ઓમ બિરલા સામે કે.સુરેશ : લોકસભાના સ્પીકરની ચૂંટણી કઈ રીતે થાય છે? આ પદ મહત્ત્વપૂર્ણ કેમ છે?

ઇમેજ સ્રોત, Sansad TV
- લેેખક, અમૃતા દુર્વે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
સત્તારૂઢ એનડીએ ગઠબંધને ઓમ બિરલાને 18મી લોકસભાના સ્પીકરપદ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા.
જ્યારે ઇન્ડિયા ગઠબંધનને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે.
ઓમ બિરલા અને કે સુરેશે લોકસભા સ્પીકરના પદ માટે આજે ઉમેદવારીપત્રક ભર્યું છે.
ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાશે. સ્પીકરના નામ પર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ એક નામ પર સમજૂતી ન થઈ.
લોકસભા સ્પીકરની ચૂંટણી કઈ રીતે થાય છે? આ પદ મહત્ત્વપૂર્ણ કેમ છે? મોટાભાગના લોકોના મનમાં એ સવાલ થાય છે.
ભાજપ સાંસદ ઓમ બિરલા સત્તરમી લોકસભાના સ્પીકર હતા. પરંતુ ગત લોકસભાના સ્પીકરનો કાર્યકાળ નવી લોકસભાના પહેલા સત્ર સુધી જ હોય છે.
એટલે જ્યારે અઢારમી લોકસભાની કાર્યવાહી શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવે છે. આ પ્રોટેમ સ્પીકર સાંસદોને તેમના પદના શપથ લેવડાવે છે અને પૂર્ણકાલિક સ્પીકર નિયુક્ત થવા સુધી લોકસભાની કાર્યવાહી સંભાળે છે. લોકસભાના સૌથી વરિષ્ઠ સદસ્યને પ્રોટેમ સ્પીકરપદે નિયુક્ત કરવામાં આવે છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસની કાર્યકારી સમિતીના સદસ્ય અને કેરળના મવેલિકકારા લોકસભાના સાંસદ કોડાઈકુનિલ સુરેશ આ વર્ષે પ્રોટેમ સ્પીકર બની શકે તેવી સંભાવના હતી. કારણ કે કુલ આઠમી વખત ચૂંટાયેલા સુરેશ મવેલિકકારાથી ચોથીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે અને સંસદમાં વર્ષની ગણતરીના મામલે તેઓ સૌથી વરિષ્ઠ છે.
જોકે, રાષ્ટ્રપતિએ તેમને બદલે ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નીમ્યા છે જેના કારણે વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, મહતાબ જ નવા સંસદ સભ્યોને શપથ લેવડાવશે.
લોકસભા સ્પીકરની ચૂંટણી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણના અનુચ્છેદ 93 અનુસાર, લોકસભા સ્પીકરની ચૂંટણી કરવામાં આવે છે. સાંસદો પોતાનામાંથી જ બે લોકોને સભાપતિ અને ઉપસભાપતિ તરીકે ચૂંટે છે.
સદસ્યોએ લોકસભા સ્પીકરની ચૂંટણીના એક દિવસ પહેલાં ઉમેદવારોના સમર્થનની નોટિસ આપવી પડે છે.
ચૂંટણીના દિવસે લોકસભા સ્પીકરની ચૂંટણી સાધારણ બહુમતીથી કરવામાં આવે છે. એટલે કે જે ઉમેદવારને એ દિવસે લોકસભામાં હાજર સાંસદોમાંથી અડધાથી વધુ સાંસદો મત આપે છે તે લોકસભાના અધ્યક્ષ બને છે.
આ સિવાય લોકસભાના સ્પીકરપદ પર ચાલુ રહેવા માટે કોઈ અન્ય શરત કે યોગ્યતા હોતી નથી. પરંતુ જે વ્યક્તિ સ્પીકર હોય છે તેને લોકસભાની કાર્યવાહી તેના નિયમો, દેશનું બંધારણ અને કાયદાઓ વિશે જાણકારી હોવી જરૂરી છે.
લોકસભાના સ્પીકરના કર્તવ્યો શું છે?

ઇમેજ સ્રોત, PIB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકસભાનું કામકાજ સારી રીતે ચલાવવા માટે સ્પીકર જવાબદાર હોય છે. એટલા માટે આ પદ અતિશય મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભાના સ્પીકર એ સંસદીય બેઠકોનો એજન્ડા નક્કી કરે છે.
લોકસભામાં વિવાદ થાય ત્યારે સ્પીકર નિયમાનુસાર કાર્યવાહી કરે છે.
ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના સદસ્યો હોય છે એટલે લોકસભાના સ્પીકર પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તટસ્થ રહીને કામકાજ કરે.
સ્પીકર કોઈપણ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરી શકતા નથી અને તેઓ કોઈપણ પ્રસ્તાવ પર થતા મતદાનમાં પણ ભાગ લઈ શકતા નથી. પરંતુ પ્રસ્તાવના પક્ષમાં અને વિરોધમાં એકસરખા મત પડે તો સ્પીકરનો મત નિર્ણાયક મત બને છે.
લોકસભાના સ્પીકર જ વિભિન્ન સમિતિઓ બનાવે છે અને આ સમિતિઓનું કાર્ય તેમના નિર્દેશાનુસાર થતું હોય છે. મહત્ત્વપૂર્ણ એ છે કે કોઈ સભ્ય જો ગૃહમાં દુર્વ્યવહાર કરે છે તો તેને લોકસભાના સ્પીકર સસ્પેન્ડ પણ કરી શકે છે.
ડિસેમ્બર, 2023માં લોકસભામાં ઘૂસણખોરી મુદ્દે ચર્ચાની માગ કરવા માટેના દુર્વ્યવહાર માટે કુલ 141 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 95 સાંસદોને લોકસભામાંથી અને 46 લોકોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષે તેને લોકશાહીની મજાક ગણાવીને તેની નિંદા કરી હતી.
ડેપ્યુટી સ્પીકરનું પદ
સામાન્ય રીતે સત્તારૂઢ પક્ષના સાંસદને જ લોકસભાના સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જ્યારે લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષી દળને આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં લોકસભા સ્પીકરની ચૂંટણી સર્વસંમતિથી થતી આવી છે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ક્યારેય સ્પીકર માટે ચૂંટણી થઈ નથી.
આ વખતે ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી અને તેમણે જેડીયુ અને ટીડીપીના ટેકાથી સરકાર બનાવી છે. એટલા માટે જ ચર્ચા છે કે લોકસભાના સ્પીકરનું પદ ભાજપ પોતાની પાસે રાખશે કે તેના સહયોગી પક્ષોને આપશે.
એ વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના દળોએ કહ્યું છે કે વિપક્ષી દળોને મળતું ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને મળવું જોઈએ.
16મી અને 17મી લોકસભામાં ભાજપ પાસે પૂર્ણ બહુમતી હતી અને સુમિત્રા મહાજન 16મી લોકસભામાં સ્પીકરપદે હતાં. એઆઈડએડીએમકે નેતા એમ. થમ્બી દુરાઈ ત્યારે ડેપ્યુટી સ્પીકર હતા.
17મી લોકસભામાં ઓમ બિરલા અધ્યક્ષ હતા. પરંતુ તેમાં ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ન થઈ અને સમગ્ર કાર્યકાળ દરમિયાન આ પદ ખાલી રહ્યું.
આ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ મેળવવા માટે ઇન્ડિયા ગઠબંધન આક્રમક દેખાય છે.
સ્પીકરપદે પણ વિપક્ષી નેતાઓ રહી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભામાં એવા નેતાઓને પણ સ્પીકરનું પદ આપવામાં આવ્યું હતું કે જેઓ પહેલાં સત્તાપક્ષ સાથે જોડાયેલાં ન હતાં.
12મી લોકસભામાં તેલુગુ દેશમ પાર્ટીના જીએમસી બાલયોગી સ્પીકર હતા. એ સમયે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન પદે હતા.
બાલયોગીને 13મી લોકસભાના અધ્યક્ષપદે પણ ચૂંટવામાં આવ્યા હતા પરંતુ તેઓ જ્યારે પદ પર હતા ત્યારે જ તેમનું હૅલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું.
ત્યારબાદ શિવસેનાના સાંસદ મનોહર જોશી 13મી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.
અત્યાર સુધીના ઇતિહાસમાં એમ.કે. આયંગર, જી.એસ.ઢિલ્લોન, બલરામ જાખડ અને જીએમસી બાલયોગીને સતત બે વાર લોકસભાના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર બલરામ જાખડે સાતમી અને આઠમી લોકસભા દરમિયાન પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
ચોથી લોકસભાના અધ્યક્ષ બન્યા બાદ કૉંગ્રેસ નેતા નીલમ સંજીવ રેડ્ડીએ સ્પીકર તટસ્થ હોય છે એ સિદ્ધાંતનું પાલન કરવા માટે તેમની પાર્ટી કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
જ્યારે મનમોહનસિંહની સરકારમાં માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીએ સરકારને બહારથી સમર્થન આપ્યું હતું ત્યારે અનુભવી નેતા સોમનાથ ચેટરજી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.
બાદમાં સીપીઆઈ(એમ)એ અમેરિકાના ભારત સાથે પરમાણુ કરાર મુદ્દે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને ચેટરજીને લોકસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનું કહ્યું.
પરંતુ ચેટરજીએ સ્પીકરપદેથી રાજીનામું આપવાની ના પાડતાં તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા.
2009થી 2014 સુધી 15મી લોકસભાના અધ્યક્ષ રહેલાં મીરાકુમાર લોકસભાનું અધ્યક્ષપદ સંભાળનાર પહેલાં મહિલા હતાં. ત્યારબાદ સુમિત્રા મહાજન પણ 16મી લોકસભાનાં અધ્યક્ષ બન્યાં હતાં.
શું સ્પીકરને પદ પરથી હઠાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણનો અનુચ્છેદ-94 એ લોકસભાના અધ્યક્ષને પદ પરથી હઠાવવાનો અધિકાર આપે છે.
લોકસભા સ્પીકરને 14 દિવસની નોટિસ આપીને 50 ટકાથી વધુ પ્રભાવી બહુમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ દ્વારા પદ પરથી હઠાવી શકાય છે.
પ્રભાવી બહુમતીનો અર્થ એ દિવસે હાજર રહેલા સદસ્યોમાંથી 50 ટકા સાંસદોનું સમર્થન મળવું જોઈએ.
એ સિવાય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 7 અને 8 અનુસાર પણ લોકસભાના સ્પીકરને હઠાવી શકાય છે.
જો સ્પીકર સ્વયં પદ છોડવા માંગે તો તેઓ તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે.












