ફૂલનદેવી : 'શોલે'ના ગબ્બરસિંહ કરતાં પણ વધારે ખતરનાક 'બેન્ડિટ ક્વીન'ની કહાણી

ફૂલન દેવી

ઇમેજ સ્રોત, Getty Images

80ના દાયકામાં ફૂલનદેવીનું નામ ફિલ્મ 'શોલે'ના ગબ્બરસિંહ કરતાં પણ વધારે ખતરનાક બની ગયું હતું.

એ વખતે ફૂલનના નામે ધમકી અને ઉદાહરણો પણ અપાતાં હતાં અને એ પણ મહિલાઓ દ્વારા.

કહેવામાં આવતું કે ફૂલનદેવીનું નિશાન અચૂક રહેતું અને તેનાં કરતાં પણ વધારે કઠોર તેમનું હૃદય હતું.

વિશેષજ્ઞોનું કહેવું છે કે પરિસ્થિતિએ જ ફૂલનદેવીને કઠોર બનાવી દીધાં હતાં. જ્યારે તેમણે બહમઈમાં એક લાઇનમાં ઊભા રાખીને 22 ઠાકુરોની હત્યા કરી હતી, ત્યારે તેમને જરા પણ દયા આવી નહોતી.

ફૂલનદેવી 1980ના દાયકાની શરૂઆતમાં ચંબલના વિસ્તારોમાં સૌથી ખતરનાક ડાકુ ગણાતાં હતાં.

તેમના જીવન પર ફિલ્મો પણ બની, પરંતુ તેમને હંમેશાં પોલીસનો ડર રહેતો હતો.

line

જીવનું જોખમ

ફૂલન દેવી

ઇમેજ સ્રોત, Getty Images

ખાસ કરીને ઠાકુરો સાથે તેમની દુશ્મનાવટ હતી એટલે તેમને હંમેશાં લાગતું કે તેમનાં જીવ પર જોખમ છે.

ચંબલના વિસ્તારોમાં પોલીસ અને ઠાકુરોથી નાસતાં-ફરતાં કદાચ તેઓ થાકી ગયાં હતાં એટલે તેમણે આત્મસમર્પણ કરવાનું નક્કી કર્યું.

જોકે, તેમનાં માટે આત્મસમર્પણનો રસ્તો પણ સહેલો નહોતો.

ફૂલનદેવીને શંકા હતી કે ઉત્તર પ્રદેશની પોલીસ તેમને સમર્પણ બાદ ગમે તે રીતે મારી નાખશે એટલે તેમણે મધ્ય પ્રદેશ સરકારની સામે સરેન્ડર કરવાની સમજૂતી કરી.

મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી અર્જુન સિંહની સામે ફૂલનદેવીએ એક સમારોહમાં સરેન્ડર કર્યું અને તે સમયે તેમની એક ઝલક પ્રાપ્ત કરવા માટે હજારો લોકોની ભીડ એકત્રિત થઈ હતી.

તે સમયે ફૂલનદેવીની લોકપ્રિયતા કોઈ ફિલ્મસ્ટાર કરતાં ઓછી નહોતી.

line

ઐતિહાસિક ઘટના

ફૂલન દેવી

ઇમેજ સ્રોત, Getty Images

મને યાદ છે કે ફૂલનદેવીએ લાલ રંગનું કપડું માથા પર બાંધ્યું હતું અને હાથમાં બંદૂક લઈને તેઓ મંચ તરફ આગળ વધ્યાં હતાં. ત્યારે એવું લાગ્યું જાણે લોકોના શ્વાસ અટકી ગયા હતા.

'ક્યાંક ફૂલનદેવી અહીં તો ગોળી નહીં ચલાવી દે ને?' અને થોડી જ ક્ષણોમાં ફૂલનદેવીએ પોતાની બંદૂકને માથે લગાવીને તેને અર્જુન સિંહના પગમાં મૂકી દીધી.

આ એ જ ક્ષણ હતી કે જ્યારે ફૂલનદેવીએ ડાકુના જીવનને અલવિદા કહી દીધું હતું.

ફૂલનદેવીનો સ્વભાવ ખૂબ ચીડિયો હતો અને કોઈ સાથે વાત કરતાં નહોતાં.

વાત કરતાં તો પણ મોઢામાંથી કોઈ ને કોઈ ગાળ નીકળી જતી હતી.

ફૂલનદેવી પત્રકારો સાથે વાત કરવાનું ટાળતાં હતાં.

ફૂલનદેવીનું આત્મસમર્પણ એક ઐતિહાસિક ઘટના હતી, કેમ કે બાદમાં ચંબલમાં સક્રિય ડાકુઓનો આતંક ધીમે-ધીમે ખતમ થતો ગયો.

ચંબલમાં સક્રિય ડાકુ ઘણા પ્રદેશોની સરકાર માટે માથાનો દુખાવો બનેલા હતા અને કેટલાક વિસ્તારોમાં તો તેમના આદેશની અવગણના કરવાની કોઈ હિંમત કરતું નહોતું.

લાઇન
  • 80ના દાયકામાં ચંબલના સૌથી ખતરનાક ડાકુ કહેવાતા હતા ફૂલનદેવી
  • ફૂલનદેવીએ એક જ લાઇનમાં ઊભા રાખીને 22 ઠાકુરોની કરી હતી હત્યા
  • તેઓ હંમેશા ગુસ્સામાં રહેતા હતા અને અવારનવાર કોઈને પણ ગાળો બોલી દેતા
  • ઉત્તર પ્રદેશ પોલીસ મારી નાખશે તેવા ડરથી મધ્ય પ્રદેશમાં સરેન્ડર કર્યું
  • તેમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો થઈ ગયા હતા એકઠા
  • ડાકુ જીવન છોડ્યા બાદ ફૂલનદેવીએ 11 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો
  • 1994માં મિર્ઝાપુરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા
  • તેમના જીવન પરથી શેખર કપૂરે 'ધ બેન્ડિટ ક્વિન' ફિલ્મ બનાવી હતી
લાઇન

સંસદ અને ફિલ્મ

બેન્ડિટ ક્વીન ફિલ્મનું દૃશ્ય

ઇમેજ સ્રોત, BANDIT QUEEN MOVIE

ઇમેજ કૅપ્શન, વર્ષ 1994માં તેમના જીવન પર શેખર કપૂરે 'બેન્ડિટ ક્વીન' નામે ફિલ્મ બનાવી હતી

ફૂલનદેવીએ 1983માં આત્મસમર્પણ કર્યું અને 1994 સુધી જેલમાં જ રહ્યાં.

આ દરમિયાન તેમને ક્યારેય ઉત્તર પ્રદેશની જેલમાં મોકલવામાં આવ્યાં નહોતાં.

1994માં જેલમાંથી છૂટ્યાં બાદ તેઓ 1996માં 11મી લોકસભા માટે મિર્ઝાપુરથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.

સમાજવાદી પાર્ટીએ જ્યારે તેમને લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપી તો ભારે હોબાળો થયો કે એક ડાકુને સંસદમાં પહોંચાડવાનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે.

1994માં તેમના જીવન પર શેખર કપૂરે 'બેન્ડિટ ક્વીન' નામે ફિલ્મ બનાવી જે સમગ્ર યુરોપમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.

ફિલ્મ પોતાનાં કેટલાંક દૃશ્યો અને ફૂલનદેવીની ભાષા મામલે ભારે વિવાદોમાં રહી હતી.

ફિલ્મમાં ફૂલનદેવીને એક એવાં બહાદુર મહિલાના રૂપમાં રજૂ કરવામાં આવ્યાં કે જેમણે સમાજની ખોટી પ્રથાઓ વિરુદ્ધ સંઘર્ષ કર્યો.

line

નીચીજાતિ

ફૂલન દેવી

ઇમેજ સ્રોત, Getty Images

ફૂલનદેવીનો જન્મ ઉત્તર પ્રદેશના એક ગામમાં 1963માં થયો હતો અને 16 વર્ષની ઉંમરમાં જ કેટલાક ડાકુઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.

બસ ત્યારથી જ તેઓ ડાકુ બની ગયાં અને 14 ફેબ્રુઆરી, 1981ના રોજ બહમઈમાં તેમણે 22 ઠાકુરોની હત્યા કરાવી દીધી.

આ ઘટનાએ ફૂલનદેવીનું નામ બાળકોનાં મોઢે પણ ચઢાવી દીધું હતું.

ફૂલનદેવીનું કહેવું હતું કે તેમણે આ હત્યાઓ બદલો લેવા માટે કરી હતી.

તેમનું કહેવું હતું કે ઠાકુરોએ તેમનાં પર સામૂહિક બળાત્કાર કર્યો હતો, જેનો બદલો લેવા માટે તેમણે તેમની હત્યાઓ કરાવી હતી.

ફૂલન દેવી 1998માં લોકસભા ચૂંટણી હારી ગયાં હતાં, પરંતુ આગામી વર્ષે થયેલી 13મી લોકસભામાં તેમને જીત મળી હતી.

25 જુલાઈ, 2001ના રોજ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન