ગેનીબહેનનાં ભાઈબહેનોએ તેમના વિશે શું કહ્યું?

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, Facebook / Geniben

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બનાસકાંઠા

“મને પોલીયો થયો હતો. કૉલેજનાં પ્રથમ વર્ષ પછી મને ગમતું ન હોવાથી, મેં કૉલેજે જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ મારાં બહેને મને હિમ્મત ન હારવા દીધી. તે પોતે મને તેમની કારમાં દરરોજ કૉલેજે લઈ જતાં અને લાવતાં. એવી રીતે મારો અભ્યાસ પૂરો થયો અને મને સ્નાતકની ડીગ્રી મળી.” આ શબ્દો ગંગાબહેન ઠાકોરનાં છે. ગંગાબહેન હાલમાં જ બનાસકાંઠાથી ચૂંટાયેલાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરનાં નાના બહેન છે.

પોતાના બહેન માટે ખૂબ જ માન ધરાવતાં ગંગાબહેન પોલીયોના કારણે ચાલી નથી શકતાં. પરંતુ ખૂબ સંઘર્ષ કરીને તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ગેનીબહેનની લોકસભા ચૂંટણીમાં જીત બાદ, બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના લોકો પ્રમાણે તેઓ હંમેશાંથી લોકોને મદદરૂપ થવાં ઇચ્છતાં હોય છે, અને તેની શરૂઆત તેમણે પોતાના પરિવારથી કરી છે.

ગેનીબહેનનાં એક બહેન અને ત્રણ ભાઈ છે. કુલ પાંચ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટાં છે. તેમના પિતા નાગજી ઠાકોર કૉંગ્રેસના કાર્યકર્તા રહી ચૂક્યા છે, અને ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારથી તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. બીબીસીએ તેમની જ્યારે મુલાકાત લીધી તો જાણ્યું કે વધુ ઉંમર થઈ જવાને કારણે નાગજી ઠાકોર હવે ખાસ કંઈ બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ તેમના પત્ની એટલે કે ગેનીબહેનનાં માતાએ અમારી સાથે વાત કરી.

વીડિયો કૅપ્શન,

ગેનીબહેનનાં માતા-પિતા આજે પણ ગામડાના એક સામાન્ય પરિવારની જેમ જ પોતાનું જીવન બનાસકાંઠાના અભાસણા ગામમાં વીતાવે છે. ત્રણેય ભાઈઓનાં અલગ અલગ મકાન ખરાં, પરંતુ માતાપિતા મોટાભાગે વાડીમાં બનાવેલા તેમના ઘરમાં રહે છે. ગેનીબહેનનાં નાના ભાઈ મેવાજી ઠાકોર તેમની સાથે રહે છે.

ખુલ્લી વાડીમાં બનેલું એક ઘર, જેમાં લીમડાની નીચે આરામ કરતાં ગેનીબહેનના પિતા નાગજી ઠાકોર, અને થોડેક દૂર ખાટલા પર ખેતીનું કામ કરીને આવેલા મેવાજી ઠાકોર નજરે પડે છે. આ સાદું ઘર જોઈને સામાન્ય રીતે ગુજરાતમાં આવું ઘર કોઈ ધારાસભ્ય કે સંસદસભ્યનું હોઈ શકે તેવું માનવું મુશ્કેલ થઈ પડે.

ગેનીબહેન વિશે જાણવા માટે અમે તેમના ભાઈ મેવાજી સાથે વાત કરી. તેમણે કહ્યું, “અમે બધા પોતાની રીતે અમારું કામ કરીએ છીએ અને જ્યારે ગેનીબહેનને જરૂર હોય ત્યારે અમે તેમની સાથે રહીએ છીએ. હાલમાં તેઓ લોકસેવાના કામમાં લાગેલાં છે, એટલે અમે તેમને ઘરનાં નાનાં-નાનાં કામો માટે પરેશાન કરતા નથી.”

મેવાજીએ વધુમાં કહ્યું, “હું ખેતી કરૂં છું, દીકરીઓ ભણે છે. અમારો પરિવાર આ ખેતરમાં જ આસપાસ ઘર બનાવીને રહે છે. ગેનીબહેન જીતી ગયાં પછી આખા ગામે મંદિરમાં પૂજા કરી હતી, અને ફટાકડા ફોડ્યા હતા. થોડા દિવસોમાં તેમના માટે એક કાર્યક્રમમાં રાખવામાં આવશે.”

વૉટ્સઍપ

ગેનીબહેનનું બાળપણ કેવું હતું?

ગેનીબહેનનાં પરિવારના સભ્યો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગેનીબહેનનાં બાળપણની વાતોને યાદ કરતાં તેમનાં માતા મશુબહેન ઠાકોર ઉત્સાહિત થઈ જાય છે. તેઓ કહે છે, “આજથી 40 વર્ષ પહેલાં, આ ગામ કે વિસ્તારની વાત તો છોડો, પરંતુ અમારા પરિવારમાં પણ જો કોઈ છોકરીને શાળાએ મોકલવી હોય તો અમારે લોકો સાથે ઝગડા કરવા પડતા હતા. ગેનીને પહેલાથી જ ભણવામાં ખૂબ રસ હતો અને કંઈ બનવાની ઇચ્છા હતી. અમારે તેને ક્યારેય એવું નથી કહેવું પડ્યું કે, ‘તું ભણવામાં ધ્યાન રાખજે.’ તે પોતાની રીતે જ ભણી અને આટલે સુધી પહોંચી છે.”

મશુબહેન વધુમાં કહે છે, “મારાં પાંચેય બાળકો નિશાળે જતાં હતાં, પણ પાંચેયને દરરોજ કોઈ સાધન (વાહન)માં તેમને નિશાળે મૂકવા જવા માટે અમારી પાસે પૈસા નહોતા. એટલે ગેની પોતે દરરોજ તેના ભાઈ સાથે ચાલીને શાળાએ જતી. અમે ગંગા (ગેનીબહેનનાં નાના બહેન) અને મેવાજીને વાહનમાં બેસાડી સ્કૂલે મોકલતાં હતાં. ગંગાને પોલીયો હોવાથી તેને વાહનમાં જ મોકલવી પડતી હતી, પણ ગેની ક્યારેય વાહનમાં બેસીને સ્કૂલ નથી ગઈ.”

તેમણે કહ્યું, “આજે તેને જોઈને ગામની જ નહીં, પરંતુ આખા સમાજની અનેક છોકરીઓ શીખી રહી છે અને ભણતરનું મહત્ત્વ સમજી રહી છે.”

ગેનીબહેને પોતાનાં બાળપણ વિશે વાત કરતાં બીબીસીને જણાવ્યું, “એકથી સાત ધોરણ તો હું ગામડાની શાળામાં જ ભણી. પછી આગળના ભણતર માટે હું લોકનિકેતન કન્યા શાળામાં અભ્યાસ કરવા માટે આવી ગઈ હતી. આજે હું એ જ કન્યાશાળાની સંચાલક બની છું.”

બહેનને ભણવા માટે સતત પ્રોત્સાહિત કરતાં રહ્યાં

ગંગાબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, BBC

ગંગાબહેન ગેનીબહેનનાં નાનાં બહેન છે. તેમના મતે ગેનીબહેન છોકરીઓને ભણવા માટે સતત પ્રોત્સાહિત કરતાં રહે છે.

ગંગાબહેન કહે છે, “મને તેઓ હંમેશાં ભણતરનું શું મહત્ત્વ છે, તેની વાત કરતાં અને ધ્યાન રાખતાં કે હું સારી રીતે અભ્યાસ કરી રહી છું કે નહીં. તેમણે આપેલી હિમ્મતને કારણે આજે હું ગ્રેજ્યુએટ થઈને સારી નોકરી કરી રહી છું, અને પગભર છું.”

ગંગાબહેન વધુમાં કહે છે, “માત્ર હું જ નહીં, સમાજની બીજી અનેક છોકરીઓને તેઓ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમની વાત સાંભળે છે, તેમની સમસ્યાનું સમાધાન લાવે છે. તેમને જરૂર હોય તો તેમના અભ્યાસ માટેની ફી પણ ભરે છે.”

તેમણે કહ્યા અનુસાર સમાજમાં છોકરીઓનાં લગ્ન વહેલાં ન થાય તે માટે ગેનીબહેને ઝુંબેશ ઉઠાવી છે. તેઓ સમાજની મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ સૌથી પહેલા કરે છે.

ગંગાબહેન કહે છે, “તેમની સામાજિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાથી તેઓ મને વધુ સમય નથી આપી શકતાં, પણ તેનો અર્થ એ નથી કે તેમને મારી ચિંતા નથી. આજે હું આખું ઘર એકલી સંભાળું છું, અને તેઓ સામાજિક કામ કરે છે.”

પહેલો મત પોતાને જ આપ્યો

 પ્રિયંકા ગાંધી સાથે ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB

ઇમેજ કૅપ્શન, પ્રિયંકા ગાંધી સાથે ગેનીબહેન ઠાકોર

ગેનીબહેને હજી સુધી કુલ નવ ચૂંટણીઓ લડી છે. તેઓ રાજકારણમાં કેવી રીતે આવ્યાં અને તેના પાછળ મુખ્ય પ્રોત્સાહન કોનું રહ્યું તે વિશે બીબીસીએ તેમની સાથે વાત કરી હતી.

ગેનીબહેન કહે છે કે, “જ્યારે હું તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહી હતી ત્યારે મેં મારો પહેલો મત મને પોતાને જ આપ્યો હતો. ત્યારબાદ મેં નવ ચૂંટણીઓ લડી છે, અને તે પછીની તમામ ચૂંટણીઓ મેં મારા દમ પર જ લડી છે.”

ચૂંટણીના રાજકારણની સમજણ તેમને પિતાથી પાસેથી વારસામાં મળી છે. તેઓ કહે છે કે, “મારા પિતા ગામના સરપંચ હતા, અને પીઢ કૉંગ્રેસી છે. તેમની સાથે હું કૉંગ્રેસના મોટા નેતા જેમ કે બી કે ગઢવી, મુકેશ ગઢવી જેવા નેતાઓને મળતી હતી. મારા પિતા મને હંમેશાં કહેતા કે એક દિવસ મારે પણ આવું જ કામ કરવાનું છે. રાજકારણના પાઠ મેં તેમની પાસેથી જ શીખ્યા છે. અને આજે હું એક કૉંગ્રેસી તરીકે કામ કરી રહી છું.”

તેઓ કહે છે, “માત્ર પહેલી ચૂંટણી જ મેં મારા પિતાના નામે લડી હતી. ત્યારબાદ મેં મારી પોતાની ઓળખ બનાવી છે, અને દરેક ચૂંટણી મારી તાકાતથી લડી છું.”

ગેનીબહેને 2012માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી, ત્યારે તેઓ લગભગ 12 હજાર મતોથી, ભાજપના શંકર ચૌધરી સામે હારી ગયાં હતાં. ત્યારબાદ તેમણે 2017ની ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરીને હરાવ્યા અને ધારસભ્ય બન્યાં હતાં. ત્યારબાદ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ગુજરાતમાં ભાજપને 156 બેઠકો મળી હતી ત્યારે પણ તેઓ કૉંગ્રેસની ટિકિટ પર જીતીને ફરીથી ધારાસભ્ય બન્યાં હતાં. 2024માં તેઓ તેમના સમાજના એવાં પહેલાં ઉમેદવાર હતાં જેમણે કોઈપણ પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોય.

શું કહેવું છે કૉંગ્રેસ નેતાઓનું?

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB

છેલ્લાં 10 વર્ષથી જ્યાં ગુજરાતમાં કૉંગ્રેસને એક પણ લોકસભા બેઠક મળતી નહોતી, ત્યાં ગેનીબહેને બનાસકાંઠાની લોકસભા બેઠક કૉંગ્રેસ માટે જીતીને પાર્ટીમાં નવો જુસ્સો ભરી દીધો છે.

તેમના માટે બનાસકાંઠાના જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા કહે છે, “બહેન જે જગ્યાએ જાય ત્યાં તેમને ખૂબ માન, સમ્માન મળે છે. તેઓ પહેલાંથી જ લોકોના સંપર્કમાં છે. લોકો સાથે જોડાયેલાં છે.”

“ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે લોકોને કહ્યું હતું કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, અને દાન માટેની અપીલ કરી હતી. તે અપીલને કારણે તેમને દાન મળ્યું અને તેના આધારે જ તેઓ આ ચૂંટણી જીતી શક્યાં છે.”

આ પણ વાંચો

શું છે તેમના વિવાદો?

ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB

તેમનાં રાજકારણ અને વ્યક્તિત્વ અંગે વિગતવાર માહિતી આપતાં સ્થાનિક પત્રકાર કલ્પેશ ઠાકોર કહે છે, “અન્ય નેતાઓથી વિપરીત ગેનીબહેન એક સામાન્ય પરિવારનાં છે. છતાં માત્ર લોકપ્રિયતાના દમે તેઓ વિરોધીઓને હંફાવી દે છે.”

બનાસકાંઠા જિલ્લામાં ‘કૉંગ્રેસની સફળતાની મિસાલ’ એવાં ગેનીબહેન પોતાનાં નિવેદનોથી ઘણી વાર વિવાદોમાં પણ સપડાતાં રહ્યાં છે.

તેમના પર ઘણી વાર જાહેર નિવેદન આપતી વખતે ‘અપશબ્દો’ અને ‘વાંધાજનક ભાષાનો’ પ્રયોગ કરવાના આરોપો લાગતા રહ્યા છે.

પછી ભલે તે ‘બળાત્કારના આરોપીઓને સરાજાહેર આગ ચાંપવાની’ વાત હોય કે પછી ‘ભાજપના નેતાઓની હત્યા’ની વાત, ગેનીબહેન કોઈને કોઈ નિવેદનને લઈને વિવાદમાં સપડાતાં રહ્યાં છે.

2019માં તેમણે ઠાકોર સમાજની અપરિણીત દીકરીઓ માટે મોબાઇલના ઉપયોગને પ્રતિબંધિત કરવાની માગણીનું પણ સમર્થન કર્યું હતું.

એ સમયે તેમણે કહ્યું હતું, "દીકરીઓએ મોબાઇલ કરતાં વધુ ધ્યાન ભણવામાં આપવું જોઈએ."