. એ પછી જ મારે બોલવાનું છે.

મેં કહ્યું, “ઠીક છે. તમારા નિવેદન પછી મને શંકરાચાર્યને પ્રત્યેક મુદ્દાનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવો પડશે.”

મહારાજે વાત શરૂ કરી. મનુસ્મૃતિ ગ્રંથ કેટલો મહાન છે, એ વિશે તેમણે એક કલાક અને ચાલીસ મિનિટ સુધી અર્થહીન, રસાળ પ્રવચન આપ્યું હતું. પ્રવચનમાં વચ્ચે-વચ્ચે તેઓ જયજયકાર કરતા હતા. સભાખંડમાં ઉપસ્થિત લોકો તાળીઓના ગડગડાટ વડે શંકરાચાર્યને પ્રતિસાદ આપતા હતા. કારણ એક જ. તેમણે અગાઉથી નક્કી કરી લીધું હતું.

મનુસ્મૃતિની શ્રેષ્ઠતા સમજાવતાં શંકરાચાર્યે કહ્યું હતું, “આ શાસ્ત્રોનો ગ્રંથ અને ગ્રંથોનો ગ્રંથરાજ છે. તેમાં તમામ શાસ્ત્રોનો સમાવેશ છે. વાસ્તુશાસ્ત્ર, પરિવહનશાસ્ત્ર, આહારશાસ્ત્ર, બધું તેમાં છે. વિશ્વમાં એકેય એવો વિષય નથી, જેને મનુસ્મૃતિએ સ્પર્શ ન કર્યો હોય.”

પરિવહન એટલે કે ટ્રાફિકનું શાસ્ત્ર મનુસ્મૃતિમાં ઉચ્ચતમ અવસ્થાનું છે એ સાંભળીને મારું માથું ભમી ગયું હતું.

બેઠા-બેઠા મારા મોંમાંથી ‘કુછ ભી બક રહે હૈં’ એવા શબ્દો સરી પડ્યા. આ શબ્દો અન્ય લોકોએ સાંભળ્યા ન હતા, પરંતુ મહારાજે બરાબર સાંભળ્યા હતા. તેમણે મને લાઉડ સ્પીકર પર ઠપકો આપ્યો, “ચુપ રહો. બીચ મેં મત બોલો. સભાશાસ્ત્રના કેટલાક નિયમો હોય છે. હું બોલી રહ્યો છું. તમને સમજાતું નથી?”

વાસ્તવમાં શંકરાચાર્ય મૂંઝાઈ ગયા હતા. પોતાને બચાવવા માટે તેમણે જયકાર કર્યો અને પછી મારી તરફ ઈશારો કરીને કહ્યું, “તેમના શાસનકાળમાં એક મહિલા પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં જઈ રહી હતી, પરંતુ વડાં પ્રધાન એટલે કે ઇંદિરા ગાંધી એ રસ્તા પરથી પસાર થવાનાં હતાં. પોલીસે એ મહિલાને રોકી હતી. મહિલા પ્રસૂતિની પીડાથી કણસતી હતી અને રડતી કહેતી હતીઃ મને જવા દો. આખરે તે સ્ત્રીએ એ જ જગ્યાએ બાળકને જન્મ આપ્યો હતો. મનુસ્મૃતિનું શાસન હોત તો એ મહિલાને અન્યાય થયો ન હોત, કારણ કે તેમાં લખ્યું છે કે ગર્ભવતી મહિલાઓને પહેલાં માર્ગ આપો. આમના રાજમાં મહિલાઓએ રસ્તા પર મજબૂરીમાં બાળકને જન્મ આપવો પડે છે.”

તેઓ સૂચવવા માગતા હતા કે હું કૉંગ્રેસનો છુપો એજન્ટ છું.

શંકરાચાર્યે પોતાની જીતની જાહેરાત કરી

ભાષણના અંતે તેમણે કહ્યું, “આ સમાજવાદી લોકો માને છે કે બધા સમાન છે. તેમને સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ જરાય સ્વીકાર્ય નથી. હું બધા પુરુષોને સવાલ પૂછવા માગું છું કે તમારામાંથી કોણ સ્ત્રી અથવા તૃતીયપંથી બનવા ઇચ્છે છે? હાથ ઉઠાવો.”

એ પછી તેમણે એ જ સવાલ મહિલાઓને પૂછ્યો હતો, “સમાજવાદ આવ્યા પછી તમારામાંથી કોણ પુરુષ કે તૃતીયપંથી બનવા તૈયાર છે? હાથ ઉઠાવો.”

બંને સવાલ વખતે કોઈએ હાથ ઉઠાવ્યો ન હતો. આ સવાલ સાંભળીને મહિલાઓને તો બહુ ક્ષોભ થયો હતો. મહારાજે તરત નિર્ણય જાહેર કર્યો, “અમે જીતી ગયા. સમતા, સમાજવાદ કોઈને સ્વીકાર્ય નથી. બોલો....”

તેમનું કંટાળાજનક પ્રવચન પૂર્ણ થયા પછી હું તરત ઊઠ્યો અને આગલા દિવસે જે જગ્યાએ ઊભો રહીને માઇક્રૉફોનની રાહ જોવા લાગ્યો. એ જ ક્ષણે હંગામો શરૂ થયો હતો. શિવસેનાના કાકા વડકેના નેતૃત્વ હેઠળના કસ્બા પેઠના મતિમંદ પરંતુ શૂર શિવસૈનિકો બરાડા પાડવા લાગ્યા.

“ગઈ કાલે તેં હિન્દુ ધર્મના પ્રમુખ, શંકરાચાર્ય તરફ ચપ્પલ ફેંક્યું હતું ને? એ કૃત્ય બદલ માફી માગ્યા વિના અમે તને બોલવા દઈશું નહીં. અમારી લાગણીને ઠેસ પહોંચી છે. યાદ રાખજે.”

મેં કહ્યું, “બધા જાણે છે કે હું હિંસામાં માનતો નથી. દલિત પેન્થર્સના નામદેવ ઢસાળે જૂતું ફેંક્યુ હતું. એવું તેમણે જાહેરમાં કહ્યું છે. તેમનું નિવેદન અખબારોમાં પ્રકાશિત થયું છે. તેનું શ્રેય તેમને આપો. એ માટે મને જવાબદાર ગણશો નહીં.”

ત્યારે શંકરાચાર્યે કહ્યું, “મને ચંપલ મારવા માટે નિશ્ચિત રીતે તમે જ જવાબદાર છો. તમારા વિચારોને કારણે દલિતો મારા પર ઉશ્કેરાયા છે. ઉશ્કેરાઈને મને ચંપલ મારી રહ્યા છે. તમારે માફી તો માગવી જ પડશે.”

મેં કહ્યું, “મહારાજ, આ તો મારી સાથે હળાહળ અન્યાય છે. તમારી પાસે ચર્ચા કરવાની હિંમત નથી. તમે લાંબું પ્રવચન આપ્યું. હવે મારો વારો છે. મારો જવાબ નહીં સાંભળો? તમે ચર્ચાને ટાળવા બહાનું કાઢી રહ્યા છો. આ તો છેતરપિંડી છે.”

શિવસૈનિકો આરામથી ચર્ચા સાંભળી રહ્યા હતા. કાકા વડકે મારા મિત્ર છે. હિન્દુ હોવા છતાં તેઓ બુદ્ધિશાળી છે. વાંચન વગેરે કરતા માણસ છે. મને ખાતરી હતી કે તેઓ હાજર હશે તો મારામારી નહીં થાય.

શંકરાચાર્યની ચાલ

શંકરાચાર્ય અચાનક તેમના આસન પરથી ઊભા થયા. ઝડપથી મારી તરફ આગળ વધ્યા. મારી આસપાસના કાર્યકરોની સંરક્ષણ હરોળ તોડીને મારી નજીક આવ્યા. મારા પેટને અડે તે રીતે મારી તરફ પીઠ ફેરવી બન્ને હાથ ફેલાવીને ઊભા રહ્યા.

તેમણે શાંતિથી પોઝ આપ્યો. બધા ફોટોગ્રાફર્સ હાજર છે તેની ખાતરી કરી. તેમના મોં સામે માઈક ધરવામાં આવ્યું. પછી તેમણે કહ્યું, “સપ્તર્ષિને મારશો નહીં. તેને મારશો નહીં. તેઓ માફી નહીં માગે ત્યાં સુધી તેમનો મોક્ષ નહીં થાય, એવી તમારી વાત સાથે હું સંમત છું, પણ તેઓ માફી નહીં માગે.”

“તેમને માર મારવામાં આવશે તો પણ તેઓ માફી નહીં માગે. તેઓ બહુ જિદ્દી છે. આ સમાજવાદી લોકો માનવ અધિકારોને સમાનતા સુધી જ મર્યાદિત રાખે છે. સમાજવાદીઓ કરતાં હિંદુ ધર્મ વધારે સમાનતાવાદી છે. હિંદુ ધર્મ સમાજવાદ કરતાં ઘણો મોટો છે. હિંદુ ધર્મ માનવોમાં તથા તમામ પ્રાણીઓમાં ‘બ્રહ્મ’ના અસ્તિત્વને સ્વીકારે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર, ગાય, બળદ, બિલાડી, ઉંદર અને સપ્તર્ષિ બધામાં બ્રહ્મ બિરાજમાન છે.”

“તેઓ સ્વીકારે કે ન સ્વીકારે, પણ હું હિંદુઓનો પીઠાધીશ અને મુખ્ય આચાર્ય છું. તમામ હિંદુઓને મોક્ષ અપાવવાની જવાબદારી આખરે તો મારી છે. સપ્તર્ષિ માફી નહીં માગે ત્યાં સુધી તેમને મુક્તિ મળવી અશક્ય છે. મને તેની બહુ ચિંતા છે, પરંતુ મારે મારી જવાબદારી નિભાવવી પડશે. તેથી ભક્તો, હું સપ્તર્ષિ તરફથી મારી માફી માગું છું.”

આ દેખીતી રીતે મારા પરનો અત્યાચાર હતો. આને તો ધરાર માફી કહેવાય. તેઓ એવું ઇચ્છતા હતા કે “સપ્તર્ષિ આખરે હાર્યા, તેમણે માફી માગી. તેમને મારવા ઊઠ્યા હતા, પરંતુ શંકરના અવતાર જેવા ક્ષમાશીલ હિંદુઓને ક્રોધિત કર્યા. તેમને મહાન શંકરાચાર્યે હિંદુઓના ક્રોધમાંથી બચાવી લીધા,” એવા સમાચાર પ્રસારિત થાય.

તેઓ ઇચ્છતા હતા કે “મહાન શંકરાચાર્યે સામાન્ય સપ્તર્ષિને બચાવવા માટે ક્રોધિત હિંદુ ભીડને અટકાવી” હોવાના સમાચાર પ્રસારિત થાય. એ માટે આખો ખેલ પાડવામાં આવ્યો હતો.

ફોટોગ્રાફ્સ ક્લિક થઈ ગયા પછી શંકરાચાર્ય ફરી તેમના ચાંદીના આસન પર બિરાજ્યા. તેમનો ખેલ સફળ થયો હતો.

આખરે હું માફી માગવા તૈયાર થયો

કુમાર સપ્તર્ષિ શંકરાચાર્ય દલિત અસ્પૃશ્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુમાર સપ્તર્ષિ

મેં અચાનક બૂમ પાડી, “મને માઈક આપો. હું માફી માગવા તૈયાર છું.”

મારી પાસે એકમાત્ર હથિયાર બચ્યું હતું. સભાગૃહની બહાર એકઠા થયેલા સંખ્યાબંધ લોકો. મારા મોંમાંથી “સૉરી” શબ્દ સાંભળીને તેમને બહુ દુઃખ થયું હતું. અલબત્ત, તેની મને બાદમાં ખબર પડી હતી.

બહાર ઊભેલા લોકો પૈકીના કેટલાકે કહ્યું, “સપ્તર્ષિ આખરે બ્રાહ્મણ જ નીકળ્યો. શંકરાચાર્ય સમક્ષ સાષ્ટાંગ ઝૂકી ગયો. તેનું કામ સરળ છેઃ માત્ર વર્ણની વિરુદ્ધ બોલવું. આપણને સારું લાગે, પણ પછી સમાધાન કરી લે. આમાં કશું સાચું નથી. દલિતોની પીડા સમજવી હોય તો દલિતના ઘરે જન્મ લેવો પડે. ગમે તે થાય મા તે મા અને સુયાણી તે સુયાણી.”

ક્ષમા જાદુઈ શબ્દ હતો. સભાગૃહમાં કોઈએ બૂમ પાડી, “એ માફી માગી લે. વધારે બોલવાનું નહીં. ફાલતુગીરી ન જોઈએ.” મેં તરત કહ્યું, “મારે એકદમ શાંતિ જોઈએ.” હું માફી માગવાનો ન હતો. માફી બહુ મોટી લાલચ હતી. એ લોલીપોપ મેં હિંદુવાદીઓ સામે ધરી હતી. હું માફી માગીશ એવી આશાએ બધા શાંત થઈ ગયા.

પછી મેં ધીરગંભીર અવાજે કહ્યું, “આજે મને એકદમ નવો અને અદભુત સાક્ષાત્કાર થયો છે. એકને પ્રામાણિકપણે લાગે છે કે તેણે કોઈ ભૂલ કરી નથી. બીજાને એવું લાગે છે કે તેણે જે કર્યું નથી તે કૃત્ય માટે કોઈ અન્ય માફી માગે તે યોગ્ય છે.”

“માફી પરોક્ષ કબૂલાત છે. હું અત્યાર સુધી એવું માનતો હતો કે પોતે જે કર્યું નથી તેની કબૂલાત કોણ કરશે, પણ હવે શંકરાચાર્યે મારા વતી તેમની માફી માગી. તેથી મને હમણાં જ શંકરાચાર્ય પાસેથી એક નવું અને વિચિત્ર જ્ઞાન મળ્યું છે કે ત્રીજી વ્યક્તિ બીજા વતી માફી માગી શકે છે.”

“આ નવા મળેલા જ્ઞાનનો ઉપયોગ કરીને હું મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષોથી માગવી રહી ગયેલી માફી આજે માગવાનો છું. તેમાં જ બધાનું ભલું સમાયેલું છે.”

પછી મેં થોડો વિરામ લીધો. સભાગૃહમાં એટલી શાંતિ હતી કે ટાંકણી પડે તો પણ તેનો અવાજ સાંભળી શકાય.

મેં ધીરગંભીર અવાજમાં કહ્યું, “બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નથુરામ ગોડસે નામના માથાફરેલ માણસે 25 વર્ષ પહેલાં મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. ત્યારથી મરાઠી લોકો બ્રાહ્મણ જ્ઞાતિ પ્રત્યે નફરત કરવા લાગ્યા. બ્રાહ્મણોએ કહ્યું હતું: નથુરામ ગોડસે એક સ્વતંત્ર વ્યક્તિ છે. એક વ્યક્તિએ કરેલા કૃત્ય માટે તમામ બ્રાહ્મણોને જવાબદાર ઠેરવવા એ ખોટું છે.”

“મહારાષ્ટ્રના વાતાવરણને નફરત-મુક્ત બનાવવાના મહાન હેતુ માટે હું અખિલ ભારતીય મરાઠી બ્રાહ્મણ સમાજ વતી સમગ્ર મહારાષ્ટ્રની જનતાની જાહેર માફી માગું છું.”

પુરીના શંકરાચાર્ય સાથેનો આ વિવાદ દેશભરમાં ગાજ્યો ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ વિવાદ બાબતે ઘણા મોટા સમાચાર પ્રકાશિત થયા હતા. તેથી બિહારનાં તત્કાલીન મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુર સાથેની મારી જૂની મિત્રતા વધુ ગાઢ બની હતી અને મેં મહારાષ્ટ્રમાં આ વિષય પર ઘણાં પ્રવચન આપ્યાં હતાં.