અમરેલીમાં સૌથી ઓછું મતદાન છતાં ભાજપે જંગી જીત કેવી રીતે મેળવી?

અમરેલી લોકસભા

ઇમેજ સ્રોત, @IBHARATSUTARIYA/FACEBOOK JENNY THUMMAR

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડા પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે અને ખાતાંની વહેંચણી પણ કરાઈ દેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત નથી મળ્યો, એનડીએ ગઠબંધનની સરકાર બની છે.

જો ગુજરાતની વાત કરીએ તો ભાજપને 26માંથી 25 સીટ મળી છે. એક બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

ચૂંટણીઓની જાહેરાત પહેલાંથી જ ગુજરાતમાં ભાજપ માટે સહેલી લડાઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ એવું થયું નથી.

ગુજરાતમાં કેટલીક લોકસભા બેઠકોમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી થવાની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં અમરેલી બેઠક પણ હતી. પરંતુ અમરેલી બેઠકના પરિણામે રાજકીય વિશ્લેષકો સહિત મતદારોને પણ ચોંકાવી દીધા છે.

7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરેરાશ 60.13 ટકા મતદાન થયું હતું જેમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન વલસાડ લોકસભા બેઠકમાં થયું હતું, જ્યારે સૌથી ઓછું 50.29 ટકા મતદાન અમરેલી લોકસભા બેઠક થયું હતું.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર 55.75 ટકા અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 54.47 ટકા મતદાન નોંધાયું હતું.

અમરેલી લોકસભા બેઠક પર માત્ર 50.29 ટકા મતદાન થતા તેને ‘સત્તા સામે મતદારોની નારાજગી’ તરીકે જોવાતું હતું, પરંતુ ચૂંટણીના પરિણામ આવતા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ત્રણ લાખ 21 હજારની જંગી લીડથી જીત મેળવી છે.

'એન્ટી ઇન્કમ્બન્સી'ની ઓછી અસર

ભરત સુતરિયા

ઇમેજ સ્રોત, Instagram@ibharatsutariya

ઇમેજ કૅપ્શન, ભરત સુતરિયા

અમરેલી લોકસભા ચૂંટણીમાં આઠ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને 5 લાખ 80 હજાર 772 મત મળ્યા હતા. તેઓ 3 લાખ 21 હજાર અને 68 મતની લીડથી જીત્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરને 2 લાખ 59 હજાર 804 મત મળ્યા હતા. જે કુલ વોટના 29.64 ટકા છે. આ બેઠકમાં 17 લાખ 32 હજાર 810 મતદારો છે જેમાંથી 8 લાખ 71 હજાર 373 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે ઓછું મતદાન છતાં ભાજપના ઉમેદવારને ફાયદો થયો હતો.

અત્રે નોંધનીય છે કે 2004ની લોકસભાની ચૂંટણીમા અમરેલી લોકસભા બેઠકથી જેનીબહેન ઠુમ્મરના પિતા વીરજી ઠુમ્મર કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2009, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયાએ જીત મેળવી હતી.

રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "ઓછું મતદાન એ હંમેશાં ‘ઍન્ટિ ઇન્કમ્બન્સી’ હોય એવું હોતું નથી. આ ચૂંટણીમાં કોઈ મુદ્દા જોવા મળ્યા નહોતા તેમજ બંનેમાંથી કોઈ પણ પાર્ટીના ઉમેદવારનો કે પાર્ટીનો વેવ પણ જોવા મળ્યો નહોતો. રામમંદિર કે હિન્દુત્વના નામે આ વખતે મતદાન થયું હોય એ જોવામાં આવ્યું નથી. બીજો કોઈ પણ એવો મુદ્દો જોવા મળ્યો નહોતો જે લોકોને ઇમોશનલ કનેક્ટ કરી શકે."

નિષ્ણાતોના મતે સત્તા સામે નારાજગી હોય તેવા મતદારોને ‘કૉંગ્રેસનું નબળું સંગઠન’ મતદાનમથક સુધી લાવી શક્યો નથી. બીજી બાજુ ભાજપના મતદારોએ મતદાન કરવાના કારણે ઓછા મતદાન હોવા છતાં પક્ષને સીધો ફાયદો થયો છે.

અમરેલીના વરિષ્ઠ પત્રકાર મનોજ રૂપારેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "સ્થાનિક લોકોમાં ભાજપને લઈને નારાજગી જોવા મળતી હતી, પરંતુ કૉંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે આવા મતદારો મતદાનમથક સુધી પહોંચ્યા નહીં. ભાજપના કમિટેડ મતદારોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું, જેના કારણે ઓછું મતદાન છતાં તેનો ફાયદો ભાજપના ઉમેદવારને થયો છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં લગભગ 5 ટકા મતદાન ઓછું થયું છે. ગરમી, ભાજપના કાર્યકરોની નારાજગી અને કૉંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે કેટલાક મતદારોએ મતદાન કર્યું નથી. આ સિવાય આ ચૂંટણીમાં કોઈ લોકલ મુદ્દાઓ હતા નહી. મોટા ભાગે હિન્દુત્વના નામે મતદાન થયું છે."

નિષ્ણાતો અનુસાર ભાજપ દ્વારા એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો કે અહીંયાં કૉંગ્રેસને જીતાડશો તો પણ કેન્દ્ર અને રાજ્યમાં તો ભાજપની સરકાર હશે. તમારે કામ તો ભાજપ સરકાર પાસે જ કરાવવા પડશે, જેના કારણે પણ ભાજપને વધુ મત મળ્યા છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, bbc

અમરેલી બેઠક કૉંગ્રેસ કેમ હારી ગઈ?

અમરેલીના દિગ્ગજ નેતા ગણાતા અંબરિશ ડેર ચૂંટણી અગાઉ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા

ઇમેજ સ્રોત, JAIDEV VARU / CONGRESS X

ઇમેજ કૅપ્શન, અમરેલીના દિગ્ગજ નેતા ગણાતા અંબરિશ ડેર ચૂંટણી અગાઉ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા

અમરેલી વિધાનસભા બેઠકથી કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા નેતાઓ સામે ભૂતકાળમાં જીત હાંસલ કરેલી છે. આથી અમરેલી એ માત્ર ભાજપનો ગઢ હોવાનું માનવામાં આવતું નથી, પરંતુ લોકસભા ચૂંટણીમાં પરિણામ કંઈક અલગ હોય અને આ વખતે પણ એવું જ થયું છે.

નિષ્ણાતો અનુસાર અમરેલી લોકસભા બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીની હાર પાછળ ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ છે પક્ષનું નબળું સંગઠન અને નબળો પ્રચાર. બીજું કારણ છે પાર્ટી પરિસ્થિતિનો લાભ લેવામાં ચૂકી ગઈ છે.

મનોજ રૂપારેલ કહે છે કે, "અમરેલી લોકસભા બેઠકમાં કૉંગ્રેસનું મજબૂત સંગઠન જોવા મળ્યું નથી. કૉંગ્રેસ કેટલાંય વર્ષથી સત્તામાંથી બહાર હોવાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળતો નથી. લોકોના મુદ્દાઓને લઈને કોઈ જનઆંદોલન પણ કરવામાં આવ્યું નહોતું. કૉંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ સક્રિય થાય છે તેમજ પાર્ટી પાસે ફંડનો પણ અભાવ હતો. બીજી બાજુ ભાજપ બહુ મજબૂત સ્થિતિમાં હતો."

સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી જાણનાર વિશ્લેષક કૌશિક મહેતા પણ આ વાત સ્વીકારતા કહે છે કે, "કૉંગ્રેસ ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરનું નેટવર્ક એટલું મજબૂત નહોતું. પ્રચાર દરમિયાન કૉંગ્રેસના કોઈ મોટા નેતાની સભા કે મિટિંગ પણ જોવા મળી નહોતી. આ સિવાય પાર્ટીમાં સ્થાનિક સંગઠનનો પણ અભાવ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાયા હતા તેનો પણ ભાજપને ફાયદો થયો હોવાનું જણાય છે. અંબરીશ ડેર રાજુલા વિધાનસભા વિસ્તારમાં ખૂબ જ મજબૂત નેતા છે."

તેઓ વધુમાં જણાવે છે કે ભાજપના ઉમેદવાર સામે આંતરિક વિખવાદ હોવા છતાં કૉંગ્રેસ તેનો લાભ ઉઠાવી શક્યો નથી.

"અમરેલી લોકસભા બેઠકમાં ભાજપે ભરત સુતરિયાને ઉમેદવાર જાહેર કર્યો ત્યારથી તેમનો વિરોધ થઈ રહ્યો હતો. નારણ કાછડિયા અને ભરત કાનાબાર જેવા ભાજપના મોટા નેતાઓ દ્વારા ઉમેદવાર ભરત સુતરિયાની ઉમેદવારી સામે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરો દ્વારા પણ પ્રત્યક્ષ અને પરોક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ મોટી લીડ મેળવીને જીત હાંસલ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા."

તેઓ વધુમાં જણાવે છે કે ઉમેદવારો જાહેર થયા બાદ શરૂઆતમાં જેનીબહેન ઠુમ્મર મજબૂત હોવાનું જોવા મળ્યું હતું. તેમણે ઉચ્ચ અભ્યાસ કરેલો છે તેમજ તેઓ રાજકીય બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. છતાં તેઓ પ્રજાને વોટ આપવા માટે આકર્ષી શક્યાં નથી.

અમરેલી બેઠક

જેનીબેન ઠુમ્મર

ઇમેજ સ્રોત, Facebook@Jenny Thummar

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુમ્મર

વિદ્યુત જોશી કહે છે કે, "ક્યારેક સ્થાનિક ઉમેદવારનો વેવ હોય તો પણ લોકો સ્વયંભૂ મતદાન કરવા બહાર આવે છે, પરંતુ અમરેલી લોકસભા બેઠકમાં એવું કંઈ જોવા મળ્યું નહોતું. બનાસકાંઠા બેઠકમાં ગેનીબહેન ઠાકોરનો વેવ જોવા મળી રહ્યો હતો જેના કારણે ત્યાં ગત લોકસભાની ચૂંટણી કરતાં આ વખતે મતદાન વધુ થયું હતું."

અહીં ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે વર્ષ 1991થી 1998 સુધી સતત ચાર વખત અમરેલી બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે દિલીપ સંઘાણી જીત્યા હતા, પછી 2004ની લોકસભાની ચૂંટણીમાં માત્ર 2030 વોટની પાતળી સરસાઇથી કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે ભાજપના દિલીપ સંઘાણીને હરાવ્યા હતા.

2009ની લોકસભાની ચૂંટણીમાં નીલા ઠુમ્મર કૉંગ્રેસનાં ઉમેદવાર હતાં અને ભાજપે નારણ કાછડિયાને ઉમેદવાર બન્યા હતા. 2009માં નારણ કાછડિયા જીત્યા હતા.

તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં જીત્યા હતા. જોકે, આ વખતે ભાજપે નવા ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપી હતી અને તેઓ ઓછું મતદાન છતાં જંગી લીડથી જીત્યા હતા.