ક્ષત્રિય આંદોલન પછી પણ જામનગરમાંથી પૂનમ માડમ ત્રીજીવાર કેવી રીતે જીત્યાં?

ઇમેજ સ્રોત, Poonamben Madam / Facebook
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ 25 અને કૉંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ નીવડ્યાં છે. જોકે, ચૂંટણી સમયે રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનથી ભાજપને મોટું નુકસાન થવાની ભીતી હતી. ક્ષત્રિયોએ સતત એવો દાવો કર્યો હતો કે તેમના ભાજપ વિરુદ્ધ મતદાનથી ભાજપને છથી આઠ બેઠકો ગુમાવવાનો વારો આવશે.
જોકે, પરિણામોથી ભાજપને પ્રથમ દૃષ્ટિએ મોટું નુકસાન થયું હોય તેવું ફલિત થયું નથી. જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે આ આંદોલનની આડકતરી અસર થઈ છે અને ઘણી બેઠકો પર ભાજપની તેના કારણે સરસાઈ ઘટી છે.
પરંતુ જો ક્ષત્રિયોની વધુ વસ્તી ધરાવતી બેઠકો પર નજર કરવામાં આવે તો કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં ભાજપને જેવું ધારવામાં આવ્યું હતું તેવું નુકસાન થયું નથી.
જામનગરમાં ભાજપને જીત મળી

ઇમેજ સ્રોત, Poonamben Madam/FB
જે 6થી આઠ બેઠકો પર ભાજપને ક્ષત્રિય આંદોલનને કારણે નુકસાન થવાની ભીતી દેખાઈ રહી હતી તેમાંની એક બેઠક જામનગર ગણાતી હતી.
આ બેઠક પર ભાજપે તેના બે ટર્મથી જીતીને આવી રહેલા સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા હતા તો બીજી તરફ કૉંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી હતી.
ચૂંટણીપરિણામો જાહેર થતાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો 2.38 લાખ મતોથી વિજય થયો હતો.
2019ની સાથે સરખામણી કરવામાં આવે તો પૂનમ માડમની સરસાઈમાં કોઈ ફર્ક પડ્યો ન હતો કારણ કે 2019માં પણ તેમની લીડ 2.36 લાખ હતી.
જામનગરમાં કેમ આવું પરિણામ આવ્યું તે સમજવા માટે બીબીસીએ વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્ષત્રિયોમાં 'એકતાનો અભાવ'?

ઇમેજ સ્રોત, Poonamben Madam/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જામનગર લોકસભા વિસ્તારમાં જ્ઞાતિ આધારિત મતદારોની સંખ્યામાં પૂનમબહેન જે આહીર સમાજમાંથી આવે છે, તેના મતદારો કરતાં પટેલ અને મુસ્લિમ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાનું વિશ્લેષકો માને છે. આમ છતાં, પૂનમબહેનના પરિવારના અન્ય સમાજો સાથેનાં સંબંધો અને સ્થાનિક ક્ષત્રિય સમાજોમાં એકતાનો અભાવ તેમની જીતની તરફેણમાં ગયા હોય તેવા સંકેતો છે.
આ વિશે જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસીને કહ્યું, "જો આહીર મતદારો સાથે સરખામણી કરવામાં આવે તો જામનગર લોકસભામાં પટેલ અને મુસ્લિમ મતદારોનું પ્રમાણ વધુ છે. અહીં પહેલીવાર 2014માં પોતાના કાકા વિક્રમ માડમને હરાવી સંસદમાં ગયેલાં પૂનમ માડમ સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યાં. તેનું કારણ મારા મતે ક્ષત્રિયોમાં એકતાનો અભાવ છે. વધુમાં, કૉંગ્રેસના પટેલ ઉમેદવાર એ ઓછા જાણીતા હતા. આ ઉપરાંત માડમ કુટુંબનો અહીંના માછીમારો અને મુસ્લિમો સાથેનો જૂનો ઘરોબો કામ કરી ગયો છે."
રાજકારણમાંથી હાલ નિવૃત્ત થયેલા તથા પહેલાં કૉંગ્રેસમાં અને ત્યારબાદ ચીમનભાઈ પટેલ સાથે જનતાદળમાં કામ કરી ચૂકેલા પાટીદાર સમાજના અગ્રણી ગોવિંદભાઈ પટેલ પણ માડમ પરિવારના સ્થાનિક સમાજો સાથેના સંબંધો મજબૂત હોવાની પુષ્ટિ કરે છે.
ગોવિંદભાઈએ બીબીસીને કહ્યું કે, "પૂનમ માડમના પિતા હેમંત રામભાઈ માડમનો ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારમાં ભારે દબદબો હતો. કૉંગ્રેસનો જ્યારે 'તપતો સૂરજ' હતો ત્યારે તેઓ 1980 અને 1985માં અપક્ષ તરીકે બે વાર ખંભાળિયા બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા હતા. જામનગરમાં માછીમારીના વ્યવસાયમાં મુસ્લિમો વધુ પ્રમાણમાં છે. માછીમારોની સમસ્યા હોય કે અન્ય સ્થાનિક લોકોની સમસ્યા હોય, તેઓ કાયમ નિસ્વાર્થ રીતે લડ્યા હતા. જેના કારણે મુસ્લિમ મતદાતાઓ માડમ પરિવાર કોઈપણ પક્ષમાં હોય તેમની સાથે જ રહે છે."
તેઓ કહે છે, "ભૂતકાળમાં પૂનમ માડમ કૉંગ્રેસમાં હતાં અને એમના કાકા વિક્રમ માડમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ પણ 2004 અને 2009 એમ બંને ચૂંટણીઓમાં જીત્યા હતા. અલબત્ત, ત્યારબાદ પૂનમ માડમ ભાજપમાં જોડાયા અને 2014માં વિક્રમ માડમ સામે જ ચૂંટણી લડ્યા હતા. ત્યારથી દ્વારકા અને ખંભાળિયાના વિસ્તારો કાયમ તેમની સાથે રહ્યા છે."
આ વાતને સમર્થન આપતા સ્થાનિક પત્રકાર અર્જુન પંડ્યા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "હેમંતભાઈ માડમને આજે પણ લોકો માને છે અને એટલે જ માડમ પરિવારનો સભ્ય કોઈપણ પક્ષમાંથી લડતો હોય તો તેને મુસ્લિમ મતદાતાઓ પણ સમર્થન આપે છે."
તેઓ કહે છે, "જામનગર લોકસભામાં આવતી ત્રણ વિધાનસભાઓ જામનગર(ગ્રામ્ય), કાલાવડ અને જામજોધપુરમાં પટેલ અને ક્ષત્રિય મતદારોનું પ્રમાણ વધું છે. જો લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રભુત્ત્વ પાટીદારોનું છે. ત્યારપછી મુસ્લિમ અને આહીર મતદારોનું વર્ચસ્વ જોવા મળે છે. ક્ષત્રિયોની સંખ્યા તો તેમના કરતાં પણ ઓછી છે."
તેમનો મતે કૉંગ્રેસની ગણતરી એવી હતી કે પટેલ ઉમેદવાર જે.પી. મારવિયા હોવાથી, પટેલ-મુસ્લિમ-દલિત-ક્ષત્રિયના કૉમ્બિનેશનથી આ બેઠક જીતી શકાય. દ્વારકા અને જામનગરના વિસ્તારોમાં કેટલીક દરગાહ તૂટી હતી. તેના કારણે મુસ્લિમો પણ નારાજ હતા. આથી, જો ક્ષત્રિય આંદોલનનો ફાયદો મળે અને પાટીદાર મતો મળે તો કૉંગ્રેસની જીત આસાન થાય. પરંતુ એ શક્ય ન બન્યું. કારણ કે જે.પી. મારવિયા એટલો જાણીતો ચહેરો નહોતા. બીજી તરફ ક્ષત્રિય આંદોલનમાં પણ ભાગલા પડી ગયા હતા. દ્વારકા અને ખંભાળિયામાં માડમ પરિવારનો દબદબો હોવાથી મુસ્લિમ મતોમાં ભાગલા ન પડ્યા. પૂનમ માડમે સથવારા સહિત અન્ય જ્ઞાતિઓને પણ સાથે લઈને મતોનું સંતુલન સાધ્યું હોવાથી તેમની જીત આસાન બની ગઈ.

'સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનો મિજાજ અલગ'

ઇમેજ સ્રોત, Getty Images
ઘનશ્યામ શાહ પણ કહે છે કે ક્ષત્રિયોમાં પાટીદારો જેવી એકતા નથી. વળી, તેમની પાસે સામાજિક સંગઠનો પણ મજબૂત નથી.
તેમણે કહ્યું, “ભૂતકાળમાં નટવરસિંહ સોલંકીએ ‘ક્ષત્રિય સેના’ બનાવી હતી. એ સમયે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષત્રિયો તેમની સાથે જોડાયા હતા પણ તેમની સાથે સૌરાષ્ટ્રના ક્ષત્રિયો જોડાયા ન હતા.”
તેમણે જણાવ્યું, “ઇતિહાસ તરફ નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આઝાદી પછી પાટીદારોને ક્ષત્રિયો પાસેથી જમીન મળી છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષત્રિયો કરતાં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનો મિજાજ અલગ છે.”
“આ ઉપરાંત તેમનામાં એકતા દેખાતી નથી, એટલે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય આંદોલન ભલે વેગવંતું બન્યું હોય પણ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોમાં ભાગલા હતા. આથી, તેમના મતો હારજીત માટે નિર્ણાયક ન બની શક્યા. વળી, અહીં પાંચ ટર્મ સુધી ભાજપના પટેલ ઉમેદવાર જીત્યા હતા અને ક્ષત્રિયો કાયમ ભાજપ સાથે રહ્યા છે.”
જોકે, વિશ્લેષકો ક્ષત્રિયોના રૂપાલા સામેના વિરોધ આંદોલનની અસર મતો પર ન પડે તે માટે ભાજપના નેતાઓએ કરેલા પ્રયાસોને કારણે પણ પૂનમ માડમને 2019ની ચૂંટણીમાં મળેલા મતોની સરસાઈ જળવાઈ રહી હોવાનું માને છે.
ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસીને કહ્યું, “પૂનમ માડમે ક્ષત્રિયો સાથે સમાધાન કર્યું હતું. આ કામગીરીમાં જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ ક્ષત્રિયોને મનાવવાની કોશિશ કરી હતી.”
“એ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામસાહેબને મળ્યા ત્યારે તેમને જામસાહેબે પાઘડી પણ પહેરાવી હતી. મોદીએ સંબોધેલી જાહેર રેલીમાં પણ એ પાઘડી પહેરી રાખી હતી. આથી, એ સંભાવના છે કે ભાજપ તરફ રહેલા ક્ષત્રિયો કૂણા પડ્યા હોય. અહીં દરગાહ તૂટી ત્યારે થોડી નારાજગી હતી પણ એ પટ્ટામાં મતદાન જુઓ તો પૂનમબેન માડમને લીડ મળી છે. પણ એ વાત સાચી કે તેમને નારાજ રાજપૂત મતદારોને મનાવવા માટે મહેનત કરવી પડી હતી.”
ભાજપ અને કૉંગ્રેસનું આ મુદ્દે શું કહેવું છે?
પૂનમબહેનનાં વિજયને કૉંગ્રેસ અને ભાજપ પોતાની ક્ષમતાઓને આધારે મૂલવે છે અને તેમના વિરોધ અને વિજય માટે પોતાના દાવા આગળ ધરે છે.
કૉંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બીબીસીને કહ્યું, "ક્ષત્રિય આંદોલનની અસર હતી અને ક્ષત્રિય બહુમતીવાળા વિસ્તારોમાં કૉંગ્રેસ તરફી મતદાન થયું છે. પણ ઉદ્યોગગૃહોએ આ ચૂંટણીમાં મોટો ભાગ ભજવ્યો છે અને તેમને ત્યાં કામ કરનારા કામદારોને પ્રભાવિત કર્યા છે. ભાજપની સામ, દામ, દંડની નીતિને કારણે આ જીત થઈ છે. જોકે, અમે ભાજપની લીડ તો ઓછી કરી જ છે."
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, "આંદોલનના સહારે લોકોને ભડકાવીને કૉંગ્રેસ લાભ લેવા માંગતી હતી પરંતુ ક્ષત્રિયોની માફી માંગ્યા પછી કૉંગ્રેસનો એ કારસો સફળ થયો નથી."
તેમણે કહ્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કામ પર લોકોને વિશ્વાસ હતો. અહીં જામનગરમાં નેશનલ હાઈવે, રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ વિકસ્યું છે. ઉપરાંત દસ વર્ષમાં વડા પ્રધાનની નીતિને કારણે જામનગરનો વિકાસ થયો છે. જામનગરના લોકો સમરસતામાં માનનારા છે. અમારા માટે થોડા વિપરીત સંજોગો હતા પણ લોકોના અમારા પરના વિશ્વાસને કારણે અમારી જીત થઈ છે."












