મોદી સરકારના સૌથી મોટા મંત્રીમંડળમાં કોઈ મુસ્લિમ ચહેરો કેમ નથી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
નવમી જૂનના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા અને પદગ્રહણ કર્યું.
તેમની સાથે ભાજપ અને સહયોગી દળોના 71 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધાં છે.
જો પાછલા બે કાર્યકાળની સરખામણી કરીએ તો નૅશનલ ડેમોક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ની આ સરકારનું સૌથી મોટું મંત્રીમંડળ છે.
રાજકીય નિષ્ણાતો અનુસાર આ ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કેન્દ્રીય મંત્રી તરીકે એક પણ મુસ્લિમ સાંસદને શપથ અપાડવામાં આવી નથી.
આટલું જ નહીં લોકસભામાં એનડીએના 293 સાંસદસભ્યોમાં એક પણ મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મના નથી.
દેશમાં મુસ્લિમોની ઘટતી જતી રાજકીય ભાગદારીના ચલણને રાજકીય નિષ્ણાતો અને વિરોધ પક્ષો ચિંતાજનક ગણાવી રહ્યાં છે.
બીજી બાજુ ભાજપ આ ચિંતાને ગેરવ્યાજબી ગણાવે છે.
પાર્ટી કહે છે કે તે ધર્મ અને જાતિના આધારે ટિકિટની વહેંચણી કરતી નથી અને પક્ષના ચૂંટાયેલા સભ્યો દરેકના લાભ માટે કામ કરે છે પછી ભલે લાભાર્થીની પુષ્ઠભૂમિ કોઈ પણ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એનડીએનું મંત્રીમંડળ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અઢારમી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. સહયોગી દળોની બેઠકોનો સરવાળો કરીએ તો લોકસભામાં એનડીએ પાસે 293 બેઠકો છે.
આઠમી જૂને વડા પ્રધાન સહિત 72 લોકોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લેનાર સાંસદોમાં 61 ભાજપથી છે અને 11 એનડીએનાં સહયોગી દળોના છે.
સાલ 2014 બાદ આ એનડીએની સૌથી મોટું મંત્રીમંડળ છે. 2014માં 46 મંત્રીઓએ શપથ લીધાં હતા જેમાં 24 કૅબિનેટકક્ષાના મંત્રી હતા.
2019માં મંત્રીમંડળની સંખ્યા 57 થઈ ગઈ હતી.
આ વખતે કહેવામાં આવી રહ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે નવી સરકારના મંત્રીમંડળની શપથવિધીમાં એક પણ મુસ્લિમ ચહેરાને સામેલ કરવામાં આવ્યો નથી.
એનડીએના અગાઉના બે કાર્યકાળમાં મુસ્લિમ વ્યક્તિને લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી હતી.
આ વખતે કિરેન રિજિજુ, જેઓ એક બૌદ્ધ છે, તેમને લધુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. કિરેન રિજિજુની સાથે જ્યોર્જ કૂરિયનને આ વિભાગના જૂનિયર મંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમને રાજ્યમંત્રીની જવાબદારી સૌંપવામાં આવી છે. જ્યોર્જ કૂરિયન ખ્રિસ્તી છે.
સાલ 2014માં ડૉ. નજમા હેપતુલ્લાને લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યાં હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ નજમા હેપતુલ્લા હાલ મણિપુરનાં રાજ્યપાલ છે.
2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રીની જવાબદારી આપી હતી પરંતુ ત્રણ વર્ષ બાદ સાલ 2022માં તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમના બાદ સ્મૃતિ ઇરાની પાસે આ મંત્રાલયની વધારાની જવાબદારી હતી.
એક રીતે જોવા જઈએ તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એટલે કે 2022થી જ ભાજપની એનડીએ સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી અને નથી સંસદનાં બંને ગૃહમાં કોઈ મુસ્લિમ સાંસદ.
બીજી મહત્ત્વની વાત એ છે કે સમગ્ર દેશમાં અલગઅલગ વિધાનસભામાં ભાજપના એક હજાર ધારાસભ્યો છે જેમાં માત્ર એક મુસ્લિમ ધારાસભ્ય છે.
2011ની વસતીગણતરી પ્રમાણે દેશમાં 17.22 કરોડ મુસ્લિમો છે અને દેશની કુલ વસતીના 14.2 ટકા લોકો મુસ્લિમ છે.
અઢારમી લોકસભાની ચૂંટણીમાં 24 મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યાં છે, જેમાં 21 સાંસદો ઇન્ડિયા ગઠબંધનમાંથી છે.
રાજકીય પક્ષોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ANI
ભાજપમાં મુસ્લિમોના ઘટતાં પ્રતિનિધિત્વનું જે ચલણ વધ્યું છે તેની વિરોધ પક્ષો અને રાજકીય વિશ્લેષકોએ ટીકા કરી છે.
ત્રીજી મેના રોજ કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, "હાલના વર્ષોમાં મુસ્લિમોને સારો અનુભવ થયો નથી. દેશમાં આ પ્રથમ વખત બની રહ્યું છે કે લોકસભા અને રાજ્યસભામાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. કૅબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. ભાજપે જે કર્યું છે તે ખોટું છે."
તેમણે કહ્યું કે કૉંગ્રેસની પાછલી સરકારોમાં દેશની વસતીના વિવિધ સમૂદાયને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવતું હતું.
જો કે ભાજપે વારંવાર જીતવાની ક્ષમતાનો હવાલો આપતા તેમણે કહ્યું કે ઉમેદવારોને ટિકિટ આપતી વખતે આ જ ફેક્ટરનો ખ્યાલ રાખવામાં આવે છે.
ભાજપ નકારે છે કે તે મુસ્લિમોને ટિકિટ નથી આપવા માગતી.
સાલ 2022માં ભાષણ આપતી વખતે અમિત શાહે આરોપોને ફગાવતા કહ્યું હતું કે તેમના પક્ષમાં ઉમેદાવારની ચૂંટણી જીતવાની ક્ષમતાના આધારે ટિકિટ આપવામાં આવે છે.
તેઓ અલગઅલગ વિધાનસભામાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપવાના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
યુપીમાં ચાર કરોડ મુસ્લિમો છે અને રાજ્યની તેમની 19 ટકા વસતી છે.
એવું નથી કે ભાજપે ભૂતકાળમાં મુસ્લિમોની ટિકિટ આપી નથી. ભાજપમાં ટિકિટ મેળવનાર મુસ્લિમોની સંખ્યામાં સતત ઘટાડો થયો અને આજે આ સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી.
શહનવાઝ હુસૈન ભાજપના ટિકિટ પર લોકસભા જનાર છેલ્લા સાંસદ હતા. તેમણે 2009ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી.
હાલમાં જ શહનવાઝ હુસૈને કહ્યું હતું કે ભલે અમુક મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે પરંતુ જે પણ ચૂંટાઈને આવે છે તેઓ ચોક્કસ જોશે કે સમુદાયોને લાભ પહોંચાડવાની બાબતે કોઈ ભેદભાવ નહીં થાય.
બીબીસીને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ ઝફર ઇસ્લામે કહ્યું હતું કે, "કૉંગ્રેસ અને વિરોધ પક્ષો ભાજપને હરાવવા માટે અને પોતાનો ઍજેન્ડાને પૂર્ણ કરવા માટે મુસ્લિમોનો ઉપયોગ કરતી આવી છે. જો કોઈ પક્ષ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે છે અને મુસ્લિમ તે ઉમેદવારને વોટ નહીં આપે તો કઈ પાર્ટી ટિકિટ આપશે?"
ઇતિહાસમાં જોઈએ તો માલુમ પડશે કે ભારતમાં મુસ્લિમોને તેમની વસતી પ્રમાણે સંસદમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. સંસદમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ પાંચ ટકાની આસપાસ જ રહ્યું છે પછી ભલે ચૂંટણી લડતા મુસ્લિમોની સંખ્યા સતત ઘટતી જતી હોય.
2019ની લોકસભા ચૂંટણીમાં 115 મુસ્લિમ ઉમેદવાર મેદાને હતા અને 2024માં આ સંખ્યા ઘટીને 78 પર આવી ગઈ હતી.
અન્ય લઘુમતિઓ
વાત માત્ર મુસ્લિમોની જ નથી. સત્તાધારી ગઠબંધનના 293 સાંસદોમાં એક પણ શીખ અથવા ખ્રિસ્તી નથી.
જો કે નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળમાં એક ખ્રિસ્તી અને બે શીખ મંત્રીઓને સામેલ કર્યા છે.
જ્યોર્જ કૂરિયન ખ્રિસ્તી મંત્રી છે અને શીખ મંત્રીઓ છે હરદીપસિંહ પુરી અને રવનીત સિંહ બિટ્ટુ. બિટ્ટુ હાલમાં લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બિટ્ટુને ટિકિટ આપી હતી, પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
મોદી સરકારના મંત્રીમંડળમાં સમાજના બીજા વંચિત સમૂહોને પણ ભાગીદારી આપવામાં આવી છે. ન્યૂઝ વૅબસાઇટ પ્રિન્ટ અનુસાર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં દસ દલિતો, 27 અન્ય પછાત વર્ગો અને પાંચ ધાર્મિક લઘુમતિઓને સ્થાન આપવામાં આવ્યું છે.
નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર પોલિટિકલ સ્ટીઝનાં પ્રોફેસર ઝોયા હસન કહે છે કે, મંત્રીમંડળમાં કોઈ મુસ્લિમનું ન હોવું નવાઈની વાત નથી.
તેઓ કહે છે કે, ‘‘મંત્રીમંડળ જાતિઓ અને સમુદાયોનાં વ્યાપક પ્રતિનિધિત્વનો દાવો કરે છે. એક પણ મુસ્લિમ મંત્રીને સામેલ કરવા બાબતે ભાજપની અનિચ્છા તેના એક સમુદાયને સત્તાથી બહાર રાખવા માટેના રાજકરણને દર્શાવે છે.’’
તેમના મતે, ‘‘મુસ્લિમોને નામમાત્ર પ્રતિનિધિત્વ દેવામાં પણ પીછેહઠ કરવી, તેમને હાંસિયામાં ધકેલવાના એક મોટા પેર્ટન તરફ ઇશારો કરે છે.’’
‘‘આ લોકતાંત્રિક પ્રતિનિધિત્વના સિદ્ધાંતોને નબળા પાડે છે કે જેમાં દરેક સમુદાયનું પ્રતિનિધિત્વ જરૂરી હોય છે, પછી ભલે તેમને કોઈ પણ પક્ષને મત કેમ ન આપ્યો હોય. લોકશાહી માટે એ જરૂરી છે નક્કી કરવી કે દરેક સમુદાય સંસદ અને વિધાનસભામાં તેમના પ્રતિનિધિત્વનો અનુભવ કરે. કોઈ પણ સમુદાયને ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયાથી બાકાત રાખવી બિનલોકશાહી છે.’’
ઝોયા હસન કહે છે, ‘‘આ બાબત ભવિષ્યમાં લોકશાહીને નબળી કરશે.’’
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અનેક મુદ્દાઓ પર નીતિગત ફેરફારો સૂચવવામાં આવ્યાં છે. દાખલા તરીકે યુનિફોર્મ સિવિલ કોડની જેની મુસ્લિમ વસ્તી પર નોંધપાત્ર અસર પડશે.
અમેરિકામાં ઍમહર્સ્ટ કોલેજમાં પોલિટિકલ સાયન્સના વિઝિટિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર અને નવી દિલ્હીમાં સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફૅલો ગિલીસ વેર્નિયર્સ કહે છે કે, ‘‘ભાજપનું મુસ્લિમોની અવગણના કરીને આગળ વધવાનું જે વલણ છે તેમાં કોઈ ફેરફાર આવ્યો નથી. એનડીએના સહયોગી દળોમાં કોઈ મુસ્લિમ ન હોવું જે એ વાતની સાબિતી છે કે છે કે મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવી એ હવે પક્ષમાં એક સામાન્ય રીતે સ્વીકૃત વાત બની ગઈ છે.’’
તેઓ એમ પણ કહે છે કે, ‘‘કૉંગ્રેસે પણ ઘણા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી નથી અને પાર્ટીમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વમાં પણ વર્ષ 2014ની સરખામણીમાં ઘટાડો આવ્યો છે.’’
તેમના મતે, ‘‘આ જાહેર જીવનમાં મુસ્લિમોની ભૂમિકા ઘટાડવાની પ્રક્રિયા વેગવંતી બની છે.’’
વર્નિયર્સ કહે છે કે, ‘‘ઇન્ડિયા ગઠબંધનની સાપેક્ષ સફળતા પણ બધાને સાથે લઈને ચાલવાની વ્યૂહરચના સામે જોખમ ઊભું કરે છે, જેમાં હિન્દુ જાતિઓને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય અને મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવામાં આવે.’’
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ એનડીએના લોકસભામાં ચૂંટાયેલા સાંસદોમાં આશરે 33 ટકા ઉચ્ચ જાતિના છે જ્યારે 16 ટકા સાંસદો જાટ અને મરાઠા જેવી મધ્યમ જાતિના છે અને લગભગ 26 ટકા સાંસદો અન્ય પછાત વર્ગમાંથી આવે છે. આશરે 13 ટકા સાંસદો અનુસૂચિત જાતિના છે અને લગભગ 11 ટકા અનુસૂચિત જનજાતિના છે.
તેની સરખામણીમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં 12 ટકા સાંસદ ઉચ્ચ અને એટલી જ સંખ્યામાં મધ્યમ જાતિમાંથી આવે છે. આશરે 30 ટકા સાંસદો અન્ય પછાત વર્ગોમાંથી, 17 ટકા અનુસૂચિત જાતિમાંથી અને દસ ટકા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે.
મુસ્લિમો સુધી પહોંચવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, ANI
ભાજપે ભલે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને ટિકિટ ન આપતી હોય, પરંતુ પાર્ટીએ પસમાંદા મુસ્લિમો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
પસમાંદા મુસ્લિમોને મુસ્લિમ સમાજમાં 'પછાત જાતિ' તરીકે ગણવામાં આવે છે.
એવું કહેવાય છે કે ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તીનો બહુમતી વર્ગ પસમાંદા મુસ્લિમોની છે.
વર્ષ 2023માં ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં 15 હજાર બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં ભાજપે 395 મુસ્લિમોને ટિકિટ આપી હતી.
ભાજપની ટિકિટ મેળવનારા 90 ટકા મુસ્લિમો પાસમાંદા હતા. ભાજપના દૃષ્ટિકોણથી આ સંખ્યાને મોટી ઘટના તરીકે જોવામાં આવી રહી હતી.
બે વર્ષ પહેલા દિલ્હીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ચાર પસમાંદા મુસ્લિમોને ટિકિટ આપી હતી.
રાજકીય વિશ્લેષક આસીમ અલી કહે છે કે, ‘‘ભાજપ પસમાંદા મુસ્લિમો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી છે. ભાજપને હતું કે મતદારો પસમાંદા મુસ્લિમ ઉમેદવારોને મત આપશે કારણ કે આ ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવતી હોય છે અને ચૂંટણીમાં ભાજપ દ્વારા નિયંત્રિત સ્થાનિક વહીવટીતંત્રનો ટેકો ઘણી મહત્ત્વની હોય છે.’’
તેઓ કહે છે, ‘‘જો કે, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની વિચારધારા વધુ મહત્ત્વની હોય છે. તેના કારણ આવી ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતી નથી અને મુસ્લિમ મતદારો પણ ભાજપને મત આપતા નથી.’’












