લોકસભા સ્પીકર : સ્વતંત્રતા પછી અત્યાર સુધી કોણ અને કેવી રીતે ચૂંટાયા?

Om Birla

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 2017ની લોકસભામાં સ્પીકર રહ્યા બાદ 2024ની લોકસભામાં બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છે
    • લેેખક, અનિલ જૈન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે

18મી લોકસભાના ગઠન પછી બધાની નજર લોકસભાના સ્પીકરની ચૂંટણી પર હતી. બુધવારે થયેલી આ ચૂંટણીમાં સત્તા પક્ષના ઉમેદવાર ઓમ બિરલા સતત બીજી વખત અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. વિપક્ષ તરફથી કૉંગ્રેસના કે. સુરેશ મેદાનમાં હતા.

સામાન્ય રીતે પરંપરા પ્રમાણે સ્પીકર સત્તાધારી પક્ષના અને ડેપ્યુટી સ્પીકર વિપક્ષના સભ્ય હોય છે.

આ વખતે પણ સ્પીકરની પસંદગી બધાની સહમતિ સાથે થઈ શકે તેમ હતી. પરંતુ સત્તા પક્ષે વિપક્ષની એ માગણી ફગાવી દીધી કે પરંપરા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળે.

સંખ્યાબળના આધારે નવી ચૂંટાયેલી લોકસભામાં સત્તાધારી ગઠબંધન એનડીએ પાસે જરૂરી બહુમતી હતો. તેના કારણે જ તેમના ઉમેદવાર ઓમ બિરલા વિજેતા બન્યા છે.

પરંપરા પ્રમાણે પ્રથમ લોકસભા એટલે કે 1952થી લઈને 1991માં દસમી લોકસભા સુધી સત્તાધારી દળના સભ્યોની જ આ પદ માટે પસંદગી કરવામાં આવી રહી છે.

જોકે, છેલ્લા દાયકાઓમાં જ્યારથી ગઠબંધનની સરકારોનો સમય શરૂ થયો ત્યારથી આ પરંપરા તૂટી હતી. એવું પણ બન્યું કે સત્તાધારી પક્ષ નહીં, પરંતુ તેમની સહયોગી પાર્ટી અથવા સરકારને બહારથી સમર્થન આપનાર દળના સભ્યને આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.

લોકસભા અધ્યક્ષ તરીકે કોઈ પણ દળના સભ્યની પસંદગી કરવામાં આવે છે. પરંતુ તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અધ્યક્ષ બન્યા બાદ તેઓ પોતાની રાજકીય પાર્ટીની પ્રવૃત્તિઓથી દૂર રહે.

સ્પીકર પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજકીય પક્ષોનાં હિતો અને ભાવનાઓથી ઉપર ઊઠીને સદનની કાર્યવાહીનું સંચાલન કરતી વખતે વિપક્ષના સભ્યોના અધિકારોનું પણ સંરક્ષણ કરશે.

બીબીસી ગુજરાતી

સ્પીકરપદ માટે ક્યારે-ક્યારે ચૂંટણીઓ યોજાઈ?

સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીમાં મહિલા મતદાતાઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઓછી હતી.

લોકસભાના સ્પીકરની પસંદગી બધાની સહમતિ સાથે થાય તો તેને આદર્શ સ્થિતિ માનવામાં આવે છે. જોકે, 1952ની પ્રથમ લોકસભામાં જ સ્પીકરની ચૂંટણી કરવાની સ્થિતિ આવી હતી. કૉંગ્રેસના ગણેશ વાસુદેવ માવલંકરની સામે શંકર શાંતારામ મોરેએ ચૂંટણી લડી હતી.

મોરે એ પીસન્ટ્સ ઍન્ડ વર્કર પાર્ટી ઑફ ઇન્ડિયાના નેતા હતા. જોકે, તેમને બધા જ ડાબેરી પક્ષોનો સાથ મળ્યો હતો. માવલંકરને 394 મતો મળ્યા જ્યારે 55 સંસદસભ્યોએ મોરેને મત આપ્યો હતો.

  • 1956માં માવલંકરના આકસ્મિક મૃત્યુ પછી બાકી રહેલા કાર્યકાળ માટે કૉંગ્રેસના જ અનંતશયનમ આયંગરની પસંદગી નિર્વિરોધ થઈ હતી. આયંગર તે પહેલાં લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા.
  • 1957માં બીજી લોકસભા માટે પણ લોકસભાના અધ્યક્ષ તરીકે આયંગર જ ચૂંટાયા હતા. તેમની પસંદગી તે સમયે પણ નિર્વિરોધ થઈ હતી.
  • 1962માં ત્રીજી લોકસભામાં સરદાર હુકુમસિંહ અને ચૌથી લોકસભામાં નીલમ સંજીવ રેડ્ડી પણ સ્પીકર પદ પર નિર્વિરોધ ચૂંટાયા હતા.

આ બધી જ લોકસભાના અધ્યક્ષોની કામગીરી એ ગૃહની કાર્યવાહી દરમિયાન સરકાર તરફ ઝૂકેલી હોવા છતાં પણ તેમની ભૂમિકાને નિર્વિવાદિત માનવામાં આવતી હતી.

ભારતના સ્પીકર

જોકે, ત્રીજી લોકસભા સુધી તો સંખ્યાબળના મામલે વિપક્ષની સ્થિતિ સત્તા પક્ષના મુકાબલે ખૂબ જ નબળી હતી. જોકે, ઓછી સંખ્યા છતાં વિપક્ષમાં પ્રતિભાશાળી નેતાઓની કમી નહોતી.

આ દરમિયાન એ કે ગોપાલન, શ્રીપાદ અમૃત ડાંગે, પ્રોફેસર હીરેન મુખરજી, ડૉ. રામ મનોહર લોહિયા, મધુ લિમયે, કિશન પટનાયક, મહાવીર ત્યાગી, અટલ બિહારી વાજપેયી, નાથ પઈ, મીનુ મસાણી, હરિવિષ્ણુ કામત જેવા નેતાઓ વિપક્ષમાં હતા. આ લોકોનો અભ્યાસ સાથે સાથે લોકો સાથે પણ ખૂબ જ ઊંડો સંબંધ હતો.

આ બધા દિગ્ગજ નેતાઓ પૂરી તૈયારી સાથે ગૃહમાં આવતા હતા. તેના કારણે જ સ્પીકર પણ એક હદથી વધારે સત્તાપક્ષનો બચાવ કરી શકતા નહોતા.

સ્પીકર પણ ગૃહની કાર્યવાહીના નિયમોની વ્યાખ્યા કરીને વિપક્ષના સભ્યોને મુદ્દો ઉઠાવાથી રોકી શકતા નહોતા.

વિપક્ષના સભ્યો પણ તમામ નિયમોને લઈને સચેત રહેતા હતા અને તેઓ કેટલીકવાર સ્પીકરની વ્યવસ્થાને પણ પડકાર ફેંકતા હતા. જેના કારણે સ્પીકરે પણ મજબૂર થઈને તેમની દલીલો સ્વીકારવી પડતી.

ભારતના સ્પીકર

ત્રીજી લોકસભાની એક ઘટના ખૂબ જ રસપ્રદ છે. છત્તીસગઢના બસ્તરમાં આદિવાસી રજવાડાના પૂર્વ મહારાજા પ્રવીરચંદ્ર ભંજદેવ આદિવાસીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા.

1966માં આદિવાસીઓના એક આંદોલનનું નેતૃત્વ કરતા હતાં ત્યારે પોલીસના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું હતું.

ડૉ. લોહિયાએ આ મામલો લોકસભામાં ઉઠાવ્યો હતો. તત્કાલીન સ્પીકર સરદાર હુકુમસિંહે કહ્યું કે આ મામલો કાયદા વ્યવસ્થાને સંબંધિત છે અને રાજ્ય સરકાર હેઠળ આવે છે. આ કારણે આ મુદ્દાને ગૃહમાં ઉઠાવી ન શકાય.

સ્પીકરની આ વાત પર મધુ લિમયેએ કહ્યું હતું, “કાયદા વ્યવસ્થાનો મામલો જરૂર રાજ્ય સરકાર હેઠળ આવે છે, પરંતુ આદિવાસી કલ્યાણનો મામલો કેન્દ્ર સરકાર સાથે સંબંધિત છે. બસ્તરમાં આદિવાસીઓ પર અત્યાચારો થયા છે. આદિવાસીઓના આંદોલન અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના અધિકારનું હનન થયું છે. આ કારણે જ આ મુદ્દો અહીં (ગૃહમાં) ઉઠાવી શકાય છે.”

લિમયેની દલીલનું વિપક્ષના બીજા સભ્યોનું પણ સમર્થન કર્યું હતું. લોકસભાના અધ્યક્ષે અંતે પોતાની આ વાતને પાછી ખેંચવી પડી અને ભંજદેવની હત્યા સંબંધિત મામલે ચર્ચાની પરવાનગી આપવી પડી હતી.

10 વર્ષ સુધી સ્પીકરપદ પર રહેનારા કૉંગ્રેસના નેતા

 બલરામ જાખડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બલરામ જાખડ લોકસભાની સતત બે ટર્મ એટલે કે 10 વર્ષ સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચોથી લોકસભા એટલે કે 1967માં કૉંગ્રેસના નીલમ સંજીવ રેડ્ડી સ્પીકર તરીકે ચૂંટાયા.

એ લોકસભામાં સંખ્યા બળને જોતા વિપક્ષની સ્થિતિ ઘણી મજબૂત હતી અને તેના કારણે (સ્પીકરની) ચૂંટણી થઈ હતી.

કૉંગ્રેસના નીલમ સંજીવ રેડ્ડીની સામે અપક્ષ ઉમેદવાર ટી. વિશ્વનાથન હતા. જોકે, વિશ્વનાથનને વિપક્ષનાં બધાં જ દળોનું સમર્થન હતું.

રેડ્ડીને 278 મતો અને વિશ્વનાથનને 207 મતો મળ્યા હતા. મતોની દૃષ્ટિએ સ્પીકરની આ સૌથી રસાકસીભરેલી ચૂંટણી હતી.

જોકે, રેડ્ડી માત્ર બે વર્ષ માટે આ પદ પર રહ્યા હતા, કારણ કે તેમણે 1969માં રાષ્ટ્રપતિપદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી અને સ્પીકરના પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પદ પર રેડ્ડીનો કાર્યકાળ પણ નિર્વિવાદ રહ્યો. તેમના સ્થાને કૉંગ્રેસ પાર્ટીના જ ગુરુદયાળસિંહ ધિલ્લોનને સ્પીકર ચૂંટવામાં આવ્યા હતા. તેઓ ચોથી લોકસભાના બાકીના કાર્યકાળ સુધી સ્પીકર રહ્યા હતા. ત્યારબાદ તેઓ પાંચમી લોકસભામાં પણ સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

ધિલ્લોન પાંચમી લોકસભામાં આ પદ પર રહ્યા હતા. તેઓ ડિસેમ્બર 1975માં રાજીનામું આપીને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયા હતા.

ધિલ્લોનના સ્થાને બલિરામ ભગતને સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને છઠ્ઠી લોકસભાની રચના સુધી આ પદ પર રહ્યા હતા. બલિરામ ભગતની સામે વિપક્ષે જનસંધના જગન્નાથરાવ જોશીને ઉતાર્યા હતા. ભગતને 344 મતો જ્યારે જોશીને 58 મતો મળ્યા હતા.

ત્યારબાદ 1977માં છઠ્ઠી લોકસભાનું ગઠન થયું હતું. આ લોકસભામાં દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. કૉંગ્રેસ પહેલી વખત વિપક્ષમાં હતી અને પાંચ દળોના વિલય થકી જનતા પાર્ટી સત્તામાં હતી.

જનતા પાર્ટી તરફથી શરૂઆતમાં નીલમ સંજીવ રેડ્ડીનું નામ સ્પીકર તરીકે પ્રસ્તાવિત થયું હતું. રેડ્ડી નિર્વિરોધ ચૂંટાયા હતા, પરંતુ તેઓ માત્ર ચાર મહિના જ આ પદ પર રહ્યા હતા.

રેડ્ડી જુલાઈ 1977માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને તેમની જગ્યાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેએસ હેગડે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

હેગડેનો કાર્યકાળ પડકારજનક રહ્યો, પરંતુ તેમની ભૂમિકા નિર્વિવાદ રહી હતી.

છઠ્ઠી લોકસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ તેને ભંગ કરવામા આવી હતી. આ કારણે 1980માં વચગાળાની ચૂંટણી યોજાઈ અને સાતમી લોકસભા અસ્તિત્વમાં આવી હતી.

આ લોકસભાના અધ્યક્ષ તરીકે બલરામ જાખડ ચૂંટાયા હતા. તેઓ 1980થી 10 વર્ષ માટે બે લોકસભાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન આ પદ પર રહ્યા હતા. આમ 10 વર્ષ સુધી સ્પીકરપદે રહેનારા તેઓ પહેલા નેતા બન્યા હતા.

ગઠબંધન સરકારોના સમયમાં સ્પીકરની વરણીની પદ્ધતિ બદલાઈ

મીરા કુમાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીરાકુમારે ભારતનાં પ્રથમ મહિલા સ્પીકર તરીકે 2009થી 2014 સુધી પદ સંભાળ્યુ હતું

1989માં નવમી લોકસભા અસ્તિત્ત્વમાં આવી હતી. આ લોકસભાથી દેશમાં ગઠબંધનના રાજકારણનો યુગ શરૂ થયો અને કેન્દ્રમાં પહેલી વાર ગઠબંધન સરકાર બની.

સમાજવાદી નેતા રવિ રાય સત્તાધારી પક્ષ જનતા દળ તરફથી નિર્વિરોધ સ્પીકર તરીકે ચૂંટાયા. તેમનો કાર્યકાળ નાનકડો પણ પડકારજનક રહ્યો. પરંતુ તેમના નામ સાથે પણ કોઈ વિવાદ ન જોડાયો.

1991માં દેશમાં ફરીથી ચૂંટણી થઈ અને દસમી લોકસભા અસ્તિત્વમાં આવી.

આ લોકસભામાં સત્તારૂઢ કૉંગ્રેસ તરફથી શિવરાજ પાટીલ સ્પીકર બન્યા. તેમની ચૂંટણી પણ સર્વસંમતિથી થઈ પણ તેમની ભૂમિકા સરેરાશ દરજ્જાની રહી.

1996માં અગિયારમી લોકસભામાં સ્પીકરની નિમણૂકમાં એક નવો પ્રયોગ થયો. સત્તાધારી પક્ષે આ પદ પોતાની પાસે ન રાખ્યું અને સમર્થન આપી રહેલી કૉંગ્રેસને આપ્યું.

કૉંગ્રેસ તરફથી પૂર્વોત્તરના આદિવાસી નેતા પીએ સંગમા અગિયારમી લોકસભાના સ્પીકર તરીકે પસંદગી પામ્યા. જોકે, તેઓ માત્ર બે વર્ષ સુધી જ આ પદ પર રહ્યા હતા અને લોકસભા ભંગ થઈ ગઈ હતી. પરંતુ તેઓ પહેલાં એવા સ્પીકર રહ્યા કે જેમની સામે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેને કોઈ ફરિયાદ ન હતી.

તેમણે ખૂબ કુશળતાપૂર્વક ગૃહની કાર્યવાહીનું સંચાલન કર્યું અને એક તટસ્થ અધ્યક્ષ તરીકે પોતાની છાપ છોડી.

સંગમાની એક વિશેષતા એ પણ રહી કે તેઓ હિન્દીભાષી ન હતા, તેમ છતાં પણ તેમણે ગૃહનું સંચાલન કરતી વખતે મોટાભાગનો સમય હિન્દીમાં જ વાત કરી હતી. તેમના મુખેથી હિન્દી સાંભળવું એ સંસદસભ્યો કે ગૃહની કાર્યવાહી જોનારા અન્ય લોકોને પણ ગમતું હતું.

લોકસભાનાં સ્પીકર રહી ચૂકેલાં મીરાકુમાર (વચ્ચે), પી એ સંગ્મા (ડાબે) અને શિવરાજ પાટીલ (જમણે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકસભાનાં સ્પીકર રહી ચૂકેલાં મીરાકુમાર (વચ્ચે), પી એ સંગ્મા (ડાબે) અને શિવરાજ પાટીલ (જમણે)

1998માં થયેલી વચગાળાની ચૂંટણીથી બારમી લોકસભા અસ્તિત્ત્વમાં આવી હતી. કેન્દ્રમાં આ વખતે ભાજપની આગેવાનીમાં ગઠબંધન સરકાર બની.

આ સરકારે પણ ગત સરકારની પરંપરા જાળવી રાખી અને સ્પીકરપદ પોતાની પાસે ન રાખ્યું. એનડીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલા પક્ષ ટીડીપીને આ પદ આપવામાં આવ્યું.

જીએમ બાલયોગી પણ નિર્વિરોધ સ્પીકર ચૂંટાયા. તેમના સ્વરૂપમાં દેશની સંસદમાં પહેલી વાર દલિત સમુદાયને સ્પીકરપદ મળ્યું.

બારમી લોકસભાનો કાર્યકાળ પણ માત્ર એક વર્ષનો હતો. અટલ બિહારી વાજપેયીની સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર માત્ર એક મતથી પડી ગઈ હતી.

જો સ્પીકર બાલયોગી ઇચ્છતા હોત, તો તેઓ કોંગ્રેસના સભ્ય ગિરધર ગોમાંગ, જેઓ તે સમયે ઓડિશાના મુખ્ય મંત્રી બની ચૂક્યા હતા તેમને રોકીને અથવા તો પોતે મતદાન કરીને સરકાર પડવાથી બચાવી શકતા હતા.

પરંતુ તેમણે તેમ ન કર્યું અને સ્પીકર તરીકે નૈતિકતા અને નિષ્પક્ષતાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો.

સરકારના અકાળ પતનને કારણે દેશને 1999માં ફરીથી મધ્યસત્ર ચૂંટણીનો સામનો કરવો પડ્યો. તેરમી લોકસભા અસ્તિત્વમાં આવી.

વાજપેયીના નેતૃત્વમાં ફરીથી ગઠબંધન સરકારની રચના કરવામાં આવી અને બાલયોગી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. પરંતુ આ વખતે પણ તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા અને માર્ચ 2002માં એક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.

તેમના સ્થાને સત્તાધારી ગઠબંધનમાં સામેલ શિવસેનાના મનોહર જોશી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

તેમની રાજકીય પૃષ્ઠભૂમિને જોતાં, લોકસભાના અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકા વિશે ઘણી આશંકાઓ ઊભી થઈ હતી, પરંતુ પીએ સંગમા અને જીએમસી બાલયોગીની પરંપરાને અનુસરીને, તેમણે અત્યંત કાર્યક્ષમતા અને તટસ્થતા સાથે તેમની જવાબદારી નિભાવી અને તમામ આશંકાઓને પાયાવિહોણા સાબિત કરી.

કૉંગ્રેસે ડાબેરીઓને સ્પીકરનું પદ આપ્યું

સોમનાથ ચેટરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમનાથ ચેટરજી

13મી લોકસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયો અને 2004માં 14મી લોકસભા માટે ચૂંટણી થઈ હતી.

આ લોકસભામાં સ્પીકરપદ માટે જૂના પ્રયોગો ફરીથી થયા. એટલે કે સત્તાધારી કૉંગ્રેસે સ્પીકરનું પદ પોતાની પાસે ન રાખ્યું અને સરકારને બહારથી સમર્થન આપતી ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ને આપ્યું. સોમનાથ ચેટરજી લોકસભાના અધ્યક્ષ બન્યા.

દેશના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર કોઈ ડાબેરી નેતા સ્પીકરના પદ પર બેઠા હતા. લાંબો સંસદીય અનુભવ ધરાવતા સોમનાથ ચેટરજીનું રાજકીય કદ ખૂબ જ મોટું હતું. લોકસભામાં જ્યારે હોબાળો થતો તો ચેટરજી ક્યારેક હેડમાસ્ટરની ભૂમિકામાં પણ આવી જતા હતા.

સોમનાથ ચેટરજી પાંચ વર્ષ માટે સ્પીકર રહ્યા. 2009માં 15મી લોકસભાનું ગઠન થયું, ત્યારે સત્તાધારી ગઠબંધન કરતી કૉંગ્રેસે સ્પીકરનું પદ પોતાની પાસે રાખ્યું. આ સાથે જ મીરા કુમાર લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.

મીરા કુમારનો કાર્યકાળ ખૂબ જ પડકારજનક હતો. લોકસભાનું એક પણ સત્ર એવું ન હતું, જેમાં વિપક્ષે હોબાળો કરીને વૉકઆઉટ ન કર્યો હોય. મીરા કુમારે તેમ છતાં પણ પોતાની જવાબદારીને ધીરજપૂર્વક નિભાવી હતી. જોકે, વિપક્ષે તેમના પર પણ પક્ષપાતના આરોપ લગાવ્યા હતા.

2014થી ડેપ્યુટી સ્પીકરનું પદ

સુમિત્રા મહાજન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરેક લોકસભા સ્પીકરની નિષ્પક્ષતા થોડાઘણા અંશે સરકાર તરફ ઝૂકે છે 16મી લોકસભામાં સ્પીકર બનેલાં સુમિત્રા મહાજન પણ તેમાં અપવાદ નહોતાં

પાંચ વર્ષ પછી એટલે કે 2014માં 16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર બન્યાં એટલે સતત બે વખત દેશને મહિલા સ્પીકર મળ્યાં. દરેક લોકસભા સ્પીકરની નિષ્પક્ષતા થોડાઘણા અંશે સરકાર તરફ ઝૂકે છે. મહાજન પણ તેમાં અપવાદ ન હતાં.

સદનમાં કેટલીક વખત મંત્રીઓને સવાલોથી ઘેરાતા જોઈને મહાજન પોતે તેમના બચાવમાં આવ્યાં હતાં. તેઓ પ્રશ્ન, પ્રતિપ્રશ્ન અને પૂરક પ્રશ્ન પૂછતા વિપક્ષના સંસદસભ્યોને નિયમોની વ્યાખ્યા કરતાં ખીજાતાં પણ ખરાં.

મહાજન પર એવો પણ આરોપ લગાવાયો હતો કે પાર્ટીનાં આંતરિક સમીકરણો અને પાર્ટીના ટોચના નેતૃત્વના અભિવ્યક્તિને સમજીને તેમણે ઘણા જાહેર પ્રસંગોએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓની હાજરીને બેદરકારીપૂર્વક અવગણી હતી.

પાંચ વર્ષ બાદ 17મી લોકસભામાં ભાજપે સતત બીજી વખત સરકાર બનાવી છે. આ વખતે સ્પીકર માટે ઓમ બિરલાનું નામ આગળ કરવામાં આવ્યું હતું.

આ લોકસભામાં વિપક્ષ સંખ્યાત્મક તાકાતની દૃષ્ટિએ સાવ નબળો હતો. તેના કારણે ઓમ બિરલાને બિનહરીફ સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

તેઓ આ પહેલાં માત્ર એક જ વાર લોકસભાના સભ્ય રહ્યા હતા, તેથી તેમની પાસે સંસદીય અનુભવનો અભાવ હતો. જે ગૃહની સમગ્ર કામગીરીનાં પાંચ વર્ષના તેમના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે.

તેમણે ગૃહમાંથી વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે ઇતિહાસ રચ્યો અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન અલગ-અલગ સમયે 140 જેટલા સભ્યોને સસ્પેન્ડ કર્યા.

હવે ઓમ બિરલા ફરી એક વાર 18મી લોકસભાના સ્પીકર બન્યા છે. એટલે કે, બલરામ જાખડ અને જીએચસી બાલયોગી પછી સતત બીજી વખત આ પદ સંભાળનાર ત્રીજી વ્યક્તિ છે.