ગેનીબહેનનો વિજય ગુજરાતમાં કૉંગ્રેસને ફરી સજીવન કરી શકશે?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ જ્યારે કેન્દ્રમાં કૉંગ્રેસને નવું જીવતદાન મળ્યું છે, તેવી જ રીતે શું લગભગ મરણપથારીએ પહોંચેલી ગુજરાત કૉંગ્રેસને પણ બનાસકાંઠાની જીતે જીવતદાન આપ્યું છે? કમસે કમ ગેનીબહેન ઠાકોરનું તો એવું જ માનવું છે કે તેમનો વિજય ગુજરાત કૉંગ્રેસ માટે જીવતદાન છે.
ગુજરાત કૉંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન 2022ની વિધાનસભા ચૂંટણીમાં રહ્યું હતું, જેમાં તેને 17 બેઠકો મળી હતી, જ્યારે તેનું સૌથી સારું પ્રદર્શન 1985માં રહ્યું હતું, જ્યારે તેને 149 બેઠકો મળી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભાજપ દરેક ચૂંટણી બાદ મજબુત થયો છે. જો લોકસભાની વાત કરવામાં આવે તો ભાજપનું 2014 અને 2019 જેવું પ્રદર્શન ગુજરાતમાં કોઇ પાર્ટીએ પહેલાં કર્યું નથી.
જોકે, ભાજપના આ 'અશ્વમેધ'ને ગેનીબહેન ઠાકોરે રોક્યો છે. બીબીસે જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, “મારી જીતથી પાર્ટીને ઘણો ફાયદો થશે. મારા ચૂંટણીપ્રચારમાં ઘણા નવા કાર્યકર્તાઓ જોડાયા, લોકોનો પાર્ટી પરનો વિશ્વાસ વધુ મજબુત થયો.”
તેઓ વધુમાં કહે છે કે, “અહીંથી પાર્ટીને કેવી રીતે આગળ લઇ જવાની છે, તે વિશે તો રાજ્યના સિનિયર નેતા વધારે જાણે છે, પરંતુ હું માનું છું કે આ જીતને કારણે ઘણાં વર્ષોથી કૉંગ્રેસ પાર્ટીને જે નવી કેડરની જરૂર હતી, તે કેડર મળશે. નવા કાર્યકર્તાઓ મળશે. ચૂંટણી જીતવા માટે પૈસા નહીં, પરંતુ સારા લોકો, સારા કાર્યકર્તાઓ જોઇએ અને તે કૉંગ્રેસ પાસે વર્ષો સુધી હતા પણ કોઇ કારણસર દૂર થઈ ગયા. હવે તેઓ બધા પાછા આવી શકે એવી મને આશા છે.”
સુરત બેઠકને બાદ કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો 25માંથી 7 બેઠકો એવી હતી કે જેમાં કૉંગ્રેસને 30% થી ઓછા મત મળ્યા હતા. આ સાત બેઠકોમાં અમદાવાદ (પૂર્વ), ગાંધીનગર, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અને વડોદરાનો સમાવેશ થાય છે. જોકે, છ બેઠકો એવી હતી કે જેમાં કૉંગ્રેસે 40% કરતા વધુ મત મળ્યા હતા. આ પૈકી બનાસકાંઠાના 48.83 ટકા સાથે ગેનીબહેનની જીત થઈ હતી. બનાસકાંઠા ઉપરાંત જુનાગઢ, પાટણ, સાબરકાંઠા, અને વલસાડ જેવી બેઠકનો આમાં સમાવેશ થાય છે.
ગુજરાતમાં કૉંગ્રેસ બેઠી થઈ શકશે?

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં કૉંગ્રેસની પરિસ્થિતિ બહુ ખરાબ નથી. કેમ કે 30 ટકાથી વધુ તેના મતદારો ગમે તેવી પરિસ્થિતિમાં તેની સાથે રહ્યા છે. બાકીના 20 ટકા મતદારોની જ આખી લડાઈ છે.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, “બનાસકાંઠાની જીત અને પાટણના જીતની લગોલ મળેલા મતોથી કૉંગ્રેસને ચોક્કસ ફાયદો થઈ શકે છે. જોવાનું એ છે કે કૉંગ્રેસ હાઇ-કમાન્ડ જે દિલ્હીમાં બેસીને ગુજરાતની ધુરા સંભાળે છે કે તે રાજ્યની નેતાગીરીને ખીલવા દે છે. આ જીત પછી કૉંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયેલા અનેક લોકો સક્રિય થઈ શકે છે. જે લોકો કૉંગ્રેસ છોડીને ગયા, એ પાછા આવી શકે છે અને સૌથી મહત્ત્વનું એ છે કે જો ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ પ્રયાસ કરે તો તેને નવા નેતાઓ પણ મળી શકે છે. આ તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો કૉંગ્રેસને જરૂર ફાયદો થઈ શકે છે.”
જોકે, રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષીનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. તેઓ કહે છે, “રાજકારણમાં જનરેશન થિયરી હોય છે. જેનો અર્થ થાય છે કે દર 25 વર્ષે નવી પેઢી નવા વિચારો અને નવી રીતની અપેક્ષા કરે. પહેલા દેશમાં અને રાજ્યમાં એક પાર્ટી શાસન જ ચાલતુ હતું. મુખ્ય બે પાર્ટીઓ એટલે કે કૉંગ્રેસ અને ભાજપમાં મુખ્યત્વે ઉચ્ચ વર્ગના લોકો હતા. હવે આવું નહીં ચાલે. હવે નવી પેઢી, નવા સવાલો સાથે વાત કરી રહી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ વધુમાં કહે છે કે કોઈ પણ ચૂંટણી જીતવા માટે સારું નેતૃત્વ, નવા નેતાઓ, કોઈ એક લહેર અને સંગઠન - આ ચાર ઘટકો જરૂરી છે. પરંતુ ગુજરાત કૉંગ્રેસમાં આ તમામનો અભાવ પ્રવર્તે છે. તેમના મતે કૉંગ્રેસ જ્યાં સુધી પોતાનું સંગઠન મજબુત નહીં કરે, નવી નેતાગીરીને અવસર નહીં આપે, ત્યાં સુધી બનાસકાંઠાની જીતનો કૉંગ્રેસને લાંબાગાળાનો કોઈ ફાયદો નહીં થાય.
તેઓ જણાવે છે, “સામાન્ય રીતે કૉંગ્રેસની કામગીરી માત્ર ચૂંટણી પૂરતી હોય છે, સમાજના વિવિધ વર્ગોને કૉંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ મળતી અને વાત વાત કરતી હોય છે, બાકીના સમયમાં તેના નેતાઓ લોકો વચ્ચે રહેતા નથી, જેની સીધી અસર પક્ષ પર પડે છે. એટલે કૉંગ્રેસે 'ઇન્ટલેક્ચ્યુલ કન્સલ્ટન્સી'માંથી બહાર આવીને ગ્રાઉન્ડ પર લોકો સાથે સંપર્ક કરવાની જરૂર છે.”
જોકે રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ કહે છે, “હાલમાં દેશમાં છેલ્લાં દસ વર્ષ બાદ પ્રથમ વખત કૉંગ્રેસેને વિરોધપક્ષના નેતાની જગ્યા મળશે. વિરોધપક્ષ તરીકે જ્યારે કૉંગ્રેસ કામ કરશે, ત્યારે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કેડરની સંખ્યા પણ વધી શકે અને તેની સાથેસાથે નવી નેતાગીરી પણ આવી શકે. હાલમાં કેન્દ્રમાં કૉંગ્રેસનું પરિણામ છે વધારે જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠાની જીતે એ નક્કી કરી દીધુ છે કે ગુજરાતમાં કૉંગ્રેસ મરી નથી.”
તેઓ વધુમાં કહે છે કે, “જે પાટણ અને બનાસકાંઠાએ કરી બતાવ્યું, એનો સીધો અર્થ છે કે આજે પણ એવા ઘણા લોકો છે કે જે કૉગ્રેસને નિર્ણાયક મતો આપી રહ્યા છે.”
ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?
આ વિશે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસ નેતા અને મુખ્ય પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરી.
બનાસકાંઠાની જીત બાદ પાર્ટીની આગળની રણનીતી વિશે તેમણે વાત કરતાં કહ્યું, “જેમ રાહુલ ગાંધીએ 4000 કિલોમીટર સુધી ચાલીને જનસંપર્ક કરીને પાર્ટીમાં એક નવો બદલાવ લાવ્યા છે, તેવી જ રીતે રાજ્યના નેતાઓ પણ જનસંપર્ક કરવાનું આયોજન કરી રહ્યા છે. હવે અમારી પ્રવૃત્તીઓ માત્ર ચૂંટણી સુધી સીમિત નહીં રહે. બૂથ લેવલ એજન્ટ બનાવવાની અમારી કામગીરી અમુક સ્થળે તો 75% જેટલી પણ પહોંચી છે, તે કામ અમે ચાલુ રાખીશું કારણ કે ચૂંટણીનાં પરિણામોએ દરેક નેતા-કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ભરી દીધો છે.”
કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ગેનીબહેનની જીત એ વર્ચસ્વ અને પ્રભુત્વ સામે સામાન્ય માણસની જીત છે. એક સામાન્ય પરિવારની દીકરી હવે સાડા છ કરોડની ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરશે. બનાસકાંઠાની જનતાએ જે રીતે કૉંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે એ અભૂતપૂર્વ છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "હવે ગેનીબહેન ભાજપના અત્યાર સુધીના 26 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે."
બનાસકાંઠા ભાજપના મહામંત્રી અશોક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "બનાસકાંઠામાં પણ ભાજપ તરફી જ માહોલ હતો પરંતુ અમુક સમાજોની નારાજગીને કારણે અમને થોડા મતો ઓછા મળ્યા. આથી અહીં અમને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. પ્રજાએ જે મત આપ્યો છે એ અમને સ્વીકાર્ય છે."












