વિપક્ષ પાસે સંખ્યાબળ ન હોવા છતાં સ્પીકરના પદ માટે ઉમેદવારી કેમ નોંધાવી હતી?

ઇમેજ સ્રોત, ANI
18મી લોકસભાની શરૂઆત જ અસહમતિ અને મતભેદો સાથે થઈ છે. આ વખતે એવું થઈ રહ્યું છે જે ભારતના સંસદીય ઇતિહાસમાં દાયકાઓ પછી પહેલી વખત થશે.
એનડીએ અને ઇન્ડિયા બ્લૉક વચ્ચે લોકસભાના સ્પીકરના પદને લઈને કોઈ સમજૂતી ન થઈ અને સ્પીકરના પદ માટે બંને પક્ષોએ પોતપોતના ઉમેદવારની જાહેરાત કરી હતી.
જોકે એનડીએના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ઓમ બિરલા બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 17મી લોકસભામાં પણ સ્પીકર હતા.
ઇન્ડિયા બ્લૉક તરફથી કૉંગ્રેસે પોતાના સૌથી અનુભવી સંસદ સભ્ય કોડિકુન્નિલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. કે સુરેશે મંગળવારે ઉમેદવારી નોંધાવાનો સમય પૂરો થાય તેની થોડી મિનિટો પહેલા જ ઉમેદવારીપત્રક ભર્યું હતું.
વિપક્ષ તરફથી કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને ડીએમકે નેતા ટીઆર બાલૂએ મંગળવારે રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સ્પીકરના પદ પર બંને પક્ષો વચ્ચે સમજૂતી કરવા માટે થઈ હતી. જોકે, બંને પક્ષ વચ્ચે કોઈ સમજૂતી થઈ નહોતી.
ત્યારબાદ કેસી વેણુગોપાલે સરકાર પર આરોપ લગાવ્યો કે સરકાર સંસદની પરંપરાને માનવાનો ઇનકાર કરી રહી છે. આ સામાન્ય સમજણ છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળે છે.
કોડિકુન્નિલ સુરેશ કેરળથી આઠ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે અને દલિત સમાજમાંથી આવે છે. ઓમ બિરલા પણ દલિત સમાજમાંથી આવે છે અને રાજસ્થાનના કોટાથી ત્રણ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પીકરની ચૂંટણીમાં કેવું હોય છે આંકડાનું ગણિત?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંખ્યા પ્રમાણે, તેલુગુ દેશમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ જેવાં સહયોગી દળોવાળા એનડીએ પાસે 543 માંથી 293 મત હતા. અને વાયએસઆર કૉંગ્રેસ પણ એનડીએના સમર્થનમાં હોવાનું જણાતું હતું.
બીજી તરફ ઇન્ડિયા બ્લૉક પાસે 236 સંસદ સભ્યો છે અને તેમને કેટલાંક નાના પક્ષો અને અપક્ષ સંસદસભ્યોનું સમર્થન મળી શકે છે. આ સમયે લોકસભામાં 16 બેઠકો અપક્ષ અને નાની ક્ષેત્રીય પાર્ટીઓ પાસે છે, જેમનું સમર્થન ઇન્ડિયા બ્લૉકને મળી શકે છે.
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સ્પીકરના પદ માટે માત્ર ત્રણ વખત મતદાન થયું છે. સ્પીકરના પદ માટે મોટેભાગે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી કરવામાં આવતી હોય છે. આ પહેલાં 1952, 1967, અને 1976માં સ્પીકરનાં પદ માટે મતદાન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ મંગળવારે સંસદની બહાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, “મોદીજી કહે છે કે આપણે મળીને કામ કરવું જોઈએ. અમે સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ, પરંતુ તેમની કથણી અને કરણીમાં ફરક છે. અમે સત્તા પક્ષના ઉમેદવારને સમર્થન આપવા માટે તૈયાર છીએ , પરંતુ જ્યારે મલ્લિકાઅર્જુન ખડગેએ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવા માટે કહ્યું તો રક્ષા મંત્રી રાજનાથસિંહે તેમને (ખડગેને) ફરીથી ફોન કરશે તેવું કહ્યું હતું. જોકે, તે ફોન હજી સુધી આવ્યો નથી.”
એનડીએએ વિપક્ષ પર આ પ્રકારની શરતો રાખવાનો આરોપ લગાવતા વળતો જવાબ આપ્યો હતો.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું, “(લોકસભાના) અધ્યક્ષ કોઈ એક પાર્ટીના નથી હોતા, પરંતુ સંસદ ચલાવવા માટે બધાની સહમતિથી ચૂંટવામા આવે છે. આ દુખદ છે કે કૉંગ્રેસે અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.”
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને જનતા દળ યુનાઇટેડના નેતા લલ્લ્ન સિંહે કહ્યું કે વિપક્ષ ‘દબાણની રાજનીતિ’ કરી રહ્યો છે.
કૉંગ્રેસ ડેપ્યુટી સ્પીકરનું પદ કેમ માંગી રહી છે?

ઇમેજ સ્રોત, ANI
લોકસભાની વેબસાઇટ પર જઈએ તો જોવા મળશે કે “17મી લોકસભા માટે ડેપ્યુટી સ્પીકરનું પદ મે 2019થી ખાલી છે.”
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 17મી લોકસભા પહેલી લોકસભા હતી, જેમાં ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી હતું. બંધારણનો અનુચ્છેદ 93 કહે છે કે ડેપ્યુટી સ્પીકરની પસંદગી થવી જ જોઇએ. સદનના બે સભ્યોની સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદગી ફરજિયાત છે.
1969 સુધી કૉંગ્રેસની સત્તામાં પણ કૉંગ્રેસ આ બંને પદો પોતાની પાસે જ રાખતી હતી. જોકે, 1969માં આ ચલણ બદલાઈ ગયું હતું. કૉંગ્રેસ ઑલ પાર્ટી હિલ લીડર્સનાં નેતા ગિલબર્ટ જી સ્વેલને આ પદ આપ્યું હતું. એ સમયે તેઓ શિલૉન્ગથી સંસદસભ્ય હતા.
બંધારણના અનુચ્છેદ 95 પ્રમાણે, સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર તેમની જવાબદારી સંભાળે છે. જો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રહે તો તે સ્થિતિમાં રાષ્ટ્રપતિ લોકસભાના એક સંસદ સભ્યને આ કામ કરવા માટે ચૂંટે છે.
બંધારણના અનુચ્છેદ 94 મુજબ, જો સ્પીકર પોતાના પદ પરથી રાજીનામું આપે તો તે રાજીનામામાં તેમણે ડેપ્યુટી સ્પીકરને સંબોધન કરવું પડે છે. 1949માં બંધારણ સભામાં આ વિશે ચર્ચા પણ થઈ હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું કહેવું હતું કે સ્પીકરનું પદ ડેપ્યુટી સ્પીકરના પદ કરતા મોટું હોય છે. આ કારણે સ્પીકરે ડેપ્યુટી સ્પીકરને નહીં, પરંતુ રાષ્ટ્રપતિને સંબોધન કરવું જોઈએ.
જોકે, આ તર્ક આપવામાં આવ્યો કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી સંસદના સભ્યો કરે છે. આ કારણે આ પદ પર બેસનાર વ્યક્તિની જવાબદારી સંસદ સભ્યો પ્રત્યે છે. જોકે, સદનના દરેક સભ્યને રાજીનામામાં સંબોધન કરી શકાય નહીં. આ કારણે જ સ્પીકર રાજીનામામાં ડેપ્યુટી સ્પીકરને સંબોધન કરે છે, કારણ કે તેઓ જ સદનનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સાથે જ નક્કી થયું કે જો સ્પીકર રાજીનામું આપે તો ડેપ્યુટી સ્પીકરને આપશે અને જો ડેપ્યુટી સ્પીકર રાજીનામું આપશે તો તે સ્પીકરને આપશે.
ટકરાવ સાથે 18મી લોકસભાની શરૂઆત

ઇમેજ સ્રોત, ANI
અંગ્રેજી સમાચારપત્ર 'ધ હિંદુ' સાથે વાત કરતાં ઇન્ડિયા બ્લૉકના ઉમેદવાર કે સુરેશે કહ્યું, “આ વિજય કે પરાજયનો સવાલ નથી, પરંતુ એક પરંપરા છે કે સ્પીકર સત્તા પક્ષના અને ડેપ્યુટી સ્પીકર વિપક્ષના હોય છે.”
“અમને હવે વિપક્ષ તરીકે માન્યતા મળી છે તો ડેપ્યુટી સ્પીકરના પદ પર અમારો અધિકાર છે.”
'ધ હિંદુ'એ સત્તા અને વિપક્ષના આ ટકરાવ પર એક તંત્રીલેખ પણ લખ્યો છે.
આ લેખમાં કહેવામા આવ્યું છે કે સરકાર અને વિપક્ષ બંને પક્ષો ભલે કહે કે તેઓ સમજૂતી માંગે છે અને બંધારણ પ્રત્યે વફાદાર છે. જોકે, શાસન, રાજનીતિ અને કોઈપણ મુખ્ય મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે કોઈપણ પ્રકારની સહમતિ જોવા મળી રહી નથી. એનડીએ અને ઇન્ડિયા બ્લૉક સ્પીકરના પદને મામલે સામસામે છે.
વિપક્ષે ડેપ્યુટી સ્પીકરના પદને બદલે એનડીએના ઉમેદવારને સમર્થન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભૂતકાળમાં પણ ડેપ્યુટી સ્પીકરનું પદ મોટેભાગે વિપક્ષના સભ્યને જ મળ્યું હતું.
16મી લોકસભામાં આ પદ એઆઈએડીએમકેને મળ્યું હતું. 17મી લોકસભાના આખા કાર્યકાળ દરમિયાન આ પદ ખાલી રહ્યું, જે ભારતીય સંસદના ઇતિહાસમાં અનપેક્ષિત હતું.
આ વખતે ભાજપના નેતૃત્વવાળા એનડીએ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ ન આપવાના પોતાના નિર્ણય પર અડગ છે.
18મી લોકસભાની શરૂઆતની સાથે જ નરેન્દ્ર મોદીની બધાની સહમતિ અને સંસદની ચર્ચાની અપીલ કરવાની વાત સ્વસ્થ લોકતંત્રનો સંકેત આપે છે, પરંતુ આ ત્યારે જ થશે જ્યારે આ નિવેદન કાર્યમાં પણ જોવા મળે.
કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ જે મોદી 3.0 સરકારના મુખ્ય વાર્તાકારની ભૂમિકામાં છે. તેમણે સ્પીકરના પદ માટે વિપક્ષના નેતાઓનો સંપર્ક કર્યો હતો. આ વાતચીત દર્શાવે છે કે સરકાર મુખ્ય નિર્ણયો પર વિપક્ષનું મંતવ્ય જાણી રહી છે અને વાતચીત થતી રહેવી જોઈએ.
કેટલાક મુદ્દે બંનો પક્ષો વચ્ચે સમજૂતી થવી અસંભવ લાગી શકે અને કેટલાક મુદ્દે તેની જરૂર પણ હોય છે. જો આ વાત સતત દેખાશે કે સત્તાધારી પાર્ટી વિપક્ષ સાથે સતત સંવાદ કરી રહી છે તો તેનાથી નરેન્દ્ર મોદીની રાજકીય વૈધતાનો વિસ્તાર થશે.
સ્પીકરનું પદ મહત્ત્વપૂર્ણ કેમ છે?

ઇમેજ સ્રોત, ANI
સદનમાં બહુમતી પુરવાર કરવા માટે અથવા પક્ષાંતર વિરોધી કાયદો લાગુ કરવાની સ્થિતિમાં સ્પીકરની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. સદનમાં વિવાદ પર સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે.
લોકસભાના અધ્યક્ષના રૂપમાં, સ્પીકર સદનના પ્રમુખ અને મુખ્ય પ્રવક્તા પણ હોય છે. ગૃહમાં વ્યવસ્થા અને મર્યાદા જાળવી રાખવાની જવાબદારી સ્પીકરની હોય છે અને સ્પીકર ગૃહની કાર્યવાહી સ્થગિત અથવા સસ્પેન્ડ કરી શકે છે.
સ્પીકરને ભારતના બંધારણ સાથે જોડાયેલા નિયમો, લોકસભાની પ્રક્રિયા અને સંચાલન કરવા માટેના નિયમોની અંતિમ વ્યાખ્યા કરનાર વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. આનો અર્થ છે કે ગૃહના સંદર્ભ તેમની વ્યાખ્યા અંતિમ અને માન્ય રહેશે.
સ્પીકર કોઈપણ સભ્યની અયોગ્યતા, બંધારણની દસમી અનુસૂચીના નિયમો પ્રમાણે પક્ષાંતરના આધારે કોઈપણ સંસદનું સભ્યપદ ખતમ કરવાની શક્તિ ધરાવે છે. જોકે, સુપ્રીમ કોર્ટે 1992માં એક નિર્ણય આપ્યો હતો કે સ્પીકરના નિર્ણયની પણ કાયદાકીય સમીક્ષા થઈ શકે છે.
18મી લોકસભાની શરૂઆત જોઈને લાગે છે કે આ સત્રમાં ચર્ચા વધારે જોવા મળશે. આ ઉપરાંત અસહમતિઓ પણ દેખાશે અને દરેક પાર્ટીને એક સમજૂતી પર લાવવા માટેના પ્રયત્નો પણ જોવા મળશે. એટલે કે એ બધી જ વાત જોવા મળશે જે લોકસભાના ગત કાર્યકાળમાં ઓછી કે ન જોવા મળી. આવું જોવા મળશે કારણ કે ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી શકી નથી.












