જ્યારે ચંદ્રબાબુ નાયડુના લીધે સાસુએ પતિના અસ્થિવિસર્જન ન કરવાના સોગંદ લીધા

એનટીઆર તેમનાં બીજી પત્ની લક્ષ્મી પાર્વતી સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનટીઆર તેમનાં બીજી પત્ની લક્ષ્મી પાર્વતી સાથે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 1993માં અવિભાજિત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને ફિલ્મ અભિનેતા એનટી રામારાવ તિરુપતિની એક જાહેરસભામાં પોતાની પાર્ટીના હજારો કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આમ તો આ એક ફિલ્મ ઇવેન્ટ હતી, પરંતુ મંચ પર ચલચિત્ર કરતાં વધુ ફિલ્મી દૃશ્ય ભજવાવાનું હતું.

અમેરિકાથી લકવાની સારવાર કરીને પરત ફરેલા રામારાવે બોલવાનું શરૂ કર્યું કે કેવી રીતે એક મહિલાએ તેમને મોતના મુખમાંથી બચાવ્યા અને જો મહિલા તૈયાર થાય તો તેઓ એમની સાથે લગ્ન કરવા માગે છે.

ઉપસ્થિત જનમેદનીની વચ્ચે એનટીઆર એ મહિલાના ગળામાં લગ્નસંબંધનો પવિત્ર દોરો બાંધવા માગતા હતા. એનટીઆરે બૂમ પાડીને મહિલાને બોલાવ્યા.

નીચે બેઠેલા એનટીઆરના જમાઈ વાતને પામી ગયા. તેમણે તરત જ વીજળી કપાવી નાખી. બધે અંધારું છવાઈ ગયું. અંધાધૂંધીમાં એનટીઆરનું ભાષણ આટોપાઈ ગયું તથા એનટીઆરે દોરો બાંધ્યો કે નહીં, તે સ્પષ્ટ ન હતું.

આ જમાઈ એટલે ચંદ્રબાબુ નાયડુ, જેમણે બુધવારે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે, ત્યારે એક નજર તેમના પરિવારની સાર્વજનિક કહાણી પર, જે ફિલ્મ જેવી જ રોચક છે.

પત્નીથી નજીક, સંતાનોથી દૂર

એનટી રામારાવ

ઇમેજ સ્રોત, Harper Collins

એનટીઆરનું આખું નામ નંદામુરી તારક રામારાવ હતું, પરંતુ ચાહકોમાં તેઓ ટૂંકાક્ષરીથી જ લોકપ્રિય હતા. તેઓ સાત દીકરા અને ચાર દીકરીના પિતા હતા. એનટીઆર ફિલ્મોમાં દેવીપાત્રો ભજવવાને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા અને પાછલાં વર્ષો દરમિયાન ભગવાં કપડાં પણ પહેરતાં અને તેમના ગળા તથા ક્યારેક હાથમાં માળા રહેતી.

પોતાના સમયમાં એનટીઆર ખૂબ જ વ્યસ્ત ફિલ્મ અભિનેતા હતા, જેના કારણે તેઓ સંતાનોના ઉછેરનાં વર્ષો દરમિયાન તેમની ઉપર ધ્યાન આપી શક્યા ન હતા, પરંતુ તેમનાં પત્નીએ માતા તરીકેની ભૂમિકા સુપેરે ભજવી હતી.

બાળકો તેમનાં માતાથી જેટલાં નજીક હતાં, એટલા પિતા સાથે નિકટતા ધરાવતા ન હતા. એનટીઆરને તેમનાં સંતાનોના ક્રમ કે તેઓ ક્યાં અભ્યાસ કરે છે, તેના વિશે પણ માહિતી ન રહેતી.

એનટીઆર પરોઢના ત્રણ કલાક પહેલાં ઊઠી જતા અને પેટ ભરીને ભોજન કરતા. તેમનાં પત્ની વર્ષો સુધી એનટીઆર કરતાં પહેલાં ઊઠી જતાં અને તેમના માટે ભોજન બનાવતાં, પરંતુ વર્ષ 1984માં કૅન્સરના કારણે તેમનું અવસાન થયું. પુખ્ત સંતાનો પોત-પોતાના ક્ષેત્રોમાં વ્યસ્ત થઈ ગયાં હતાં તથા એનટીઆર રાજકારણમાં સક્રિય હતા.

રાજીવ ગાંધી દ્વારા તેલુગુ મુખ્ય મંત્રી સાથે કથિત દુર્વ્યવહારની ઘટના પછી એનટીઆરે તેલુગુ દેશમ્ પાર્ટી સાથે જોડાયા, પક્ષ માટે તેલુગુ આત્મગૌરવનો મુદ્દો મુખ્ય હતો.

એનટીઆરના જમાઈ ચંદ્રબાબુ નાયડુ કૉંગ્રેસના ધારાસભ્ય તથા એ સરકારમાં મંત્રી પણ હતા. એટલે સુધી કે વર્ષ 1983ની ચૂંટણી તેઓ કૉંગ્રેસની ટિકિટ પર લડ્યા, પરંતુ હારી ગયા. એ પછી તેઓ ટીડીપીમાં આવી ગયા.

બીબીસી ગુજરાતી

'લક્કી' લક્ષ્મીની ઍન્ટ્રી

તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે એનટી રામારાવ

ઇમેજ સ્રોત, CLS Publishers

ઇમેજ કૅપ્શન, તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે એનટી રામારાવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ ઑગસ્ટ-1984માં એનટીઆર સર્જરી માટે અમેરિકા ગયા હતા, ત્યારે તેમની ગેરહાજરીમાં પાર્ટીમાં આંતરિક બળવો થયો અને નાણામંત્રી તથા પૂર્વ કૉંગ્રેસીને મુખ્ય મંત્રી બનાવી દેવામાં આવ્યા. એનટીઆર ભારત પરત ફર્યા તથા ધારાસભ્યોના ટેકાનું શક્તિપ્રદર્શન કર્યું. સ્થિતિ વકરતા એનટીઆરને ફરીથી મુખ્ય મંત્રીપદે બેસાડવામાં આવ્યા.

બેએક મહિના પછી વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઈ, સમગ્ર દેશમાં કૉંગ્રેસતરફી વલણ હતું, ત્યારે આંધ્રપ્રદેશમાં ટીડીપીએ લોકસભાની 30 જેટલી બેઠક જીતી હતી અને દેશમાં તે બીજા ક્રમાંકનો સૌથી મોટો પક્ષ બન્યો હતો.

વર્ષ 1985માં એનટીઆરે મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી અને ફરી એક વખત તેમનો પક્ષ સત્તા પર આવ્યો. તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. એ પછી તેઓ સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા, પરંતુ રાષ્ટ્રીયસ્તરે તેમનું કદ વધ્યું હતું.

રાષ્ટ્રીય મોરચા હેઠળ જનતા દળ, ડાબેરી પક્ષો ટીડીપી, ડીએમકે, આસામ ગણ પરિષદ, ઇન્ડિયન કૉંગ્રેસ (સોશિયાલિસ્ટ) જેવા પક્ષો એક થયા. રાજકીય પરિદૃશ્ય પર ભાજપ હજુ નોંધપાત્ર પક્ષ નહોતો બન્યો, પરંતુ આ પક્ષોની વિચારધારા બિન-કૉંગ્રેસી અને બિન-ભાજપી હતી.

વીપી સિંહ તથા ચંદ્રશેખરને વડા પ્રધાનપદે બેસાડીને આ મોરચાને પ્રારંભિક સફળતા મળી, પરંતુ રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં નરસિંહ્મારાવના નેતૃત્વમાં કૉંગ્રેસની લઘુમતી સરકાર બની.

આ સમયગાળા દરમિયાન એનટીઆરના જીવનમાં લક્ષ્મી પાર્વતી નામનાં મહિલાનો પ્રવેશ થયો, જે તેમનાં કરતાં અડધી ઉંમરનાં હતાં. તેઓ એનટીઆરની જીવનકથા લખવા માંગતાં હતાં.

લક્ષ્મી પાર્વતીને ફિલ્મ અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરનારા એનટીઆર પ્રત્યે ખૂબ જ અહોભાવ હતો, તેઓ એનટીઆરને પગે લાગતાં અને 'સ્વામી' કહીને સંબોધતાં.

લક્ષ્મી પાર્વતી પરિણીત હતાં, પરંતુ પતિથી અલગ રહેતાં, તેઓ પોતાના દીકરા સાથે માતા-પિતા પાસે રહેતાં.

કે. ચંદ્રહાસ તથા કે લક્ષ્મીનારાયણે 'એનટીઆર અ બાયૉગ્રાફી' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ લખે છે: "લક્ષ્મી પાર્વતી શનિ અને રવિવારે એનટીઆર સાથે રહેતાં અને સોમવારે પોતાનાં ઘરે પરત ફરતાં. લક્ષ્મી પાર્વતીના ઘરે એનટીઆરે ફોન પણ નખાવી દીધો હતો, જેથી કરીને ઇચ્છે ત્યારે તેમની સાથે વાત થઈ શકે. ઉનાળાના બે મહિના બંને સાથે જ પસાર કરતાં."

જ્યારે આ પ્રેમસંબંધ અંગે સાર્વજનિક ચર્ચા થવા લાગી, ત્યારે એનટીઆરે તેને નકારી નહીં, પરંતુ પરિવારમાં તેના કારણે અંધાધૂંધી ફેલાઈ હતી. લક્ષ્મી પાર્વતી પર એનટીઆરનો લાભ લેવાના આરોપ પણ લાગ્યા.

એનટીઆરે સ્પષ્ટતા કરતા કહ્યું, "આ ઉંમરે જાતીય સંબંધ મારા માટે મહત્ત્વપૂર્ણ નથી. જીવનના આ તબક્કે મને સ્નેહ અને સંગાથની જરૂર છે. લક્ષ્મી મારા માટે માત્ર સાથી સમાન છે."

જે દિવસે લક્ષ્મી પાર્વતીના તેમના પતિ સુબ્બારાવ સાથે છૂટાછેડા થયા, એ દિવસે જ તેમને લકવો થઈ ગયો. સારવાર માટે તેઓ અમેરિકા ગયા અને પરત ફર્યા પછી તિરુપતિના મંચ પર ફિલ્મી દૃશ્ય ભજવાયાં હતાં.

એવી પણ ચર્ચા હતી કે વર્ષ 1992માં જ બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં અને સાર્વજનિક ચર્ચાથી જ તેમનું કામ સરળ બની ગયું હતું.

એનટીઆરના પ્રેમસંબંધની સાર્વજનિક ચર્ચા બાદ વર્ષ 1994માં જનતાએ તેમને ભારે બહુમતથી ચૂંટી કાઢ્યા અને તેઓ ફરી એક વખત મુખ્ય મંત્રી બન્યા. આ વિજયને કારણે એનટીઆર તેમનાં પત્નીને 'લક્કી લક્ષ્મી પાર્વતી' કહેતાં.

સત્તા માટે સંઘર્ષ

 લક્ષ્મી પાર્વતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનટીઆરનાં બીજાં પત્ની લક્ષ્મી પાર્વતી

આ તબક્કે ચંદ્રબાબુ નાયડુ ટીડીપીના મહાસચિવ હતા. જો લક્ષ્મી પાર્વતી તેમના જીવનમાં ન આવ્યાં હોત, તો પણ નાયડુએ મુખ્ય મંત્રીપદેથી એનટીઆરને હઠાવવા પ્રયાસ કર્યા જ હોત.

'એનટીઆર અ પૉલિટિકલ બાયૉગ્રાફી'ના લેખક રામચંદ્ર મૂર્તિ કોંડૂભાટલા લખે છે, "વાસ્તવમાં એનટીઆર કોઈની સલાહ ન માનતા. તેઓ ધાર્યું કરતા અને નિરંકુશ હતા. તેઓ વારંવાર ભાવાવેશમાં આવી જતાં અને બધા પર શંકા કરતા. એક રીતે તેમને લક્ષ્મી પાર્વતી માટે ઝનૂન હતું. નાયડુએ જે રીતે એનટીઆર સામે વાતાવરણ ઊભું કર્યું, તે રાજકીય કુનેહનું ઉદાહરણ છે. કોનો ક્યારે કોની સામે ઉપયોગ કરવો, તે વાત નાયડુ સારી રીતે જાણતા હતા."

ચંદ્રબાબુ નાયડુએ તેમના સાળા દગ્ગૂબતી વેંકટેશ્વરરાવ તથા હરિક્રિષ્નાને પોતાની તરફ કરી લીધા હતા તથા વિરોધ કરવા લાગ્યા. શરૂઆતમાં એનટીઆરને લાગ્યું કે લક્ષ્મી તેમના નિશાન પર છે, પરંતુ જ્યાં સુધીમાં તેમને ભાન થયું કે તેઓ પોતે જ ટાર્ગેટ છે, ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

કોંડુભાટલા લખે છે, 'એનટીઆરને તેમના પક્ષના મોટા ભાગના ધારાસભ્યોનાં નામ પણ ખબર નહોતાં. બીજી બાજુ, એનટીઆરની પીઠ પાછળ ચંદ્રબાબુ ધારાસભ્યોને પોતાની તરફ કરવામાં લાગેલા હતા. નાયડુની મહત્ત્વાકાંક્ષાને માપવામાં તેઓ અસફળ રહ્યા હતા.'

ચંદ્રબાબુએ સરાજાહેર બળવાનું બ્યૂગલ ફૂંકી દીધું એ પછી પોતના ત્રણ પ્રતિનિધિઓને ચાર માગણીઓ સાથે એનટીઆર પાસે મોકલ્યા. જેમાં લક્ષ્મી પાર્વતીને સરકાર તથા પાર્ટીની બાબતોથી દૂર રાખવા, આઠ ધારાસભ્યોના સસ્પેન્સન પાછા ખેંચવા, લક્ષ્મી પાર્વતીને વફાદાર આઠ મંત્રીઓને પદ પરથી દૂર કરવા તથા ટીડીપીની કાર્યકારિણીની સમિતિનું પુનર્ગઠન કરવું, જેવા મુદ્દા સામેલ હતા.

એનટીઆરએ આ માગણીઓ માનવાને ઇન્કાર કરી દીધો અને કહ્યું કે 'તમે લોકો મારી પત્નીનું અપમાન કરો એ હું કેવી રીતે સહન કરી શકું. મારી પત્ની ઉપર નિયંત્રણ રાખવા માટે કહેનારા તમે કોણ છો? તમે બધા મળીને પણ મારું કશું બગાડી નહીં શકો, જરૂર પડ્યે હું પાર્ટીને ભંગ કરી દઈશ.'

ત્રણેય નાયડુ પાસે પરત ફર્યા, જેમને 171 ધારાસભ્યોનું સમર્થન હાંસલ હતું. તેમણે રાજ્યપાલને ફૅક્સ દ્વારા જાણ કરી કે એનટીઆર પાસે બહુમત નથી. રાજ્યપાલે એનટીઆરને બહુમત સાબિત કરવા માટે 30મી ઑગસ્ટ સુધીનો સમય આપ્યો. કેન્દ્રમાં પીવી નરસિંહ્મારાવની સરકાર હતી, જેઓ મૂળ આંધ્રપ્રદેશના જ હતા.

એનટીઆરે પહેલાં વિધાનસભા ભંગ થાય તે માટે અને પછી બહુમત સાબિત કરવા માટે વધુ સમય મળે તે માટે પ્રયાસ કર્યા, પરંતુ તેઓ ફાવ્યા નહીં. તેમની તબિયત બગડી અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યારે રાજ્યપાલ કૃષ્ણકાંત તેમને મળવા માટે હૉસ્પિટલમાં ગયા, ત્યારે એનટીઆરે પોતાનું રાજીનામું આપી દીધું.

એ દિવસે ટીડીપીના ધારાસભ્યોએ નાયડુને પોતાના નેતા ચૂંટ્યા અને બીજા દિવસે તેમણે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. આશીર્વાદ લેવા માટે પત્ની ભુવનેશ્વરી તથા પુત્ર લોકેશ સાથે તેઓ એનટીઆરના ઘરે ગયા, પરંતુ સસરાએ તેમને માફ કર્યા ન હતા. પરિવારને રાહ જોવડાવી અને પછી ન મળ્યા.

હિંદુ અખબારના પત્રકાર રાજેન્દ્ર પ્રસાદે લખ્યું, 'જો લક્ષ્મી પાર્વતીએ રાજકારણમાં દખલ ન દીધી હોત અને માત્ર ગૃહિણી બની રહ્યાં હોત, તો પણ નાયડુએ એનટીઆર સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોત કે કેમ તે અટકળનો વિષય છે.'

સાતમી સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર શરૂ થયું, ત્યારે એનટીઆરને તેમનું ભાષણ વાંચવા ન દેવાયું. વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે વિશ્વાસમત પછી જ તેમને બોલવા દેવામાં આવશે. લગભગ 183 ધારાસભ્યોએ નાયડુ સરકારનું સમર્થન કર્યું.

અસ્થિવિસર્જનના શપથ

યંદ્રબાબુ નાયડુ અને એનટી રામારાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યંદ્રબાબુ નાયડુ અને એનટી રામારાવ

પોતાની બીજી પત્ની માટે એનટીઆરે તેમના પુત્ર, પુત્રીઓ, પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રીઓને છોડી દીધાં હતાં અને છેવટે સત્તા પણ તેમના હાથમાંથી જતી રહી હતી. આવા સમયે પરિવારે ચંદ્રબાબુનો સાથ આપ્યો હતો.

સત્તા પરથી હઠવાના સાડા ચાર મહિનામાં જ તા. 17 જાન્યુઆરી, 1996ના રોજ એનટીઆરનું અવસાન થયું. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યો. લક્ષ્મી પાર્વતી મૃતદેહના માથા પાસે ખુરશી પર બેઠાં હતાં. તેમનું સમર્થન કરી રહેલા કેટલાક ધારાસભ્ય પણ ત્યાં હતા.

જ્યારે એનટીઆરના દીકરા હરિક્રિષ્ના ત્યાં પહોંચ્યા, તો તેમણે પરિવારજનો માટે જગ્યા કરવા માટે કહ્યું. એનટીઆરનાં પ્રથમ પત્નીની તસવીર મૃતદેહ પાસે મૂકી દેવામાં આવી. માત્ર લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવાં દેવાયાં.

જ્યારે તેઓ ટૉઇલેટ ગયાં ત્યારે તેમની ખુરશી હઠાવી દેવામાં આવી, પરંતુ પોલીસની દરમિયાનગીરીથી ખુરશી પરત મૂકવામાં આવી તથા હરિક્રિષ્ના માટે બીજી ખુરશી મંગાવવામાં આવી.

આ ઘટનાક્રમથી લક્ષ્મી પાર્વતી ખૂબ જ ક્રોધિત થયાં. તેમણે એનટીઆરની સમાધિ પાસે શપથ લીધા કે જ્યાં સુધી નાયડુ સત્તા પરથી દૂર નહીં થાય, ત્યાં સુધી તેઓ પતિના અસ્થિવિસર્જન નહીં કરે. એનટીઆર-ટીડીપીની સ્થાપના કરીને તેમણે નાયડુને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ અસફળ રહ્યાં.

ક્યારેક સાથે, ક્યારેક સામે

ચંદ્રબાબૂ નાયડૂ અને એનટી રામારાવની જૂની તસવીર

ઇમેજ સ્રોત, CLS Publishers

ઇમેજ કૅપ્શન, ચંદ્રબાબુ નાયડુ અને એનટી રામારાવની જૂની તસવીર

નાયડુએ પોતાને 'સીઈઓ સીએમ' તરીકે પ્રસ્થાપિત કર્યા અને સરકારી ઢબે વહીવટ કરવાના બદલે કૉર્પોરેટ ઢબે શાસન કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન હૈદરાબાદમાં આઈટી ઇન્ડસ્ટ્રીનો પાયો નખાયો. આ તબક્કે કે. ચંદ્રશેખરરાવ નામના ટીડીપીના નેતાને નાયડુએ મંત્રી બનાવ્યા.

ત્રીજા મોરચામાં પણ તેમનું કદ વધ્યું હતું, પરંતુ 1999ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ એનડીએમાં આવી ગયા. પાર્ટીના 29 જેટલા સંસદસભ્ય ચૂંટાઈ આવ્યા હતા એટલે કેન્દ્રની ગઠબંધન સરકારમાં તેમનું કદ વધ્યું હતું. વિધાનસભામાં પણ ટીડીપીનો વિજય થયો હતો.

નવી સરકારમાં નાયડુએ કે. ચંદ્રશેખરરાવને મંત્રીપદ નહોતું આપ્યું અને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા. આથી કેસીઆર નારાજ હતા.

વર્ષ 2001માં કેસીઆર ટીડીપીથી જુદા થઈ ગયા તથા અલગ રાજ્યની માગ સાથે તેલંગણા રાષ્ટ્ર સમિતિની (હાલની ભારત રાષ્ટ્ર સમિતિ) સ્થાપના કરી.

2004ની ચૂંટણી દરમિયાન કેન્દ્રમાં એનડીએનો તથા આંધ્રમાં ટીડીપીનો પરાજય થયો. એક સમયે નાયડુના મિત્ર અને કૉંગ્રેસના નેતા વાયએસ રાજશેખર રેડ્ડી મુખ્ય મંત્રી બન્યા.

આ પછી લક્ષ્મી પાર્વતીએ તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને કાવેરી તથા હરિદ્વાર ખાતે ગંગા નદીમાં એનટીઆરના અસ્થિવિસર્જન કર્યા.

10 વર્ષ સુધી નાયડુને વિપક્ષમાં રહેવું પડ્યું. આ દરમિયાન કાવેરી નદીમાં ઘણું પાણી વહી ગયું. કેન્દ્રની યુપીએ સરકારે આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ કર્યું. વર્ષ 2014માં તેનું અમલીકરણ થાય તે પહેલાં નાયડુ ફરી એક વખત એનડીએમાં પરત ફર્યા.

એક સમયના સાથી કે.સીઆર. નવગઠિત તેલંગણા રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા તો નાયડુ વિભાજન પછીના આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી બન્યા.

વર્ષ 2018માં નાયડુ એનડીએથી અલગ થઈ ગયા. 2019માં વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડી મુખ્ય મંત્રી બન્યા. જે તેમના પૂર્વ સાથી વાયએસઆરના દીકરા છે. તેમણે કૉંગ્રેસથી જુદા થઈને અલગ પક્ષની રચના કરી હતી.

(આ અહેવાલ માટે રેહાન ફઝલની વિવેચનાનો આધાર લેવામાં આવ્યો છે, જેને વાંચવા માટે અહીં ક્લિક કરો.)