રક્ષા ખડસે: 23 વર્ષની ઉંમરે સરપંચ બનવાથી મોદી સરકારમાં મંત્રી સુધીની સફર

ઇમેજ સ્રોત, FB/RAKSHAKHADSE
અઢારમી લોકસભા માટે થયેલી ચૂંટણી માટે એનડીએને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર સરકાર બની છે.
ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારનો શપથગ્રહણ સમારોહ નવમી જૂન, 2024ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદીની મંત્રીપરિષદમાં કુલ 71 લોકોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવ્યા છે.
મંત્રીપરિષદમાં રાજ્યમંત્રી તરીકે શપથ લેનાર રક્ષા ખડસેને મોદી સરકારનાં સૌથી યુવામંત્રી તરીકે જોવાઈ રહ્યાં છે.
રક્ષા ખડસેને યુવા કલ્યાણ તેમજ રમત-ગમત વિભાગનાં રાજ્યમંત્રીનો પ્રભાર આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીની નવી કૅબિનેટમાં મહારાષ્ટ્રથી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રામદાસ આઠવલે, રક્ષા ખડસે, પ્રતાપરાવ જાધવ અને મુરલીધર મોહોલને સામેલ કરવામાં આવ્યા છે.
રક્ષા ખડસે મહારાષ્ટ્રથી એકમાત્ર મહિલા મંત્રી છે. તેઓ ત્રીજી વખત લોકસભા માટે ચૂંટાયાં છે.
રાજકારણની શરૂઆત
રાવેરના સ્થાનિક લોકોનું કહેવું છે કે રક્ષા ખડસે લગ્ન પછી તરત જ રાજકારણમાં આવી ગયાં હતાં. તેમના સસરા એકનાથ ખડસે તેમને રાજકારણમાં લઈને આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું પહેલું પદ મુક્તાઈનગર તાલુકાના કોથલી ગામના સરપંચનું હતું. કોથલી એ ખડસે પરિવારનું ગામ છે.
તેઓ વર્ષ 2010માં કોથલી ગામનાં સરપંચ બન્યાં ત્યારથી ભાજપમાં સક્રિય છે.
ત્યાર બાદ તેઓ વર્ષ 2010-12 દરમિયાન જલગાંવ જિલ્લા પરિષદનાં સદસ્ય રહ્યાં અને એ દરમિયાન તેઓ જિલ્લા પરિષદનાં અધ્યક્ષ પણ રહ્યાં.
વર્ષ 2014માં તેમને પહેલી વાર રાવેર લોકસભા બેઠકથી ભાજપે ટિકિટ આપી.
જ્યારે રક્ષા ખડસે પહેલી વાર સાંસદ બન્યાં ત્યારે તેમની ઉંમર માત્ર 26 વર્ષ હતી.
વર્ષ 2014માં તેમણે એનસીપી ઉમેદવાર મનીષ જૈનને અંદાજે સાડા ત્રણ લાખ મતોથી હરાવ્યા તથા 2019ની ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસ ઉમેદવાર ઉલ્હાસ પાટીલને સવા ત્રણ લાખ મતોથી હરાવ્યા હતા.

ગુર્જર પાટીલ-લેવા પાટીલ ફૅક્ટર

ઇમેજ સ્રોત, FB/RAKSHAKHADSE
રાવેર એ બે બેઠકોમાંથી એક છે કે જેને ઉત્તર મહારાષ્ટ્રમાં બચાવવામાં ભાજપ સફળ રહ્યો છે.
રાવેર મતવિસ્તારમાં લેવા પાટીલ અને ગુર્જર-પાટીલ બહુમતીમાં છે.
રક્ષા ખડસે પોતે ગુર્જર સમુદાયમાંથી આવે છે જ્યારે તેમના સાસરામાં ખડસે પરિવાર એ લેવા-પાટીલ સમુદાયમાં આવે છે.
ચર્ચા એ હતી કે રક્ષા ખડસે સામે તેમનાં જ નણંદ રોહિણી ખડસેને શરદ પવાર જૂથ ટિકિટ આપશે.
પરંતુ અંતે એનસીપી (શરદચંદ્ર પવાર)એ મરાઠા સમુદાયના શ્રીરામ પાટીલને ટિકિટ આપી હતી.
એકનાથ ખડસેએ એનસીપી (શરદચંદ્ર પવાર)માંથી રાજીનામું આપીને વહુના પ્રચારની જવાબદારી લીધી હતી. આથી માનવામાં આવે છે કે તેમને આ બંને જાતિના એક સાથે મતો મળ્યા.
'કમબૅકનો રસ્તો'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ રક્ષા ખડસે માટે 2024માં ટિકિટ મેળવવી મુશ્કેલ ન હતી. 2020માં એકનાથ ખડસે પોતાની નારાજગીના કારણે તેમનાં દીકરી રોહિણી ખડસે સાથે શરદ પવાર જૂથની એનસીપીમાં સામેલ થઈ ગયા, પરંતુ રક્ષા ખડસે ભાજપમાં જ રહ્યાં.
મહારાષ્ટ્ર ટાઇમ્સના નાસિક વિભાગના સ્થાનિક તંત્રી શૈલેન્દ્ર તનપુરે કહે છે કે, "રક્ષા ખડસેના સ્વરૂપમાં તેમણે ભાજપમાં પુનરાગમનનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો."
જોકે, જલગાંવના જાણકારોનું કહેવું છે કે રક્ષા ખડસેની ઉમેદવારીને લઈને અંદરખાને ઘણો વિરોધ હતો.
જિલ્લાના એક વરિષ્ઠ પત્રકારના જણાવ્યા પ્રમાણે, "ગિરીશ મહાજન અને દેવેન્દ્ર ફડણવીસ શરૂઆતથી જ રક્ષા ખડસેની ઉમેદવારીની સામે હતા. ગિરીશ મહાજને કહ્યું હતું કે એ કહેવું મુશ્કેલ છે કે ઉમેદવાર કોણ હશે. પરંતુ તેમની વફાદારીનો કદાચ તેમને ફાયદો થયો છે. ભલે સસરા અને નણંદ બીજા પક્ષમાં ચાલ્યાં ગયાં, પરંતુ તેઓ ભાજપમાં ટકી રહ્યાં. તેમણે તેમના મતવિસ્તારમાં પણ સારાં કામ કર્યાં."
ચૂંટણી પહેલાં એકનાથ ખડસેએ તેમનાં જ પુત્રવધૂ સામે સંભવિત ઉમેદવારી નકારી કાઢી હોવાની ચર્ચા હજુ પણ રાવેર મતવિસ્તારમાં સાંભળવા મળી રહી છે.
આટલું જ નહીં, રક્ષા ખડસેની ઉમેદવારીની જાહેરાત બાદ તેમણે એનસીપીના શરદ પવાર જૂથમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેમનાં વહુ માટે પ્રચાર કર્યો હતો.
તનપુરે કહે છે, "એ સમયે એકનાથ ખડસે ભાજપમાં જોડાશે એવી ઘણી વાતો થઈ હતી. તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી દીધી હતી, પરંતુ કદાચ ગિરીશ મહાજન અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે તેઓ ચૂંટણી પહેલાં જોડાયા ન હતા."
જોકે, મીડિયા સાથે વાત કરતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે, "જ્યારે મને દિલ્હીથી રક્ષાને મંત્રી પદના શપથ લેવડાવવાનો ફોન આવ્યો ત્યારે હું મારા આંસુ કાબૂમાં રાખી શક્યો ન હતો. તેમને ભાજપમાં તેમનાં કામ અને વફાદારી માટે શપથ માટે બોલાવાયાં છે."
રક્ષા ખડસે કેન્દ્રીય કૅબિનેટમાં સામેલ થનારાં મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશનાં પ્રથમ મહિલા મંત્રી છે.
એકનાથ ખડસેનાં રાજકીય ઉત્તરાધિકારી
રક્ષા ખડસેને મુખ્યત્વે એકનાથ ખડસેનાં રાજકીય ઉત્તરાધિકારી રૂપે જોવામાં આવે છે.
આ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "એકનાથ ખડસેના પુત્ર અને રક્ષા ખડસેના પતિ નિખિલનું 2012માં નિધન થયું હતું. એકનાથ ખડસેનાં પુત્રીઓ મોડેથી રાજકારણમાં સક્રિય થયાં, પરંતુ રક્ષા ખડસે 22-23 વર્ષની ઉંમરથી જ રાજકારણણાં સક્રિય છે."
"હવે તેમની પાસે કેન્દ્રીય રાજકારણનો અનુભવ છે. આથી જ હવે તેમને એકનાથ ખડસેનાં ઉત્તરાધિકારી રૂપે જોવામાં આવે છે."
અંગત જીવન

ઇમેજ સ્રોત, ANI
રક્ષા ખડસે નંદૂરબાર જિલ્લાના શહાદા તાલુકાના ખેડદીગર ગામના એક ખેડૂત પરિવારનાં છે. તેઓ ગુર્જર-પાટીલ સમુદાયમાંથી આવે છે.
તેમનાં લગ્ન એકનાથ ખડસેના પુત્ર નિખિલ સાથે થયાં હતાં. નિખિલ ખડસેનું નિધન વર્ષ 2012માં થયું હતું.
રક્ષા ખડસેને બે બાળકો કૃષિકા અને ગુરુનાથ છે. રક્ષા ખડસેના આધારે ખાનદેશ એટલે કે ઉત્તર મહારાષ્ટ્રને ત્રીજી વખત કેન્દ્રમાં મંત્રીપદ મળી રહ્યું છે.
આ પહેલાં કૉંગ્રેસના સાંસદ વિજય નવલને કેન્દ્રીય ટેલિકૉમ મંત્રાલયની જવાબદારી મળી હતી.
ત્યાર પછી વર્ષ 1999માં એરંડોલના તત્કાલીન ધારાસભ્ય એમ.કે. પાટીલને અટલ બિહારી સરકારમાં રાજ્યમંત્રીનું પદ મળ્યું.
નરેન્દ્ર મોદી કૅબિનેટની છેલ્લી બે ટર્મમાં ધુળેથી ચૂંટાયેલા સુભાષ ભામરેને રાજ્યકક્ષાનું પદ મળ્યું હતું.












