ભાજપ હજુ પણ 'યુસીસી' અને 'વન નેશન, વન ઇલેક્શન'ને લાગુ કરી શકશે?

યુનિફૉર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જુગલ આર પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

ચોથી જૂને જાહેર થયેલાં ચૂંટણીનાં પરિણામો મુજબ ભાજપ પોતાના દમ પર બહુમત મેળવવામાં (240 બેઠક) નિષ્ફળ રહ્યો છે.

ભાજપે 2014માં 282 અને 2019માં 303 બેઠકો મેળવી હતી. હવે એક બહુપક્ષીય ગઠબંધન સરકાર માટે મંચ તૈયાર થઈ ગયો છે જેની રૂપરેખા પર હજુ પણ કામ ચાલુ છે.

આવી સ્થિતિમાં એ બધા મુદ્દાનું શું થશે જેના અંગે 2014 અને 2024 વચ્ચે ભાજપ બહુ બોલતો હતો અને તેના અમલીકરણ માટે પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું હતું?

બીજી ચીજોની સાથે સાથે ભાજપના મુખ્ય એજન્ડાની બાબતો સામેલ છે જેમ કે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવી અને એક રાષ્ટ્ર, એક ચૂંટણી (ઓએનઓઈ).

શું ભાજપ પોતાના સાથી પક્ષોને મનાવવામાં અને આ ફેરફારો લાગુ કરવા માટે આવશ્યક બહુમતી મેળવવામાં સક્ષમ હશે કે પછી સાવ અભેરાઈએ ચઢાવી દેવાના બદલે તેણે પોતાનો એજન્ડા નરમ કરવો પડશે?

શું ચોથી જૂને આવેલાં પરિણામો અગાઉની મોદી સરકાર (મોદી 2.0)ની યોજનાઓ, જેમ કે કાનૂની ન્યાય પ્રણાલિમાં સુધારા અથવા ડેટા સુરક્ષા જેવી યોજનાઓના અમલીકરણને પણ અસર કરશે?

આ તમામ બાબતોના જવાબ જાણવા અને સ્પષ્ટતા મેળવવા માટે બીબીસીએ ઘણા નિષ્ણાતો અને વિશ્લેષકો સાથે વાત કરી.

સમાન નાગરિક સંહિતા (યુસીસી)

યુનિફૉર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

યુસીસીને લાગુ કરવો એ વર્ષોથી ભાજપના ઘોષણાપત્રનો હિસ્સો રહ્યો છે. નવા ઘોષણાપત્ર (2024)માં જણાવાયું હતું કે, “જ્યાં સુધી ભારત એક સમાન નાગરિક સંહિતા લાગુ નહીં કરે ત્યાં સુધી લૈગિંક સમાનતા નહીં આવી શકે.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપ આ દિશામાં ક્યારે આગળ વધશે એ હજુ સુધી બિલકુલ સ્પષ્ટ નથી, પરંતુ ગૃહમંત્રી અમિત શાહે 27 મેના રોજ સમાચાર એજન્સી પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે “પાંચ વર્ષ એ પૂરતો સમયગાળો છે.”

પક્ષની યોજના સમજાવતા અમિત શાહે કહ્યું કે, “અમે ઉત્તરાખંડમાં એક પ્રયોગ કર્યો છે જ્યાં અમારી બહુમત ધરાવતી સરકાર છે, કારણ કે આ રાજ્યની સાથે સાથે કેન્દ્રનો પણ વિષય છે. મારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા એક બહુ મોટો સામાજિક, કાનૂની અને ધાર્મિક સુધારો છે.”

યુસીસીનો વિરોધ કરનારાઓમાં રાજકીય પક્ષો, સિવિલ સોસાયટી અને આદિવાસી સમૂહો સામેલ છે, જેમને પોતાની ઓળખ ગુમાવવાની બીક છે.

હકીકતમાં ગયા વર્ષે એવા અહેવાલ આવ્યા હતા કે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર અને તેમનો પક્ષ જેડીયુ (જે હવે એનડીએનો મહત્ત્વનો ઘટક છે)એ પણ યુસીસીનો ખૂલીને વિરોધ કર્યો હતો.

ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં રાખતા બિઝનેસ સ્ટાન્ડર્ડનાં કન્સલ્ટિંગ ઍડિટર અદિતિ ફડનીસ યુસીસીના ભવિષ્યને લઈને શંકા વ્યક્ત કરે છે.

તેમણે કહ્યું કે, “તેના અમલીકરણમાં ઘણી જટિલતાઓ છે. એક તરફ આદિવાસી સમુદાય નારાજ છે, કારણ કે તેમને લાગે છે કે તેમની જીવનશૈલીને અસર પડશે. મને જાણવા મળ્યું છે કે પારસી સમુદાય પણ આ જ કારણોથી યુસીસી નથી ઇચ્છતો. મારું માનવું છે કે આંધ્રપ્રદેશ અને બિહાર નક્કી કરે એ એજન્ડા પર આ સરકાર આગળ વધશે.”

અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે સરકારે હજુ સુધી સંસદમાં જેને પસાર કરવાનો છે તે યુસીસીનો મુસદ્દો રજૂ નથી કર્યો.

જોકે, લોકસભાના ભૂતપૂર્વ મહામંત્રી પીડીટી આચાર્ય તેને એક ‘વિવાદાસ્પદ એજન્ડા’ ગણાવે છે અને તેમનું કહેવું છે કે તેને લાગુ કરવા માટે ભાજપ આ વખતે સંઘર્ષ કરશે.

તેઓ જણાવે છે કે “વર્તમાન પરિસ્થિતિમાં આવો વિવાદાસ્પદ કાયદો લાગુ કરવો શક્ય નથી. ગઠબંધન (એનડીએ) પાસે સામાન્ય બહુમતી છે તેમાં તમે કેટલાક કાયદા પસાર કરી શકો છો, પંરતુ કાયમી પરિવર્તન માટે આ બહુ પડકારજનક સાબિત થવાની છે, ખાસ કરીને જ્યારે બંધારણીય સુધારા પસાર કરવાની વાત આવે ત્યારે.”

એક રાષ્ટ્ર એક ચૂંટણી (ઓએનઓઈ)

યુનિફૉર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભાજપના ચૂંટણીઢંઢેરામાં સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચ સ્તરીય સમિતિની “ભલામણોના અમલીકરણની દિશામાં કામ કરવાની” વાત કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ કામ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિ (સપ્ટેમ્બર 2023માં સ્થાપિત)એ સરકારના “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” અભિયાન અંગે આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની દરખાસ્ત કરવામાં આવી છે.

મુખ્ય વિરોધ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (આઈએનસી)એ કહ્યું છે કે તે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારની જ વિરુદ્ધ છે અને તેમણે આ વિચાર જ પડતો મૂકવામાં આવે તેવી માગણી કરી છે.

ફડનીસના કહેવા પ્રમાણે “એક વિચાર તરીકે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો મુદ્દો અભેરાઈએ ચઢાવી દેવો પડશે, ભલે પછી સમિતિએ તેના પર પોતાનું કામ પૂરું કરી દીધું હોય. મને નથી લાગતું કે આંધ્રપ્રદેશ અથવા બિહાર જેવાં રાજ્યો પોતાની વિધાનસભા ભંગ કરવા અને પછી તેને 2029 અગાઉ સામાન્ય ચૂંટણી સાથે જોડવા માટે તૈયાર થાય.”

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર સંદીપ યાદવ આની સાથે વધુ એક મુદ્દો જોડે છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે “દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાનો વિચાર સંભવિત રીતે રાજ્યોની બંધારણીય સ્વાયત્તાનું ઉલ્લંઘન કરી શકે છે. તેનાથી સત્તાનું કેન્દ્રીયકરણ થઈ શકે છે, જે ભારતના સંઘીય માળખાથી વિપરીત છે જ્યાં રાજ્યોને મહત્ત્વપૂર્ણ કાયદાકીય અને કાર્યકારી સ્વાયત્તતા મળેલી છે.”

આ વિચારની તપાસ કરવા માટે સરકાર દ્વારા રચાયેલી સમિતિએ તેની ભલામણ કરતા કહ્યું કે “પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી જોઈએ. બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓને તેની સાથે એવી રીતે સમન્વયિત કરવામાં આવે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય તેના 100 દિવસની અંદર આ ચૂંટણીઓ પણ યોજાઈ જાય.”

બંધારણીય કાયદાના નિષ્ણાત અને નેશનલ લૉ યુનિવર્સિટી, પટણાના વાઇસ ચાન્સલર પ્રોફેસર ફૈઝાન મુસ્તફાના વિચારો થોડા અલગ છે.

તેઓ કહે છે કે, “મને લાગે છે કે યુસીસી અથવા ‘વન નેશન, વન ઇલેક્શન’ જેવા કાયદાના ભવિષ્યનું આકલન કરવું હજુ ઉતાવળ ગણાશે. આપણે કેસ-ટુ-કેસ આધાર પર જોવું પડશે. હા, બંધારણીય સુધારા અથવા મહાભિયોગ પ્રસ્તાવો માટે ઉપસ્થિત અને મતદાન કરવાવાળા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીની જરૂર પડે છે. ભાજપની વર્તમાન પરિસ્થિતિના આધારે તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ નિયમિત કાનૂનોના મામલામાં, જેને સામાન્ય બહુમતથી પસાર કરી શકાય છે, તેને બહુ સહજતાથી પ્રસ્તુત કરી શકાય છે અને નિયમિત કાનૂનોનું કામ જ મોટા ભાગે ગૃહમાં થતું હોય છે. તેમને તકલીફ ત્યારે પડી શકે છે જ્યારે તેમનું એનડીએ ગઠબંધન તેની સાથે ન હોય. પાછલી લોકસભામાં ઘણા મામલામાં તેમને એનડીએ ઉપરાંત જગન (આંધ્રપ્રદેશના જગન મોહન રેડ્ડી) અને નવીન (ઓડિશાના નવીન પટનાયક)નું પણ સમર્થન મળ્યું. તેમને કેટલાક કાયદામાં ઇન્ડિયા બ્લૉકના અમુક પક્ષો પણ મદદ કરી શકે છે.”

સંસદીય અને વિધાનસભા મતક્ષેત્રનું પુનઃસીમાંકન અને સમીક્ષા

ગયા વર્ષે સરકારે સંસદને જાણ કરી કે તે સીમાંકનની કવાયત કરશે જેમાં સંસદીય અને વિધાનસભા મતક્ષેત્રોની કુલ સંખ્યાને ફરીથી તૈયાર કરવામાં આવે અને નવેસરથી સમીક્ષા કરવામાં આવે છે, અને આ કામ 2026 પછી થનારી પ્રથમ વસતીગણતરી પછી કરી શકે છે.

આ મુદ્દો રાજકીય રીતે સંવેદનશીલ હોવાના કારણે આ કવાયત પર સૌની ઝીણી નજર રહેશે.

જોકે, આચાર્યે જણાવ્યું કે “એક વખત વસતીગણતરી થઈ જાય ત્યાર પછી સીમાંકન પંચની રચના કરવાની રહેશે જેને દેશભરમાં પોતાની ભલામણો લાવવામાં સમય લાગશે. આ ઉપરાંત પંચની ભલામણોને વિચાર-વિમર્શ પછી સ્વીકારવામાં આવે છે, તો મને લાગે છે કે બંધારણીય સુધારાની જરૂર પડશે અને આ પ્રાપ્ત કરવું વિરોધ પક્ષ સહિતના પક્ષોની સહમતી વગર અથવા તેમની મંજૂરી લીધા વગર મુશ્કેલ કામ હશે.”

1 જુલાઈ 2024 સુધીમાં નવી અપરાધિક કાનૂન વ્યવસ્થા

યુનિફૉર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બર 2023માં રાષ્ટ્રપતિ દ્વારા કાયદા તરીકે હસ્તાક્ષર કરવામાં આવેલા ત્રણ કાયદા – ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 પહેલી જુલાઈ, 2024થી અમલમાં આવી જશે.

આ ત્રણેય ભારતની ક્રિમિનલ લૉ સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેના કાયદા છે.

આ કાયદા ઇન્ડિયન પિનલ કોડ 1860, કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિઝર 1973 અને ભારતીય પુરાવા ધારો, 1872નું સ્થાન લેશે.

હાલમાં એવા કોઈ સંકેતો નથી કે આ કાયદાના અમલને અટકાવી દેવામાં આવશે.

ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે આ કવાયતને ‘વેડફાઈ ગયેલી તક’ ગણાવી હતી, કારણ કે “90થી 99 ટકા જૂના કાયદાને નવા કાયદામાં કટ, કોપી અને પેસ્ટ કરવામાં આવ્યા છે.”

કેટલાક વકીલો દ્વારા આ કાયદાની અસરને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વકીલ સંજય હેગડેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે આ કાયદા ‘નાગરિક સ્વતંત્રતા માટે મોટું જોખમ છે અને તેને રોકવા જ જોઈએ.’

જોકે, સરકારે એ વાત પર ભાર મૂક્યો છે કે નવા કાયદા નાગરિકોની સુરક્ષાની સાથે સાથે ન્યાય વિતરણ પણ સુનિશ્ચિત કરશે અને તેનું અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ હિતધારકો સાથે તેઓ બેઠકો કરી રહ્યા છે.

તેવી જ રીતે, ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ, 2023ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, પરંતુ નિયમોને અંતિમ રૂપ આપવાનું હજુ બાકી છે.

પુનઃવિચાર અથવા સમીક્ષા

એવું લાગે છે કે પુનઃવિચાર અથવા સમીક્ષાનો દાયરો હવે માત્ર પ્રસ્તાવિત કાયદા પૂરતો જ સીમિત નથી રહી ગયો. એનડીએનો ત્રીજો સૌથી મોટો ઘટક પક્ષ જેડીયુ હાલમાં સંરક્ષણ દળોમાં ભરતી માટેની અગ્નિવીર યોજનામાં સુધારા કરવાની કથિત રીતે માગણી કરી રહ્યો છે.

જાતિ આધારિત વસતીગણતરી કરવી એ માત્ર વિપક્ષની માગ ન હતી. જેડીયુ અને ટીડીપી (એનડીએનો બીજો સૌથી મોટો ઘટક પક્ષ) પણ તેની માગણી કરી રહ્યો હતો.

જોકે, ભાજપે સ્પષ્ટ કહી દીધું છે કે તે આ વિચારની વિરુદ્ધમાં નથી. પરંતુ એ જોવાનું બાકી છે કે તેની પદ્ધતિ કેવી રીતે કામ કરે છે.

એકંદરે એટલું નિશ્ચિત લાગે છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પ્રકૃતિની યોજનાઓ પર સત્તાધારી ગઠબંધનમાં ચર્ચા કરવામાં આવશે. શું તેમાં વાસ્તવમાં પરિવર્તન થશે કે કેમ તે જોવાનું રહે છે.

હવે એ જોવાનું રહે છે કે તેના પર ફરીથી વિચારણા થાય છે કે નહીં.