મોદી સરકાર 3.0: ગુજરાતમાંથી બનાવાયેલા મંત્રીઓ પાછળ કઈ ગણતરી હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty/FB
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે કૅબિનેટ કક્ષાના 30, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પાંચ મંત્રી તથા રાજ્યકક્ષાના 36 મંત્રીઓએ શપથ લીધા.
આ સાથે જ કયા રાજ્ય તથા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું, કયા ઘટકદળના કેટલા મંત્રી તથા લિંગ આધારિત વિશ્લેષણ શરૂ થઈ ગયું છે.
અમિત શાહ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા તથા એસ. જયશંકરે કૅબિનેટ મંત્રી તરીકે તથા ભાવનગરનાં સંસદસભ્ય નીમુબહેન બાંભણિયા રાજ્યકક્ષાનાં મંત્રી બન્યાં છે.
દેવુસિંહ ચૌહાણ (ખેડા) તથા પરશોત્તમ રૂપાલાને મંત્રી બનાવવામાં નથી આવ્યા. જ્યારે દર્શનાબહેન જરદોશ (સુરત) તથા ડૉ. મહેન્દ્ર મુંજપરાને (સુરેન્દ્રનગર) ટિકિટ આપવામાં નહોતી આવી.
આમ ભાજપના 35 સંસદસભ્યો બંને ગૃહમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાંથી છને મંત્રીપદ મળ્યા છે. આમાંથી અમુકનો મંત્રીમંડળમાં પ્રવેશ નિશ્ચિત મનાતો હતો, તો તેમાં સરપ્રાઇઝ ઍન્ટ્રી પણ હતી.
અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI
'મોદી @ 20 ડ્રીમ્સ મીટ રિયાલિટી'માં અમિત શાહે એક પ્રકરણ લખ્યું છે. જેમાં તેઓ જણાવે છે કે વર્ષ 1987માં મોદીને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેઓ પહેલી વખત મળ્યા હતા. 1995માં શંકરસિંહ વાઘેલાના બળવા પછી મોદીને ગુજરાતમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા, ત્યારે પણ શાહ તેમના સંપર્કમાં રહ્યા હતા.
વર્ષ 2001માં નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય મંત્રી તરીકે પરત ફર્યા, પરંતુ અમિત શાહે ઉન્નતિ માટે એકાદ વર્ષ રાહ જોવાની હતી. ડિસેમ્બર-2002માં ગુજરાતમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી અને જંગી લીડ સાથે ચૂંટાઈ આવેલા શાહ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બન્યા. વર્ષ 2010માં નકલી ઍન્કાઉન્ટર કેસમાં શાહની ધરપકડ થઈ અને તેમણે જેલવાસ ભોગવવો પડ્યો. જામીન ઉપર બહાર આવીને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી જીતી.
આ દરમિયાન શાહને ભાજપના મહાસચિવ બનાવવામાં આવ્યા અને તેમને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી. એનડીએએ 80માં થી 74 બેઠક જીતી. ભાજપના અધ્યક્ષ તરીકે શાહના કાર્યકાળ દરમિયાન જ પાર્ટીએ મહારાષ્ટ્ર, હરિયાણા, આસામ તથા ત્રિપુરામાં સરકારો બનાવી. પૂર્વોત્તરના ગઠબંધનને કારણે ત્યાં પેઠ મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપનો દાવો છે કે કાર્યકરોની સંખ્યાની દૃષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આ સિદ્ધિ પાર્ટીને શાહના કાર્યકાળ દરમિયાન જ મળી હતી. તેમના સમયમાં જ ભાજપે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 303 બેઠક મેળવી હતી.
વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરના કહેવા પ્રમાણે, 'મોદી અને શાહની વચ્ચે દરરોજ સાંજે એક વખત અચૂક વાત થાય છે, એમાં પણ ચૂંટણી સમયે આ વાતચીત કલાક સુધી લંબાઈ જાય. જેમાં શાહ તેમને દિવસભરનું વિવરણ મોદીને આપે છે. આ ચર્ચા ગુજરાતી ભાષામાં થાય છે અને તેઓ વાત કરતા હોય ત્યારે કોઈ રૂમમાં નથી હોતું. વર્ષ 2010માં નકલી ઍન્કાઉન્ટર કેસમાં શાહની ધરપકડ પછી બંને વધુ નજીક આવ્યા છે. '
17મી લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ગાંધીનગરની બેઠક પરથી જંગી લીડ સાથે ચૂંટાઈ આવ્યા અને મોદીએ તેમને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી બનાવ્યા. જ્યારે મોદીએ કેન્દ્ર સરકારમાં સહકાર માટે અલગ મંત્રાલયનું ગઠન કર્યું, ત્યારે શાહ તેના પ્રથમ મંત્રી બન્યા. યુસીસી તથા બંધારણના અનુચ્છેદ 370ની નાબૂદી જેવા નિર્ણય શાહના મંત્રીકાળ દરમિયાન જ લેવાયા.
સીઆર પાટીલ

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલને મંત્રીમંડળમાં કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ વખતે દર્શનાબહેન જરદોશને ટિકિટ મળી ન હતી એટલે વર્ષ 2009થી નવસારીની બેઠક ઉપરથી દરવખતે રેકૉર્ડ લીડ સાથે ચૂંટાઈ આવતાં 'પોલીસવાલા પૉલિટિશિયન' પાટીલનો પ્રવેશ નિશ્ચિત મનાતો હતો.
ક્ષેત્રવાર જોતા તેમની સ્પર્ધામાં ભરૂચની બેઠક પરથી ભાજપના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા હતા, જેઓ સાતમી વખત સંસદસભ્ય બન્યા છે. દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર નરેશ વારિયાના કહેવા પ્રમાણે, "પાટીલના કાર્યકાળ દરમિયાન ગુજરાતની ભાજપ સરકારને રાહતજનક બહુમતી મળી હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત વિધાનસભામાં રેકૉર્ડ 156 બેઠક તથા 26માંથી 25 બેઠક મળી છે એટલે મંત્રીમંડળમાં તેમની અવગણના કરવી શક્ય ન હતી."
લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી અને તમામની ઉપર ભાજપનો વિજય થયો હતો. આમ 182 સભ્યોવાળા ગૃહમાં પાર્ટીની સભ્યસંખ્યા 161 પર પહોંચી ગઈ છે.
જેપી નડ્ડા

ઇમેજ સ્રોત, X/JPNADDA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભાચૂંટણીના પગરવની વચ્ચે ફેબ્રુઆરી મહિનાના મધ્યભાગમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સંખ્યાબળને જોતાં નડ્ડા તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવે તેમ ન હતા, એટલે તેમને ગુજરાતમાંથી સંસદસભ્ય બનાવવામાં આવ્યા હતા.
એ પછી હિમાચલમાં ક્રૉસ-વૉટિંગને કારણે કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો પરાજય થયો હતો. જેમણે ચૂંટણીપરિણામોને હાઈકોર્ટમાં પડકાર્યા છે. ચૂંટણીપરિણામના એક દિવસ પહેલાં જ હિમાચલ પ્રદેશના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામાં આપી દીધા હતાં. નડ્ડાના રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠક ઉપર મતદાન સમયે નવાજૂની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. અહીં ભાજપે લોકસભાની તમામ ચાર બેઠકો જીતી છે.
નડ્ડાના કાર્યકાળ દરમિયાન જ પહેલી વખત ઓડિશામાં ભાજપની સરકાર બની રહી છે, કેરળમાં પહેલી વખત પાર્ટીનું ખાતું ખૂલ્યું છે તથા તામિલનાડુ જેવા મોટા રાજ્યમાં કોઈ બિન-દ્રવિડ પક્ષને 10 ટકા કરતાં વધુ મત મળ્યા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં ભાજપનું અસામાન્ય પ્રદર્શન રહ્યું હતું.
કેન્દ્રમાં જો ભાજપની સરકાર હોય તો પાર્ટીના પૂર્વ અધ્યક્ષને મંત્રીમંડળમાં સમાવવા એવો વણલખ્યો શિરસ્તો છે. નડ્ડાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થાય છે.
મનસુખ માંડવિયા

ઇમેજ સ્રોત, ANI
નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં મંત્રી પરશોત્તમ રૂપાલાને રાજકોટ તથા મનસુખ માંડવિયાને પોરબંદર જેવી સલામત મનાતી બેઠક પરથી ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા હતા. આ પહેલાં બંને સંસદના ઉપલા ગૃહના રસ્તે દિલ્હી પહોંચ્યા હતા.
ચૂંટણીપ્રચાર દરમિયાન રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ કારણસર જ જીતવા છતાં મંત્રીમંડળમાં તેમને સ્થાન નથી મળ્યું. કથિત રીતે તેમની ટિપ્પણીને કારણે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થયું છે.
હવે માંડવિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે, જે પાટીદાર સમાજ તથા સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. કોરોનાકાળ દરમિયાન આરોગ્ય મંત્રી તરીકે ડૉ. હર્ષવર્ધનને હઠાવીને માંડવિયાને મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. કેમિકલ અને ખાતર મંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન જ નૅનો યુરિયા લૉન્ચ થયું હતું. દવા તથા એપીઆઈના ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ પણ માંડવિયાને સોંપવામાં આવ્યું હતું.
તામિલનાડુના લોકોમાં ભાજપની સ્વીકાર્યતા વધે તે માટે 'સૌરાષ્ટ્ર-તામિલ સંગમ' હાથ ધરવામાં આવ્યું હતું, જેના આયોજનમાં માંડવિયાની મોટી ભૂમિકા હતી. તામિલનાડુમાં 39માંથી 11 બેઠક ઉપર ભાજપ બીજાક્રમાંકે રહ્યો હતો. એનડીએને 18.28 ટકા તથા ભાજપને 11.24 ટકા મત મળ્યા છે. જે ભાજપ માટે રાજ્યમાં આશાસ્પદ ચિત્ર ઊભું કરે છે.
એસ. જયશંકર

ઇમેજ સ્રોત, X/PemaKhanduBJP
નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પહેલી નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ મંત્રી હતાં. પરંતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે આરોગ્યના કારણોસર મધ્ય પ્રદેશની પરંપરાગત વિદિશા બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો.
સ્વરાજ ટ્વિટર (હાલનું ઍક્સ) ઉપર ભારતીય નાગરિકોની સમસ્યા સાંભળીને તેમને સહાય કરતા દેશ-વિદેશમાં વસતાં ભારતીયોમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. આ સંજોગોમાં આગામી વિદેશ મંત્રી પ્રત્યે અપેક્ષાઓ વધી જવા પામી હતી.
નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ દરમિયાન પૂર્વ વિદેશ સચીવ એસ. જયશંકરને વિદેશ મંત્રી બનાવ્યા હતા, જેઓ નિવૃત્તી પછી એક ખાનગી કંપની સાથે જોડાઈ ગયા હતા.
જયશંકરના કાર્યકાળ દરમિયાન કોવિડની મહામારી, રશિયા યુક્રેન યુદ્ધ તથા ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ, કૅનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા, કૅનેડા-યુકે-યુએસમાં ભારતીય દુતાવાસો સામે ખાલિસ્તાનસમર્થકો દ્વારા વિરોધપ્રદર્શન તથા તેના કારણે ઊભા થયેલા તણાવ જેવા આંતરરાષ્ટ્રીય પડકાર ભારતે જોયા છે.
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા સંદર્ભે પશ્ચિમની ટીકાના સંદર્ભે એમણે આપેલાં જવાબોની ક્લિપ્સ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી. રાજકીય વિશ્લેષક ઉર્વિશ કોઠારીના કહેવા પ્રમાણે, "મંત્રીમંડળ માટે એસ. જયશંકરની અવગણના થઈ શકે તેમ ન હતી. તેઓ શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે અને તેમનો બહોળો અનુભવ પણ છે. ભાજપ પાસે તેમનો જોટો મળવો મુશ્કેલ હતો. "
નીમુબહેન બાંભણિયા

ઇમેજ સ્રોત, ANI
નીમુબહેન બાંભણિયાએ ભાવનગરની બેઠક ઉપરથી સંસદસભ્ય બન્યાં છે, તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને ચાર લાખ કરતાં વધુ મતે પરાજય આપ્યો હતો.
નીમુબહેન ભાવનગર મહાનગરપાલિકામાં નગરસેવિકા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને 15 વર્ષ નગરસેવિકા રહ્યાં. એ દરમિયાન તેઓ બે વખત શહેરનાં મેયર બન્યાં. આ સિવાય તેઓ પાર્ટીમાં જિલ્લા તથા રાજ્યસ્તરે મહિલા મોરચાની અલગ-અલગ જવાબદારીઓ સંભાળી છે.
રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાના મતે, "નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાથી મંત્રીમંડળમાં ગુજરાતનું મહત્ત્વ રહેવાનું જ. નીમુબહેન બાંભણિયા તળપદા કોળી સમાજના છે, જે ઓબીસી વર્ગમાં આવે છે. તેમને મંત્રી બનાવીને પાર્ટીએ મહિલા અને ઓબીસીનું સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે."
વર્તમાન એનડીએ સરકારમાં મોદી સિવાય 71 મંત્રી છે, જેમાંથી સાત મહિલા મંત્રી છે. જે 9.85 ટકા છે. 17મી લોકસભામાં દરમિયાન સંસદના નીચલાગૃહ તથા વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બીલ પસાર થયું હતું.
ગુજરાતને કેટલું પ્રતિનિધિત્વ?

ઇમેજ સ્રોત, X/@NARENDRAMODI
ગુજરાતમાં લોકસભાની 26 તથા રાજ્યસભાની 11 બેઠક છે. જેમાંથી લોકસભામાં 25 તથા રાજ્યસભામાં 10 બેઠક ભાજપ ધરાવે છે. આમ પાર્ટીનું કુલ સંખ્યાબળ 35નું છે.
જેમાંથી શાહ, નડ્ડા, માંડવિયા, જયશંકર તથા પાટીલને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આમ 14.25 ટકા સંસદસભ્યોને કૅબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, જ્યારે 17.15 ટકા સંસદસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યાં છે.
કોઠારીના કહેવા પ્રમાણે, "ટેકનિકલી નડ્ડા અને જયશંકર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેમને ગુજરાતી કહી ન શકાય. બંને માટે સૅફ સીટની જરૂર હતી, જે તેમને ગુજરાતમાં મળી હતી. વાસ્તવમાં જેઓ ગુજરાતના હોય અને રાજ્યમાંથી જ ચૂંટાઈ આવતા હોય તેમને જ ખરા અર્થમાં લોકપ્રતિનિધિ કહી શકાય."
આ રીતે જોવામાં આવે તો શાહ, પાટીલ, માંડવિયા તથા બાંભણિયા એમ ચાર ગુજરાતી સંસદસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જે 11.43 ટકા થાય છે તથા અન્ય મોટા રાજ્યોની સરેરાશની આસપાસ જ છે.
મંત્રીમંડળ માટે પડકારો
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી પ્રમાણે નરેન્દ્ર મોદી સામે પહેલો સૌથી મોટો પડકાર ગઠબંધનના સહયોગીઓને સંતુષ્ટ કરવાનો છે. બીજું કે ભાજપના ઘણા મંત્રીઓની ટિકિટ કપાઈ અને અન્ય મંત્રીઓને સામેલ કરાયા છે. જોકે આ સંખ્યા હજુ 81 સુધી જઈ શકે છે તો એવું બની શકે કે આગળ હજુ મંત્રીમંડળનો વિસ્તાર થાય.
છેલ્લા એક દાયકામાં ભાજપના કરેલા વાયદાઓનું શું થશે એ પણ એક પડકાર છે. બે કરોડ યુવાનોને નોકરી, ખેડૂતોની બમણી આવક જેવા તેમના વાયદા હજુ સુધી પૂરા નથી થઈ શક્યા. યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શન પણ એ યાદીમાં છે.
વિશ્લેષકો માને છે કે હવે નરેન્દ્ર મોદીને પોતાના વાયદાઓનો હિસાબ આપવો પડશે. ટૂંકમાં પોતાની કહેલી વાતો અને વાયદા સિદ્ધ કરવા પડશે.
મંત્રીમંડળમાં કુલ 33 નવા ચહેરાઓ સામેલ થયા છે અને સ્મૃતિ ઈરાની તથા અનુરાગ ઠાકુર જેવા ચર્ચિત ચહેરાઓ પડતા મૂકાયા છે. જાણકારોના મતે ગઠબંધનની સરકારમાં આગળ જતાં તેને લઈને કોઈ વિવાદ કે ખેંચતાણ થાય છે કે નહીં એ પણ જોવાનું રહ્યું.












